ગરમી 2022-26માં બધા વિક્રમો તોડી નાંખશે : વૈજ્ઞાનિકોની ચેતવણી


- દુનિયાનું તાપમાન 1.5 ડિગ્રી સે.થી વધવાની 50 ટકા સંભાવના

- વૈશ્વિક તાપમાન વર્ષ 2022થી 2026 વચ્ચે પ્રી-ઈન્ડસ્ટ્રીયલ લેવલથી 1.1 ડિગ્રી સે. અને 1.7 ડિગ્રી સે. વચ્ચે રહેશે : વર્ષ 2016 થી 2020 ના વર્ષોમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી

નવી દિલ્હી : વૈશ્વિક તાપમાન તેની સરહદો ઓળંગે અને દુનિયામાં આગ ઓકતી ગરમીનો પ્રકોપ વધે તેવી આશંકા દિવસે દિવસે વધી રહી છે. વર્ષ ૨૦૨૨થી ૨૬ના આગામી પાંચ વર્ષમાં ગરમી બધા જ વિક્રમો તોડીને ૧.૫ ડિગ્રી સે.થી વધુ થવાની ૫૦ ટકા જેટલી સંભાવના છે તેમ બ્રિટનના હવામાન વિભાગના એક સંશોધન રિપોર્ટમાં જણાવાયું છે. જોકે, આ વધારો અસ્થાયી હશે, પરંતુ તાપમાન જે રીતે વધી રહ્યું છે તે ચિંતાજનક છે. દુનિયામાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે.

વર્લ્ડ મેટેઓરોલોજિકલ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું હતું કે, અભ્યાસ દર્શાવે છે કે વર્ષ ૨૦૨૨થી ૨૦૨૬ વચ્ચે તાપમાન પ્રી-ઈન્ડસ્ટ્રીયલ લેવલથી ૧.૧ ડિગ્રી સે. અને ૧.૭ ડિગ્રી સે. વચ્ચે રહેશે. વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે વર્ષ ૨૦૨૨થી ૨૦૨૬ વચ્ચે એક વર્ષ એવું હશે જ્યારે ગરમી બધા જ વિક્રમ તોડી નાંખશે. જે રીતે ગરમી પેદા કરનારી ગેસ છેલ્લા ત્રણ દાયકાથી ખૂબ જ ઝડપથી વાતાવરણમાં જમા થઈ રહી છે, તેના કારણે વૈશ્વિક તાપમાન સમય પહેલાં જ વધુ એક પગલું આગળ વધી રહ્યું છે. 

વર્ષ ૨૦૧૫માં વિશ્વનું સરેરાશ તાપમાન પહેલી વખત ૧૮૦૦મી સદીના પ્રી-ઈન્ડસ્ટ્રીયલ લેવલથી ૧ ડિગ્રી સે. વધ્યું હોવાનું જણાયું હતું. તેને સામાન્ય રીતે ૧૯મી સદીના મધ્યના તાપમાન તરીકે નોંધવામાં આવે છે. તાપમાનના આ સ્તરે ક્લાઈમેટ ચેન્જમાં ચેતવણીના સંકેત આપ્યા હતા. બ્રિટનના હવામાન વિભાગની કચેરીના અધિકારીઓની ટીમે આગામી પાંચ વર્ષના સામાન્ય આકલન અંગે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૬ના અંત સુધીમાં વિશ્વમાં સૌથી ગરમ વર્ષ નોંધાવાની સંભાવના ૯૩ ટકા છે. ટીમે ઉમેર્યું કે, ૨૦૨૨થી ૨૦૨૬ના પાંચ વર્ષ પૃથ્વી પર સૌથી ગરમ રહેવાની શક્યતા ૯૩ ટકા છે.

વર્ષ ૨૦૧૫માં જ દુનિયાના નેતાઓએ પેરિસમાં પર્યાવરણ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા અને વૈશ્વિક તાપમાનને બે ડિગ્રીથી નીચે રાખવાના શપથ લીધા હતા. સાથે જ તેઓ વૈશ્વિક તાપમાનને ૧.૫ ડિગ્રી સુધી જ જાળવી રાખવાના પ્રયાસો કરવા પણ તૈયાર થયા હતા. ત્યાર પછી ગ્લાસગોમાં થયેલા સીઓપી૨૬ કરારમાં જ નેતાઓએ તેમના ૧.૫ ડિગ્રી સે.વાળા વચનનું પુનરાવર્તન કર્યું હતું. છેલ્લા સાત વર્ષથી વૈશ્વિક તાપમાન ૧ ડિગ્રી પર જળવાઈ રહ્યું છે. વર્ષ ૨૦૧૬થી ૨૦૨૦ના વર્ષોમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. તેનાથી માનવામાં આવે છે કે ૧ ડિગ્રી તાપમાન પણ કોઈક રીતે દુનિયાને અસરગ્રસ્ત કરી રહ્યું છે. ગયા વર્ષે ઉત્તર અમેરિકાના જંગલોમાં લાગેલી આગ અને આ વર્ષે ભારત, પાકિસ્તાનમાં ચાલતી લૂ તેની ભયાનક્તાનું ઉદાહરણ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો