ચીનના શિનજિયાંગમાં ઉઇગર મુસ્લિમોના દમનના પુરાવા મળ્યા

- ચીનની સરકારનું કહેવું છે કે ઉઇગર લોકોને ચીનમાં બહેતર જીવન અને સારી નોકરીઓ માટે કૌશલ્ય વિકસાવવાની તાલીમ આપવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ટ્રેનિંગના બહાને કેમ્પોમાં લોકો પર પોતાના રીતિરિવાજોના બદલે સરકારે નક્કી કરેલા ધારાધોરણો પ્રમાણે જીવવા માટે અત્યાચાર ગુજારવામાં આવે છે


ચીનના વાયવ્ય ખૂણે આવેલા શિનજિયાંગ પ્રાંતમાં વસતા ઉઇગર મુસ્લિમોના ચીની સરકાર દ્વારા થતા દમનના સમાચાર કાયમ ચર્ચામાં રહેતા હોય છે. દુનિયાના અનેક દેશો ઉઇગર મુસ્લિમો પર થતા અત્યાચાર માટે ચીનને વખોડતા હોય છે. જોકે ચીનની સામ્યવાદી સરકાર આવા આરોપોનો કાયમ ઇન્કાર કરતી આવી છે પરંતુ તાજેતરમાં જ ચાઇના કેબલ નામે બહાર આવેલા દસ્તાવેજો દ્વારા ચીનનો ક્રૂર ચહેરો સામે આવ્યો છે. 

લીક થયેલા દસ્તાવેજો દ્વારા બહાર આવ્યું છે કે ઉઇગર મુસ્લિમો માટે બનાવવામાં આવેલા રિએજ્યુકેશન કેમ્પોમાં ઊંચા માંચડા પર બનાવવામાં આવેલા ચેકપોસ્ટ, તાળાબંધ દરવાજા અને ચારે તરફ કેમેરા દ્વારા એ ધ્યાન રાખવામાં આવે છે કે કોઇ કેમ્પ છોડીને નાસી ન શકે. કેમ્પમાં રહેતા લોકોને આકરા નિયમોનું પાલન કરતા શીખવાડવામાં આવે છે. એટલું જ નહીં, મેન્ડેરિન ભાષાનું સંપૂર્ણ જ્ઞાાન આપવામાં આવે છે અને સ્નાનથી લઇને શૌચાલય સુધીની ક્રિયાઓમાં અમુક વિધિઓને અનુસરવાની તાલીમ આપવામાં આવે છે.

આ કેમ્પોમાં ચીનની સરકારે ઉઇગર અને બીજા લઘુમતિ સમુદાયોને રાખ્યાં છે. ચીનની સરકારનું કહેવું છે કે આ લોકોને ચીનમાં બહેતર જીવન અને સારી નોકરીઓ માટે કૌશલ્ય વિકસાવવાની તાલીમ આપવામાં આવે છે. લીક થયેલા દસ્તાવેજો દ્વારા એ વાત સામે આવી છે કે અહીંયા લાવવામાં આવેલા લોકો માટે રીતભાત શીખવાની ટ્રેનિંગ અનિવાર્ય છે અને લગભગ એકાદ વર્ષ બાદ વોકેશનલ સ્કિલ ઇમ્પ્રૂવમેન્ટ કહેવાતો પ્રોગ્રામ શરૂ થાય છે. 

શિનજિયાંગ પ્રાંતમાં ચીની સરકાર સુરક્ષાને લગતી કાર્યવાહીને લઇને કાયમ ચર્ચામાં રહેતી હોય છે. આ વિસ્તારમાં ઉઇગર મુસ્લિમોની બહુમતિ છે. આંતરરાષ્ટ્રીય ચળવળકારોનું કહેવું છે કે ચીને આ ક્ષેત્રને ખુલ્લી જેલમાં ફેરવી દીધો છે. યૂ.એન.ની એક પેનલે ગયા વર્ષે કહ્યું હતું કે આશરે ૧૦ લાખ ઉઇગર મુસ્લિમોને આ પ્રદેશમાં બનેલા રિએજ્યુકેશન કેમ્પમાં રાખવામાં આવ્યાં છે. જે લોકો કેમ્પોની બહાર રહે છે તેમના ઉપર ચાંપતી નજર રાખવામાં આવે છે. આવા લોકોએ પોતાનું ઓળખપત્ર કાયમ સાથે રાખવું પડે છે. 

આમ તો ચીન આ કેમ્પો સ્કૂલ હોવાનો દાવો કરતું રહ્યું છે પરંતુ જાણકારોના મતે એ ટોર્ચર કેમ્પ છે. શિનજિયાંગના કેમ્પમાં લોકોને પૂછપરછ માટે પોલિસ ટીયર ગેસ, કરંટ લગાડવાના સામાન અને યાતના આપતી ટાઇગર ચેરનો પ્રયોગ પણ કરતા હોવાનું કહેવાય છે. હજુ ગયા વર્ષ સુધી તો ચીન આવા કોઇ કેમ્પ હોવાની વાત જ સ્વીકારવા તૈયાર નહોતું. પરંતુ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઘાડું પડી ગયા બાદ તે ખુલાસા કરે છે કે લોકોને ધાર્મિક કટ્ટરતામાંથી બહાર લાવવા માટે આ કેન્દ્રોમાં વ્યાવસાયિક શિક્ષણ આપવામાં આવે છે. 

ચીનની ઉત્તર પશ્ચિમે આવેલા શિનજિયાંગ પ્રાંતમાં વસતા ઉઇગર મુસ્લિમો સાંસ્કૃતિક રીતે પોતાને ચીન કરતા મધ્ય એશિયાના દેશોની વધારે નિકટ માને છે. ચીની લોકો કરતા અલગ ભાષા અને સંસ્કૃતિ હોવાની કિંમત ઉઇગર લોકો આજે પણ ચૂકવી રહ્યાં છે. ચીની સરકારે તેમની સમસ્યાઓને ઉકેલવાના બદલે તેમના દમનનો માર્ગ પસંદ કર્યો. શિનજિયાંગ પ્રાંતમાં આકરા કાયદાના કારણે ઉઇગર લોકો જાહેરમાં નમાઝ પઢી શકતા નથી કે ધાર્મિક વસ્ત્રો પણ પહેરી શકતા નથી. ચીનની સરકારે નવા ઘડી કાઢેલા કાયદા મુજબ મસ્જિદમાં જવા માટે ઓછામાં ઓછી ૧૮ વર્ષની વય હોવી ફરજિયાત છે. વળી, જો કોઇ જાહેર સ્થળે ધાર્મિક ઉપદેશ આપતું નજરે ચડે તો તેની વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવાની જોગવાઇ છે. એટલું જ નહીં, શિનજિયાંગમાં ધાર્મિક રીતિરિવાજો પ્રમાણે લગ્ન અને અંતિમ સંસ્કારને પણ ધાર્મિક કટ્ટરપંથ માનવામાં આવે છે. 

ઉઇગર લોકો શિનજિયાંગ પ્રાંતમાં સદીઓથી વસવાટ કરે છે. વીસમી સદીની શરૂઆતમાં તેમણે પોતાના વિસ્તારને પૂર્વ તૂર્કેસ્તાન નામ આપીને આઝાદીની ઘોષણા કરી હતી. પરંતુ ૧૯૪૯માં માઓ ત્સે તુંગે બળપૂર્વક ત્યાં ચીની શાસન લાગુ કરી દીધું. ત્યારથી ચીનની સરકાર અને ઉઇગર લોકો વચ્ચે તણાવગ્રસ્ત સંબંધો રહ્યાં છે. શિનજિયાંગ પર પોતાનો પ્રભાવ જમાવવા ચીનની સરકારે દેશના બીજા ભાગોમાંથી હાન જાતિના ચીની લોકોને ત્યાં વસાવ્યાં છે. ૧૯૪૯માં શિનજિયાંગમાં હાન લોકોની વસતી માત્ર ૬ ટકા હજી જે ૨૦૧૦માં વધીને ૪૦ ટકા થઇ ગઇ. એમાંયે શિનજિયાંગના ઉત્તર ભાગમાં તો ઉઇગર લોકો લઘુમતિમાં આવી ગયા છે.

શિનજિયાંગ પ્રાંતમાં ચીની સરકાર દ્વારા કરવામાં આવેલી સુરક્ષા કાર્યવાહીનો સૌથી વિવાદાસ્પદ હિસ્સો રિએજ્યુકેશન કેમ્પનું વિશાળ નેટવર્ક ગણવામાં આવે છે. એક્ટિવિસ્ટો અને આવા કેમ્પોમાં રહી ચૂકેલાં લોકોનું કહેવું છે કે અટકાયતમાં રાખવામાં આવેલાં લોકોનું બ્રેઇનવૉશ કરવામાં આવે છે અને તેમની સાથે સતત દુર્વ્યવહાર કરવામાં આવે છે. કેમ્પમાં દોઝખ જેવો સમય પસાર કરી ચૂકેલા લોકોનું કહેવું છે કે ચીનનું એક માત્ર લક્ષ્ય ઉઇગર મુસ્લિમોની ધાર્મિક માન્યતા બદલવાનું છે. કેમ્પમાંથી બહાર આવેલાં લોકોનો દાવો છે કે  કેદીઓને રોજ સવારે દેશભક્તિના ગીત ગાવા માટે દબાણ કરવામાં આવે છે.

કેમ્પની બહાર રહેલા ઉઇગર મુસ્લિમો ઉપર હાઇટેક સર્વેલન્સ સિસ્ટમ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવે છે. હ્યુમન રાઇટ વૉચ નામની સંસ્થાના જણાવ્યા અનુસાર ઇન્ટીગ્રેટેડ જોઇન્ટ ઓપરેશન્સ પ્લેટફોર્મ નામની મોબાઇલ એપ દ્વારા ઉઇગર લોકોની માહિતી એકઠી કરવામાં આવે છે. આમાં ચહેરાની ઓળખ કરતા કેમેરા, વાઇફાઇ સ્નિફર્સ સામેલ છે. ઉપરાંત ઉઇગર લોકોના ઘરોમાં ગમે ત્યારે છાપા પાડીને તપાસ કરવામાં આવે છે. ખાસ કરીને મસ્જિદોમાં દાન કરતા લોકો, પાડોશીઓ સાથે હળતામળતા ન હોય એવા લોકો, જૂથમાં રહેતાં લોકો કે પછી સ્માર્ટફોન વાપરતા ન હોય એવા લોકોને ખાસ નિશાન બનાવવામાં આવે છે.

વર્ષ ૨૦૧૭માં શિનજિયાંગ પ્રાંતમાં એન્ટી-એક્સ્ટ્રીમિસ્ટ કાયદો લાવવામાં આવ્યો હતો. આ નિયમ અંતર્ગત ઉઇગર મુસ્લિમોના ધાર્મિક આચરણ અને પહેરવેશ પર પ્રતિબંધો મૂકવામાં આવ્યાં હતાં. જેમાં દાઢી વધારવાથી લઇને બુરખો પહેરવાની પણ મનાઇ ફરમાવવામાં આવી હતી. નવા નિયમ અનુસાર ઉઇગરોને ટીવી અને રેડિયો પર સરકારી પ્રચાર જોવા અને સાંભળવાને પણ ફરજિયાત કરવામાં આવ્યાં હતાં. ચીની સરકારના પ્રતિબંધોની અસર આ વર્ષે રમઝાન માસમાં પણ જોવા મળી હતી. ઇદ નિમિત્તે ઉઇગર લોકોને ચીની સરકાર દ્વારા નક્કી કરેલી એક મસ્જિદમાં જ નમાઝ અદા કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

વળી આ નમાઝમાં પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં. આમ શિનજિયાંગમાં ૨૦૧૭ બાદ અનેક મસ્જિદો, કબ્રસ્તાનો અને અન્ય ધાર્મિક સ્થળોને ધ્વસ્ત કરી દેવામાં આવ્યાં છે.  હવે લીક થયેલા દસ્તાવેજો દ્વારા પુરવાર થયું છે કે શિનજિયાંગ પ્રાંતમાં ઉઇગર મુસ્લિમો પર માનવાધિકારવાદી સંગઠનો જે કાગારોળ મચાવી રહ્યાં હતાં એ સાચી છે. આ દસ્તાવેજો દ્વારા જાણવા મળ્યું છે કે ચીની સરકાર વ્યવસ્થિત એજન્ડા હેઠળ લઘુમતિઓને ગુનો કર્યા પહેલાં જ અટકાયતમાં લઇ રહી છે. એવું પણ જાણવા મળ્યું છે કે આંકડા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને સામાજિક નિયંત્રણનો નવો પ્રકાર વિકસાવવામાં આવી રહ્યો છે.

જાસૂસી કરતી ટેકનિકનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરીને આંકડા એકઠા કરવામાં આવ્યાં છે અને કમ્પ્યુટરોએ માત્ર એક જ અઠવાડિયામાં હજારો લોકોના નામ જારી કર્યાં છે જેમની તપાસ કરવામાં આવશે અને પછી તેમની અટકાયત કરવામાં આવશે.  જાણકારોનું કહેવું છે કે આખા સમુદાયને નિશાન બનાવતું વિશાળ નેટવર્ક ઉઘાડું પડી રહ્યું છે જેમાં લોકો પર નજર રાખવામાં આવી રહી છે અને તેમને જુદી જુદી શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવી રહ્યાં છે અને તેમના બ્રેઇન વોશ કરવાના અને વશમાં કરવાના નુસખા યોજવામાં આવી રહ્યાં છે. શિનજિયાંગ પ્રાંતમાં ઉઇગર મુસ્લિમોની પરિસ્થિતિ અંગેના જાણકાર લોકોનું કહેવું છે કે દસ્તાવેજો દ્વારા પુરવાર થયું છે કે ત્યાં એક પ્રકારનો સાંસ્કૃતિક નરસંહાર ચાલી રહ્યો છે. અગાઉ વર્ષ ૨૦૧૭માં પણ શિનજિયાંગની એક અદાલતનો ગોપનીય રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે મગજ બદલો, હૃદય સાફ કરો, યોગ્યને સમર્થન કરો અને અયોગ્યને મિટાવી દો.

આજે આર્થિક અને લશ્કરી રીતે ચીને ભારે પ્રગતિ કરી છે અને એ માપદંડોના આધારે તો ચીનને આધુનિક દેશ કહેવામાં આવે છે પરંતુ સફળતાના આ પડદા પાછળ ચીનની શાસનવ્યવસ્થા અને દેશ અને સમાજને નિયંત્રિત કરવા માટેની જે વિચારધારા છે એ જોતાં તો એવું જ લાગે છે કે હજુ પણ ત્યાં લોકોને ગમે તે ભોગે નિયંત્રણમાં રાખીને રાજ કરવાની જૂની પદ્ધતિ જ અમલમાં છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે