દિલ્હીની વાત : પ્રજ્ઞાને સાંસદપદેથી રાજીનામું અપાવી દેવાશે
પ્રજ્ઞાને સાંસદપદેથી રાજીનામું અપાવી દેવાશે
નવીદિલ્હી, તા.28 નવેમ્બર 2019, ગુરુવાર
પ્રજ્ઞા ઠાકુરે ફરી એક વાર રાષ્ટ્રપિતા ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવીને ભાજપને શરમજનક સ્થિતીમાં મૂકી દીધો છે. પ્રજ્ઞાએ બુધવારે લોકસભામાં આ વાત કરી પછી ભારે હોબાળો મચી ગયો હતો. ગુરૂવારે પણ સંસદમાં આ મુદ્દે તોફાન ચાલુ રહ્યું. પ્રજ્ઞાએ પોતે ઉધમસિંહના સંદર્ભમાં દેશભક્ત હોવાની ટીપ્પણી કરી હોવાની ચોખવટ કરી પણ ભાજપે એ સ્વીકારી નથી.
ભાજપે પ્રજ્ઞાને સંરક્ષણ પરની સંસદીય સમિતીમાંથી દૂર કર્યાં છે. ભાજપ પાર્લામેન્ટરી પક્ષની બેઠકમાં તેમના હાજર રહેવા પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે. જો કે ભાજપમાં જ એવો મત છે કે, પ્રજ્ઞા સામે આકરાં પગલાં લેવાની જરૂર છે. પ્રજ્ઞા આ પહેલાં પણ ગોડસેને દેશભક્ત ગણાવી ચૂક્યાં છે ત્યારે ભાજપ આ પ્રકારની માનસિકતાને ના પોષી શકે એવો તેમનો મત છે.
ભાજપે પ્રજ્ઞાને લોકસભાના સભ્યપદેથી રાજીનામું અપાવી દેવું જોઈએ ને પછી ભાજપમાંથી પણ સસ્પેન્ડ કરી દેવાં જોઈએ એવો મત ભાજપના જ કેટલાક વરિષ્ઠ નેતાઓએ વ્યક્ત કર્યો છે. મોદી પોતે આ મત સાથે સંમત છે એ જોતાં એક-બે દિવસમાં કોઈ નવાજૂની થશે.
મમતાએ ભાજપને લપડાક મારીને ત્રણેય બેઠકો જીતી
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ત્રણ બેઠકોની પેટાચૂંટણીનાં પરિણામોના કારણે ગુરૂવારે ભાજપમાં સોપો પડી ગયો. ખડગપુર સદર, કરીમપુર અને કાલીગંજ એ ત્રણેય બેઠકો જીતીને મમતા બેનરજીએ પોતાની સર્વોપરિતા સાબિત કરી છે. આ પૈકી કાલિગંજ અને ખડગપુર સદર બેઠકો તો તૃણમૂલ કોંગ્રેસ પહેલી વાર જીતી છે.
મમતાએ ખડગપુર સદર બેઠક જીતીને ભાજપનું નાક વાઢી લીધું છે. ભાજપના પશ્ચિમ બંગાળ પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષ ખડગપુરના ધારાસભ્ય હતા. ઘોષ લોકસભામાં જીતતાં ખાલી પડેલી આ બેઠક મમતાએ ભાજપ પાસેથી આંચકી લીધી છે. બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને દોઢ વર્ષ બાકી છે ત્યારે પેટાચૂંટણી જીતીને મમતાના શાસનના પાયા હચમચાવવાની ભાજપની મહેચ્છા પર પાણી ફરી વળ્યું છે. મમતા સામે લડવા એક થયેલા કોંગ્રેસ-ડાબેરી જોડાણને પણ ફટકો પડયો છે. આ જોડાણ છેક ત્રીજા નંબરે આવ્યું છે અને મમતા સામે પડકાર ઉભો કરવામાં નિષ્ફળ ગયું છે.
દિલ્હીમાં 100ની સ્પીડે મોંઘી બાઈક ભગાવનાર કોણ ?
અમિત શાહે બુધવારે લોકસભામાં નહેરૂ-ગાંધી ખાનદાનની એસપીજી સુરક્ષા પાછી ખેંચવાના મામલે નિવેદન આપેલું. એ વખતે શાહે કટાક્ષ કરેલો કે, કેટલાક પ્રોટેક્ટી દિલ્હીના પોશ વિસ્તાર લ્યુટીયન્સમાં ૧૦૦ કિલોમીટરની સ્પીડે મોંઘી બાઈક ભગાવે છે ને કમાન્ડો બિચારા તેમની પાછળ કાર લઈને ભાગ્યા કરે છે.
ભાજપે શાહના નિવેદનનો ૪૦ સેકન્ડનો વીડિયો ટ્વિટર પર મૂકીને સવાલ પૂછેલો કે, આ એસપીજી પ્રોટેક્ટી કોણ હતા એ ખબર છે ? ભાજપને એમ કે, સોશિયલ મીડિયા પર આ ક્વિઝ ધૂમ મચાવશે પણ આ આશા ફળી નથી. આ ક્વિઝમાં લોકોએ બહુ રસ નથી બતાવ્યો. એક હજાર કરતાં પણ ઓછા લોકોએ તેને લાઈક કરી અને બહુ ઓછાંએ રીટ્વિટ કરી.
આ ક્વિઝના સવાલમાં જે જવાબ આવ્યા તેમાં મોટા ભાગના લોકોએ રાહુલ ગાંધી અને તેમના જીજાજી રોબર્ટ વાડરા આ પ્રોટેક્ટી હોવાનું કહ્યું છે. વાડરાને હમણાં એસપીજી કવર નહોતું તેથી શાહનો ઈશારો રાહુલ તરફ હોવાનું કહેવાય છે. જો કે શાહ પોતે સ્પષ્ટતા કરે તો તેમનો ઈશારો કોની તરફ હતો તેની ખબર પડે.
પવારે વાંધો લેતાં પૃથ્વીરાજને દિલ્હી બોલાવી લેવાશે
મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરેની શપથવિધી થઈ ગઈ. ઉધ્ધવની સાથે એનસીપીના જ્યંત પાટિલ અને છગન ભુજબળે પણ શપથ લીધા. ભુજબળ બાળાસાહેબ ઠાકરે સામે બગાવત કરીને શિવસેનામાં ભંગાણ પાડનારા પહેલા નેતા હતા. એ ભુજબળ બાળાસાહેબના પુત્રના મંત્રીમંડળમાં સામેલ થયા છે. કોંગ્રેસે બાળાસાહેબ થોરાટ અને નીતિન રાઉતને પોતાના ક્વોટામાંથી મંત્રી બનાવ્યા છે.
કોંગ્રેસે પહેલાં અશોક ચવ્હાણનું નામ મોકલેલું ને પોતાના ફાળે આવેલા સ્પીકરપદ માટે પૃથ્વીરાજ ચવ્હાણના નામ પર મંજૂરીની મહોર મારેલી. જો કે શરદ પવારે પૃથ્વીરાજના નામ સામે વાંધો લેતાં કોંગ્રેસે અશોક ચવ્હાણને સ્પીકરપદ માટે પસંદ કર્યા હોવાનું કહેવાય છે. પૃથ્વીરાજની ગણના તેમના પિતાના સમયથી જ પવાર પરિવારના વિરોધી તરીકે થાય છે. તેના કારણે પવાર તો પૃથ્વીરાજને મહારાષ્ટ્રના રાજકારણમાં જ નથી ઈચ્છતા. આ સંજોગોમાં કોંગ્રેસ પૃથ્વીરાજને પાછા દિલ્હી બોલાવી લે તેવી શક્યતા ખરી.
ઉધ્ધવની શપથવિધીમાં રાહુલ ગાંધી કેમ ના ગયા ?
મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરેની મુખ્યમંત્રીપદે શપથવિધીના કાર્યક્રમમાં ભાજપમાંથી કેન્દ્રીય સ્તરના કોઈ નેતા હાજર ના રહ્યા. ઉધ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે જાતે પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસ (પીએમઓ)માં નિમંત્રણ કાર્ડ આપવા ગયા હતા. ઉધ્ધવ ઠાકરેએ પણ બુધવારે રાત્રે નરેન્દ્ર મોદીને ફોન કરીને તેમને શપથવિધી સમારોહમાં હાજરી આપવા નિમંત્રણ આપ્યું હતું.
મોદીએ ઉધ્ધવને અભિનંદન આપ્યા પણ પહેલેથી નક્કી થયેલા કાર્યક્રમના કારણે હાજર રહેવામાં અસમર્થતા બતાવી. ઉધ્ધવે પછી મહારાષ્ટ્રની મુલાકાતે આવવા આપેલા નિમંત્રણને મોદીએ સ્વીકાર્યું છે એવું ભાજપનાં સૂત્રોનો દાવો છે. આદિત્ય કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને ડો. મનમોહનસિંહને નિમંત્રણ આપવા તેમના નિવાસસ્થાને ગયા હતા. હાલમાં સંસદનું સત્ર ચાલી રહ્યું હોવાથી આ સોનિયા તથા મનમોહને પહેલાં જ અસમર્થતા બતાવી દીધી હતી. સોનિયા રાહુલને મોકલવા માગતાં હતાં પણ શિવસેનાની કટ્ટરવાદી ઈમેજના કારણે રાહુલે ઈન્કાર કરી દીધો. આ કારણે ઉધ્ધવના શપથવિધી સમારોહમાં દિલ્હીમાંથી કોઈ મોટા નેતાએ હાજરી ના આપી.
દિલ્હીમાં નારવેકરના ભાવ અચાનક ઉંચકાઈ ગયા
મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરેની તાજપોશી સાથે મિલિન્દ નારવેકરના ભાવ અચાનક ઉંચકાઈ ગયા છે. ઉધ્ધવ ઠાકરેએ પોતાની શપથવિધીમાં હાજર રહેવા માટે નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોને મોકલેલી નિમંત્રણ પત્રિકામાં આરએસવીપીમાં મિલિન્દનું નામ છે. ઉધ્ધવના પુત્ર આદિત્ય સોનિયા ગાંધી તથા મનમોહનસિંહ સહિતના વીવીઆઈપીને નિમંત્રણ આપવા દિલ્હી આવ્યા ત્યારે પણ મિલિન્દ તેમની સાથે હતા. તેના પરથી જ ઠાકરે પરિવાર માટે નારવેકર કેટલા મહત્વના છે તે સ્પષ્ટ થઈ ગયું. તેના કારણે દિલ્હીમાં સૌને અચાનક નારવેકરમાં રસ પડી ગયો છે.
ઉધ્ધવ ઠાકરે સાથે છેલ્લાં ૨૫ વર્ષથી જોડાયેલા નારવેકર કોંગ્રેસ સાથેના શિવસેનાના જોડાણના શિલ્પી મનાય છે. ઉધ્ધવે ભાજપથી અલગ થવાનું નક્કી કર્યું ત્યારે શરદ પવાર સાથે પોતે સીધી વાતચીત કરી હતી. કોંગ્રેસના નેતાઓ સાથે વાતચીત કરવા તેમણે વરિષ્ઠ નેતા અનિલ દેસાઈ સાથે મિલિન્દને દિલ્હી મોકલ્યા હતા. નારવેકરે આ ઓપરેશનને પાર પાડવામાં સફળતા મેળવીને તેના કારણે હવે રાજકીય વર્તુળોમાં તેમનું નામ ચર્ચામાં છે.
***
ચારેબાજુથી ઘેરાયેલા ભાજપની વધતી મુશ્કેલી
મહારાષ્ટ્રમાં ભાજપની પીછેહઠ થયા પછી સંસદમાં પણ વિપક્ષોએ એકતાનું પ્રદર્શન કર્યું હતું. ફારૂક અબ્દુલ્લાને સંસદમાં હાજર રાખવા મુદ્દે વિપક્ષોએ ભાજપને સંસદના બંને ગૃહમાં ઘેર્યા પછી હવે સાધ્વી પ્રજ્ઞાએ નવો મુદ્દો આપ્યો હતો. સાધ્વી પ્રજ્ઞાએ નથુરામ ગોડ્સે બાબતે નિવેદન આપ્યું એને લઈને વિપક્ષોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ગાંધીજીના હત્યા ગોડ્સે મુદ્દે ભાજપનું વલણ શું છે? તે સ્પષ્ટ કરવાની માગણી પણ વિપક્ષોએ કરી હતી. ચારેબાજુથી ઘેરાયેલા ભાજપના હાઈકમાન્ડે સાધ્વી પ્રજ્ઞા સામે કાર્યવાહી કરી હતી, પણ કોંગ્રેસે સાધ્વી પ્રજ્ઞાને સભ્યપદેથી હાંકી કાઢવાની માગણી કરી હતી. એ જ રીતે પશ્વિમ બંગાળની પેટાચૂંટણીમાં ભાજપનો પરાજય થયો હતો. પશ્વિમ બંગાળમાં ભાજપ સામે મમતા દીદીએ સતત શાબ્દિક હુમલા કરીને ભાજપની પશ્વિમ બંગાળમાં થઈ રહેલી રાજકીય ગતિવિધિને પશ્વિમ બંગાળના સ્વાભિમાન સાથે જોડી છે. પશ્વિમ બંગાળની આગામી વિધાનસભાની ચૂંટણીમાં મમતા દીદીને પરાજય આપવાનું ભાજપનું સપનું છે, પણ પેટા ચૂંટણીમાં થયેલા પરાજયે ફરીથી ભાજપના હાઈકમાન્ડને વિચારતું કરી મૂક્યું છે. ભાજપ ચોમેરથી ઘેરાયેલો હોવાથી તેનો લાભ સાથીપક્ષો પણ બરાબર લઈ રહ્યાં છે. નીતીશ કુમાર અને રામવિલાસ પાસવાને પણ ભાજપની આડકતરી ટીકા શરૂ કરી છે. મહારાષ્ટ્રમાં ભાજપે કાચું કાપ્યું પછી ભાજપના જ પહેલી હરોળના નેતાઓમાં વિરોધનો ગણગણાટ શરૂ થયો છે.
ઝારખંડની ચૂંટણીને લઈને ભાજપના નેતાઓના કપાળમાં ચિંતાની લકીરો
ઝારખંડમાં ભાજપની સરકાર છે અને ફરીથી સત્તા જાળવી રાખવા માટે ભાજપે મહેનત આદરી છે. ગૃહ મંત્રી અમિત શાહે ઝારખંડમાં રેલી સંબોધીને કોંગ્રેસ સહિતના વિપક્ષો ઉપર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કાર્યકરોને ઓછામાં ઓછાં ૨૫-૨૫ લોકોને ફોન કરીને ભાજપ માટે મત માગવાની ભલામણ કરી હતી. ઝારખંડને અલગ રાજ્ય આપવાનું કામ ભાજપના પૂર્વ વડાપ્રધાન અટલજીએ કર્યું હતું અને કોંગ્રેસે અલગ રાજ્યની મંજૂરી આપી ન હતી એના કારણે ઝારખંડના અસંખ્ય યુવાનો શહીદ થયા હતા એમ કહીને પણ ચૂંટણીમાં અસરકારક પ્રભાવ પાડવાની કોશિશ કરી હતી. અગાઉ વડાપ્રધાન મોદીએ પણ રામમંદિર ભાજપે બનાવ્યું એવું કહીને હિન્દુત્વના મુદ્દે મત મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ઝારખંડમાં ભાજપના મુખ્યમંત્રી રઘુબરદાસ સામે આંતરિક વિખવાદ ખડો થયો છે. આતંરિક બળવાના કારણે ભાજપને અસર થાય એવી શક્યતા છે જ, પરંતુ તે સિવાય ભાજપની રાજ્ય સરકારની કામગીરી અંગે પણ સવાલો ઉઠયા હતા. આદિવાસી મતદારો વિવિધ માગ પૂરી ન થઈ હોવાથી ભાજપથી નારાજ છે. ઝારખંડના સ્થાનિક મુદ્દા વિધાનસભાની ચૂંટણીમાં અસર કરે તેવી પૂરી શક્યતા હોવાથી ભાજપના નેતાઓના કપાળમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ચિંતાની રેખા ખેંચાણી છે.
આક્રમકતા ઓછી કરવાની ભાજપમાં જ માગણી
મહારાષ્ટ્રમાં નિષ્ફળતા મળી તેની ભાજપમાં ભારે અસર થઈ છે. બહુમતી ન હોવા છતાં વધુ પડતા આત્મવિશ્વાસમાં ભરાયેલા પગલાના કારણે ભાજપને બીજા રાજ્યોમાં પણ નુકસાન થશે અને સાથીપક્ષો પણ તેનો ગેરલાભ ઉઠાવી શકે છે એવો આંતરિક સૂર ઉઠયો છે. અટલ બિહારી વાજપેયી અને અડવાણીની બીજેપી વખતે આજના કરતા ઓછી આક્રમકતા હતી એવું ભાજપની સંસદીય સમિતિના સભ્યો જ માની રહ્યા છે અને ભાજપે ફરીથી આંતરિક સમીક્ષા કરવાની જરૂર હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. મોદી-શાહની જોડી સાથીપક્ષો સાથે તેમ જ પક્ષના જ અન્ય નેતાઓ સાથે જે આક્રમકતા દાખવે છે તે ઘટાડવી જોઈએ એવું મોટા નેતાઓ માની રહ્યા છે. જોકે, મહારાષ્ટ્રમાં ભાજપની પીછેહઠ થઈ તેની સરખામણી કર્ણાટક સાથે કરવામાં આવે છે. જેમ કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનની સરકાર પડી ભાંગી હતી અને ફરીથી ભાજપના હાથમાં સત્તા આવી હતી, એવું જ મહારાષ્ટ્રમાં થશે એવું આશ્વાસન લઈને અત્યારે ભાજપમાં કોઈ જ ફેરફાર થશે નહીં એવો સંકેત પણ હાઈકમાન્ડે આપ્યો હતો.
ભાજપ વિરૂદ્ધ આખો વિપક્ષ : યુપીની તર્જ ઉપર મહારાષ્ટ્રની સત્તા
ભાજપના નેતાઓ માને છે કે જેમ ઉત્તર પ્રદેશમાં ભાજપને હરાવવા આખો વિપક્ષ એકજૂટ થયો હતો એમ જ મહારાષ્ટ્રમાં ભાજપને સત્તાથી દૂર રાખવા આખો વિપક્ષ એકઠો થયો છે, પણ જેમ વિપક્ષો - ખાસ કરીને સપા-બસપા ઉત્તર પ્રદેશમાં ઊંધે માથે પટકાયા હતા એવું મહારાષ્ટ્રમાં પણ વહેલાં મોડું થવાનું જ છે. વિપક્ષોએ ઉત્તર પ્રદેશમાં મતોનું વિભાજન અટકાવવા ગઠબંધન કર્યું હતું, પરંતુ એમાં સફળતા મળી ન હતી. જોકે, હાલ પૂરતી મહારાષ્ટ્રમાં વિપક્ષી એકતા જોવા મળી છે અને ભાજપને સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હોવા છતાં સત્તાથી દૂર રાખવામાં વિપક્ષોને સફળતા મળી છે. યુપીની સ્ટાઈલથી જ મહારાષ્ટ્રમાં વિપક્ષોની એકતા જોવા મળી હતી. ભાજપના નેતાઓને ખાતરી છે કે આ ગઠબંધન થોડા સમયમાં નિષ્ફળ બનશે અને યુપીના વિપક્ષોની જેમ જ પડી ભાંગશે.
કાશ્મીરની સ્થિતિ સામાન્ય થઈ નથી
પાંચ સભ્યોની બનેલી નાગરિકોની સમિતિએ કાશ્મીરની મુલાકાત કરી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાના નેતૃત્વમાં પાંચ સભ્યોએ ચાર દિવસ માટે કાશ્મીરની મુલાકાત કરી હતી. કન્સર્ન સિટિઝન ગ્રુપ નામની આ સમિતિના કહેવા પ્રમાણે કાશ્મીરમાં સ્થિતિ બિલકુલ સામાન્ય નથી. કેન્દ્ર સરકારે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય હોવાના અહેવાલો વારંવાર આપ્યા હોવા છતાં સ્થિતિ ભારેલા અગ્નિ જેવી છે. પોલીસના વલણ બાબતે પણ આ સમિતિએ ચિંતા વ્યક્ત કરી હતી. ખાસ તો કાશ્મીર ઘાટીમાં સ્થિતિ નોર્મલ નથી. સરકારે એ દિશામાં ગંભીરતાથી વિચારવાની જરૂર છે એવું પણ પાંચ સભ્યોની ટીમે કહ્યું હતું. જો સ્થિતિ આવી રહેશે તો તેની ગંભીર અસરો ભવિષ્યમાં થશે એવી ચેતવણી નાગરિકોની આ સમિતિએ આપી હતી.
આઈએએસ અશોક ખેમકાની કુલ 53 વખત બદલી થઈ!
૧૯૯૧માં આઈએએસ બનેલા અશોક ખેમકાની આ ૨૮ વર્ષમાં કુલ ૫૩ વખત બદલી થઈ હતી. ઉચ્ચ અધિકારીની બદલીનો આ નવો રેકોર્ડ સર્જાયો હતો. આઠ મહિનામાં તેમની આ બીજી બદલી છે. હરિયાણા સરકારે આ બદલીને નિયમિત પ્રક્રિયાનો ભાગ ગણાવ્યો હતો. અશોક ખેમકાએ આ બદલીના સંદર્ભમાં આક્રોશ વ્યક્ત કરતા ટ્વિટરમાં લખ્યું હતું ઃ ફીર એક બાર તબાદલા. કલ સંવિધાન દિવસ મનાયા ગયા ઓર દુસરે દિન હી સર્વોચ્ચ ન્યાયાલય કા રૂલ ફીર એકબાર તોડ દિયા. ઈમાનદારી કા ઈનામ!
- ઈન્દર સાહની
Comments
Post a Comment