નેપાળી એરલાઈન્સનું વિમાન બન્યું સંપર્કવિહોણું, 4 ભારતીય સહિત 22 લોકો સવાર હતા
- એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આ વિમાન એક વખત ધૌલાગિરી હિમાલયથી પરત ફર્યું હતું અને ત્યારથી તે સંપર્કમાં નથી આવ્યું
નવી દિલ્હી, તા. 29 મે 2022, રવિવાર
નેપાળમાં એક મોટી વિમાન દુર્ઘટનાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નેપાળની તારા એરનો એરપોર્ટથી સંપર્ક તૂટી ગયો છે. આ વિમાન પર ચાલક દળ સહીત કુલ 22 લોકો લવાર હતા. આ ફ્લાઈટ પોખરાથી જોમસમ જઈ રહી હતી. આ વિમાન આજે સવારે 9:55 વાગ્યે પોખરાથી ટેકઓફ થયું હતું. તે રાત્રે 10.20 વાગે લેન્ડ થવાનું હતું. પરંતુ 11 વાગ્યા બાદ હજુ સુધી આ વિમાનનો સંપર્ક થયો નથી. આ ટ્વીન એન્જિન એરક્રાફ્ટ છે.
પ્લેનમાં 4 ભારતીયો અને 3 જાપાની નાગરિકો છે. બાકી લોકો નેપાળના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિમાનમાં ચાલક દળ સહિત 22 મુસાફરો હતા. તારા એરના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ જણાવ્યું કે, કેપ્ટન પ્રભાકર પ્રસાદ ઘિમીરે, કો-પાઈલટ ઉત્સવ પોખરેલ અને એર હોસ્ટેસ કિસ્મી થાપા ફ્લાઈટમાં સવાર હતા.
પોખરા એરપોર્ટના પ્રમુખ વિક્રમ રાજ ગૌતમે આ વાતની પુષ્ટિ કરી છે કે, પ્લેન ટાવરના સંપર્કથી બહાર ચાલ્યું ગયું છે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આ વિમાન એક વખત ધૌલાગિરી હિમાલયથી પરત ફર્યું હતું અને ત્યારથી તે સંપર્કમાં નથી આવ્યું.
નેપાળી ગૃહ મંત્રાલયના પ્રવક્તા ફદિન્દ્ર મણિ પોખરેલે જણાવ્યું હતું કે, ગુમ થયેલા વિમાનની શોધ માટે મસ્તૈંગ અને પોખરામાં બે ખાનગી હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. શોધ માટે નેપાળ આર્મીના હેલિકોપ્ટરને પણ તૈનાત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
નેપાળી સેનાના પ્રવક્તા નારાયણ સિલવાલે જણાવ્યું કે નેપાળી સેનાનું એક Mi-17 હેલિકોપ્ટર મસ્તૈંગ માટે રવાના થઈ ગયું છે. આ હેલિકોપ્ટર ગુમ થયેલા વિમાનની શોધ કરશે.
Comments
Post a Comment