દિલ્હીની વાત : ભાજપે પવારને ઓછા આંકીને થાપ ખાધી ?
ભાજપે પવારને ઓછા આંકીને થાપ ખાધી ?
નવી દિલ્હી,તા.26 નવેમ્બર 2019, મંગળવાર
મહારાષ્ટ્રમાં અંતે ધારણા પ્રમાણેની જ ઘટનાઓ બની ને ભાજપ સરકાર બહુમતી સાબિત કરે એ પહેલાં જ ઉડી ગઈ. ભાજપે મહારાષ્ટ્રમાં સરકાર ટકે તે માટે પૂરી તાકાત લગાવી દીધી હતી. રાજ્યપાલ પાસે સત્તાનો દુરૂપયોગ કરાવવાથી માંડીને ધારાસભ્યોને તોડવા સુધીના કાવાદાવા ભાજપે અજમાવ્યા પણ છતાં ભાજપ ના ફાવ્યો. ગયા વરસે કર્ણાટકમાં ભાજપે આ રીતે જ સત્તા કબજે કરવા ઉધામા કરેલા ને છેવટે આબરૂ ગુમાવીને સત્તા છોડવી પડી હતી. મહારાષ્ટ્રમાં પણ આ ઈતિહાસ દોહરાવાયો છે.
રાજકીય નિષ્ણાતો આ ઘટના દેશનાં લોકોએ ખુશ થવા જેવી છે. ભાજપ સત્તાના કારણે બેફામ બન્યો છે અને બીજા કોઈ પક્ષને સરકાર રચવાનો અધિકાર જ ના હોય એ રીતે વર્તે છે. મણિપુર અને ગોઆ જેવાં નાનાં રાજ્યોમાં તેણે આ રીતે સત્તા હાંસલ કરી પછી બધાં રાજ્યોમાં તેણે આ જ નીતિ અપનાવી છે. મહારાષ્ટ્રની ઘટના તેના માટે બોધપાઠ છે.
મહારાષ્ટ્રમાં ભાજપને શરદ પવાર નડી ગયા. ભાજપે પવારને ઓછા આંક્યા તેમાં થાપ ખાઈ ગઈ. શરદ પવારે પોતાના ધારાસભ્યોને એક રાખીને ભાજપને મોટી ઘોબીપછાડ આપી છે. શરદ પવાર રાજકારણના દાવપેચમાં મોટા ખેલાડી સાબિત થયા છે.
સુપ્રીમ કોર્ટે લોકશાહી અને બંધારણનું ગૌરવ જાળવ્યું
મહારાષ્ટ્રમાં ભાજપને પછડાટ માટેનો જશ શરદ પવારને અપાય છે પણ સુપ્રીમ કોર્ટે પણ મહત્વની ભૂમિકા ભજવી. સુપ્રીમ કોર્ટે દેવેન્દ્ર ફડણવિસને ૨૪ કલાકમાં બહુમતી સાબિત કરવાનો આદેશ આપ્યો તેના કારણે જ ભાજપમાં હતાશા છવાઈ ગઈ હતી. વિધાનસભામાં વિશ્વાસના મતની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવા અને મતદાન ખાનગી નહીં રાખવા પણ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. સુપ્રીમે એ રીતે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની માંગણી સ્વીકારી હતી. ભાજપે એવો મુદ્દો ઉઠાવેલો કે, કોર્ટ તાત્કાલિક વિશ્વાસનો મત લેવાનો આદેશ ના આપી શકે. સુપ્રીમે આ દલીલ સ્વીકારી નથી એ ભાજપ માટે મોટો ફટકો હતો.
બંધારણીય નિષ્ણાતોના મતે સુપ્રીમ કોર્ટે બંધારણીય જોગવાઈઓનું ભાન કરાવીને ભાજપને જમીન પર લાવી દીધો. ભાજપ સરકારે સત્તા માટે બંધારણીય જોગવાઈઓ અને લોકશાહીની પરંપરાઓને કોરાણે મૂકી દીધી છે ત્યારે સુપ્રીમે બંધારણ અને લોકશાહી બંનેના ગૌરવને પુનઃસ્થાપિત કર્યું. ૨૦૧૮માં કર્ણાટકમાં પણ સુપ્રીમ કોર્ટે યેદુરપ્પાને ૨૪ કલાકમાં બહુમતી સાબિત કરવા આદેશ આપેલો. એ જ આદેશ તેમણે ફડણવિસને પણ આપીને સાતત્ય પણ જાળવ્યું.
'મોટા ભાઈ'ની ભારે મજાક ઉડી, પવાર 'ધ ગોડફાધર'
મહારાષ્ટ્રમાં મંગળવારે બનેલી નાટયાત્મક ઘટનાઓ સોશિયલ મીડિયા પર પણ છવાઈ ગયા. સોશિયલ મીડિયા પર 'મોટા ભાઈ'ની ભારે મજાક ઉડી તો બીજી તરફ શરદ પવાર પર બધાં ઓળઘોળ થઈ ગયાં. શરદ પવારને 'ગેંગસ્ટર' ગણાવવાથી માંડીને 'ધ ગોડફાધર'ના ગેટ-અપમાં પણ બતાવી દેવાયા. તેની સાથે એવી કોમેન્ટ પણ હતી કે, ઈન્ડિયન આકયોલોજિકલ સર્વેને તક્ષશિલામાંથી ચાણક્યના પિતાની દુર્લભ તસવીર હમણાં જ મળી છે.
સોશિયલ મીડિયાએ દેવેન્દ્ર ફડણવિસની મજાક ઉડાવવામાં પણ કોઈ કસર ના છોડી. 'નાયક' ફિલ્મમાં અનિલ કપૂર એક દિવસ માટે મુખ્યમંત્રી બનેલા જ્યારે ફડણવિસ ત્રણ દિવસ માટે ગાદી પર બેઠા એવી સરખામણી કરતા પિક્ચરે ધૂમ મચાવી દીધી.
ભાજપના સમર્થકોને આ બધી કોમેન્ટ્સનો જવાબ શિવસેનાને ગાળો આપીને આપ્યો પણ લોકોને તેમાં બહુ રસ પડયો નથી. સોશિયલ મીડિયા પર અત્યારે તો શરદ પવાર ને શિવસેના છવાયેલાં છે.
અયોધ્યા વિવાદમાં મુસ્લિમ કટ્ટરવાદીઓને પછડાટ
ઉત્તર પ્રદેશ સુન્ની વકફ બોર્ડે અંતે સુપ્રીમ કોર્ટના અયોધ્યા વિવાદ અંગેના ચુકાદાને નહીં પડકારવાનો નિર્ણય લઈ લીધો. અયોધ્યા વિવાદનો ચુકાદો આવ્યો ત્યારે જ બોર્ડે આ જાહેરાત કરી હતી પણ કેટલાંક સંગઠનોની લાગણી હતી કે, વકફ બોર્ડ આ ચુકાદાને પડકારે. જમિયત ઉલેમા-એ-હિંદ અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તેમાં મુખ્ય હતાં. તેમણે રીવ્યુ પીટિશન કરવા ભારે દબાણ કરેલું. સામે સુધારાવાદી મુસ્લિમોએ પીટિશન નહીં કરવાની અપીલ સાથે ઝુંબેશ ચલાવી હતી. બોર્ડે સુધારાવાદીઓ સાથે જવાનું નક્કી કર્યું છે અને મુસ્લિમ કટ્ટરવાદીઓને પછડાટ આપી છે.
રાજકીય વિશ્લેષકોના મતે બોર્ડનો આ નિર્ણય પ્રસંશનિય છે અને દેશના રાજકારણમાં ટનગ પોઈન્ટ સાબિત થશે. વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સન્માન કર્યું અને હિંદુઓની લાગણીને પણ ધ્યાનમાં લીધી છે. બોર્ડે કટ્ટરવાદીઓના દબાણ સામે નહીં ઝૂકીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, તેને સંઘર્ષમાં રસ નથી.
મોદીએ મુંબઈ હુમલાનો ઉલ્લેખ કરીને આશ્ચર્ય સર્જ્યું
મંગળવારે બંધારણ દિવસે સંસદના સેન્ટ્રલ હોલમાં નરેન્દ્ર મોદીએ સંસદનાં બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધન કર્યું. ભારતના બંધારણને ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના દિવસે બંધારણ સભાએ સ્વીકાર કર્યો હતો. મંગળવારે આ ઐતિહાસિક ઘટનાને સિત્તેર વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે કરેલા સંબોધનમાં મોદીએ ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના દિવસે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાને પણ યાદ કરીને આશ્ચર્ય સર્જ્યું.
મોદીએ મુંબઈ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રધ્ધાંજલિ આપીને આ દિવસ દુઃખનો દિવસ પણ હોવાનો ઉલ્લેખ કર્યો. મુંબઈ પરનો આતંકવાદી હુમલો મોટી ઘટના હતી પણ બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે તેનો ઉલ્લેખ કરવાનું કારણ શું તે કોઈને સમજાયું નથી. મોદી આડકતરી રીતે મુંબઈમાં ભાજપ સરકાર નહીં હોય તો શું થશે તેનો સંકેત આપવા માગતા હતા કે શું તેવો સવાલ ઉઠયો છે.
જો કે મોદીના સંબોધન પછી એવી જોક પણ ચાલી કે, મોદી હવે પછી બંધારણ દિવસની ઉજવણી માટે સંબોધન કરશે ત્યારે બીજી એક દુઃખદ દુર્ઘટનાનો પણ ઉલ્લેખ કરશે. મહારાષ્ટ્રમાં શિવસેના ને શરદ પવારની સજક સ્ટ્રાઈકમાં ભાજપ સરકાર ઢબી ગઈ એ વાત પણ હવે મોદી યાદ કરશે.
રાહુલના મીડિયા સાથે દોસ્તાના વ્યવહારથી આશ્ચર્ય
લાંબા સમય પછી જાહેરમાં દેખાયેલા રાહુલ ગાંધી મંગળવારે સંસદ આવ્યા ત્યારે ખુશખુશાલ હતા. સામાન્ય સમય કરતાં વહેલા આવી ગયેલા રાહુલને પત્રકારોએ ઘેરી લીધા ને મહારાષ્ટ્રની ઘટનાઓ અંગે સવાલોનો મારો ચલાવી દીધો. રાહુલ પત્રકારો પાસે ઉભા રહ્યા ખરા પણ કોઈ જવાબ ના આપ્યા. સ્મિત સાથે તેમણે પત્રકારોને તેમની તબિયત અંગે સવાલ કરવા માંડયા. રાહુલે હસતા ચહેરે પત્રકારો સાથે હાથ મિલાવ્યા અને સંખ્યાબંધ પત્રકારોને નામ સાથે સંબોધીને 'હાઉ આર યુ' કહીને મૂંઝવી દીધા. રાહુલ પછી હસતા ચહેરે જ સંસદ ભવનમાં જતા રહ્યા. પત્રકારો તેમની પાછળ દોડતા રહ્યા પણ રાહુલે કોઈ જવાબ ના આપ્યો.
રાહુલનું આ નવું રૂપ ચર્ચાનો વિષય બન્યું છે. સામાન્ય રીતે રાહુલ પત્રકારોના જવાબ આપવા ઉભા રહે છે ત્યારે મોદી સરકાર ને ભાજપ પર આકરા પ્રહારો કરતા હોય છે. આ વખતે તેમણે સ્થિતપ્રજ્ઞા બનીને સ્મિત સાથે જવાબો આપવાનું ટાળ્યું. રાહુલ વિદેશમાં ધ્યાન કરી આવ્યા તેની આ અસર છે કે શું ?
***
અજીત પવારની ભૂમિકા અંગે હમેંશા શંકા તો હતી જ
અજીત પવાર હજુ પણ એનસીપીની વિધાનસભા પાંખના નેતા છે કે કેમ તે અંગે હજુ પણ મુંઝવણ પ્રવર્તે છે. ભાજપ વાળા એમ જ માનતા હતા કે તેનો વ્હીપ તેને સંસદીય પક્ષના નેતા તરીકે જારી રાખશે. જો કે મહારાષ્ટ્ર વિધાનસભાના સત્તાવાળા અને બંધારણના નિષ્ણાતો અલગ અલગ મત ધરાવતા હતા. કેટલાક એમ કહેતા હતા કે જો અજીત પવાર દ્વારા અપાયા વ્હીપ અને નવા નેતા જયંત મુંડે દ્વારા અપાનારો વ્હીપ વિરોધાભાસ હોય તો જયંતના જ વ્હીપને માન્ય ગણાશે. રાજ્ય વિધાનસભાના સેક્રેટરી ઇન ચાર્જ રાજેન્દ્ર ભાગવતે કહ્યું હતું કે'માત્ર સ્પીકરનો જ એ અધિકાર છે કે કોના િ વ્હીપને યોગ્ય માનવો અને કોને નવો સીએલપી નેતા ગણવો.
હવે સેનાએ કોંગ્રેસના નેતૃત્વ હેઠળના વિરોધ પ્રદર્શનને સમર્થન આપવું પડશે
ભારતના બધારણની ૭૦મી જયંતી નિમિત્તે સંસદના સંયુકેત સત્રને આજે રાષ્ટ્રપતિ કોવિંદ અને વડા પ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું. રાજ્યમાં થયેલી રાજકીય ઉથલપાથલથી અપસેટ થયેલા, સપા,એનસીપી,ડાબેરીઓ અને ડીએમકે સહિતના તમામ વિરોધ પક્ષો સમારંભનો બહિષ્કાર કર્યો હતો અને સંસદના પરિસરમાં આંબેડકરની પ્રતિમા પાસે ધરણા કર્યા હતા. પહેલી જ વાર શિવસેનાએ પણ કોંગ્રેસને ટ્કો આપ્યો હતો. ધરણાનું નેતૃત્વ કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને રાહુલ ગાંધીએ કર્યું હતું. બંધારણની રક્ષા કરવાના શપથ સોનિયા ગાંધીએ લેવડાવ્યા હતા. તેમણે ંબધારણના આમુખનું વાચન કર્યું હતું અને બંધારણના મૈલિક સિધ્ધાંતો પર અડગ રહેવા નિર્ધાર કર્યો હતો.
પ્રફુલ પટેલની ભૂમિકા પર શંકા હતી
એનસીપીના કેટલાક નેતાઓ એ પ્રફુલ પટેલ પર પણ શંકા કરી હતી. અજીત પવાર ભલે ખલનાયક બન્યા હોય પરંતુ કેટલાક લોકો એવું કહેતા હતા કે સરકારની રચના અંગે હજુ પણ અવઢવ જારી છે. ત્રણેે પક્ષના નેતાઓને પટેલની ભૂમિકા પર શંકા હતા.તેઓ પટેલને ભાજપનો મોડેલ તરીકે જોતા હતા જેઓ એનસીપી-સેના વચ્ચે સમાધાન થાય એવું ઇચ્છતા નહતા. સૂત્રોએ કહ્યું હતું કે અગાુ પણ કોંગ્રેસ-સેના -એનસીપીમાં બધુ જ સારૂં નહતું.રાજકારણી કરતાં તો વેપારી વધુ એવા પટેલ નહતા ઇચ્છતા કે સેના-એનસીપી ભેગા થાય. એક કારણ એ હતું કે ચૂંટણી પહેલાં પટેલે કોંગ્રેસ અને એનસીપીના અનેક નેતાઓને ભાજપમાં જવાનો માર્ગ કરી આપ્યો હતો.ઉપરાંત પટેલ સામે અનેક કેસ ચાલી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં પટેલ અને શાહ વચ્ચેની મુલાકાતોથી લોકો અજાણ નથી.
માર્શલો પરંપરાગત વસ્ત્રોમાં દેખાયા
મિલિટ્રી જેવા યુનિફોર્મમાં દેખાતા અનેક ટીકોઓનો સામનો કર્યો પછી રાજ્યસભાના માર્શલો ફરી પાછા પરંપરાગત વસ્ત્રોમાં દેખાયા હતા.સેનાના પૂર્વ વડા મલિકે પણ કહ્યું હતું કે સેના સિવાય અન્ય કોઇએ પણ સેના જેવો યુનિફોર્મ પહેરવો ના જોઇએ. ગયા સપ્તાહે રાજ્યસભાના ચેરમેન વેકૈયા નાયડૂએ ડ્રેસની સમીક્ષા કરી હતી. રાજ્યસભાના ૨૫૦માં સત્રમાં માર્શલો અલગ યુનિફોર્મમાં દેખાતા ચર્ચા શરૂ થઇ હતી. આવા યુનિફોર્મ તો માત્ર સેનાના ઉચ્ચ અધિકારીઓ જ પહેરે છે.
- ઇન્દર સાહની
Comments
Post a Comment