LICનું મંગળવારે લીસ્ટીંગ, રોકાણકારોનો ભરોસો નહી તૂટે ને?


- સરકારી કંપનીઓના લીસ્ટીંગનો ભૂતકાળ ખરડાયેલો છે. અઢાર વર્ષમાં આવેલા ૨૬ ઇસ્યુમાંથી ૧૪માં રોકાણકારોને નુકસાન

અમદાવાદ તા. 16 મે 2022,સોમવાર

જીવન વીમા નિગમ (લાઈફ ઇન્સ્યુરન્સ કોર્પોરેન ઓફ ઇન્ડિયા – LIC)નું મંગળવારે શેરબજારમાં લીસ્ટીંગ છે. છેલ્લા બે વર્ષમાં જે રીતે રિટેલ રોકાણકારો શેરબજારમાં આવી રહ્યા છે તેનું ગૌરવ છે અને એલઆઈસીના લીસ્ટીંગ ઉપર આ રિટેલ ગ્રાહકોનો શેરબજારમાં ભરોસો રહેશે કે તૂટી જશે એ નક્કી થવાનું છે. જોકે, સરકારી કંપનીઓના શેરબજારમાં લીસ્ટીંગ અને તેના ભાવ થકી મળતા વળતરનો ભૂતકાળ એલઆઈસીની વિરુદ્ધમાં છે એ ખાસ યાદ રાખવા જેવું છે. 

છેલ્લા અઢાર વર્ષમાં કેન્દ્ર સરકારે લગભગ ૨૬ જેટલી સરકારી કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચ્યો છે. એમની કેટલીક કંપનીઓમાં હવે સરકાર પાસે બિલકુલ હિસ્સો નથી અને કેટલીક દિગ્ગજ કંપનીઓમાં હજુ પણ સરકાર પાસે મહત્તમ હોલ્ડીંગ છે. આમ છતાં, ૨૬માંથી ૧૪ કંપનીઓ એવી છે કે જેમાં રોકાણકારોએ નાણા ગુમાવવાનો વારો આવ્યો છે. આ અઢાર વર્ષમાં સેન્સેક્સ ૫૦૦૦ની સપાટી સામે ૬૦,૦૦૦ થઇ હવે ૫૬,૦૦૦ છે છતાં ૧૪ કંપનીઓ એવી છે કે જેમાં શેરમાં અરજી કરવાના બદલે નાણા બેંકની ફિક્સ ડીપોઝીટમાં ચક્રવૃદ્ધિ વ્યાજ ઉપર માત્ર છ ટકાના દરે રાખ્યા હોત તો પણ વધારે વળતર મળ્યું હોત!

LIC સામે પડકારો, માર્કેટ ફોર્સ વિરુદ્ધમાં

એલઆઈસી દેશની સૌથી મોટી જીવન વીમા કંપની છે. દેશની સૌથી મોટી નાણાકીય સંસ્થાઓમાંથી એક છે. નફો રળે છે અને પોલીસી ધારકોને દર વર્ષે વળતર પણ આપે છે. વિશ્વની અગ્રણી જીવન વીમા કંપનીઓમાં તેનો સમાવેશ થાય છે. પણ પબ્લિક ઇસ્યુ સામેના પડકાર અનેક છે. એક, આ લીસ્ટીંગ પછી પણ ૯૭ ટકા હિસ્સો કેન્દ્ર સરકાર પાસે રહેશે. સરકાર સમયાંતરે પોતાનો હિસ્સો વેચશે તો બજારમાં નવા શેર આવતા રહેશે જેનાથી શેરના ભાવ ઉપર અસર પડતી રહેશે. કોલ ઇન્ડિયા અને ઓએનજીસી જેવી કંપનીઓ તેના ઉત્તમ ઉદાહરણ છે. 

બીજું, રૂ.૯૪૯ના ભાવે આપેલા આ શેર સામે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઇસ્યુ બજારમાં આવ્યો ત્યારે પ્રતિ શેર રૂ૨૦થી ૨૫ હતું જે આજે ઘટી નેગેટીવ થઇ ગયું છે. બજારની ગણતરી છે કે લીસ્ટીંગ રૂ.૯૩૦ થી ૯૨૫ના ભાવે થશે. 

ત્રીજું, આટલી મોટી કંપનીના લીસ્ટીંગ કરવાની જાહેરાત સમયે કેન્દ્ર સરકાર રૂ.૬૫,૦૦૦ કરોડ એકત્ર કરવા માંગતી હતી. આ પછી જયારે સેબી સમક્ષ લીસ્ટીંગ માટે અરજી કરી ત્યારે રૂ.૫૦,૦૦૦ ઉભા કરવાની યોજના સામે આવી હતી. શેરબજારમાં ઘટાડો, રશિયા અને યુક્રેન યુદ્ધના કારણે માર્ચના બદલે ઇસ્યુ મેં મહિનામાં આવ્યો અને રૂ.૨૦,૯૪૭ કરોડનો જ પબ્લિક ઇસ્યુ આવ્યો. એટલે કે બજારના પરિબળો પણ લીસ્ટીંગ થકી વળતર મળે તેની વિરુદ્ધમાં છે. 

PSUના લીસ્ટીંગમાં રોકાણકારો કમાયા નથી

વિશ્વમાં કોલસાના ઉત્પાદનની દ્રષ્ટિએ સૌથી મોટી કંપની કોલ ઇન્ડિયા, દેશના સ્થાનિક ક્રુડ ઓઈલ ઉત્પાદનમાં ૭૦ ટકા હિસ્સો ધરાવતી ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી) કે વીજળીના ઉત્પાદનમાં ૨૫ ટકા હિસ્સો ધરાવતી નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (એનટીપીસી) આવા ઉદાહરણ છે. આ કંપનીઓ આજે પણ કાર્યરત છે, તેમનો નફો વધી રહ્યો છે અને સરકાર તેમજ શેરહોલ્ડરને ડિવીડન્ડ આપે છે પણ શેરબજારમાં રોકાણકારોને વળતર અન્ય બેન્ચમાર્ક કરતા નબળું રહ્યું છે.

વર્ષ ૨૦૦૪માં સૌથી પહેલા એનટીપીસી અને પછી ઓએનજીસીના ઇસ્યુ આવ્યા. કોલ ઇન્ડિયાનો પબ્લિક ઇસ્યુ ૨૦૧૩માં આવ્યો હતો. વર્ષ ૨૦૦૪થી ૨૦૨૨ સુધીમાં સેન્સેક્સ ૮૯૮ ટકા વધી ગયો છે, નિફ્ટીમાં ૮૮૦ ટકાની વૃદ્ધિજોવામળી છે.એટલે બન્ને ઇન્ડેક્સમાં વળતર ૧૩.૫ જેટલું ચક્રવૃદ્ધિ થાય છે. સરળ શબ્દોમાં કહીએ તોદર સવા પાંચ વર્ષે આ ઇન્ડેક્સ બમણો થયો છે.સામે આ અઢાર વર્ષમાં બીએસઈ પીએસયુ ઇન્ડેક્સ માત્ર ૮૪ ટકા અને નિફ્ટી સીપીએસઈ ઇન્ડેક્સ ૧૩૦ ટકા જ વધ્યા છે. આ પુરવાર કરે છે કે રોકાણકારોને સરકારી કંપનીઓમાં વળતર ઘણું ઓછું મળે છે.સરળ શબ્દોમાં કહીએ તો નિફ્ટી સીપીએસઈ ઇન્ડેક્સ ૧૫ વર્ષે અને બીએસઈ પીએસયુ ઇન્ડેક્સ સવા તેર વર્ષે બમણો થાય એટલે પાંચ ટકાનો મોંઘવારી હોય તો પણ તેના કરતા ઓછું વળતર મળે. એના કરતા વધારે ફાયદો તો ફિક્સ ડિપોઝીટમાં થયો હોત! જો કોઈ વ્યક્તિએ ૨૦૦૪માં રૂ.૧૦,૦૦૦ની એક વર્ષની ફિક્સ ડિપોઝીટ કરાવી હોત, દર વર્ષે વ્યાજ સાથે ફરી ડિપોઝીટ કરાવે તો અત્યારે તેનું મૂલ્ય રૂ.૩૩,૨૫૩ થયું હતો એટલે રોકાણ સામે ૨૩૨ ટકા વળતર મળ્યું હોત!

કઈ કમ્પનીમાં રોકાણકારને કેટલું વળતર મળ્યું 

આ વળતરની ગણતરીમાં સરકારી કંપનીઓની ફેસવેલ્યુમાં થેયલા ફેરફાર (સપ્લિટ), બોનસ, ડીવીડન્ડ જેવી ચીજો ગણી લેવામાં આવી હોવા છતાં ૨૪ કંપનીઓમાંથી મોટાભાગની કંપનીઓમાં ફિક્સ ડીપોઝીટ કરતા ઓછું વળતર મળી રહ્યું છે. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો