ઘઉં બાદ હવે ખાંડના નિકાસ પર પ્રતિબંધની વિચારણા
- સ્થાનિક ભાવમાં વધારાને રોકવા માટે ભારત સરકાર છ વર્ષમાં પ્રથમ વખત ખાંડની નિકાસને પ્રતિબંધિત કરવાની યોજના બનાવી રહી છે
નવી દિલ્હી,તા 24 મે 2022,મંગળવાર
ભારતમાં ઘઉંના પુરવઠાની અછતની આશંકા વચ્ચે સરકારે મે મહિનાની શરૂઆતમાં મોદી સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો. હવે સરકાર વધતા ભાવને કાબૂમાં કરવ માટે ખાંડ માટે પણ આ જ નીતિ લાગુ કરી શકે છે.
રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક બજારમાં મળતા ઉંચા ભાવનો ફાયદો મેળવવા દેશમાંથી વેપારી-ડીલરો-ઉત્પાદકો મોટા પ્રમાણમાં ઘઉંનો નિકાસ કરી રહ્યાં હતા અને સ્થાનિક સ્તરે મસમોટી અછતની આશંકાએ નિકાસ પર પ્રતિબંધ લાદ્યા બાદ હવે ખાંડ પર પણ નિકાસ પ્રતિબંધ લાદવમાં આવી શકે છે.
રોઈટર્સના અહેવાલ અનુસાર સ્થાનિક ભાવમાં વધારાને રોકવા માટે ભારત સરકાર છ વર્ષમાં પ્રથમ વખત ખાંડની નિકાસને પ્રતિબંધિત કરવાની યોજના બનાવી રહી છે.
તાજેતરના અહેવાલ અનુસાર આ સિઝનમાં ખાંડની નિકાસ 1 કરોડ ટન સુધી પહોંચી શકે છે. ભારત વિશ્વનો સૌથી મોટો ખાંડ ઉત્પાદક અને બ્રાઝિલ પછી બીજો સૌથી મોટો નિકાસકાર છે. જોકે શ્રી રેણુકા સુગર્સના ટોચના અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આજ સુધીમાં માત્ર 72 લાખ ટન ખાંડની નિકાસ કરવામાં આવી છે અને એકવાર વરસાદની મોસમ શરૂ થઈ જશે તો નિકાસમાં ઘટાડો સંભવિત છે. આમ 1 કરોડ ટન ખાંડની નિકાસ હજુ દૂર છે.
યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ ખાદ્યપદાર્થોની કિંમતો આસમાને પહોંચી ગઈ છે અને વિશ્વભરની સરકારોએ અમુક ચીજવસ્તુઓની સ્થાનિક કિંમતોને કાબૂમાં લેવા માટે કડક પગલાં લેવાનો નિર્ણય લીધો છે. મલેશિયા 1 જૂનથી દર મહિને 36 લાખ માંસાહારની નિકાસ અટકાવશે, ઇન્ડોનેશિયાએ તાજેતરમાં પામ તેલની નિકાસ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે જ્યારે ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે અને સર્બિયા અને કઝાકિસ્તાને અનાજની નિકાસ પર સ્ટોક લિમિટ ક્વોટા લાદ્યો છે. જોકે ઈન્ડોનેશિયાએ પણ 28 એપ્રિલના પામ ઓઈલની નિકાસ અટકાવવાના નિર્ણયને આ સપ્તાહની શરૂઆતમાં ઉઠાવી લીધો હતો.
Comments
Post a Comment