ઘઉં, તેલ, ક્રૂડ પછી હવે ચોખાના ભાવ પણ વધશે.. જાણો કેમ?


- ખેડૂતોની આવક અને વૈશ્વિક માર્કેટમાં બાર્ગેઈનિંગ પાવર વધારવાનું થાઈલેન્ડનું લક્ષ્ય 

- જો થાઈલેન્ડ અને વિયેતનામ દ્વારા ભાવવધારો ઝીંકવાનો પ્રયત્ન કરવામાં આવશે તો સ્વાભાવિકપણે આફ્રિકાના પ્રાઈઝ સેન્સિટિવ ખરીદદારો ભારત તરફ વળશે

નવી દિલ્હી, તા. 30 મે 2022, સોમવાર

વિશ્વમાં ચોખાની નિકાસ મામલે ટોચ પર રહેલા ભારત બાદ થાઈલેન્ડ અને વિયેતનામ અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે આવે છે. એક અહેવાલ પ્રમાણે વિશ્વમાં ચોખાના આ બંને ટોચના ઉત્પાદકો સાથે મળીને ચોખાની કિંમતોમાં વધારો કરવા માટે ચર્ચા કરી રહ્યા છે. 

થાઈલેન્ડની સરકારના પ્રવક્તા Thanakorn Wangboonkongchanaએ શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, 'અમે ચોખાની કિંમતો, ખેડૂતોની આવક અને વૈશ્વિક માર્કેટમાં બાર્ગેઈનિંગ પાવર વધારવાનું લક્ષ્ય રાખ્યું છે. છેલ્લાં 20 કરતા પણ વધારે વર્ષોથી ચોખાની કિંમોત નીચી છે જ્યારે તેના ઉત્પાદનના ખર્ચામાં સતત વધારો થઈ રહ્યો છે.'

ઘઉંની કિંમતો ટોચ પર છે તેવામાં ચોખામાં ભાવવધારો થવાના કારણે વિશ્વના અબજો લોકો પર તેનો દુષ્પ્રભાવ પડશે. 

થાઈલેન્ડના વાણિજ્ય મંત્રી Jurin Laksanawisitએ જણાવ્યું કે, વૈશ્વિક ડિમાન્ડમાં રિકવરીના કારણે તથા તેમનું ચલણ અમેરિકી ડોલરની સરખામણીએ 5 વર્ષના તળિયે હોવાથી આ વર્ષે તેમના દેશની ચોખાની નિકાસને વેગ મળ્યો છે. 

જોકે વિયેતનામના કૃષિ મંત્રાલયે આ મામલે કોઈ પણ પ્રકારનું નિવેદન આપવાનું હાલ પૂરતું ટાળ્યું છે. 

આ તરફ વિયેતનામના ફૂડ એસોસિએશને તેમના થાઈ સમકક્ષો સાથે જૂન મહિનામાં યોજાનારી બેઠક પહેલા ભાવમાં વધારો કરવાના પગલાંની સંભાવનાને નકારી કાઢી છે. 

ભારતને થઈ શકે છે ફાયદો

જો થાઈલેન્ડ અને વિયેતનામ દ્વારા ચોખાની કિંમતોમાં વધારો કરવામાં આવશે તો ગ્રાહકો ચોખાના અન્ય ટોચના નિકાસકારો તરફ વળી શકે છે. જેમ કે, ભારત ચોખાનું ટોચનું નિકાસકાર છે. 

ઓલ ઈન્ડિયા રાઈસ એક્સપોર્ટર્સ એસોસિએશનના પ્રમુખ બી. વી. ક્રિષ્ના રાઓના કહેવા પ્રમાણે જો થાઈલેન્ડ અને વિયેતનામ દ્વારા ભાવવધારો ઝીંકવાનો પ્રયત્ન કરવામાં આવશે તો સ્વાભાવિકપણે આફ્રિકાના પ્રાઈઝ સેન્સિટિવ ખરીદદારો ભારત તરફ વળશે. જોકે તેમણે ઉમેર્યું હતું કે, હજું સુધી કોઈ પણ દેશે રાઈસ કાર્ટલમાં ભાગ લેવા ભારતનો સંપર્ક નથી કરેલો. 

આ વર્ષે થાઈ ચોખાની બેન્ચમાર્ક એક્સપોર્ટ પ્રાઈઝ 420 ડોલર પ્રતિ મેટ્રિક ટન રહી છે જે ભારતના 363 ડોલર પ્રતિ ટનની સરખામણીએ 16 ટકા વધારે છે. 

જોકે ચોખાની એક્સપોર્ટ લિમિટમાં વધારો કરવાની હાલ પૂરતી ભારતની કોઈ જ યોજના નથી તેમ જાણવા મળ્યું છે. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો