આંધ્ર-તેલંગણામાં વરસાદનો મૃત્યુઆંક વધીને 31 : લાખો લોકોનું સ્થળાંતર
- તેલંગણામાં રૂ. 5000 કરોડનું નુકસાન : 100થી વધુ ટ્રેનો રદ
- તેલંગણાના મુખ્યપ્રધાનની મૃતકોના પરિવારજનોને પાંચ લાખના વળતરની જાહેરાત : કેન્દ્ર પાસે રૂ. 2000 કરોડની સહાય માગી
આંધ્રના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી : હજારો લોકોને સુરક્ષિત સ્થળે લઇ જવાયા : વડાપ્રધાને બંને રાજ્યોના સીએમ સાથે ફોન પર વાત કરી
હૈદરાબાદ/વિજયવાડા : આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં આકાશમાંથી આફત વરસી રહી છે. આ વરસાદને કારણે બંને રાજ્યોનો કુલ મૃત્યુઆંક વધીને ૩૧ થઇ ગયો છે. બંને રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે, સડકો જળમગ્ન છે અને રહેવાસી વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. પાણી ભરાઇ જવાને કારણે બંને રાજ્યોમાં રેલવે, સડક ટ્રાફિકને મોટા પ્રમાણમાં અસર થઇ છે.
તેલંગણામાં ૧૬ લોકોનાં મોત થયા છે જ્યારે આંધ્ર પ્રદેશમાં ૧૫ લોકોનાં મોત થયા છે. આંધ્રમાં ૪.૫ લાખ લોકોને અસર થઇ છે. તેલંગણામાં વરસાદને કારણે ૫૦૦૦ કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ છે. તેલંગણાના મુખ્યપ્રધાને કેન્દ્ર પાસે ૨૦૦૦ કરોડ રૂપિયાની સહાય માગી છે. તેમણે મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
બંને રાજ્યોની નદીઓ ખતરાના નિશાનની ઉપર વહી રહી છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને હજારો લોકોને સુરક્ષિત સ્થળે લઇ જવામાં આવ્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પૂર અસરગગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.
વરસાદને કારણે આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં ૧૦૦થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે અનેક ટ્રેનોના શરૂ બદલવા પડયા છે. વરસાદને કારણે અનેક રેલવે ટ્રેક પાણીમાં ડૂબી ગયા છે.
વડાપ્રધાન મોદીએ આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુ અને તેલંગણાના મુખ્યપ્રધાન રેવંત રેડ્ડી સાથે ફોન પર વાત કરી હતી. વડાપ્રધાને બેને મુખ્યપ્રધાનોને કેન્દ્રની તરફથી શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.
મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેલંગણાના મુખ્યપ્રધાન રેવંત રેડ્ડીએ ઉચ્ચ અધિકારીઓની ઇમરજન્સી બેઠક બોલાવી હતી.
અધિકારીઓને એલર્ટ રહેવાનું જણાવવામાં આવ્યું છે અને પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
Comments
Post a Comment