રાજીવ ગાંધીનો હત્યારો પેરારિવલન 31 વર્ષ પછી અંતે જેલમાંથી છુટયો
- સુપ્રીમ કોર્ટે મુક્ત કરવાનો આદેશ આપતા
- 1991માં રાજીવ ગાંધીની હત્યા સમયે પેરારિવલન 19 વર્ષનો હતો, બોમ્બ માટે બે બેટરી પુરી પાડી હતી
- 1998માં ટાડા કોર્ટે ફાંસીની સજા આપી હતી જે 2014માં આજીવન કેદમાં ફેરવાઇ હતી
નવી દિલ્હી : ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યારા એ.જી. પેરારિવલનને છોડી મુકવામાં આવ્યો છે. જેને પગલે તે જેલમાંથી બહાર આવ્યો હતો. રાજીવ ગાંધીની હત્યાના કેસમાં ૧૯૯૮માં પેરારિવલનને દોષી ઠેરવીને ફાંસીની સજા આપવામાં આવી હતી, જેને બાદમાં કોર્ટે આજીવન કેદમાં ફેરવી નાખી હતી. ૧૯૯૧માં જ્યારે રાજીવ ગાંધીની હત્યા થઇ ત્યારે તેની ઉંમર માત્ર ૧૯ વર્ષની હતી, તેણે ૩૦ વર્ષથી વધુની સજા કાપી લીધી હોવાથી અંતે તેને છોડી મુકવામાં આવ્યો હતો.
૫૦ વર્ષીય પેરારિવલન પર આરોપ હતો કે તેણે રાજીવ ગાંધીની હત્યાના માસ્ટરમાઇન્ડ સિવાસરનને બે નવ વોલ્ટની બેટરી આપી હતી, જેનો ઉપયોગ બોમ્બમાં કરવામાં આવ્યો હતો. અને બાદમાં આ બોમ્બથી રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ પેરારિવલને કહ્યું હતું કે મારી માતા છેલ્લા ૩૧ વર્ષથી મને છોડાવવા માટે લડી રહી હતી, તેમણે મારા માટે ઘણુ બલિદાન આપ્યું છે.
હવે આગળ શું કરશે તે અંગે જ્યારે પેરારિવલનને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે હાલ તો મારે બહાર નિકળ્યા પછી ખુલામાં શ્વાસ લેવા છે. આગળનું હાલ કઇ જ નક્કી નથી કર્યું. ફાંસીની સજાથી બચી જવા અંગે પેરારિવલને કહ્યું હતું કે દરેક વ્યક્તિ આખરે માનવી છે અને તેને ફાંસી આપવી યોગ્ય નથી.
૧૯૯૮માં ટાડા કોર્ટ દ્વારા પેરારિવલનને દોષી ઠેરવીને ફાંસીની સજા આપવામાં આવી હતી, જેને બાદમાં સર્વોચ્ચ અદાલત દ્વારા યોગ્ય ઠેરવવામાં આવી હતી. જોકે બાદમાં ૨૦૧૪માં ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી નાખવામાં આવી હતી. અને આ વર્ષે માર્ચ મહિનામાં તેને જામીન આપવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અપરાધીએ ૩૧ વર્ષ જેલમાં સજા કાપી છે જેના આધારે તેને જામીન મંજૂર કરવામાં આવે છે.
જ્યારે ૨૦૧૫માં જ પેરારિવલને તામિલનાડુના રાજ્યપાલ સમક્ષ દયા અરજી કરી હતી. જોકે રાજ્યપાલ દ્વારા કોઇ જ જવાબ ન મળતા તેણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જ્યારે તામિલનાડુ સરકાર દ્વારા પણ તેને છોડી મુકવાની ભલામણ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે આ પ્રકારના અપરાધમાં બહુ જ ઓછી સજા કાપી ચુકેલાને પણ છોડી મુકવામાં આવે છે જ્યારે પેરારિવલને ૩૧ વર્ષ જેલમાં કાઢ્યા છે તો તેને કેમ ન છોડવામાં આવે?
લાંબા સમય સુધી ચાલેલી દલિલો બાદ અંતે સુપ્રીમ કોર્ટે આર્ટિકલ ૧૪૨ હેઠળ અપરાધીને છોડી મુકવાનો નિર્ણય લીધો હતો. નોંધનીય છે કે ૨૧મી મે ૧૯૯૧ના રોજ તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીની તામિલનાડુમાં એક રેલીમાં આત્મઘાતી વિસ્ફોટથી હત્યા કરવામાં આવી હતી, આ આત્મઘાતી વિસ્ફોટને ધાનુ નામની એક મહિલાએ અંજામ આપ્યો હતો. આ વિસ્ફોટમાં રાજીવ ગાંધી ઉપરાંત અન્ય ૧૪ લોકો માર્યા ગયા હતા. આ કેસમાં કુલ સાત લોકોને દોષી ઠેરવવામાં આવ્યા હતા. જેમાં એ.જી. પેરારિવલનનો પણ સમાવેશ થાય છે.
Comments
Post a Comment