કડક કાયદા છતાં મહિલાઓ સાથે દુરાચારના મામલા અટકતા નથી

- સાત વર્ષ પહેલાં દિલ્હીમાં નિર્ભયા સાથે જે ઘૃણિત અપરાધ થયો ત્યારે ઉઠેલા લોકજુવાળે આશા જન્માવી હતી કે દેશમાં મહિલાઓ પ્રત્યેના અત્યાચાર અટકશે પરંતુ આજે કડક કાયદા છતાં બળાત્કાર અને હત્યાના બનાવોમાં ઓટ આવી નથી


તેલંગાણાના હૈદરાબાદમાં ૨૭ વર્ષની પશુ ચિકિત્સકની જે રીતે બળાત્કાર બાદ જીવતી સળગાવીને હત્યા કરી દેવામાં આવી એ પછી ફરી વખત માનવતા હચમચી ઊઠી છે. હજુ તો ચાર દિવસ પહેલાં જ રાંચી ખાતે એક વિદ્યાર્થીનીના અપહરણ અને સામૂહિક બળાત્કારનો મામલો શમ્યો નથી ત્યાં હૈદરાબાદ ખાતે બનેલો જઘન્ય બનાવ દર્શાવે છે કે દેશમાં આજે પણ મહિલાઓ સુરક્ષિત નથી.

ડિસેમ્બર ૨૦૧૨માં દિલ્હી ખાતે નિર્ભયાનું ઉપનામ પામેલી એક યુવતીની સાથે ચાલુ બસમાં જે ઘૃણિત સામૂહિક બળાત્કારનો બનાવ બન્યો ત્યારે માત્ર દેશ જ નહીં, આખી દુનિયા હચમચી ઉઠી હતી. નિર્ભયાના બનાવ સમયે આખો દેશ એક સાથે આંદોલનમાં જોડાયો હતો. દેશભરના યુવાનો સડકો પર ઉતરી આવ્યાં હતાં.

સરકાર, સમાજ અને તમામ રાજકીય દળોએ પણ સંકલ્પ લીધો હતો કે હવે કોઇ આવી કોઇ ઘટના નહીં બને. એ આંદોલન અને એ સમયે લીધેલા સંકલ્પો બાદ લાગવા માંડયું હતું કે હવે દેશની પરિસ્થિતિ બદલાશે અને દેશમાં મહિલાઓ સુરક્ષિત બનશે. સરકાર ઉપર પણ કડક કાયદા ઘડવાનું દબાણ સર્જાઇ રહ્યું હતું.

નિર્ભયાકાંડ બાદ સરકારે મહિલાઓની સુરક્ષા માટે એક અલગ કોષની સ્થાપના કરી. એ સાથે જ લોકોના રોષને ઠંડો પાડવા માટે સરકારે જસ્ટીસ જે.એમ. વર્માની અધ્યક્ષતા હેઠળ એક સમિતિની રચના કરી જેણે અનેક કડક ઉપાયોની હિમાયત કરી. જાન્યુઆરી ૨૦૧૩માં સમિતિએ સોંપેલા રિપોર્ટમાં પોલીસની સંખ્યા, પોલીસની કામગીરીમાં સુધારા, આપરાધિક મામલાઓમાં દંડ વ્યવસ્થા અને સામાજિક જાગૃતિ અંગેની ભલામણો કરી.

એ સમયે જે આંદોલન ચાલી રહ્યું હતું એમાં મુખ્ય માંગ એ હતી કે બળાત્કારના દોષિતોને મૃત્યુદંડની સજા આપવામાં આવે. જોકે મૃત્યુદંડની સજાને લઇને ઘણાં મતભેદ હતાં પરંતુ છેવટે એ ભલામણ પણ સ્વીકારવામાં આવી. એ પછી ત્રણ મહિનાની અંદર જ કાયદામાં આ ફેરફારનો વટહુકમ પણ જારી થઇ ગયો.

કાયદામાં બદલાવ પાછળ આકરા દંડનો સિદ્ધાંત હતો અને એ વિચારસરણી હતી કે જો બળાત્કારીઓને બચી નીકળવાના માર્ગ બંધ થઇ જાય અને તેમને આકરી સજા થાય તો લોકોમાં દાખલો બેસે અને અપરાધી માનસિકતા ધરાવતા લોકો આવા અપરાધ કરતા અટકે. પરંતુ કડક કાયદા છતાં દેશમાં બળાત્કારની ઘટનાઓ ઓછી થઇ નથી.

નિર્ભયાના કેસ વખતે જે લોકજુવાળ ઉમટયો હતો એ જોતા લાગતું હતું કે ભવિષ્યમાં દેશની દીકરીઓ સાથે થતા આવા ભયંકર અપરાધોમાં કમી આવશે પરંતુ છેલ્લા થોડા સમયથી જે બનાવો સામે આવી રહ્યાં છે એ જોતા તો એવું લાગી રહ્યું છે કે આવા વિકૃત માનસ ધરાવતા લોકો વધારે ને વધારે હિંમતવાળા બની રહ્યાં છે. 

સમાજમાં વ્યવસ્થા જળવાઇ રહે એ માટે દુનિયાના તમામ દેશોમાં કાયદા સ્થાપિત કરવામાં આવ્યાં છે. જો કોઇ વ્યક્તિ આ નિયમો અને કાયદાની બહાર જઇને કોઇ કૃત્ય કરે તો તેને અસામાજિક ઠરાવવામાં આવે છે. મનોવિકારની પ્રવૃત્તિઓ પણ અસામાજિક લેખાય છે.

આજે સમાજમાં કેટલીક એવી ઘટનાઓ ઘટી રહી છે જેનો અભ્યાસ કરતા જણાય છે કે સમાજ બીમાર બની રહ્યો છે. નાની બાળકીઓથી લઇને આધેડ ઉંમરની મહિલાઓ સાથે બળાત્કારના મામલા વધી રહ્યાં છે. છોકરીઓને જીવતી સળગાવી દેવામાં આવે છે, તેમના ઉપર એસિડ એટેક થાય છે. બાળકોનું યૌન શોષણ કરવામાં આવે છે. 

બળાત્કાર, હત્યા, શોષણ, ઉત્પીડન જેવા તમામ અપરાધને રોકવા માટે દેશમાં કડક કાયદા છે પરંતુ ગુનેગારો આવા કાયદાઓને ઘોળીને પી જવા જેટલા મજબૂત બની ગયાં છે. લોકોએ પણ એક સમાજ તરીકે જાગવાની જરૂર છે. અસામાજિક તત્ત્વોના ભયને કોરાણે મૂકીને આવા મામલાઓમાં અવાજ ઉઠાવવાની જરૂર છે.

એક સમાજ તરીકે આપણે એ જોવાની જરૂર છે કે આપણે કેટલા અસંવેદનશીલ અને અશક્ત બની રહ્યાં છીએ. એક લોકતાંત્રિક દેશના નાગરિક તરીકે કેટલા કાયર બની રહ્યાં છીએ અને ભીડ બનીને લોકોના જીવ લઇ લેતા લોકોને મૂક દર્શક બનીને જોતા રહીએ છીએ. કરુણતા એ છે કે નિર્ભયા કાંડ બાદ પણ આપણે કશું શીખ્યાં નથી. સમાજમાં મહિલાઓ પ્રત્યે અત્યાચારના મામલા અટકતાં ન હોય ત્યારે સરકારની અને સમાજની ફરજ બને છે કે આવી માનસિકતા ધરાવતા લોકોનો ઇલાજ કરવો.

મહિલા સુરક્ષાના તમામ કાયદા છતાં દેશમાં મહિલાઓ વિરુદ્ધના અપરાધના મામલા વધી રહ્યાં છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા અનુસાર ૨૦૧૭માં મહિલાઓ વિરુદ્ધ અપરાધના ૩,૫૯,૮૪૯ મામલા નોંધાયા હતાં. છેલ્લા ત્રણ વર્ષથી મહિલાઓ વિરુદ્ધના અપરાધોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ૨૦૧૬માં દેશમાં બળાત્કારના ૪૦ હજાર મામલા નોંધાયા હતાં. મતલબ કે દર કલાકે સરેરાશ ચાર અને રોજની ૧૦૬ બળાત્કારના બનાવો. દર ૧૦ પીડિતાઓમાંથી એક સગીર વયની કન્યા હતી. પરંતુ જાણકારોના મતે આ આંકડો અનેક ગણો વધારે હોઇ શકે છે. 

મહિલા સંગઠનો નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા અંગે સવાલ ખડા કરે છે. આ સંગઠનોનું કહેવું છે કે મહિલાઓની સલામતિના મામલે અગાઉ કરતા અત્યારે જાગૃતિ ફેલાઇ છે પરંતુ ગ્રામીણ વિસ્તિારોમાં ઘણાં ખરાં મામલા પોલિસ સુધી પહોંચતા નથી. ગ્રામ્ય વિસ્તારોમાં યૌૈનશોષણના મામલાઓને સ્થાનિક સ્તરે પંચાયતો દ્વારા જ ઉકેલી દેવામાં આવે છે. આમ થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે બળાત્કારના ઘણાં ખરા મામલાઓમાં અપરાધી પીડિતાનો કોઇક સંબંધી જ હોય છે. ૨૦૦૭થી ૨૦૧૬ દરમિયાન મહિલાઓ વિરુદ્ધ થતા અપરાધોની સંખ્યામાં ૮૩ ટકાનો વધારો નોંધાયો છે.

લોકોએ પણ એક સમાજ તરીકે જાગવાની જરૂર છે. અસામાજિક તત્ત્વોના ભયને કોરાણે મૂકીને આવા મામલાઓમાં અવાજ ઉઠાવવાની જરૂર છે. એક સમાજ તરીકે આપણે એ જોવાની જરૂર છે કે આપણે કેટલા અસંવેદનશીલ અને અશક્ત બની રહ્યાં છીએ. એક લોકતાંત્રિક દેશના નાગરિક તરીકે કેટલા કાયર બની રહ્યાં છીએ અને આવી નિર્દય ઘટનાઓને મૂક દર્શક બનીને જોતા રહીએ છીએ. જો આવી ઘડીમાં આપણે આપણી જવાબદારી અને ભાગીદારી માટે એક નહીં બનીએ તો માત્ર એક સમાજ તરીકે જ નહીં પરંતુ એક રાષ્ટ્ર તરીકે પણ નિષ્ફળ જઇશું. 

અનેક અભ્યાસમાં બહાર આવી ચૂક્યું છે કે બળાત્કાર જેવી ઘટનાઓમાં મોટે ભાગે આરોપી કે દોષિત પીડિતાના આસપાસના કે પરિચિત કે સંબંધી જ હોય છે. એવામાં કોઇ કન્યા પોતાના કોઇ પરિચિત વ્યક્તિનો ભરોસો જ કેવી રીતે કરે કે જ્યારે તેના ઓળખીતા લોકો જ તેની વિરુદ્ધ આવો જઘન્ય અપરાધ કરતા ડરતા ન હોય? આધુનિકતા અને વિકાસના દાવાઓ વચ્ચે પણ હકીકત તો એ છે કે આજે પણ મહિલાઓ માટે પરિસ્થિતિ સલામત અને સહજ નથી.

આમ તો ઘણાં સમયથી બળાત્કારના અપરાધોમાં ફાંસીની સજા આપવાની માંગ થઇ રહી છે. સરકારનું માનવું છે કે કડક કાયદાના અમલીકરણથી યૌનઅપરાધોમાં ઘટાડો કરવામાં સફળતા મળી શકે છે. સરકાર અને કોર્ટોની સાથે સાથે સમાજે પણ યૌનશોષણ સામે જાગૃત બનવાની જરૂર છે.

જાણકારોનું કહેવું છે કે યૌનશોષણના અપરાધીઓને સજા મળવાનો દર પણ ઓછો હોવાના કારણે બળાત્કારના મામલા સતત વધી રહ્યાં છે. આવા મામલાના આરોપીઓ થોડાક મહિના જેલમાં કાઢ્યા બાદ જામીન ઉપર છૂટી જતાં હોય છે. ઘણાં ખરાં મામલાઓમાં તો પુરાવાના અભાવે આવા નરાધમો બચી પણ જતાં હોય છે. દેશમાં આવા મામલાઓમાં સજા થવાની સરેરાશ માત્ર ૧૯ ટકા જ છે. મતલબ કે બળાત્કારના નોંધાયેલા ગુનાઓમાં પણ માત્ર આટલા ટકા અપરાધીઓને સજા થાય છે.

આના કારણે યૌન અપરાધીઓની હિંમતમાં વધારો થાય છે. આવા માનવતાને શર્મસાર કરતા અપરાધો માટે રાજકારણ કે સાંપ્રદાયિક્તાથી ઉપર ઊઠીને દોષિતોને આકરામાં આકરી સજા થાય એ માટે લોકોએ હાકલ કરવાની જરૂર છે નહીંતર આવી ઘટનાઓના દુરોગામી પરિણામો અત્યંત ઘાતક પુરવાર થશે. આવા અપરાધીઓને આકરામાં આકરી સજા કરીને દાખલો બેસાડવાની જરૂર છે.

એ ખરું કે દોષિતોને બચી નીકળવાના માર્ગ બંધ કરવા અને તેમને આકરી સજા કરવી જરૂરી છે પરંતુ એવા પગલાં ગુના ખતમ થવાની ગેરંટી નથી આપતા. એ સાથે સૌથી જરૂરી બાબત એ છે કે એવી પરિસ્થિતિઓ જ ખતમ કરવી જે આવા ગુનાઓ આચરવાનું કારણ બને છે. 

બળાત્કાર જેવા અપરાધ કુંઠિત અને વિકૃત માનસિકતા ધરાવતા લોકો કરે છે અને ઘણી વખત આવી માનસિકતા સમાજમાં મહિલાઓ પ્રત્યેની આપણી સામાજિક વિચારસરણી દ્વારા ઉદ્ભવતી હોય છે. મહિલાઓ માટે માત્ર કાયદાકીય રીતે જ નહીં, સામાજિક સ્તરે પણ બરોબરીનો દરજ્જો આપીને અને તેમની સાર્વજનિક સક્રિયતા વધારીને જ આવી વિકૃત માનસિકતાને ખતમ કરી શકાય છે. એમ કરીને જ આપણે એવા સમાજની રચના કરી શકીશું જેમાં કુંઠિત અને જડ માનસિકતા ધરાવતા લોકોને સ્થાન નહીં હોય.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો