ભાજપનું મોડિફાઈડ વોશિંગ મશીન : 4000 કરોડના કૌભાંડી મધુકોડાના કરોડોના પાપ ધોવાઈ ગયા
- ભાજપની લીલા : 400 કરોડનું ફુલેકું ફેરવાનરો કૌભાંડી અને 4000 કરોડનું કરી નાખનાર મધુકોડા પવિત્ર
- કઠણાઈ : મોદી સાહુના ભ્રષ્ટાચારની વાતો કરતા હતા ને કોડા સ્ટેજ પર બેઠા બેઠા મૂછમાં મલકાતા હતા
જમશેદપુર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમશેદપુરની સભામાં ભ્રષ્ટાચારના મુદ્દે ફરી એક વાર અનોખી લીલાનું પ્રદર્શન કર્યું હતું. મોદીએ કોંગ્રેસના ઝારખંડના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુને ત્યાંથી મળેલી 350 કરોડ રૂપિયાની રોકડ અંગે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરીને કોંગ્રેસને ભ્રષ્ટાચારી પાર્ટી ગણાવી. બીજી તરફ તેમની સાથે મંચ પર 3400 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારમાં દોષિત ઠરેલા અને ત્રણ વર્ષ જેલમાં ગાળી આવેલા ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા બેઠા હતા. ભાજપ ભૂતકાળમાં મધુ કોડાને ભ્રષ્ટાચારના પ્રતિક પુરૂષ તરીકેનું બિરૂદ આપીને તેમના પર પ્રહારો કરી ચૂક્યા છે પણ અત્યારે મોદી સાથે સ્ટેજ પર બેસતાં જ કોડા પવિત્ર થઈ ગયા.
વાત જાણે એવી છે કે, ભાજપ દ્વારા અદ્વિતિય રાજકીય વિકાસના ભાગરૂપે વિસાવાયેલા મોડિફાઈડ વોશિંગ મશિનમાં પ્રવેશ કરતાની સાથે જ વિપક્ષના નેતાઓના પાપ ધોવાઈ જાય છે અને તેઓ ભાજપમાં સ્વચ્છ છબી સાથે વિકાસપુરુષનું પદ પ્રાપ્ત કરે છે. મધુ કોડા સાથે પણ એવું જ થયું. ભાજપના વિકસિત વોશિંગ મશીનમાં ધોવાઈને તેઓ દૂધે ધોયેલા થઈ ગયા. મજાની વાત એ છે કે, મોદીના મોંઢે ભ્રષ્ટાચારની વાત સાંભળીને મધુ કોડા પણ મૂછમાં મલકાતા હતા. નરેન્દ્ર મોદી પોતે ભ્રષ્ટાચારના વિરોધી હોય ને કોંગ્રેસ જ ભ્રષ્ટાચારને પોષે છે એવા દાવા કરીને લોકોની આંખમાં ધૂળ નાખવાનો સભાન પ્રયાસ કરતા હોય તેમ લાગતું હતું. લોકોના ચહેરા ઉપર પણ આશ્ચર્ય હતું કે, 400 કરોડનું કૌભાંડ કરનારો કૌભાંડી કહેવાય કે 4000 કરોડનું કરી નાખનારને કૌભાંડી કહેવાય. ભાજપને કે મધુ કોડાને લોકોના આ સવાલ કે મુંઝવણથી કોઈ ફરક પડતો નથી. તેમને તો માત્ર સત્તામાં રહેવું છે. પ્રજાનું જે થવું હોય તે થાય.
મધુ કોડાને કોલસા કૌભાંડમાં 3 વર્ષની જેલ થઈ હતી
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાને 2017ની ડીસેમ્બરમાં દિલ્હીની કોર્ટે કોલસા કૌભાંડમાં દોષિત ઠેરવીને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. કેન્દ્ર સરકારની એજન્સી ઈડીએ કરેલા કેસ પ્રમાણે, કોડાએ પોતાના મળતિયાઓને ફાયદો કરાવવા માટે કેન્દ્રીય કોલસા મંત્રાલયના અધિકારીઓ સાથે મળીને આડેધડ કોલસાના બ્લોક ફાળવ્યા હતા. કોડા દ્વારા આચરાયેલો 3400 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો આંકડો ઈડી દ્વારા સત્તાવાર રીતે અપાયેલો છે. બાકી બિનસત્તાવાર રીતે ભ્રષ્ટાચારનો આંકડો તેના કરતાં અનેક ગણો વધારે હોવાનું કહેવાય છે. ભાજપે થોડા મહિના પહેલાં જ મધુ કોડાને ભાજપમાં પ્રવેશ આપ્યો છે.
મધુ કોડાનો રાજકીય વારસો પત્ની સાચવી રહ્યા છે
મધુ કોડાની પત્ની ગીતા કોડા ઝારખંડની સિંઘભૂમ લોકસભા બેઠક પરથી 2019માં ચૂંટાઈને સાંસદ બન્યાં હતાં. ગીતા કોડા પણ ગયા વરસે જ ભાજપમાં જોડાઈ હતી અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યાં હતાં પણ કોંગ્રેસના જોબા માઝી સામે હારી ગયાં હતાં. કોડાની સાથે સાથે કેન્દ્રીય કોલસા સચિવ એચ.સી. ગુપ્તા અને ઝારખંડના ચીફ સેક્રેટરી એ.કે. બસુ એ બે ટોચના અધિકારી દોષિત ઠર્યા હતા. કોડાએ જેમને ફાયદો કરાવ્યો હતો એ વિનિ આયર્ન એન્ડ સ્ટીલ ઉદ્યોગના પ્રમોટરોને પણ કોર્ટે દોષિત ઠરવ્યા હતા. મધુ કોડા ૨૦૦૭માં ઝારખંડના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વિનિ આયર્નને જંગી ફાયદો કરાવીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હતો. ભ્રષ્ટાચારના કેસમાં સજા થવાથી કોડા ચૂંટણી લડી શકતા નથી. પણ કોડા રાજકારમમાં સક્રિય છે. તેમનાં પત્ની ગીતા કોડા પતિનો રાજકીય વારસો સાચવી રહ્યાં છે. ગીતા કોડા કોંગ્રેસનાં ધારાસભ્ય પણ રહી ચૂક્યાં છે.
Comments
Post a Comment