ચલણી નોટોનું પ્રમાણ વધી રૂ.31 લાખ કરોડ


- ડિજિટલ ઈન્ડિયાની વાતો વચ્ચે બજારમાં રોકડના ચલણમાં 10 ટકાનો વધારો 

- ત્રણ વર્ષમાં રૂ. 2000ની 2.44  લાખ કરોડની નોટો ચલણમાંથી અલોપ થઈ, માર્ચ 2022માં ચલણી નોટોમાં તેનો હિસ્સો માત્ર 1.6 ટકા રહ્યો

- નોટબંધી પછી છ વર્ષમાં ડિજિટલ વ્યવહારોના પ્રચાર વચ્ચે રોકડનું પ્રમાણ રૂ. 17 લાખ કરોડથી લગભગ બમણું વધ્યું 

- સિક્કાનું ચલણ પણ 4.1 ટકા વધીને 27,970 કરોડ થયું, સૌથી વધુ રૂ. પાંચનો સિક્કો ચલણમાં

- દેશમાં સૌથી વધુ રૂ. 500ની 4,554 કરોડ, સૌથી ઓછી રૂ. 2,000ની 21,420 નોટો ચલણમાં

મુંબઈ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૬માં નોટબંધી લાગુ કર્યા પછી નાણાકીય વ્યવહારોમાં પારદર્શીતા લાવવા તેમજ નોટોના પ્રિન્ટિંગ, પરિવહનનો ખર્ચ ઘટાડવાના હેતુથી ડિજિટલ વ્યવહારોનું પ્રમાણ વધારવા પર ભાર મૂક્યો છે અને આ સમયમાં ડિજિટલ વ્યવહારોમાં નોંધપાત્ર વધારો થયો છે. આમ છતાં, દેશમાં રોકડ વ્યવહારો અંગે ભારતીય રિઝર્વ બેન્કના તાજા અહેવાલે દર્શાવ્યું છે કે બજારમાં રોકડ જ રાજા છે.    નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ચલણી નોટોના પ્રમાણમાં સરેરાશ ૧૦ ટકાનો વધારો થયો છે. ચલણી નોટોમાં રૂ. ૫૦૦ની નોટોનું પ્રમાણ સૌથી વધુ છે જ્યારે આરબીઆઈના નિયંત્રણોના પગલે રૂ. ૨૦૦૦ની નોટોનું પ્રમાણ ઘટયું છે. એજ રીતે આ સમયમાં સિક્કાનું ચલણ પણ વધ્યું છે. સિક્કાના ચલણમાં મૂલ્યની દ્રષ્ટિએ ૪.૧ ટકા અને સંખ્યાની દ્રષ્ટિએ ૧.૩ ટકાનો વધારો થયો છે. બજારમાં કુલ સિક્કાઓમાં રૂ. ૧, ૨ અને ૫નું કુલ યોગદાન સંખ્યાની રીતે ૮૩.૫ ટકા અને મૂલ્યની દ્રષ્ટિએ ૭૫.૮ ટકા છે.

ભારત સરકારે નવેમ્બર ૨૦૧૬માં ચલણમાં રહેલી રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની ચલણી નોટો રદ્દ કરી કાળું નાણું બહાર આવે એ માટે કવાયત આદરી હતી. જોકે, આ રદ્દ થયેલી નોટો કરતા વધારે રકમ બેંકમાં જમા થઇ હોવાનું બહાર આવ્યા બાદ સરકારે ચલણની નોટો છાપવા, તેના પરિવહન વગેરે ઉપર થતો ખર્ચ ઘટાડવા અને નાણાકીય વ્યવહારો પારદર્શી બને એ માટે ડીજીટલ પેમેન્ટની ક્રાંતિ ઉપર ભાર મુક્યો હતો. બેન્કના પોર્ટલ, મોબાઈલ એપ, પેમેન્ટ વોલેટ અને અન્ય રીતે નાણાકીય વ્યવહારો થાય એના માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ પ્રોત્સાહન આપવામાં આવે છે.

જોકે, ફરી એક વખત સાબિત થયું છે કે દેશમાં રોકડ જ રાજા છે અને રોકડ વ્યવહારો વગર દેશના અર્થતંત્રના ચક્કર ફરતા અટકી શકે છે. રિઝર્વ બેંકે બહાર પડેલા નવા વાષક અહેવાલ અનુસાર દેશમાં ચલણમાં રહેલી નોટોનું પ્રમાણ ૯.૯ ટકા વધી રૂ.૩૧,૦૫,૭૨૧ કરોડ થઇ ગયું છે. એની સાથે નોટોની સંખ્યા પણ પાંચ ટકા વધી ૧૩.૦૫ લાખ થઇ ગઈ હોવાનું જણાવાયું છે. રિઝર્વ બેન્કે તેના વાર્ષિક અહેવાલમાં વર્ષ ૨૦૨૦-૨૧માં ચલણી નોટોનું પ્રમાણ ૧૬.૮ ટકા વધ્યું હોવાનું જણાવ્યું હતું. વર્ષ ૨૦૧૬માં નોટબંધી અમલમાં આવી ત્યારે દેશમાં કુલ રોકડ ચલણ રૂ.૧૭ લાખ કરોડ આસપાસ હતું. આ છ વર્ષમાં ચલણી નોટનું પ્રમાણ કે રોકડનું પ્રમાણ બમણા જેટલું વધ્યું છે. 

નાણકીય વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ.૫૦૦ની ચલણી નોટોનું પ્રમાણ વધ્યું છે જયારે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્કે નવી રૂ.૨૦૦૦ નોટોના પુરવઠા ઉપર નિયંત્રણ મુક્યો હોવાથી તેનું પ્રમાણ ઘટી રહ્યું છે. આ બન્ને પ્રકારની નોટોનું પ્રમાણ માર્ચ ૨૦૨૧ના અંતે ૮૫.૭ ટકા હતું, જે માર્ચ ૨૦૨૨ના અંતે વધી ૮૭.૧ ટકા થઇ ગયું છે. માર્ચ ૨૦૨૨ના અંતે કુલ નોટોમાં રૂ.૫૦૦ની ચલણી નોટોનું પ્રમાણ ૩૪.૯ ટકા જ્યારે રૂ.૧૦ની નોટોનું પ્રમાણ  ૨૧.૩ ટકા હતું એમ આ અહેવાલ જણાવે છે. દરમિયાન નોટબંધીના કાળમાં લવાયેલી રૂ. ૨૦૦૦ની ચલણી નોટની સંખ્યા ધીમી ગતિએ ઘટી રહી છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના અંત સુધીમાં રૂ. ૨૦૦૦ની ચલણી નોટની સંખ્યા વધુ ઘટીને ૨૧૪ કરોડ રહી હતી, જે દેશમાં સર્ક્યુલેશનમાં રહેલી કુલ ચલણી નોટના ૧.૬૦ ટકા જેટલી જ છે.  

દરેક મૂલ્યની ચલણી નોટની સંખ્યા ૨૦૨૧ના માર્ચમાં  ૧૨,૪૩૭ કરોડ હતી તે ૨૦૨૨ના માર્ચના અંતે વધીને ૧૩,૦૫૩ કરોડે પહોંચી ગઈ હતી એમ ભારતીય રિઝર્વ બેન્કના વાર્ષિક રિપોર્ટમાં જણાવાયું છે. 

માર્ચ ૨૦૨૦ના અંતે રૂ. ૨૦૦૦ની નોટની સંખ્યા ૨૭૪ કરોડ હતી, તે માર્ચ ૨૦૨૧ના અંતે ઘટી ૨૪૫ કરોડ અને ૨૦૨૨ના અંતે ૨૧૪ કરોડ રહી હતી. સર્ક્યુલેશનમાં રહેલી  કુલ કરન્સી નોટના મૂલ્યમાં રૂ. ૨૦૦૦ની નોટનું મૂલ્ય માર્ચ ૨૦૨૨ના અંતે ઘટીને ૧૩.૮૦ ટકા થયું હતું, જે માર્ચ ૨૦૨૦ના અંતે ૨૨.૬૦ ટકા અને  ૨૦૨૧માં ૧૭.૩ ટકા હતું.

બીજીબાજુ, દેશમાં કુલ ચલણી નોટમાં રૂ. ૫૦૦ની નોટનો હિસ્સો ૩૧મી માર્ચ ૨૦૨૨ના અંતે ૩૪.૯૦ ટકા રહ્યો હતો અને રૂ. ૧૦ની નોટનો હિસ્સો ૨૧.૩૦ ટકા હતો જ્યારે રૂ. ૨૦ની નોટનો હિસ્સો ૮.૪ ટકા, રૂ. ૫૦ની નોટનો હિસ્સો ૬.૭ ટકા, રૂ. ૧૦૦ની નોટનો હિસ્સો ૧૩.૯ ટકા અને રૂ. ૨૦૦ની નોટનો હિસ્સો ૪.૬ ટકા રહ્યો હતો. રૂ. ૨,૦૦૦ની નોટનો હિસ્સો માત્ર ૧.૬ ટકા રહ્યો હતો. આમ ચલણી નોટોમાં રૂ. ૫૦૦ અને ત્યાર પછી રૂ. ૧૦૦નો હિસ્સો વધુ છે જ્યારે રૂ. ૨૦૦૦નો હિસ્સો સૌથી ઓછો છે.

બીજી બાજુ રૂ. ૫૦૦ની નોટની સંખ્યા  માર્ચ ૨૦૨૧ના અંતે ૩૮૬૭.૯૦ કરોડથી વધીને  માર્ચ ૨૦૨૨ના અંતે ૪૫૫૪.૬૮ કરોડ થઈ હતી. એ જ રીતે કુલ મૂલ્યમાં રૂ. ૫૦૦ની નોટનું પ્રમાણ માર્ચ ૨૦૨૦ના અંતે ૬૦.૮૦ ટકાથી વધીને માર્ચ ૨૦૨૨ના અંતે ૭૩.૩૦ ટકા રહ્યું હતું. 

ચલણમાં રહેલી વિવિધ ચલણી નોટનું કુલ મૂલ્ય માર્ચ ૨૦૨૨ના અંતે વધીને રૂ. ૩૧.૦૫ લાખ કરોડ રહ્યાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. કાળા બજારિયાઓ પોતાના બેહિસાબી નાણાં મોટા મૂલ્યની ચલણી નોટસમાં વધુ રાખતા હોય છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને જ દેશમાં રૂપિયા ૧૦૦૦ તથા રૂપિયા ૫૦૦ નોટસ પાછી ખેંચી લેવાઈ હતી. આ ઉપરાંત મોટા મૂલ્યની બનાવટી નોટોનું પણ જોખમ વધુ રહેતું હોય છે. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો