ઉદ્ધવ ઠાકરે : ફોટોગ્રાફરથી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન સુધીની સફર


જો શિવસેના સંભાળવાની ન આવી હોત તો ઉદ્ધવ ઠાકરે સારા ફોટોગ્રાફર તરીકે ઓળખાતા હોત. તેમને નજીકથી ઓળખનારા સૌ કોઈ જાણે છે તે તેઓ ફોટોગ્રાફીના શોખીન છે. તેમના ફોટોગ્રાફ્સનું પ્રદર્શન પણ નિયમિત રીતે જહાંગીર આર્ટ ગેલેરી જેવા સ્થળોએ યોજાતું રહે છે. મહારાષ્ટ્ર શિવાજી મહારાજના કિલ્લાઓ માટે જાણીતું રાજ્ય છે. એકથી એક ચડિયાતા કિલ્લાઓની નિયમિત રીતે ફોટોગ્રાફી પણ થતી રહે છે. પરંતુ જ્યારે ડ્રોન કેમેરાનો યુગ ન હતો, આજની જેમ એરિયલ ફોટોગ્રાફીનું વ્યાપક ચલણ ન હતું ત્યારે ઉદ્ધવ ઠાકરેએ શિવાજીના કિલ્લાઓની એરિયલ ફોટોગ્રાફી કરી હતી. 

'મહારાષ્ટ્ર દેશા' નામનું એમનું ફોટોગ્રાફીનું પુસ્તક પ્રગટ થયું છે. એમાં એક ભાગ કિલ્લાઓને સમર્પિત છે. બીજા ભાગમાં મુંબઈની રોજીંદી જિંદગી કેદ કરાઈ છે, જ્યારે ત્રીજા ભાગમાં ધાર્મિક સ્થળો છે. મહારાષ્ટ્રના કુલ ૨૮ કિલ્લાની તેમણે ફોટોગ્રાફી કરી છે. આ માટે તેઓ દસ દિસમાં ૪૦ કલાક સુધી હેલિકોપ્ટરમાં ઉડયા હતા. એ દરમિયાન લગભગ કુલ સાડા ચાર હજાર ફોટોગ્રાફ્સ તેમણે લીધા હતા. વર્ષોથી તેઓ સ્વીડીશ કંપની 'હેસલબ્લેડ'ના અતી મોંઘા કેમેરા વાપરે છે.

હેલિકોપ્ટરની સુવિધા મળી, વળી બાળાસાહેબના પુત્ર એટલે આ કામ તો એક રીતે બહુ સરળ લાગે. પણ સરળ બિલકુલ ન હતું. એક તો સારી ફોટોગ્રાફી કરવી એ પડકારજનક કામ છે. હેલિકોપ્ટરમાં સ્થિર રહીને, જીવના જોખમે ફોટા પાડવા એ બીજો મોટો પડકાર છે. ઉપરથી સારા ફોટો લઈ શકાય એટલા માટે હેલિકોપ્ટરના બન્ને તરફના દરવાજા ખુલ્લા રાખવા પડે. ઉદ્ધવે જે હેલિકોપ્ટર પસંદ કર્યું હતુ, તેના બન્ને દરવાજા જ કાઢી નાખવામાં આવ્યા હતા. એટલે શરીર સંતુલન ગુમાવે તો ઘણુ ગુમાવવું પડે એવી સ્થિતિમાં તેમણે ફોટા પાડયા હતા. 

 એટલું જ નહીં કેટલાક કિલ્લા એવા છે, જેની ફોટોગ્રાફી માટે તેમણે કેન્દ્ર સરકાર અને ભારતીય સંરક્ષણની ત્રણેય પાંખની પરવાનગી લેવી પડી હતી. 

મહારાષ્ટ્રમાં જ ફોટા પાડયા એવુ નથી. કેનેડાના હડસન અખાતમાં ૨૦૦૮માં ઉદ્ધવ પહોંચ્યા હતા બર્ફિલા સફેદ રીંછ (પોલાર બેઅર)ના ફોટા પાડવા. એ વિસ્તારમાં તાપમાન સ્વાભાવિક રીતે જ શૂન્ય ડીગ્રી આસપાસ હોય, જ્યાં શરીરનું એક પણ અંગ બહાર કાઢી ન શકાય. એ ફોટા આજના સેલ્ફી-યુગ જેટલા સરળ ન હતા. ઉદ્ધવ પોતાના ફોટોગ્રાફી શોખ માટે કહી ચૂક્યા છે કે એ મારા માટે ઓક્સિજનનું કામ કરે છે. એટલે હું તેના માટે તો સમય કાઢી જ લઉં છું. 

ફોટોગ્રાફી જેટલો જ તેમને શોખ વાઈલ્ડ લાઈફનો પણ છે. એટલે તેમણે શરૂઆતી ફોટોગ્રાફ મહારાષ્ટ્રના જંગલોના જ પાડયા હતા. પોતાના ઘરમાં પણ તેમણે વાઘની એક તસવીર રાખી છે, જે તેમણે ફોટોગ્રાફીની શરૂઆતમાં લીધેલી પ્રથમ તસવીરો પૈકીની એક છે. વાઈલ્ડ લાઈફના શોખને કારણે પર્યાવરણપ્રેમીઓ રાજી થયા છે. કેમ કે મહારાષ્ટ્રમાં પર્યાવરણ-વન્યજીવ સંરક્ષણને પ્રાધાન્ય આપી શકાશે. 

બાળા સાહેબ ફોટોગ્રાફર અને બહુ ઉત્તમ કાર્ટુનિસ્ટ હતા અને તેમના અનેક કાર્ટૂન્સ આજે પણ યાદગાર ગણાય છે. એ કળાનો વારસો તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરેમાં પણ ઉતર્યો છે. તેમની સાદગી તેમના પોશાકમાં દેખાય છે. એ વર્ષોથી નહીં દાયકાઓથી આવો ઝભ્ભો પહેરવાનું પસંદ કરે છે. પ્રસંગોપાત નવાં પ્રકારના કપડાં પહેરે ખરાં. બાકી તો ખાદીનો ઝભ્ભો અને ખાદીનો થેલો એમની ઓળખ હતી.

શિવસેનામાં ઉદ્ધવ ઠાકરે શરૂઆતથી એટલા સક્રિય ન હતા. તેમને આવા જાહેર જીવનમાં રસ પણ ન હતો. એટલે પ્રભાદેવી વિસ્તારમાં તેઓ ડિસ્પ્લે બોર્ડનો વ્યવસાય ચલાવતા હતા. અહીં તેઓ સામાન્ય નાગરિકની જેમ જ સવારના દસથી સાંજના છ-આઠ સુધી કામ કરતા. એ વખતે પણ તેઓ મરાઠી ટાઈગર ગણાતા બાળા સાહેબના દીકરા હતા જ, છતાં તેમના વાણી-વર્તનમાં તેની અસર જોવા મળતી ન હતી.

સીધા-સાદા મરાઠી માણુસ જેવું જ તેમનું વર્તન રહેતું હતું. એટલું જ નહીં ઘણા લોકોને તો ખબર પણ ન હતી કે તેઓ ઠાકરેપુત્ર છે. કેમ કે એ ક્યારેય પોતાની એ પાવરફૂલ ઓળખ જાહેર કરતા ન હતા. આસપાસના લોકોને મળે ત્યારે રાજકીયને બદલે પોતાના કામ-ધંધા કે માછલીઘરના શોખ અંગેની વાતો જ તેઓ કરતા. 

જો શિવસેનામાં ભંગાણ ન પડયું હોત અને રાજ ઠાકરેએ જિદ્દ ન પકડી હોત તો કદાચ તેઓ શિવસેનામાં આજે છે, એટલા આગળ ન હોત. એ વખતે તેમનું બીજું કામ શિવસેનાના મરાઠી દૈનિક 'સામના'ની રોજિંદી કામગીરી જોવાનું હતું. હવે જોકે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા એટલે તેમણે સામનાના તંત્રીપદેથી રાજીનામું આપ્યુ છે. 

શિવસેનાની સ્થાપના ૧૯૬૬માં થઈ હતી. બાળાસાહેબે ત્યારે મરાઠી યુવાનોને થતા અન્યાયને આગળ ધર્યો હતો. એ પછી આજ સુધી તેમના પક્ષે ભારતીય રાજકારણમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. બાકી એક રીતે જોવા જઈએ તો શિવસેના એ મહારાષ્ટ્ર રાજ્ય પુરતી મર્યાદિત સક્રિય હોય એવી સ્થાનિક રાજકીય પાર્ટી છે.

પરંતુ અત્યારે તેની સક્રિયતાએ દિલ્હીથી દોલતાબાદ સુધીના નેતોઆને દોડતા કરી દીધા છે. વળી જ્યારે ૨૦૦૨-૩ પછી શિવસેના અને જાહેર જીવનમાં તથા રાજકારણમાં સક્રિય થયા ત્યારે જ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટતા કરી હતી કે મારી પાર્ટી રિજનલ છે, પરંતુ ઓરિજનલ છે. એટલે એ પાર્ટી કંઈ ઉકાળી નહીં શકે એવો ભ્રમ તેમને ક્યારેય ન હતો અને હવે એવો બીજા ઘણાનો ભ્રમ પણ ભાંગી નાખ્યો છે. 

મોટા ભાગના રાજકીય પક્ષોએ સત્તા માટે આવા સમાધાનો કર્યા છે, કેમ કે કોઈ પણ રાજકીય પક્ષની સત્તાથી મોટી કોઇ વિચારધારા નથી હોતી. સત્તા ન મળે ત્યારે અમે વિચારધારા સાથે સમાધાન કરવા માંગતા ન હતા, એવુ હાથવગું કારણ રજૂ કરી દેવામાં આવે છે. 

લોકોને કદાચ કેમ સત્તા મળી છે, એમાં બહુ રસ નથી પડતો. લોકોને તો છેવટે પોતાના કામ થાય છે કે નહીં, નળમાં પાણી આવે છે કે નહીં, રોડ-રસ્તા ચાલે એવા છે કે નહીં, પ્રાથમિક સુવિધાઓ છે કે નહીં તેમાં રસ પડે છે. એ પછી સત્તા પર બેઠેલી કોઈ પણ વ્યક્તિ કેમ ન આપતી હોય. 

મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેનાનો બહુ ઊંડો અને બહુ ઊંચો પ્રભાવ રહ્યો છે. મુખ્યમંત્રી ગમે તે હોય, બાળાસાહેબ ઠાકરેને માફક ન આવે એવો નિર્ણય લેવામાં વિચાર કરવો પડતો હતો. ઠાકરે પરિવાર માટે સીધી રીતે સત્તામાં આવવાનો આ પહેલો પ્રસંગ છે, બાકી તો સત્તાવાર નિવાસસ્થાન માતોશ્રીમાં બેસીને જ તેમણે મરાઠાભૂમિ પર આણ વર્તાવી છે. અલબત્ત અગાઉ શિવસેનાને સત્તા મળી હતી, ૧૯૯૫થી ૧૯૯૯ વચ્ચે. એ વખતે બાળાસાહેબને મુખ્યમંત્રી બનવામાં રસ ન હતો, માટે શરૂઆતમાં નારાયણ રાણે અને પછી મનોહર જોશીએ ચીફ મિનિસ્ટરની ખુરશી સંભાળી હતી. 

અગાઉ કોઈ ઠાકરે પરિવારમાંથી સત્તામાં નથી આવ્યું એટલે હવે કોઈએ ન આવવુ જોઈએ એવો વિચાર વ્યાપકપણે ચાલી રહ્યો છે. પણ  સમય પ્રમાણે પરિવર્તન થાય એ પણ એટલું જ જરૂરી છે. અગાઉ કોઈએ ન કર્યું એ કરી દેખાડવામાં પણ સફળતા રહેલી છે. ઉદ્ધવ ઠાકરેએ કદાચ એ રસ્તે ચાલવાનું છે.

આમેય ભારતનું રાજકારણ ક્રિકેટ મેચ અને ચોમાસા કરતાં પણ અનિશ્ચિત છે. એટલે જેમને રાજકારણમાં આવવાનો સપનેય ખ્યાલ ન હોય એ સત્તા પર આવી જાય છે. એટલું જ નહીં લાંબો સમય ખેંચી પણ કાઢે છે. જેમ કે અરવિંદ કેજરીવાલ. દેશમાંથી ચોક્કસ વર્ગ ભલે તેને ગમેે તેટલી ગાળો દેતો હોય પણ દિલ્હીમાં કેજરીવાલે શાસન કરી દેખાડયું છે. આખા દેશમાં ઠેર ઠેર શાસન ધરાવતા રાજકીય પક્ષના મુખ્યમંત્રી ભલે ૮૦ કલાકમાં ઘરભેગા થતા હોય પણ કેજરીવાલે ૨૦૧૫થી આજ સુધી શાસન કરી દેખાડયું છે.

હવે ૨૦૨૦ની ચૂંટણીમાં તેમની લોકપ્રિયતા અને વિપક્ષોની ક્ષમતા બન્ને મપાશે. ઓડિશામાં ૧૯ વર્ષથી મુખ્યમંત્રી પદ સંભાળતા નવીન પટનાયકને તેમના પિતાના મૃત્યુ પછી અચાનક રાજકારણમાં આવવું પડયું. બાકી એ તો પક્ષની ઓફિસ પણ જતાં ન હતા.ઈતિહાસ સાક્ષી છે કે સીધા-સાદા માણસો રાજકારણમાં આવે તો બહુ ચાલતા નથી. અને એક વખત ચાલી જાય તો તેમની સામે કોઈનું ચાલતું નથી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો