શરદ પવાર મહારાષ્ટ્રના રાજકારણના ચાણક્ય પુરવાર થયા


મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી ઉથલપાથલનો છેવટે અંત આવ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર બુધવારે વિધાનસભામાં બહુમતિ પરીક્ષણ થવાનું હતું પરંતુ એ પહેલા મંગળવારે જ દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રીપદેથી અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રીપદેથી રાજીનામા આપી દીધાં. એ સાથે જ એનસીપીમાં ફૂટ પડાવીને સરકાર બનાવવાના ભાજપના પ્રયાસો નિષ્ફળ નીવડયાં. હવે મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સરકાર બનવાનો માર્ગ સાફ થઇ ગયો છે.

આ અનોખા ગઠબંધનની સરકારમાં મુખ્યમંત્રીપદ તો ઉદ્ધવ ઠાકરે સંભાળવાના છે પરંતુ જાણકારોના મતે સમગ્ર પ્રકરણમાં વિજેતાના રૂપમાં તો શરદ પવાર સામે આવ્યા છે. ભત્રીજા અજિત પવારના બળવા બાદ શરદ પવારે જે સમજદારી અને સૂઝબૂઝપૂર્વક પરિસ્થિતિ સંભાળી એ જ જણાવે છે કે મહારાષ્ટ્રની સત્તાના નાટકના નાયક શરદ પવાર છે. અજિત પવારે ભાજપને ટેકો આપવાની જાહેરાત કરી ત્યારે એમ લાગ્યું હતું કે એનસીપીના તમામ ધારાસભ્યો તેમની સાથે છે પરંતુ શરદ પવારે તાત્કાલિક એ ભ્રમ દૂર કરતા મોટા ભાગના ધારાસભ્યો પોતાની સાથે હોવાની ખાતરી આપી. એટલું જ નહીં, તેમણે એક પછી એક કરીને અજિત પવાર સાથે મળી ગયેલા ધારાસભ્યોને પણ પોતાની તરફ કરી લીધાં. 

મહારાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસથી ચાલી રહેલા નાટકીય ઘટનાક્રમમાં શરદ પવારની ભૂમિકા સવાલોના ઘેરામાં તો જરૂર છે. ચોંકાવનારી બાબત એ છે કે અજિત પવારે એનસીપીના તમામ ધારાસભ્યો તેમની સાથે હોવાનો દાવો કર્યો હતો તો પછી તેઓ બધાં એક સાથે ફરી પાછા શરદ પવાર સાથે કેમ ભળી ગયા એ સવાલ સૌના મનમાં છે. અજિત પવાર પણ મહારાષ્ટ્રમાં એનસીપીના કદાવર નેતા ગણાય છે એ સંજોગોમાં તેમની સાથે અમુક વફાદાર ધારાસભ્યો પણ ન રહ્યાં એ વિસ્મયકારક છે.

બીજી બાજુ શરદ પવારે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના કુલ મળીને ૧૬૨ ધારાસભ્યોની પરેડ કરાવી ત્યારે તેમણે આત્મવિશ્વાસપૂર્વક કહ્યું હતું કે એક પણ ધારાસભ્ય ભાજપ સાથે નહીં જાય. તેમણે એમ પણ ટકોર કરી કે આ કર્ણાટક કે મિઝોરમ નથી કે ભાજપનું ધાર્યું થઇ જાય. બીજી બાજુ એવો સવાલ પણ થાય કે એનસીપી ઉપર શરદ પવારનું સંપૂર્ણ વર્ચસ્વ છે તો પછી ભાજપે એવો ભરોસો શા માટે કરી લીધો કે અજિત પવાર સાથે બધાં ધારાસભ્યો રહેશે? ભાજપે અજિત પવાર પર ભરોસો મૂકીને ભૂલ કરી કે પછી કાકા-ભત્રીજા મળીને એવી ચાલ રમ્યા કે ભાજપ એમાં ફસાઇ ગયો? 

હકીકતમાં તો દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શરદ પવાર વચ્ચે મુલાકાત યોજાઇ ત્યારે જ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ડ્રામામાં ભૂકંપ જેવો માહોલ સર્જાયો હતો. એ પછી મહારાષ્ટ્રમાં રાતોરાત રાષ્ટ્રપતિશાસન દૂર થયું અને જે રીતે વહેલી સવારે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રીપદની શપથ લીધી ત્યારે તો બધાંને એમ જ લાગ્યું હતું કે નક્કી આની પાછળ શરદ પવારનો જ હાથ છે. એ પછી ઉદ્ધવ ઠાકરે સાથે આવીને શરદ પવારે અજિત પવાર વિશે જે નિવેદન આપ્યું એ પણ સંદેહજનક હતું. એ પછી એનસીપી વિધાયક દળના નેતા તરીકે જયંત પાટિલને પસંદ કરવામાં આવ્યા છેક ત્યારે શરદ પવાર પરનો સંદેહ દૂર થયો.

અગાઉ વડાપ્રધાન મોદીએ સંસદમાં અચાનક જ એનસીપીના વખાણ કરીને બધાંને ચોંકાવ્યાં હતાં અને કદાચ એની પાછળ ભાજપની એવો સંદેશ આપવાની ગણતરી હતી કે તે એનસીપી સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે હિલચાલ કરી રહી છે. કદાચ શરદ પવાર અંદરખાને તમામ રમતો જાણી ચૂક્યાં હશે અને એટલા માટે જ તેમણે વડાપ્રધાન સાથે મુલાકાત યોજીને ભાજપ સાથે જવાની વાતોને હવા આપી. હવે સમગ્ર ઘટનાક્રમ બાદ ભાજપનો જે રીતે ફિયાસ્કો થયો છે એ જોતાં તો એવું જ લાગી રહ્યું છે કે શરદ પવારે ભાજપની રાજકીય ચાલબાજીનો તેમની જ ભાષામાં જવાબ આપ્યો છે.

અજિત પવાર તેમની વિવાદાસ્પદ રાજકીય કારકિર્દીને લઇને ચર્ચામાં રહ્યાં છે. સિંચાઇ કૌભાંડમાં આરોપો લાગ્યા બાદ તેમણે ૨૦૧૨માં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીપદેથી રાજીનામુ આપવાનો વારો આવ્યો હતો. આ વર્ષે સપ્ટેમ્બરમાં મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંક ગોટાળાના મામલે એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટે એફઆઇઆર દાખલ કરી ત્યારે અજિત પવારે ધારાસભ્ય તરીકે પણ રાજીનામુ આપ્યું હતું. ચૂંટણીપ્રચાર દરમિયાન ભાજપે જે અજિત પવારના ભ્રષ્ટાચારને લઇને જોરશોરથી પ્રચાર કર્યો તેમની સાથે મળીને સરકાર રચવામાં ભાજપને તેમનો ભ્રષ્ટાચાર ન નડયો. 

ઇડીએ શરદ પવારને કેસમાં સાંકળ્યા ત્યારે તેમણે સામે ચાલીને પૂછપરછ માટે હાજર થવાની રજૂઆત કરીને ભાજપને વિમાસણમાં મૂકી દીધો હતો. ત્યારે અજિત પવારે રાજકારણમાંથી સંન્યાસ લઇ લેવાની વાત કરી હતી. અજિત પવારે ફડણવીસને ટેકો આપ્યો ત્યારે તેમના અને શરદ પવાર વચ્ચેના મતભેદોની અને શરદ પવારના પુત્રી સુપ્રીયા શૂલે સાથે એનસીપીના વારસાને લઇને લડાઇની વાતો છવાયેલી રહી. જોકે નાયબ મુખ્યમંત્રીપદેથી રાજીનામુ આપ્યાના બીજા દિવસે વિધાનસભામાં અલગ જ દૃશ્ય જોવા મળ્યું. વિધાનસભામાં પ્રવેશતી વખતે સુપ્રીયા શૂલે આગળ વધીને અજિત પવારના પગે લાગ્યાં. 

દરમિયાન શિવસેનાના બોલકણા પ્રવક્તા સંજય રાઉતે જે નિવેદન આપ્યું એ પણ સૂચક છે. રાઉતે કહ્યું કે અજિત પવારને ગઠબંધનમાં યોગ્ય સ્થાન મળશે કારણ કે તેઓ મોટું કામ કરીને આવ્યાં છે. સૌથી મહત્ત્વની વાત તો એ કે દેવેન્દ્ર ફડણવીસ સાથે નાયબ મુખ્યમંત્રીપદના શપથ લીધા બાદ પણ શરદ પવારે ભત્રીજા અજિત પવાર વિરુદ્ધ કોઇ પગલાં ન લીધાં. અજિત પવારને વિધાયક દળના નેતા તરીકે દૂર કરવામાં આવ્યા પરંતુ પાર્ટીની શિસ્ત તોડવા કે પાર્ટીવિરોધી કામ કરવા માટે કોઇ પગલા ન લેવામાં આવ્યાં. અજિત પવારે જે કર્યું એ માટે તેમની વિરુદ્ધ શિસ્તભંગના પગલા લેવાનો જ માર્ગ બચતો હતો તેમ છતાં શરદ પવારે એમ ન કર્યું. 

શિવસેના સાથેના ગઠબંધનમાં પણ શરદ પવારે મુખ્ય ભૂમિકા ભજવી. ભાજપ સાથે મુખ્યમંત્રીપદને લઇને વિખવાદ સર્જાયા બાદ શિવસેનાએ એનસીપી તરફ મુખ ફેરવ્યું. શરદ પવારે આ તકનો બરાબર લાભ લીધો અને ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી બનવાના સપનાને પૂરેપૂરી હવા આપી. શિવસેનાનો સાથ છૂટયા બાદ ભાજપ પાસે બીજા પક્ષોના ધારાસભ્યોને તોડવાનો માર્ગ જ બચ્યો હતો પરંતુ શરદ પવારે ત્રણેય પાર્ટીના ધારાસભ્યોને સાથે રાખવામાં સફળતા મેળવી. 

જોકે એનસીપી અને કોંગ્રેસ મળીને શિવસેનાના સરકાર રચવામાં ટેકો આપશે એવી વાતો વહેતી કર્યા પછી પણ શરદ પવારે સરકાર રચવામાં પારાવાર વિલંબ કર્યો. તમામ પાર્ટીઓમાં બેઠકોનો દોર ચાલ્યો અને દરેક બેઠક બાદ એવું સાંભળવા મળતું કે કોમન મિનિમમ પ્રોગ્રામ પર વાતચીત ચાલે છે પરંતુ હજુ ઘણી વાતોમાં સહમતિ સધાવાની બાકી છે. સોનિયા ગાંધીના નામે પણ શરદ પવારે સારો એવો વિલંબ કર્યો. શરદ પવારના દરેક નિવેદન બાદ એવું જ લાગતું કે શિવસેના અને કોંગ્રેસ બંને અંધારામાં છે અને શરદ પવાર કોઇક ગેમ રમી રહ્યાં છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા એવું લાગી રહ્યું હતું કે એનસીપીના આખરી દિવસો ગણાઇ રહ્યાં છે અને શરદ પવારની રાજકીય કારકિર્દી અસ્તાચળે છે પરંતુ ઇડીએ શરદ પવારનું નામ એફઆઇઆરમાં સામેલ કર્યું અને તેમની રાજકીય કારકિર્દીને જાણે જીવતદાન મળી ગયું.

જે એનસીપીને દસ-બાર બેઠકો મળવાની પણ સંભાવના નહોતી જણાતી એને ૫૪ બેઠકો મળી. સહયોગી કોંગ્રેસને પણ ૪૪ બેઠકો મળી. કારણ એ કે વયોવૃદ્ધ શરદ પવારે આખા મહારાષ્ટ્રમાં ફરીને એક્સો જેટલી ચૂંટણી સભાઓને ગજવી અને એનસીપી-કોંગ્રેસના જોડાણને મજબૂત સ્થિતિમાં મૂકી દીધું.  હવે સમગ્ર રાજકીય ડ્રામાને જોતાં લાગે છે કે ભાજપે સેલ્ફ ગોલ કરી લીધો છે અને શરદ પવારે એક સાથે અનેક નિશાન સાધ્યા છે. હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીપદે ભલે ઉદ્ધવ ઠાકરે આરૂઢ થવાના હોય પરંતુ સરકારનું રિમોટ કંટ્રોલ તો શરદ પવારના હાથમાં રહે એવા પૂરેપૂરા અણસાર છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો