ભારત રશિયા પાસેથી એસ-400 મિસાઇલ ખરીદશે જ : જયશંકર

છેલ્લા કેટલાક સમયથી રશિયા સાથેનો મિસાઇલ સોદો રદ્દ કરવા અમેરિકાનું દબાણ હતું
ઇરાન પાસેથી ઓઇલ ન ખરીદવાની પણ અમેરિકાની ભારતને સલાહ
ઇરાન આતંકવાદીઓને મદદ કરે છે ભારત તેનો શિકાર બને છે : અમેરિકા
નવી દિલ્હી, તા. 26 જૂન, 2019, બુધવાર
ભારત રશિયા પાસેથી વર્ષોથી હથિયારો અને યુદ્ધ સામગ્રી ખરીદતું આવ્યું છે, જે અમેરિકાને પચતુ નથી. હાલ ભારત અને રશિયા વચ્ચે જે એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ડીલ થઇ છે તેને લઇને પણ અમેરિકાને પેટમાં દુખી રહ્યું છે. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે ભારતે અમેરિકાને સ્પષ્ટતા કરી દીધી છે કે જે અમારા રાષ્ટ્રના હિતમાં હશે તે જ અમે કરીશું.
આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે અમેરિકાના વિદેશ પ્રધાન ભારતની મુલાકાતે આવ્યા છે. અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પેઓ અને ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર વચ્ચે દિલ્હીમાં બેઠક યોજાઇ હતી. મોદી સરકાર ફરી સત્તામાં આવી તે બાદ પહેલી વખત અમેરિકાના વિદેશ પ્રધાન સાથે આ બેઠક યોજાઇ છે.
આ બેઠકમાં ભારત અને અમેરિકાએ રશિયા સાથેની જે ડીલ છે તે મુદ્દે પણ ચર્ચા કરી હતી, એસ જયશંકરે પોતાના સમકક્ષ અમેરિકી નેતાને સ્પષ્ટ કહી દીધુ હતું કે ભારત પોતાની રાષ્ટ્ર સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ બધા નિર્ણયો લેશે. અમેરિકા અને ઇરાન વચ્ચે હાલ યુદ્ધ જેવી સ્થિતિ છે, અમેરિકાએ ઇરાન પર પ્રતિબંધો લગાવ્યા તેથી ભારત માટે હવે ઇરાન પાસેથી ઓઇલ ખરીદી કરવી મુશ્કેલ બની ગયું છે. આ વિવાદો અંગે પણ ભારત અને અમેરિકાના વિદેશ પ્રધાનો વચ્ચે ચર્ચા થઇ હતી.
અમેરિકાના વિદેશ પ્રધાને કહ્યું હતું કે અમને ખ્યાલ છે કે ઇરાન આતંકીઓને નાણાથી લઇને દરેક પ્રકારની મદદ કરે છે. જ્યારે એસ જયશંકરને રશિયા સાથેની મિસાઇલ ડીલ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે અમેરિકાના વિદેશ પ્રધાનને ખ્યાલ જ છે અને મે તેમને કહ્યું જ છે કે ભારતના અન્ય દેશો સાથે પણ સારા સંબંધો છે. આ સ્થિતિ વચ્ચે ભારત એ જ કરશે જે તેના રાષ્ટ્રના હિતમાં હશે.
ગયા વર્ષે જ ભારત અને રશિયા વચ્ચે ઓક્ટોબર મહિનામાં એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ માટે કરારો થયા હતા. જેનો અંદાજીત ખર્ચ આશરે 40,000 કરોડ રૂપિયા આવી શકે છે. જોકે આ ડીલનો અમેરિકા વિરોધ કરી રહ્યું છે જેને પગલે હાલ ભારતે અમેરિકાના વિદેશ પ્રધાનની હાજરીમાં જ સ્પષ્ટતા કરી દીધી હતી કે ભારત રશિયા પાસેથી આ મિસાઇલ સિસ્ટમને ખરીદીને જ રહેશે.
મોદી-પોમ્પેઓ બેઠકમાં બન્ને દેશોના સંબંધ વધુ મજબુત કરવા સહમત થયા
અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પેઓ હાલ ભારતની મુલાકાતે છે, તેઓએ વિદેશ પ્રધાન એસ. જયશંકર ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે પણ બેઠક યોજી હતી. જે દરમિયાન બન્ને દેશો વચ્ચે અનેક મુદ્દાઓને લઇને ચર્ચા થઇ હતી.
પીએમઓ દ્વારા જારી એક નિવેદનમાં જણાવવવામાં આવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પોમ્પેઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં બન્ને દેશોના સંબંધોને હજુ પણ વધુ ઉંચાઇ પર કેમ લઇ જઇ શકાય તે અંગે વિશેષ ચર્ચા થઇ હતી.
આ દરમિયાન આગામી દિવસોમાં યોજાનારી જી-20 બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બેઠક યોજાશે તેમ પણ સરકારે સ્પષ્ટતા કરી હતી. હાલ અમેરિકા અને ભારત વચ્ચે વ્યાપારને લઇને જે તકરારો ચાલી રહી છે.
Comments
Post a Comment