સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં PM મોદી-શાહની ઉપસ્થિતિ, નેનો યુરિયા પ્લાન્ટનું લોકાર્પણ


-  ઘણાં લાંબા સમય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બંને એક કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા

અમદાવાદ, તા. 28 મે 2022, શનિવાર

PM મોદી અને અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. સવારે તેમણે આટકોટમાં મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું અને જાહેર કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. ત્યારે હવે PM મોદી અને અમિત શાહ ગાંધીનગર પહોંચ્યા છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'સહકારથી સમૃદ્ધિ' કાર્યક્રમની શરૂઆતમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું.

ત્યાર બાદ 'સહકારથી સમૃદ્ધિ' કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતના સહકાર મોડેલને સફળ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, મોદી સરકારના સમયમાં સહકાર મંત્રાલયની રચના કરવામાં આવી અને આ પગલું આગામી 100 વર્ષ સુધી સહકારી આંદોલનમાં પ્રાણ ફુંકશે. આ સાથે જ તેમણે બજેટમાં સહકારીતા મંત્રાલય બનાવવા સહિત જે અનેક નિર્ણયો લેવામાં આવ્યા તેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે રાજ્યના 6 જિલ્લાઓમાં સંપૂર્ણપણે કોઓપરેટિવ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના કલોલમાં આવેલા IFFCO ખાતે નેનો યુરિયા પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું.  

ઉલ્લેખનીય છે કે, ઘણાં લાંબા સમય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બંને એક કાર્યક્રમમાં સાથે જોવા મળી રહ્યા છે. આ કાર્યક્રમમાં 7,000થી પણ વધારે પ્રતિનિધિઓ સહભાગી બની રહ્યા છે. 

PM મોદીનું  સંબોધન

વડાપ્રધાન મોદીએ કહ્યું કે કલોલોમાં જે આધુનિક પ્લાન્ટ લગાવામાં આવ્યા છે તેની કેપિસિટી દોઢ લાખ બોટલના ઉત્પાદનની છે. આગામી સમયમાં આવા બીજા 8 પ્લાન્ટ લગાવવામાં આવશે. જેનાથી વિદેશ પર યુરિયાની નિર્ભરતા ઓછી થશે. વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભવિષ્યમાં અન્ય નેનો ફર્ટિલાઈઝર પણ આપણા ખેડૂતોને મળી શકે છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ખેડૂતોને મુશ્કેલી ન પડે એટલા માટે કેન્દ્ર સરકારે ગયા વર્ષે 1.60 લાખ કરોડ રૂપિયાની સબસિડી ફર્ટિલાઈઝરમાં આપી છે. ખેડૂતોને મળનારી રાહત આ વર્ષે 2 લાખ કરોડ રૂપિયાથી વધારે થશે. 

પીએમ મોદીએ કહ્યું કે, 7થી 8 વર્ષ પહેલા સુધી અહીં વધારે પડતુ યુરિયા ખેતરમાં જવાને બદલે કાળા બજારનો શિકાર થતુ હતું. અને ખેડૂતો પોતાની જરૂરત માટે લાઠી ખાવા માટે મજબૂર થતા હતા. 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત વિદેશોથી જે યુરિયા મંગાવે છે તેમાં યુરિયાનું 50 કિલોનું એક બેગ 3,500 રૂપિયામાં  પડે છે. પરંતુ દેશમાં ખેડૂતોને તે જ યુરિયાનું બેગ માત્ર 300 રૂપિયામાં આપવામાં આવે છે. એટલે કે, યુરિયાની એક બેગ પર આપણી સરકાર 3,200 રૂપિયાનો ભાર વહન કરે છે. 

પીએમ મોદીએ કહ્યું કે, ડેરી સેક્ટરના કો-ઓપરેટિવ મોડલનું ઉદાહરણ આપણી સામે છે. આજે ભારત દુનિયાનો સૌથી વધુ દુધ ઉત્પાદક દેશ છે જેમાં ગુજરાતની મહત્વપૂર્ણ ભાગીદારી છે. તેમણે આગળ કહ્યું કે, ગુજરાતમાં દૂધ આધારિત ઉદ્યોગોનું વ્યાપક પ્રસાર એટલા માટે થયો કારણ કે, આમાં સરકાર તરફથી પ્રતિબંધો ઓછા હતા. 

મોદીએ કહ્યું કે, સહકારની સ્પિરિટને આઝાદીના અમૃતકાળની સ્પિરીટ સાથે જોડવા માટે અમે નિરંતર આગળ વધી રહ્યા છે. આ જ ઉદ્દેશ્ય સાથે કેન્દ્રમાં સહકારીતા માટે અલગ મંત્રાલયનું ગઠન કરવામાં આવ્યું છે. દેશમાં સહકારી આધારિત આર્થિક મોડલને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો