ગાંધીજીના આદર્શોની હત્યા કરતી વિચારધારાને રોકવી અત્યંત આવશ્યક

- આજના સમયમાં લોકોનું જ્ઞાન, ઇતિહાસ અંગેની જાણકારી અને માન્યતાઓ સોશિયલ મીડિયા દ્વારા જ ઘડાઇ રહ્યાં છે ત્યારે ગાંધીને ખલનાયક અને ગોડસેને નાયક ચિતરતી ભ્રામક વાતો સોશિયલ મીડિયાથી આગળ વધીને દેશની સંસદ સુધી પહોંચી જાય એ બાબત ચિંતાજનક છે


ભાજપના ભોપાલ ખાતેના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે સંસદમાં ગોડસે અંગેના નિવેદન અંગે સંસદમાં બે વખત માફી માંગવી પડી. વિપક્ષની માફીની માંગ લઇને સંસદમાં ભારે હોબાળો મચાવ્યા બાદ પ્રજ્ઞા ઠાકુરે પહેલી વખત માફી માંગતા દાવો કર્યો કે તેમના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. પરંતુ તેમના આવા માફીનામાથી વિપક્ષ સંતુષ્ટ ન થતાં છેવટે સર્વપક્ષીય બેઠક યોજીને પ્રજ્ઞા ઠાકુર સ્પષ્ટ શબ્દોમાં માફી માંગે એવી માંગ કરવામાં આવી ત્યારે તેમણે માફી માંગવાની ફરજ પડી.

પ્રજ્ઞા ઠાકુરએ આ ફરી વખત ભાજપ માટે મુસીબત ઊભી કરી છે. સાધ્વી પ્રજ્ઞાએ સંસદમાં જ મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવતા ભાજપ માટે કફોડી સ્થિતિ ઊભી થઇ હતી. લોકસભામાં એસપીજી સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન ડીએમકે સાંસદ એ. રાજાએ એક સંદર્ભમાં મહાત્મા ગાંધી અને તેમના હત્યારા નાથુરામ ગોડસેનું નામ લીધું ત્યારે પ્રજ્ઞા ઠાકુરે તેમને વચમાં ટોકીને ગોડસેને દેશભક્ત ગણાવ્યો. સ્વાભાવિક રીતે પ્રજ્ઞા ઠાકુરના નિવેદન બાદ ગૃહમાં હોબાળો મચી ગયો અને વિવાદે જોર પકડતા પ્રજ્ઞા ઠાકુરના નિવેદનને લોકસભાની કાર્યવાહીમાંથી દૂર કરવામાં આવ્યું.

જોકે પ્રજ્ઞા ઠાકુરના નિવેદન બાદ ભાજપ બેકફૂટ પર આવી ગયો. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું કે ભાજપ પ્રજ્ઞા ઠાકુરના નિવેદનની આકરી ટીકા કરે છે. એ સાથે જ પ્રજ્ઞા ઠાકુરની રક્ષા મામલાઓની સમિતિમાંથી પણ હકાલપટ્ટી કરવામાં આવી છે. તેમને સંસદના વર્તમાન સત્ર દરમિયાન ભાજપના સંસદીય દળની બેઠકમાં ભાગ લેવાની પણ મનાઇ ફરમાવી દેવામાં આવી છે. પ્રજ્ઞા ઠાકુરના નિવેદન બાદ વિપક્ષને ફરી વખત ભાજપ પર હુમલા કરવાની તક મળી ગઇ છે. ગોડસેના મહિમામંડનને લઇને વિપક્ષે સંસદમાં પણ ભારે હોબાળો મચાવ્યો. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહને પણ પાર્ટીના સ્ટેન્ડ અંગે સ્પષ્ટતા કરવાની ફરજ પડી. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીના હત્યારાને દેશભક્ત ગણાવતા કોઇ પણ નિવેદનનો પાર્ટી વિરોધ કરે છે. 

દરમિયાન ભાજપના જ એક અન્ય ધારાસભ્ય સુરેન્દ્રસિંહે પણ પ્રજ્ઞા ઠાકુરનું ઉપરાણું તાણતા કહ્યું કે ગોડસે આતંકવાદી નહોતો. તો આસામના ભાજપના ધારાસભ્ય શિલાદિત્ય દેવે પણ પ્રજ્ઞા ઠાકુરનો બચાવ કરતા ગોડસેને દેશભક્ત ગણાવ્યો. તેમણે દાવો કર્યો કે ગોડસેને દેશભક્ત ગણાવીને પ્રજ્ઞા ઠાકુરે સત્ય બોલવાની હિંમત કરી છે. આ પહેલી વખત નથી કે પ્રજ્ઞા ઠાકુરે ગોડસેનું મહિમામંડન કર્યું હોય અને ભાજપના જ કેટલાંક નેતાઓએ તેમનો સાથ આપ્યો હોય. થોડા મહિના પહેલા લોકસભાની ચૂંટણી દરમિયાન પણ પ્રજ્ઞા ઠાકુરે ગોડસેને લઇને વિવાદ ઊભો કર્યો હતો અને એ વખતે પણ ભાજપના જ કેટલાંક નેતાઓ તેમના સમર્થનમાં આવી ગયા હતાં. 

લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ હતો એ વખતે એ વખતે પણ પ્રજ્ઞા ઠાકુરે ગોડસેને દેશભક્ત ગણાવ્યો હતો. એ સમયે વિવાદની શરૂઆત ત્યારે થઇ જ્યારે દક્ષિણના જાણીતા અભિનેતા અને મક્કલ નીધિ મૈયમ નામનો રાજકીય પક્ષ સ્થાપનાર કમલ હાસને મહાત્મા ગાંધીના હત્યારા ગોડસેના સંદર્ભમાં નિવેદન આપતા એમ કહ્યું હતું કે આઝાદ ભારતનો પહેલો ચરમપંથી એક હિન્દુ હતો. કમલ હાસનના આ નિવેદન મુદ્દે હોબાળો મચ્યો અને તેમના આ વિવાદાસ્પદ નિવેદનનો ભારે વિરોધ થયો હતો. પરંતુ ભાજપના ભોપાલ ખાતેના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ જે કહ્યું એ તો સમગ્ર વિવાદને જુદાં જ સ્તરે લઇ ગયું.

સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે ગોડસે દેશભક્ત હતાં, દેશભક્ત છે અને દેશભક્ત રહેશે. સાધ્વી પ્રજ્ઞાના આ નિવેદન બાદ વિપક્ષને ભાજપ પર પ્રહાર કરવાનો મોકો મળી ગયો. સાધ્વી પ્રજ્ઞાના નિવેદન બાદ બેકફૂટ પર આવી ગયેલા ભાજપ તરફથી સાધ્વી પ્રજ્ઞાને તેમના નિવેદન બદલ માફી માંગવાનું ફરમાન આપવામાં આવ્યું. સાધ્વી પ્રજ્ઞાએ પણ મામલાની ગંભીરતાના સમજીને તુરંત માફી માંગી અને કહ્યું કે તેમના નિવેદન સાથે પાર્ટીને કોઇ લેવાદેવા નથી. જોકે સાધ્વી પ્રજ્ઞાના માફી માગ્યા બાદ પણ વિપક્ષનો ભાજપની નેતાગીરી પાસેથી માફીની માંગ ચાલુ રહી. પરંતુ એ દરમિયાન ભાજપના જ બીજા કેટલાંક નેતાઓએ ગોડસેને લઇને જે નિવેદનો આપ્યાં એનાથી ભાજપની સમસ્યા વધી ગઇ. ભાજપ નેતા અનંત હેગડે તેમજ નલિનકુમાર કટીલે સાધ્વી પ્રજ્ઞાનો પક્ષ લીધો. 

જોકે એ વખતે ભાજપ અધ્યક્ષ અમિત શાહે સ્પષ્ટતા કરી હતી કે આ ત્રણેય નેતાઓએ જે નિવેદન આપ્યાં છે એ તેમના અંગત નિવેદન છે અને ભાજપ સાથે એને કોઇ લેવાદેવા નથી. એ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે ત્રણેય નેતાઓ વિરુદ્ધ શિસ્તભંગના પગલા લેવાની વાત કરી હતી પરંતુ બાદમાં એવું કશું થયું નહીં. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું હતું કે તેઓ સાધ્વી પ્રજ્ઞાને કદી માફ નહીં કરી શકે. એ વખતે એવું લાગ્યું હતું કે સાધ્વી પ્રજ્ઞાને કદાચ ભાજપમાંથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવશે પરંતુ એ પછી તો તેઓ ભોપાલ ખાતેથી ચૂંટણી પણ જીતી ગયાં અને  સંસદમાં પણ આવી ગયાં પરંતુ વડાપ્રધાને તેમની વિરુદ્ધ કોઇ પગલાં ન લીધાં.

હકીકતમાં મહાત્મા ગાંધીનું નામ દેશની લાગણી અને આઝાદીના ઇતિહાસ સાથે અનન્ય રીતે ગુંથાયેલું છે. આજે દુનિયાના નકશા પર ભારતનું જે સ્થાન છે એ મહાત્મા ગાંધીના વિચારો વિના કદી સ્થાપિત ન થઇ શક્યું હોત એ હકીકત છે. પરંતુ કેટલાંક લોકો એવા છે જે ઇતિહાસને ખોટો ઠરાવવા મથતા રહે છે અને આઝાદીની લડતના ભવ્ય ભૂતકાળને પોતાને મનફાવે એ રીતે આકાર આપવા પ્રયાસરત રહે છે. આઝાદી બાદ એવો સમય જરૂર આવ્યો હતો કે દેશના ડાબેરી અને દક્ષિણપંથી સંગઠનો ગાંધીજીને ખલનાયકના રૂપમાં ચિતરવા મથી રહ્યાં હતાં. જોકે તમામ દુષ્પ્રચાર છતાં મહાત્મા ગાંધીનું નામ અને કામ હંમેશા નવા જ સ્વરૂપમાં બહાર આવીને નિખરતું રહ્યું.

આપણા રાજકારણમાં ભલે મતભેદો હોય પરંતુ ગાંધીજીના સન્માનને લઇને ભાગ્યે જ કોઇ મતભેદ રહ્યો છે. અપવાદરૂપે કેટલાંક ચરમપંથી સંગઠનો રહ્યાં છે પરંતુ આવા સંગઠનો મોટે ભાગે હાંસિયામાં જ રહેતા ન તો તેમની કોઇ અસર જણાઇ કે ન તો કોઇએ તેમને ગંભીરતાથી લીધાં. જોકે છેલ્લા થોડા વર્ષોથી એમાં ફેરફાર આવ્યો છે. સોશિયલ મીડિયાએ આવા સંગઠનોને પોતાની મનઘડંત વાતો ફેલાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડયું છે. આજના સમયમાં લોકોનું જ્ઞાન, ઇતિહાસ અંગેની જાણકારી અને માન્યતાઓ સોશિયલ મીડિયા દ્વારા જ ઘડાઇ રહ્યાં છે. ગાંધીને ખલનાયક અને ગોડસેને નાયક ચિતરતી ભ્રામક પોસ્ટ સોશિયલ મીડિયાથી આગળ વધીને દેશની સંસદ સુધી પહોંચી જાય એ વાત ચિંતાજનક છે. 

આજે જ્યારે આખો દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ૧૫૦મા જયંતિ વર્ષને ઉજવી રહ્યો છે એ જ સમયે ગાંધીના નામ, તેમના વિચાર અને તેમના જીવનદર્શનનું અપમાન થઇ રહ્યું છે અને તેમના હત્યારા ગોડસેનું મહિમામંડન કરવાનું સુનિયોજિત ષડયંત્ર થઇ રહ્યું છે. દેશવાસીઓ માટે આ એક અજાયબ અને ભ્રમિત કરતી તસવીર છે કે કેન્દ્રમાં સત્તારૂઢ મોદી સરકાર પૂજ્ય બાપુના ૧૫૦મા જયંતિ વર્ષને સ્વચ્છતા અભિયાનના રૂપમાં મનાવી રહી છે અને ગાંધીજીના વિચારોને પૂરા દેશમાં પ્રચારિત અને પ્રસારિત કરવામાં આવી રહ્યાં છે. ખુદ વડાપ્રધાન મોદી દેશ અને દુનિયામાં જ્યાં પણ જાય છે ત્યાં ગાંધીગાન કરી રહ્યાં છે ત્યારે ભાજપના જ કેટલાંક નેતાઓ દેશમાં ગાંધીજીનું અપમાન કરી રહ્યાં છે. 

ભાજપ પણ મામલાની ગંભીરતા સમજે છે એટલા માટે જ પ્રજ્ઞા ઠાકુર વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યાં છે. એ સાથે જ પાર્ટી સાથે જોડાયેલા તમામ લોકોને ચેતવણી આપવામાં આવી છે કે આવા વિવાદાસ્પદ નિવેદનો આપ્યા તો તેમની વિરુદ્ધ કાર્યવાહી થઇ શકે છે. ભાજપે જે પગલાં લીધાં એ સ્વાગતયોગ્ય છે પરંતુ એ પણ હકીકત છે કે પ્રજ્ઞા ઠાકુર મામલે કાર્યવાહી કરવામાં પાર્ટીએ વિલંબ કર્યો છે કારણ કે પ્રજ્ઞા ઠાકુરે આ વિવાદ પહેલી વખત ઊભો નથી કર્યો. કઠણાઇ એ છે કે વડાપ્રધાનની નારાજગી છતાં પ્રજ્ઞા ઠાકુર તેમના વિચારો વિરુદ્ધ જઇને બોલવામાં અને પાર્ટીના નેતાઓ માટે અસહજ પરિસ્થિતિ ઊભી કરવામાં જરાય ખચકાતા નથી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો