રાજકોટઃ 250થી પણ વધારે વિદ્યાર્થીઓએ નકલી માર્કશીટ દ્વારા મેળવી સરકારી નોકરીઓ
- 38 વર્ષથી ધમધમી રહેલા નકલી માર્કશીટના કૌભાંડના મુખ્ય સૂત્રધારની ધરપકડ
રાજકોટ, તા. 21 મે 2022, શનિવાર
રાજકોટ શહેરમાં છેલ્લાં 38 વર્ષથી ધમધમી રહેલા બોગસ ડિગ્રી અને સર્ટિફિકેટ કૌભાંડમાં ઓછામાં ઓછા 250 જેટલા યુવાનોએ સશસ્ત્ર સેવાઓ સહિતના વિવિધ સરકારી વિભાગોમાં નોકરી મેળવી હોવાનું સામે આવ્યું છે.
આ કેસની તપાસ કરી રહેલી રાજકોટની ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાંચ (DCB)એ આ સમગ્ર રેકેટના મુખ્ય સૂત્રધાર એવા અમરેલી જિલ્લાના ખાંભા ખાતેના રહેવાસી કેતન જોશી, દિલ્હીની તનુજા સિંઘ, જામનગરના જીતેન્દ્ર પિઠડીયા અને રાજકોટના પારસ લાખાણીની ધરપકડ કરી છે.
રાજકોટની જે સંસ્થા ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો તેનું સંચાલન 62 વર્ષીય જયંતિ પટેલ કરી રહ્યા હતા જેમની અગાઉ ધરપકડ કરવામાં આવેલી છે.
તપાસ અધિકારી વાય.બી. જાડેજા દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આરોપીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે દિલ્હી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ માટેની સમાંતર વ્યવસ્થા કરી હતી જેનું સંચાલન તનુજા કરતી હતી.
તપાસ અધિકારી જાડેજાએ જણાવ્યું કે, કેતન જોશી આ સમગ્ર રેકેટનો માસ્ટરમાઈન્ડ છે. તેમણે સૌએ વર્ષ 2011માં દિલ્હીના ડુપ્લિકેટ એજ્યુકેશન બોર્ડની રચના કરી હતી જેના દ્વારા 14 રાજ્યો અને 49 શહેરોની 54 શાળાઓને બોગસ જોડાણ આપવામાં આવ્યું હતું. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, મેઘાલય, પંજાબ, બિહાર, હરિયાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી, કેરળ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. ધરપકડ કરવામાં આવી છે તે આરોપીઓની પુછપરછ દરમિયાન આ સમગ્ર માહિતી સામે આવી હતી.
DCB અધિકારીઓના કહેવા પ્રમાણે માત્ર ગુજરાતના જ 8,500થી વધારે લોકોએ 10,000થી લઈને 15,000 જેટલા રૂપિયા ચુકવીને આરોપીઓ પાસેથી નકલી માર્કશીટ અને પ્રમાણપત્રો મેળવ્યા હતા. તેના આધાર પર વિદ્યાર્થીઓએ રેલવે, પેટ્રોલિયમ ડિપાર્ટમેન્ટ, એરફોર્સ, પેરામિલિટ્રી ફોર્સ, પોસ્ટ ઓફિસ તથા તે સહિતના વિવિધ સરકારી વિભાગોમાં નોકરી મેળવી હતી.
DCB દ્વારા તાજેતરમાં જ એક વિદ્યાર્થી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે 12મા ધોરણની પરીક્ષામાં નાપાસ થયો હતો પરંતુ તેણીએ આરોપીઓ પાસેથી નકલી માર્કશીટ મેળવીને ઉદયપુર ખાતેની ડેન્ટલ કોલેજમાં એડમિશન મેળવ્યું હતું. તેણીએ કોવિડ-19 મહામારી દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે 3 મહિના સુધી કામ પણ કર્યું હતું.
DCBએ ગત 10 મેના રોજ નાના માવા રોડ પર આવેલા માધવ કોમ્પ્લેક્ષ ખાતેની જયંતિ પટેલની ઓફિસે દરોડો પાડીને 1983ના વર્ષથી ધમધમી રહેલા આ કૌભાંડનો ઘટસ્ફોટ કર્યો હતો. 62 વર્ષીય જયંતિ પટેલે પોતે હજારો ડિગ્રીઓ અને નકલી માર્કશીટ બનાવી આપ્યાનું કબૂલ્યું હતું. મોટા ભાગે લોકલ ઈન્ડસ્ટ્રીઝમાં નોકરી મેળવવા ઈચ્છુક યુવાનોને આ પ્રકારની બોગસ ડિગ્રીઓ-માર્કીશટ વગેરે બનાવી આપવામાં આવ્યા હતા.
Comments
Post a Comment