વડાપ્રધાન મોદીએ 10 કરોડ ખેડૂતોના ખાતામાં રૂ. 21,000 કરોડ ટ્રાન્સફર કર્યા
- સરકાર એવી સમસ્યાઓ ઉકેલી રહી છે, જે અગાઉ કાયમી સમસ્યા મનાતી
- અગાઉની સરકારો ભ્રષ્ટાચારને વ્યવસ્થાનો ભાગ માની ઘૂંટણીયે પડી હતી, અમે ટેક્નોલોજીની મદદથી ભ્રષ્ટાચાર ઘટાડયો : પીએમ
શિમલા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના શિમલામાં આયોજિત 'ગરીબ કલ્યાણ સંમેલન' કાર્યક્રમમાં ૧૦ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિના રૂ. ૨૧,૦૦૦ કરોડ ટ્રાન્સફર કર્યા હતા. વડાપ્રધાન મોદીએ એનડીએ સરકારના શાસનના આઠ વર્ષ પૂરા થવાની ઊજવણીના પ્રસંગે શિમલામાં એક રોડ શોમાં ભાગ લીધો હતો, જ્યાં તેમના પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. આ સાથે વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સથી દેશભરના ખેડૂતો સાથે વાતચીત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકાર એવી સમસ્યા ઉકેલી રહી છે કે જે અગાઉ કાયમી સમસ્યા માનવામાં આવતી હતી. અમે મતબેન્ક માટે નહીં પણ નવા ભારતનું નિર્માણ કરવા માટે કામ કરી રહ્યાં છીએ. મારી પાસે ૧૩૦ કરોડ ભારતીયોનો પરિવાર છે અને આ જીવન પણ તેમના સૌના માટે છે.
વડાપ્રધાન મોદીએ હિમાચલ પ્રદેશના શિમલા ખાતેથી ગરીબ કલ્યાણ સંમેલનને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. તે સમયે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. મોદીએ તેમની સરકારના આઠ વર્ષ પૂરાં થવાના અવસરે ગુજરાત સહિત દેશના રાજ્યોના પાટનગર, જિલ્લા હેડક્વાર્ટ્સ અને કૃષિ વિજ્ઞાાન કેન્દ્રોમાં કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે લોકોના પ્રતિભાવ મેળવ્યા હતા.
તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના ૧૦ કરોડ કરતાં વધુ લાભાર્થીઓને ૨૧૦૦૦ કરોડની રકમ ટ્રાન્સફર કરી હતી અને કલ્યાણકારી યોજનાઓ અંગે લોકોના પ્રતિભાવ લીધા હતા. મહેસાણાના રહેવાસી અને પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના લાભાર્થી અરવિંદે કહ્યું હતું કે મંડપ ડેકોરેશનના કારણે તેમના વ્યવસાયનું વિસ્તરણ થયું છે અને તેઓ ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપી રહ્યાં છે.
મોદીએ કહ્યું કે હું વડાપ્રધાન નહીં પરંતુ ૧૩૦ કરોડ ભારતીયોના પરિવારનો એક સભ્ય છું. હું જ્યારે ફાઇલ પર સહી કરૂં છું ત્યારે વડાપ્રધાનની જવાબદારી લઉં છું પરંતુ તે ક્ષણ પૂર્ણ થઇ જાય પછી તુરત જ હું વડાપ્રધાન રહેતો નથી અને પરિવારોનો એક સભ્ય તેમજ પ્રધાન સેવક બની જાઉં છું. હું દેશ માટે જે કંઇ કરી શકું છું તે સૌના આશીર્વાદથી શક્ય બને છે.
તેમણે કહ્યું કે અગાઉની સરકારોએ ભ્રષ્ટાચારની સામે લડવાના બદલે તેને આપણી પ્રણાલીનો એક આવશ્યક હિસ્સો માની લીધો હતો, સરકાર તેની સામે ઘુંટણિયે પડી ગઇ હતી અને પછી લોકોને સ્પષ્ટપણે દેખાતું હતું કે, સરકારી યોજનાઓ હેઠળ તેમના માટે આપવામાં આવતા નાણાં જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તે પહેલાં જ તેને લૂંટી લેવામાં આવે છે.
આજે જનધન-આધાર અને મોબાઇલની ત્રિપુટીના કારણે લાભાર્થી સુધી તેમના નાણાં સીધા જનધન બેન્કના ખાતામાં જમા થઇ રહ્યાં છે. લોકો માટે સરકારનો અર્થ બદલાઇ ગયો છે અને સરકાર લોકો માટે કામ કરી રહી છે. ટેકનોલોજીની મદદથી ભ્રષ્ટાચારની સંભાવના ઓછી કરી દેવામાં આવી છે. દેશના વધી રહેલા કદ વિશે ટિપ્પણી કરતા મોદીએ જણાવ્યું હતું કે આજે, ભારત મજબૂરીમાં લોકો સામે મિત્રતાનો હાથ નથી લંબાવતું પરંતુ મદદનો હાથ લંબાવે છે. કોરોના સંક્રમણના સમયગાળા દરમિયાન પણ આપણે ૧૫૦ કરતાં વધારે દેશોમાં દવાઓ અને રસી મોકલી છે.
Comments
Post a Comment