દિલ્હીની વાત : ભાજપ ફડણવિસને વિપક્ષના નેતા નહીં બનાવે ?


ભાજપ ફડણવિસને વિપક્ષના નેતા નહીં બનાવે ?

નવી દિલ્હી,તા.27 નવેમ્બર 2019, બુધવાર

મહારાષ્ટ્રમાં ગુરૂવારે નવી સરકાર રચાશે પણ એ પહેલાં ભાજપમાં વિરોધ પક્ષના નેતા બનવા માટે ટાંટિયાખેંચ શરૂ થઈ ગઈ છે. દેવેન્દ્ર ફડણવિસ પાંચ વર્ષ મુખ્યમંત્રી હતા તેથી વિરોધ પક્ષના નેતા તરીકે એ જ પસંદ થશે એવું સૌ માની બેઠાં છે પણ અજીત પવારના ફિયાસ્કા પછી ભાજપમાં તેમને આ હોદ્દો નહીં આપવા રજૂઆત કરાઈ છે.

ફડણવિસે સત્તાની લાલચમાં અજીત પવાર પાસે પૂરતા ધારાસભ્યો છે કે નહીં તેની ચકાસણી ના કરી તેથી ભાજપની આબરૂનો ધજાગરો થયો એવી ફડણવિસના વિરોધીઓની દલીલ છે. શિવસેનાએ એકદમ બગાવતી તેવર બતાવ્યા તે માટે પણ ફડણવિસના અહંકારી વલણને જવાબદાર ગણાવાઈ રહ્યું છે.

ફડણવિસ વિરોધી આ ચળવળને નીતિન ગડકરીના આશિર્વાદ હોવાનું કહેવાય છે. ગડકરી ખુલ્લેઆમ મેદાનમાં નથી આવ્યા પણ તેમણે પોતાના માણસો મારફતે ફડણવિસનું પત્તું કાપવાનો ખેલ શરૂ કર્યાની ચર્ચા છે.

શાહનો કોંગ્રેસ-એનસીપી પર ખરીદીનો આક્ષેપ

મહારાષ્ટ્રમાં ભાજપ ઉંધા માથે પછડાયો તેના કારણે ભાજપમાં સન્નાટો છે. ભાજપના મોટા ભાગના નેતા મહારાષ્ટ્ર અંગે બોલવા તૈયાર જ નથી ત્યારે અમિત શાહ પોતે બચાવ માટે મેદાનમાં આવ્યા છે. એક મીડિયા હાઉસના કોન્કલેવમાં શાહે શિવસેનાને મુખ્યમંત્રીપદનું વચન આપ્યું હોવાનું નકાર્યું.

કોંગ્રેસ-એનસીપીએ શિવસેનાને મુખ્યમંત્રીપદની લાલચ આપીને ભાજપથી અલગ કરી તેને શાહે સોદાબાજી ગણાવીને દાવો કર્યો કે, શિવસેનાનો દરેક ધારાસભ્ય મોદીનું પોસ્ટર લગાવીને જીત્યો છે ત્યારે આ જોડાણ મહારાષ્ટ્રની પ્રજા સાથે દ્રોહ છે. જો કે શાહે પણ ભાજપે જેને મહાભ્રષ્ટાચારી ગણાવેલા તે અજીત પવારને કેમ નાયબ મુખ્યમંત્રીપદ આપ્યું એ મુદ્દો ટાળ્યો.

શાહના દાવાને રાજકીય વિશ્લેષકો લૂલો બચાવ માને છે. ભાજપે શિવસેનાને સત્તાથી દૂર રાખવા માટે જે કાવાદાવા કર્યા તે પછી ભાજપને સિધ્ધાંતો વિશે  બોલવાનો કોઈ હક નથી એવો તેમનો મત છે. ભાજપે મહારાષ્ટ્રમાં સત્તા સાથે આબરૂ પણ ખોઈ છે.

ખડસેએ ભાજપ હાઈકમાન્ડ સામે બાંયો ચડાવી

મહારાષ્ટ્રમાં ભાજપની આબરૂનો ફજેતો થયો તેની અસર દેખાવા માંડી છે. દેવેન્દ્ર ફડણવિસના કટ્ટર વિરોધી ગણાતા એકનાથ ખડસેએ અજીત પવાર જેવા ભ્રષ્ટાચારીનો ટેકો લેવા મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. ખડસેએ તો એવો કટાક્ષ પણ કર્યો કે, અજીતને ક્લીન ચીટ આપવા ભાજપે તેમની સામેના ભ્રષ્ટાચારના પુરાવા કચરાટોપલીમાં ફેંકી દીધા હોય એવું લાગે છે. ખડસેએ તો એવો દાવો પણ કર્યો કે, પોતે વિધાનસભાની ચૂંટણીમાં વધારે સક્રિય રહ્યા હોત તો ભાજપને ૨૫ બેઠકો વધારે મળી હોત અને કોઈનો ટેકો લેવાની જરૂર ના રહી હોત. ખડસેની આ ફટકાબાજી પછી હાઈકમાન્ડે તેમને ચૂપ રહેવાની સૂચના આપવી પડી છે. ભાજપે ચૂપ ના રહે તો ખડસે સામે પગલાં લેવાની ચીમકી પણ આપી છે. ખડસેએ આ ચીમકીને અવગણી નથી અને પોતે સાચું બોલશે જ તેવું એલાન કર્યું છે. જો કે ભાજપનાં સૂત્રો જ સ્વીકારે છે કે, ખડસે સામે પગલાં લેવાની ભાજપની તાકાત નથી. વિનોદ તાવડે, ચંદ્રશેખ બાવનકુલે સહિતના નેતા ખડસેની પડખે છે તે જોતાં ભાજપ અત્યારે કોઈ જોખમ ઉઠાવે તેમ નથી.  

કાશ્મીરની સરખામણી પેલેસ્ટાઈન સાથે કરાતાં વિવાદ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ન્યુ યોર્ક ખાતેના ભારતીય કોન્સ્યુલ જનરલ સંદીપ ચક્રવર્તીના વીડિયોએ મોદી સરકારને દોડતી કરી દીધી છે. આ વીડિયોમાં ચક્રવર્તી કાશ્મીરની સરખામણી પેલેસ્ટાઈન સાથે કરે છે. ઈઝરાયલે યહૂદીઓને પેલેસ્ટાઈનમાં વસાવ્યા એ રીતે ભારત પણ કાશ્મીરીઓને પાછા વસાવી શકે છે એવો તેમનો સૂર છે. ચક્રવર્તી કાશ્મીરી કલ્ચરને હિંદુ કલ્ચર પણ ગણાવે છે.

મોદી સરકાર પોતે સત્તાવાર રીતે પેલેસ્ટાઈન અને કાશ્મીરને બે અલગ મુદ્દા ગણાવે છે. બંનેની સરખામણી શક્ય નથી એવું સરકાર વારંવાર કહી ચૂકી છે. ચક્રવર્તીનું નિવેદન સરકારના સત્તાવાર વલણથી વિરૂધ્ધ છે. મુસ્લિમ રાષ્ટ્રોને પેલેસ્ટાઈનમાં યહૂદીઓને વસાવાયા તેની સામે ઉગ્ર વિરોધ છે. ચક્રવર્તીની વાતનો એવો અર્થ કઢાયો છે કે, ભારત પણ ઈઝરાયલની જેમ કાશ્મીરમાં બહારથી લાવીને હિંદુઓને વસાવવા માંગે છે.

મોદી સરકાર કાશ્મીર મુદ્દે અત્યારે કોઈ વિવાદ નથી ઈચ્છતી. ચક્રવર્તીએ વિવાદ ખડો કરી દીધો છે ત્યારે આ વિવાદ તેમનો ભોગ લઈ શકે છે.

મોદી સરકાર ચીન સામે નબળી સાબિત થઈ

પાકિસ્તાનને પાઠ ભણાવવાનો દાવો કરતી મોદી સરકાર ચીન સામે નબળી પુરવાર થઈ છે. મોદી સરકારે લોકસભામાં આપેલા જવાબ પ્રમાણે, ૨૦૧૮માં ચીની સૈનિકોએ ભારતની સીમાનો ભંગ કરીને ઘૂસણખોરી કરી હોય તેવા ૩૨૬ બનાવો નોંધાયા હતા. મોદી સરકારે એવો બચાવ કર્યો કે, બંને દેશોની સરહદ નક્કી નહીં હોવાથી બંને દેશોની પેટ્રોલિંગ કરી રહેલી ટુકડીઓ પોતે સરહદ માનતી હોય તે વિસ્તાર સુધી ઘૂસી જાય છે તેના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.

મોદી સરકારનો આ બચાવ ગળે ઉતરે તેવો નથી. અંકુશરેખા નહી હોવાના કારણે આ પ્રકારની ઘટના ક્યારેક બને એ સમજી શકાય પણ અહીં તો રોજની લગભગ એક ઘટના નોંધાઈ છે. ચીનનું લશ્કર દરરોજ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરે ને તેને રોકી ના શકાય એ ઘટના ગંભીર ગણાય જ. ચીન ભારતના પ્રદેશો પચાવી રહ્યું છે તેવા આક્ષેપોના કારણે આ બાબતની ગંભીરતા વધી જાય છે.

સિગારેટ મુદ્દે મોદી સરકારનાં બેવડાં ધોરણ

બુધવારે સંસદમાં ઈ-સિગારેટ પર પ્રતિબંધ મૂકતો ખરડો પસાર થઈ ગયો. આ ખરડાના કારણે ઈ-સિગારેટના ઉત્પાદન, બનાવટ, આયાત, નિકાસ, વેચાણ, વિતરણ, સંગ્રહ, જાહેરખબર વગેરે પર પ્રતિબંધ આવી ગયો છે. આ પ્રતિબંધનો ભંગ કરનારને એક વર્ષ સુધીની જેલની સજા તથા એક લાખ રૂપિયા સુધીનો દંડ કે બંને થઈ શકશે.

આ નિર્ણય લોકોના હિતમાં છે પણ તેના કારણે મોદી સરકારનાં બેવડાં ધોરણ છતાં થઈ ગયાં. મોદી સરકારે ઈ-સિગારેટ પર પ્રતિબંધ મૂક્યો પણ તમાકુની સિગારેટ પર પ્રતિબંધ નથી મૂક્યો. તમાકુની સિગારેટ સ્વાસ્થ્ય માટે ઈ-સિગારેટ કરતાં વધારે ખતરનાક છે પણ તેમાંથી સરકારને જંગી કમાણી થાય છે. કમાણીના લોભમાં સરકાર લોકોને મોતના મોંમાં ધકેલી રહી હોવાના આક્ષેપ પણ સંસદમાં થયા. આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધન તેનો જવાબ ના આપી શક્યા. તેમણે એવી દલીલ કરી કે, તમાકુ પર પ્રતિબંધ નથી તેથી ઈ-સિગારેટ પર પ્રતિબંધ ના મૂકાય એવી દલીલ યોગ્ય નથી. જો કે એ તમાકુની સિગારેટ પર પ્રતિબંધ ક્યારે મૂકાશે તેનો જવાબ ગૂપચાવી ગયા.

***

એનસીપીમાં ભંગાણ નાટક કે પછી વાસ્તવિકતા હતી?

કોંગ્રેસ અને એનસીપીના કેટલાક નેતાઓ  દાયકાઓથી શરદ પવાર તેમના રાજકીય ખેલમાં  એક કોયડા તરીકે જોઇ રહ્યા છે. શરદ પવારની એ વાત કે અજીત પવારે પોતાની સાથે ૫૪ ધારાસભ્યો છે તેવી ભાજપ સાથે કરેલી સોદાબાજીને અલગ જ રીતે જોઇ રહ્યા હતા.પરંતુ તેમને આશ્ચર્ય પણ થાય છે કે એનસીપીમાં પડેલું ભંગાણ ખરૂ હતું કે માત્ર દેખાવ જેને ખૂબ જ સિફતપૂર્વક શરદ પવારે પાર પાડયું હતું. શું હજુ પણ પવાર કોઇ રમત રમશે? શું તેઓ ભાજપને કોઇ ફાયદો કરાવી આપશે?પવાર માટે એમ કહેવાય છે કે તેમનો જમણો હાથ જે કરે છે તેની ડાબા હાથને ખબર પડતી નથી.તેમની શંકાનું મુખ્ય કારણ એ છે કે  અજીતે પોતે બળવો કર્યો હતો તેનો ઇનકાર કરે છે અને ફરીથી તેને એનસીપીના વિધાનસભામાં પક્ષના નેતા પણ બનાવી દેવામાં આવશે. આજે શપથગ્રહણ કરતાં પહેલા અજીત પવારે કહ્યું હતું કે 'પાછા જવાનો કોઇ અર્થ જ નથી. હું એનસીપી સાથે છું અને રહીશ, બસ મારે હવે કશું જ કહેવું નથી. સમય આવશે ત્યારે આખી વાત કરીશ.હું એનસીપીમાં છું અને રહીશ. હવે કોઇ  મુંઝવણ ઊભી ના કરતા'.

સુપ્રિયાનો નવો અવતાર નવી અટકળોને જન્મ આપે છે.થોડા સમય પહેંલા જ એનસીપીના વડા શરદ પવારે કહ્યું હતું કે ત્રણ વખતની સાસંદ પુત્રી સુપ્રિયાને હું મહારાષ્ટ્રના રાજકારણમાં લાવવા ઇચ્છતો નથી.ખૂદ સુપ્રિયાએ પણ અનેક વખતે કહ્યું હતું કે મારી ભૂમિકા દિલ્હીમાં છે અને મહારાષ્ટ્રમાં મારો કઝીન અજીત છે જ. પરંતુ અજીતની દગાખોરી અને ખૂદ પોતાની કટોકટીમાં સક્રિયતાથી એવી અટકળો થવા લાગી છે કે હવે સુપ્રિયા જ એનસીપીની ચીફ બનશે. આજે તેઓ તમામ ધારાસભ્યોને અને ભાઇ અજીતને વિધાનસભામાં આવકારતા દેખાયા હતા. અગાઉ તેમણે અજીત પવાર પર ગુસ્સો ઉતાર્યો હતો અને તેને દગાખોર કહ્યો હતો. પરિવાર અને પક્ષમાં તેણે ફાંટા પાડયાનો પણ સુપ્રિયાએ આક્ષેપ કર્યો હતો. ઉપરાંત પક્ષમા પોતાનું સ્થાન મજબૂત કરવામાં પણ તેણે અસાધારણ કામગીરી બજાવી હતી.

ખાસતો ધારાસભ્યોને કોઇ ઉપાડી ના જાય એટલા માટે કામગીરી બજાવી હતી. અજીતે બળવો ત્યાર પછી તે હમેંશા પોતાના પિતાની પડખે જ ઊભી હતી. તેમની અગાઉની ભૂમિકા કરતાં આજની ભૂમિકા તદ્દન અલગ હતી જ્યાં તેઓ એનસીપીની દરેક બેઠકમાંહાજર રહેતા હતા. જો છેલ્લા ચાર દિવસોને જોવામાં આવે તો ખબર પડશે કે તેણે કેવી કામગીરી બજાવી હતી.તેઓ ઉદ્ધવના પત્ની રશ્મીની સાથે તેઓ દેખાયા હતા. પરંતુ જુજ લોકોને જ ખબર છે કે સુપ્રિયાના ઠાકરે પરિવાર સાથે પણ સબંધ છે. તેમના પતિ સદાનંદ સુલે બાળ ઠાકરેનો ભત્રીજો થાય. ચાર માર્ચ,૧૯૯૧માં સુપ્રિયા સાથે તેમના લગ્ન થયા હતા. અમેરિકામાં નોકરી કરી રહેલા સદાનંદને પરિવારના એક મિત્રના ઘરે સુપ્રિયા ત્યાં જ મળી હતી.ત્યાર પછી બાળ ઠાકરે અને પૂર્વ વડા પ્રધાન ચંદ્રશેખરે તેમના લગ્ન ગોઠવવામાં બંનેએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

સેનાના સાંસદોની માગ વધી

શિવસેનાની અત્યારે જેટલી ડીમાંડ છે એવી અગાઉ ક્યારે પણ નહતી. પત્રકારો દરરોજ સંજય રાઉતને મળવા માટે રાહ જુએ છે. તેઓ એ જાણવા ઇચ્છતા હોય છે કે મુંબઇમાં શું ચાલે છે.રાઉત પણ દરરોજ કંઇને કંઇ માહિતી આપતા જ હોય છે.આજે તેમણે કહ્યું હતું કે 'આમારૂં વિમાન આજે છટ્ટા માળે ઉતર્યું હતું, શી ખબર દિલેહીમાં પણ ઉતરી શકે છે.નોંધનીય છે કે શરદ પવાર અને પ્રફુલ પટેલ પાસે ભાગ્યેજ કોઇ પત્રકાર જાય છે.

ઉદ્ધવ ઠાકરે ની તબીયત ચિંતાજનક

 મહારાષ્ટ્રમાં  મુખ્ય મંત્રી બનનાર ૫૭ વર્ષના ઉદ્ધવ ઠાકરેના નજીકના સૂત્રો અનુસાર, ૨૦૧૬માં હૃદયની સર્જરી કરાવ્યા પછી તેના શરીરમાં ૧૨ સ્ટેન્ટ ફિટ કરવામાં આવ્યા હતા.તેઓ મુંબઇમાં લગભગ ચાર કલાક સુધી ઉંધ્યા જ નહતા એટલા માટે તેમના પત્ની રશિમી અને વરલીથી ચૂંટાઇને ધારાસભ્ય બનેલા પુત્ર આદિત્ય ખૂબ જ ચિંતિત હતા. તેઓ આશા રાખે છે કે મુખ્ય મંત્રીના શપથ પછી તેઓ ઉંઘી શકશે.

મહારાષ્ટ્ર કોયડાના કાનુનવિદો લગ્ન સમારંભમાં જોડે જ હતા

મહારાષ્ટ્રની કાનુની લડાઇના બે વકીલો કપિલ સિબલ અને મુકુલ રોહતગી ખૂબ જુના મિત્રો છે. બંને જણા જયપુરમાં એક લગ્ન સમારંભમાં હતા ત્યારે શિવસેનો એ સિબલને અને  ભાજપે રોહતગીને ફોન આવ્યા હતા. બંનેને રવિવારે સવારે દિલ્હી પહોંચી બીજા દિવસે એક બીજા સામે કોર્ટમાં ઊભા રહેવા  કહેવામાં આવ્યું હતું.માત્ર આંખના પલકારામાં જ મિત્રો હરિફ બની ગયા. દિલ્હી પહોંચવા માટે તેમને ચાર્ટડ પ્લાને આપવામાં આવ્યા હતા. દેખીતી રીતે તેઓ અલગ અલગ દિલ્હમાં પહોંચ્યા અને તેમના જુનિયરોએ તેમને કેસ અંગે જાણકારી આપી હતી.

રાહુલ ગાંધી ક્યાં હતા?

કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધી લોકસભાના  આખા પ્રથમ સપ્તાહમાં ગાયબ હતા, જો કે તેમના નામે અનેક સવાલો પૂછવાના હતા. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ તેમની ગેરહાજરી અંગે કટાક્ષ કર્યો હતો. અનેક સવાલો તેમને પૂછવાના હતા, પરંતુ સવાલ પૂછનાર હાજર જ નહતા. રાહુલ ગાંધી ગાયબ હતા. હમેંશની જેમ આ વખતે પણ તેઓ ક્યાંછી તેની કોઇને જાણ નહતી. કોંગ્રેસના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી મ્યાંમાર, કમ્બોડિયા અને વિયેતનામ ગયા હતા.

 - ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો