જ્ઞાનવાપીમાં શિવલિંગનું સ્થળ સુરક્ષિત રાખો, નમાઝ પણ પઢવા દેવાય : સુપ્રીમ
- ફરીથી સરવે કરવાની અરજી પર વારાણસી કોર્ટમાં આજે સુનાવણી
- માહિતી લીક અને ખાનગી ફોટોગ્રાફર બદલ કમિશનર અજય મિશ્રા હટાવાયા, સરવે રજૂ કરવા બે દિવસનો સમય અપાયો
નવી દિલ્હી : કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદનો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. આ કેસમાં સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે ડીએમને આદેશ આપતા કહ્યું કે, જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ હોય તો તેને સુરક્ષિત રાખવામાં આવે. સાથે જ મુસ્લિમોને નમાજ પઢતા પણ રોકવામાં ન આવે. આ સાથે સુપ્રીમે વધુ સુનાવણી ૧૯મી પર મુલતવી રાખી હતી. બીજીબાજુ સરવેની માહિતી લીક કરવા મુદ્દે વારાણસી કોર્ટે કમિશનર અજય મિશ્રાને હટાવી દીધા છે. વધુમાં જ્ઞાનવાપીમાં ફરીથી સરવે કરાવવાની અરજી પર વારાણસી કોર્ટમાં બુધવારે સુનાવણી હાથ ધરાશે.
સુપ્રીમ કોર્ટે જ્ઞાાનવાપી શ્રૂંગાર ગૌરી પરિસર કેસમાં નીચલી અદાલતને શિવલિંગ મળ્યું છે તે જગ્યાને સુરક્ષિત રાખવા અને લોકોને નમાજ પઢતા રોકવામાં ન આવે તે માટે નિર્દેશ આપ્યા છે. આ સંદર્ભમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે વજુખાનામાં શિવલિંગ મળ્યું છે, જે હાથ-પગ ધોવાની જગ્યા છે. નમાઝની જગ્યા અલગ હોય છે. હાલ સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી ગુરુવાર સુધી સ્થગિત કરી દીધી છે.
જોકે, ન્યાયાધીશો ડી.વાય. ચંદ્રચૂડ અને પી.એસ. નરસિંહાની બેન્ચે અંજુમન ઈંતેઝામિયા મસ્જિદ મેનેજમેન્ટ સમિતિની અરજી પર સુનાવણી કરતાં વારાણસી સિવિલ કોર્ટની વધુ કાર્યવાહી પર સ્ટે મુકવાની માગણી નકારી કાઢી હતી. બેન્ચે કહ્યું કે, ટ્રાયલ કોર્ટે વારાણસીના ડીએમને શિવલિંગ મળ્યું છે તે પરિસર સીલ કરવાનો આદેશ આપ્યો છે. તેણે વજૂખાનામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો અને માત્ર ૨૦ લોકોને નમાજ પઢવાની મંજૂરી આપી. સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષકારના વકીલ અહેમદીએ કહ્યું કે, આ પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટનો ભંગ છે. મુસ્લિમ પક્ષકારોએ આ કેસમાં સિવિલ કોર્ટના આદેશ પર સ્ટે મૂકવાની માગણી કરી હતી.
દરમિયાન વારાણસી કોર્ટમાં જ્ઞાાનવાપી કેસની સુનાવણી પૂરી થઈ હતી. જિલ્લા અદાલતે કોર્ટ કમિશનર અજય કુમાર મિશ્રાને હટાવી દીધા છે. તેમના પર સરવેની માહિતી લીક કરવાનો આરોપ હતો. વિશેષ કોર્ટ કમિશનર વિશાલ સિંહે તેમના પર આ આરોપ મૂક્યો હતો. વધુમાં તેમના પર ખાનગી ફોટોગ્રાફર રાખવાનો પણ આરોપ હતો. વધુમાં કોર્ટે રિપોર્ટ રજૂ કરવા માટે બે દિવસનો સમય આપ્યો છે. આ કેસમાં હવે બુધવારે સીલ કરવામાં આવેલી જગ્યા પર નમાજીઓને વજૂ કરવા માટે પાણીની પાઈપ અન્ય જગ્યાએ લગાવવા અને તળાવમાં માછલીઓને જીવતી રાખવા અને નમાજીઓ માટે શૌચાલયની વ્યવસ્થા કરવાના મુદ્દાઓ પર સુનાવણી થશે.
હિન્દુ પક્ષની નંદીની સામેની દિવાલ તોડવા અંગે પણ બુધવારે સુનાવણી થશે. વધુમાં હાલમાં કાશી વિશ્વનાથ મંદિરમાં સ્થાપિત મોટા નંદીની સામે બનેલી દીવાલ તોડીને આવવા-જવાનો રસ્તો કરવા અને શિવલિંગ મળ્યું છે તે જગ્યાએ પૂજાની મંજૂરી માગવા હિન્દુ પક્ષે અરજી કરી છે. જ્ઞાાનવાપીમાં ત્રણ દિવસના સરવે દરમિયાન હજારો તસવીરો અને વીડિયોગ્રાફીના પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે.
દરમિયાન વારાણસી કોર્ટમાં જ્ઞાાનવાપી મસ્જિદનો ફરીથી સરવે કરાવવાની અરજી કરાઈ છે. હિન્દુ પક્ષે શિવલિંગની ઊંચાઈ, લંબાઈ માપવા અરજી કરી હતી જ્યારે મુસ્લિમ પક્ષે કોર્ટ દ્વારા કેટલોક વિસ્તાર સીલ કરવાનો આદેશ અપાયા પછી નમાજીઓ માટે સુવિધાઓ ઊભી કરવા અરજી કરાઈ હતી. વધુમાં મસ્જિદમાંથી શિવલિંગ મળ્યા પછી હિન્દુ પક્ષે હવે આખી મસ્જિદનો સરવે કરાવવાની પણ માગણી કરી છે.
Comments
Post a Comment