હળવદ GIDCમાં કારખાનાની દીવાલ ધસી પડતાં 12ના મોત, CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હળવદ
- આશરે 30 જેટલાં શ્રમિકો મીઠાની બેગ અને દીવાલના કાટમાળ નીચે દટાયા
- મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હળવદ પહોંચે તેવી શક્યતા
મોરબી, તા. 18 મે 2022, બુધવાર
હળવદ GIDC ખાતે આવેલા સાગર સોલ્ટ નામના મીઠાના પેકેજિંગ કારખાનામાં એક ભારે મોટી દુર્ઘટના બની છે. રાબેતા મુજબ મીઠાની કોથળીઓ ભરવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે અચાનક જ કારખાનાની દીવાલ ધસી પડવાના કારણે 30 જેટલા મજૂરો તેના નીચે દટાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 12 મજૂરોના મોત થયા છે જેમાં કાટમાળમાંથી 5 પુરૂષ, 4 મહિલા અને 3 માસૂમ બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
આ ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમો રદ કરી હળવદ ઘટના સ્થળે જવા રવાના થયા હતા. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ (PMNRF) તરફથી મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોના પરિવારજનોને સીએમ રાહત કોષમાંથી 4 લાખ રૂપિયા આપવાની ઘોષણા કરી છે.
વધુમાં રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ હળવદ દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે, 90% બચાવ કામગીરી પૂર્ણ થઈ છે અને જવાબદારો સામે કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટરના માધ્યમથી આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનો માટે સાંત્વના પાઠવી હતી.
બપોરના સમયે બનેલી આ દુર્ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. દીવાલ નીચે દટાયેલા શ્રમિકોને બચાવવા માટે હિટાચી અને 3 જેસીબીની મદદથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ 5 એમ્બ્યુલન્સને પણ તે સ્થળે તૈનાત કરી દેવામાં આવી હતી. સ્થાનિકોની મદદથી યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મૃતકઆંક હજુ વધારે ઉંચો જાય તેવી આશંકા જણાઈ રહી છે.
આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા 3 શ્રમિકોને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા છે. આ પ્રકારની કરૂણ ઘટના બાદ કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હળવદ પહોંચે તેવી શક્યતા જણાઈ રહી છે.
રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા, પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયાએ આ દુર્ઘટના મામલે શોક વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
આ દુર્ઘટના અંગે જાણ થયા બાદ સ્થાનિક ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. સાથે જ મોરબી જિલ્લા કલેકટર જે. બી. પટેલ, જિલ્લા પોલીસ વડા ત્રિપાઠી, સ્થાનિક મામલતદાર ભાટી, હળવદના પીઆઈ, પીએસઆઈ સહિતનું પોલીસ તંત્ર અને સરકારી તંત્ર સ્થળ પર દોડી ગયું હતું.
હતભાગી મૃતકોની યાદીઃ
(1) રમેશભાઈ નરસિંહભાઈ ખીરાણા (ઉ.વ. 45)
(2) કાજલબેન જેસાભાઈ ગાણસ (ઉ.વ. 21)
(3) દક્ષાબેન રમેશભાઈ કોળી (ઉ.વ. 18)
(4) શ્યામભાઈ રમેશભાઈ કોળી (ઉ.વ. 13)
(5) રમેશભાઈ મેઘાભાઈ કોળી (ઉ.વ. 42)
(6) દિલાભાઈ રમેશભાઈ કોળી (ઉ.વ. 26)
(7) દીપકભાઈ દિલીપભાઈ સોમાણી (ઉ.વ. 5)
(8) મહેન્દ્રભાઈ (ઉ.વ. 30)
(9) દિલીપભાઈ રમેશભાઈ (ઉ.વ. 25)
(10) શીતલબેન દિલીપભાઈ (ઉ.વ. 32)
(11) રાજીબેન ડાહ્યાભાઈ ભરવાડ (ઉ.વ. 30)
(12) દેવીબેન ડાહ્યાભાઈ ભરવાડ (ઉ.વ. 14)
Comments
Post a Comment