ડીજીટલ એટલે શું? રોકડ જ રાજા: દેશમાં ચલણનું પ્રમાણ વધી રૂ.31.05 લાખ કરોડ!
અમદાવાદ તા. 27 મે 2022,શુક્રવાર
ભારત સરકારે નવેમ્બર 2016માં ચલણમાં રહેલી રૂ.500 અને રૂ.1000ની ચલણી નોટો રદ્દ કરી કાળું નાણું બહાર આવે એ માટે કવાયત આદરી હતી. જોકે, આ રદ્દ થયેલી નોટો કરતા વધારે રકમ બેંકમાં જમા થઇ હોવાનું બહાર આવ્યા બાદ સરકારે ચલણની નોટો છાપવા, તેનું પરિવહન વગેરે ઉપર થતો ખર્ચ ઘટાડવા માટે અને નાણાકીય વ્વ્ય્હારો પારદર્શી બને એ માટે ડીજીટલ પેમેન્ટની ક્રાંતિ ઉપર ભાર મુક્યો હતો. નાણાકીય વ્યવહારો બેંકના પોર્ટલ, મોબાઈલ એપ, પેમેન્ટ વોલેટ અને અન્ય રીતે થાય એના માટે ખાસ પ્રોત્સાહન આપવામાં આવ્યા હતા.
જોકે, ફરી એક વખત સાબિત થયું છે કે દેશમાં રોકડ જ રાજા છે અને રોકડ વ્યવહારો વગર દેશના અર્થતંત્રના ચક્કર ફરતા અટકી શકે છે. રિઝર્વ બેંકે બહાર પડેલા નવા વાર્ષિક અહેવાલ અનુસાર દેશમાં ચલણમાં રહેલી નોટોનું પ્રમાણ 9.9 ટકા વધી રૂ.31,05,721 કરોડ થઇ ગયું છે. એની સાથે નોટોની સંખ્યા પણ પાંચ ટકા વધી 13.05 લાખ થઇ ગઈ હોવાનું વર્ષ 2021-22નો રિઝર્વ બેંકનો વાર્ષિક અહેવાલ જણાવે છે. વર્ષ 2020-21માં ચલણી નોટોનું પ્રમાણ 16.8 ટકા વધ્યું હતું. અહી નોધવું જરૂરી છે કે વર્ષ 2016માં જયરે નોટબંધી અમલમાં આવી ત્યારે દેશમાં કુલ રોકડ ચલણ રૂ.17 લાખ કરોડ આસપાસ હતું. આ છ વર્ષમાં ચલણી નોટનું પ્રમાણ કે રોકડનું પ્રમાણ બમણા જેટલું વધી ગયું છે.
નાણકીય વર્ષ 2021-22માં રૂ.500ની ચલણી નોટોનું પ્રમાણ વધ્યું છે જયારે કેન્દ્ર સરકારે અને રિઝર્વ બેંકે નવી રૂ.2000 નોટોના પુરવઠા ઉપર નિયંત્રણ મુક્યો હોવાથી તેનું પ્રમાણ ઘટી રહ્યું છે. આ બન્ને પ્રકારની નોટોનું પ્રમાણ માર્ચ 2021ના અંતે 85.7 ટકા હતું જે માર્ચ 2022ના અંતે વધી 87.1 ટકા થઇ ગયું છે. માર્ચ 2022ના અંતે રૂ.500ની ચલણી નોટોની સંખ્યા કુલ નોટોમાં 34.9 ટકા હતી આ પછી રૂ.10ની નોટોની માત્ર 21.3 ટકા હતી એમ આ અહેવાલ જણાવે છે.
Comments
Post a Comment