ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલના વેવાઈના બંગલામાં થયેલી હત્યા કેસનો આરોપી ઝડપાયો
- કોઈ કામધંધો ન હોવાથી આરોપી રાજકોટ ચોરીના ઈરાદે આવ્યો હતો અને સિક્યોરિટી ગાર્ડે પ્રતિકાર કરતાં તેમની હત્યા કરી હતી
રાજકોટ, તા. 28 મે 2022, શનિવાર
રાજકોટના અમીન માર્ગ પાસે આવેલી વિદ્યાકુંજ સોસાયટીની શેરી નં-1માં ગત તા. 24-05-2022ના રોજ હત્યાની એક ઘટના બની હતી. તે બંગલો ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના વેવાઈ પ્રવિણ પટેલનો હતો અને આરોપીએ વિષ્ણુ નામના સિક્યોરિટી ગાર્ડની હત્યા કરી હતી. રાજકોટ પોલીસે હત્યાના આરોપીની રાજસ્થાન ખાતેથી ધરપકડ કરી લીધી છે.
પોલીસે ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓ.જી માલવીયાનગર પોલીસ સ્ટેશનની વિવિધ ટીમ તથા બાતમીદારો અને સીસીટીવી ફુટેજ વગેરેની મદદથી આરોપીની ધરપકડ કરી લીધી છે. સીસીટીવી ફુટેજ અને ટેક્નિકલ સોર્સ વગેરેની મદદથી આરોપી રાજસ્થાનમાં હોવાની જાણ થઈ હતી અને તેને ઝડપી લેવામાં આવ્યો છે.
આરોપી અનીલ કરમાભાઈ મીણા (ઉં. 19 વર્ષ)એ ચોરી કરવાના ઈરાદે મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ઘરની દેખરેખ રાખનારા 68 વર્ષીય વિષ્ણુભાઈ ચકુભાઈ ઘુચલાની માથા અને ગળાના ભાગે ડિસમિસના ઘા કરીને હત્યા કરી દીધી હતી.
મૂળે રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં આવેલા સેમારી તાલુકાના ભોરાઈ ગામનો આરોપી કોઈ કામધંધો ન હોવાથી ચોરી કરવા માટે રાજકોટ ગયો હતો અને બંગલાના સિક્યોરિટી ગાર્ડે પ્રતિકાર કરતાં તેમની હત્યા કરી હતી અને બાદમાં ચોરી કર્યા વગર નાસી ગયો હતો.
હત્યાની ઘટના બની તે 'ઈશાવાસ્યમ' નામનો બંગલો ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલના વેવાઈનો છે. જોકે પ્રવીણભાઈ હાલ વડોદરા રહે છે. રાજકોટ પોલીસે આ મામલે સીસીટીવી ફુટેજ જાહેર કરીને આરોપીને ઓળખી આપનારને યોગ્ય ઈનામ આપવામાં આવશે તથા તેની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
Comments
Post a Comment