લક્ષદ્વિપના કિનારેથી રૂ. ૧,૫૦૦ કરોડની હેરોઈન સાથે દાણચોરોની ગેંગ પકડાઈ
કોચી, તા.૨૦
લક્ષદ્વિપના દરિયાકાંઠેથી રૂ. ૧,૫૦૦ કરોડથી વધુના મૂલ્યની ૨૧૮ કિલો હેરોઈન ભારતમાં ઘૂસાડવાનો પ્રયાસ કરતી આંતરરાષ્ટ્રીય દાણચોરોની એક ગેંગ પકડાઈ છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને લક્ષદ્વિપમાં રેવન્યુ ઈન્ટેલિજન્સ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં ટીમને સફળતા મળી હતી.
લક્ષદ્વિપમાં રેવન્યુ ઈન્ટેલિજન્સ વિભાગ (ડીઆરઆઈ)એ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમને મે મહિનાના બીજા-ત્રીજા સપ્તાહ દરમિયાન તામિલનાડુના દરિયાકાંઠાથી આવશે અને અરબી સમુદ્રમાં કોઈક જગ્યાએથી ડ્રગ્સનો મોટો જથ્થો મેળવશે તેવી ગુપ્ત માહિતી મળી હતી. આ માહિતીના આધારે કોસ્ટ ગાર્ડ સાથે મળીને ડીઆરઆઈએ 'ઓપરેશન ખોજબીન' નામનું એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. બંને વિભાગે ૭મીમેથી આ ઓપરેશન હેઠળ કામ શરૂ કર્યું હતું અને કોસ્ટગાર્ડના શીપ સુજીતે દેશના એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોન (ઈઈઝેડ) નજીક ચાંપતી નજર રાખી હતી.
તોફાની સમુદ્રમાં સતત કેટલાક દિવસોની તપસા અને નિરીક્ષણ પછી બે શકમંદ બોટ્સ 'પ્રિન્સ' અને 'લીટલ જીસસ' ભારત તરફ આવતી હોવાનું જણાયું હતું. કોસ્ટ ગાર્ડ અને ડીઆરઆઈએ ૧૮મીના રોજ લક્ષદ્વિપ ટાપુના દરિયાકાંઠે બંને ભારતીય બોટ્સને આંતરી હતી. આ બોટ્સના ક્રૂની પૂછપરછ કરતાં તેમણે સ્વીકાર્યું હતું કે તેમને દરિયામાંથી જંગી પ્રમાણમાં હેરોઈનનો જથ્થો મળ્યો છે. બંને બોટને વધુ કાર્યવાહી માટે કોચી લવાઈ હતી.
કોચીમાં કોસ્ટ ગાર્ડ જિલ્લા મુખ્યાલયમાં બંને બોટની તપાસ કરતાં તેમાંથી પ્રત્યેક ૧ કિલોના ૨૧૮ પેકેટ મળ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સનું મૂલ્ય રૂ. ૧૫૦૦ કરોડ જેટલું છે. ડીઆરઆઈ દ્વારા એનડીપીએસ એક્ટ, ૧૯૮૫ હેઠળ વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. બોટના ક્રૂની પૂછપરછ પછી વિવિધ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.
ડીઆરઆઈ અને કોસ્ટ ગાર્ડે કેટલાક દિવસના સંયુક્ત ઓપરેશનમાં ઊંચી ગ્રેડની હેરોઈન જપ્ત કરી હતી. તાજેતરના ભૂતકાળમાં ભારતીય કોસ્ટ ગાર્ડ અને ડીઆરઆઈએ ડ્રગ્સ વિરોધી અભિયાનમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. છેલ્લા એક મહિનામાં ડીઆરઆઈ દ્વારા ડ્રગ્સનો જંગી જથ્થો પકડયો હોવાની ચોથી ઘટના છે. અગાઉ ડીઆરઆઈએ ૨૦મી એપ્રિલે કંડલા પોર્ટ પરથી જીપ્સમ પાવડરના આયાતી કન્સાઈનમેન્ટમાંથી ૨૦૫.૬ કિલો, ૨૯મી એપ્રિલે પીપાવાવ બંદરેથી ૩૯૬ કિલો અને ૧૦મી મેના રોજ નવી દિલ્હીમાં આઈજીઆઈ એરપોર્ટ પરથી એર કાર્ગો કોમ્પ્લેક્સમાં ૬૨ કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં સંયુક્તપણે આ હેરોઈનનું મૂલ્ય રૂ. ૨,૫૦૦ કરોડ છે.
Comments
Post a Comment