વર્ષ 2022માં સરકારની નાણાંકીય ખાધ 15.87 લાખ કરોડ રહી, GDPના 6.7%
અમદાવાદ,તા. 31 મે 2022,મંગળવાર
નાણાંકીય વર્ષ 2021-22માં ભારતની નાણાંકીય ખાધ સરકારના બજેટ અનુમાનની આસપાસ જ જોવા મળી છે. ગત નાણાંકીય વર્ષમાં સરકારની રાજકોષીય આવક અને જાવક વચ્ચેનો તફાવત 15.87 લાખ કરોડ રૂપિયા રહી છે.
કેન્દ્ર સરકારે આજે જાહેર કરેલ આંકડા અનુસાર નાણાંકીય વર્ષ 2022માં દેશની નાણાંકીય ખાધ કુલ જીડીપીના 6.7% રહી છે. જોકે આ આંકડો સુધારેલા અંદાજ કરતા 20 બેસિસ પોઈન્ટ ઓછો છે.
કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટના રિપોર્ટ અનુસાર સરકારે ગત વર્ષે 15.87 લાખ કરોડની ખાધ નોંધાવી છે જે સરકારના બજેટમાં સંશોધિત કરેલ 15.91 લાખ કરોડના અનુમાનની સામાન્ય ઓછી છે. સરકારે બજેટમાં મુકેલ ટાર્ગેટ કરતા વાસ્તવિક ખાધ 4552 કરોડ રૂપિયા ઓછી રહી છે.
31મી મેના રોજ જાહેર થયેલ આંકડા માર્ચ, 2022ના છે. માર્ચ મહિનામાં સરકારે રૂ. 2.70 લાખ કરોડની રાજકોષીય ખાધ નોંધાવી છે. માર્ચ, 2021માં ભારત સરકારને 4.13 લાખ કરોડની ખાધ થઈ હતી.
FY21ના છેલ્લા મહિનામાં કેન્દ્રે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં લીધેલી લોનની પતાવટ કરતા માર્ચના સરકારી ખર્ચમાં ઉછાળો જોવા મળ્યો હતો.
ત્રિમાસિક એડવાન્સ ટેક્સ ચૂકવણીને કારણે ટેક્સની કુલ આવક 61.5 ટકા વધીને રૂ. 3.39 લાખ કરોડ થતા માર્ચમાં સરકારની કુલ આવક વાર્ષિક ધોરણે 36.6 ટકા વધીને રૂ. 3.80 લાખ કરોડ થઈ હતી. જોકે કર સિવાયની આવક(નોન ટેક્સ રેવન્યુ) 29.1 ટકા ઘટી હતી.
સમે પક્ષે ખર્ચના લેખા-જોખાં જોઇએ તો માર્ચમાં કુલ ખર્ચ વાર્ષિક ધોરણે 5.9 ટકા ઘટીને રૂ. 6.50 લાખ કરોડ રહ્યો હતો. જોકે નાણાંકીય વર્ષ 2022ના છેલ્લા મહિનામાં મૂડી ખર્ચ રૂ. 1.08 લાખ કરોડના અગાઉના વર્ષના સમાન સમયગાળાની તુલનામાં પાંચ ગણો વધારે હતો. માર્ચમાં મૂડીખર્ચમાં તીવ્ર વધારા છતા કેન્દ્ર સરકારે સમગ્ર નાણાંકીય વર્ષ માટે નક્કી કરેલ લક્ષ્યાંક કરતા કુલ ખર્ચ રૂ. 9135 કરોડ ઓછો રહ્યો છે.
FY22માં કુલ આવકો(રીસિપ્ટ્સ) સુધારેલા અંદાજ કરતા રૂ. 28,723 કરોડ વધી હતી, જ્યારે કુલ ખર્ચ અંદાજ કરતાં રૂ. 24,171 કરોડ વધુ હતો.
Comments
Post a Comment