ચૂંટણી પહેલા ભાજપમાં ભાગમભાગ: પહેલી યાદી જાહેર થતાં એક બાદ એક રાજીનામાં, વિદ્રોહની ચેતવણી
Haryana Assembly Election: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 67 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી છે. જો કે, આ સાથે જ તેને મોટો ફટકો પડ્યો છે. યાદી પર અસંતોષ વ્યક્ત કરીને ભાજપના ઘણાં નેતાઓ એક પછી એક રાજીનામા આપી રહ્યા છે. ભાજપ ખેડૂત મોરચાના પ્રદેશ અધ્યક્ષ સુખવિંદર શ્યોરાણે સહિત કુલ ચાર દિગ્ગજ નેતાઓએ રાજીનામું આપી વિદ્રોહની ચિમકી ઉચ્ચારી છે.
ઉમેદવારોની યાદી અંગે અસંતોષ
સુખવિંદર શ્યોરાણે હરિયાણા પ્રદેશ ભાજપના અધ્યક્ષ મોહન લાલ બડોલીને પત્ર લખી પોતાના રાજીનામાનું એલાન કર્યું છે. આ ઉપરાંત ભાજપના કાર્યકારી સભ્ય સીમા ગેબીપુર અને શમશેર ગીલે પણ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામા આપ્યા છે. ચરખી દાદરી જીલ્લાના ખેડૂત મોરચાના અધ્યક્ષ ભલ્લે ચેરમેને પણ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. મહમથી ભાજપની ટિકિટના ઉમેદવાર શમશેર સિંહ ખરકડાની પણ પાર્ટી છોડવાની ચર્ચા ચાલી રહી છે. પ્રદેશ ઉપાધ્યક્ષ જીએલ શર્મા અને ગુરુગ્રામથી દાવેદાર નવીન ગોયલે પણ પાર્ટી વિરૂદ્ધ બળવો કરી તેમના સમર્થક કાર્યકર્તાઓની બેઠક બોલાવી છે.
આ પણ વાંચોઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ ભાજપની 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, આ બેઠકથી લડશે CM
પ્રદેશ અધ્યક્ષને પત્ર લખી રાજીનામું આપ્યું
સુખવિંદર શ્યોરાણે હરિયાણા પ્રદેશ ભાજપના અધ્યક્ષ મોહન લાલ બડોલીને પત્ર લખી પોતાના રાજીનામાનું એલાન કર્યું છે. આ પત્રની નકલ તેઓએ રાજ્યના મુખ્યમંત્રી નાયબ સૈની, સંગઠન મંત્રી અને ખેડૂત મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષને પણ મોકલી દીધી છે. રાજીનામા પત્રમાં તેમણે લખ્યું કે, 'હું પોતાને ભારતીય જનતા પાર્ટીના ખેડૂત મોરચાના પ્રદેશ અધ્યક્ષ પદની જવાબદારી તેમજ પાર્ટીના પ્રાથમિક સભ્ય તરીકે અલગ કરૂં છું, તેથી કૃપા કરીને મારા રાજીનામા પત્રને તાત્કાલિક ધોરણે સ્વિકાર કરવાની તકલીફ લેજો.' તેમણે આ પત્ર ફેસબુક પર પણ પોસ્ટ કરી 'અલવિદા ભાજપ' લખ્યું છે.
ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદી અનુસાર મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની લાડવા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. હરિયાણાના સ્પીકર જ્ઞાનચંદ ગુપ્તા પંચકુલાથી, હરિયાણાના પૂર્વ બીજેપી અધ્યક્ષ ઓમ પ્રકાશ ધનખર બાદલીથી, પૂર્વ સ્પીકર કંવર પાલ ગુર્જર જગાધરીથી, પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજ અંબાલા કેન્ટથી અને પૂર્વ સાંસદ સુનીતા દુગ્ગલ રતિયાથી ચૂંટણી લડશે.
પક્ષપલટું નેતાઓને ટિકિટ આપતા જૂના નેતાઓ નારાજ
ભાજપની યાદી જાહેર થયા બાદ અનેક જિલ્લાઓમાં પાર્ટીના જૂના નેતાઓ નારાજ છે. જેમાં પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે. પાર્ટીએ ઘણા પક્ષપલટુ નેતાઓને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જે પાર્ટીના દિગ્ગજ નેતાઓને પસંદ નથી આવ્યું. રાજકીય નિષ્ણાતોના મતે આગામી બે દિવસમાં એક ડઝનથી વધુ નેતાઓ પાર્ટી સામે બળવો કરી શકે છે.
હરિયાણામાં ભાજપ વિરોધી લહેર
હરિયાણામાં પાંચ ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. અહીં 10 વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ ભાજપ હવે સત્તા વિરોધી લહેરનો સામનો કરી રહી છે. જાતિ અને અનામતના મુદ્દા ભાજપ માટે મોટા પડકાર બની ગયા છે. જનનાયક જનતા પાર્ટી (જેજેપી) સાથે ગઠબંધન તૂટ્યા બાદ ભાજપ પાસે રાજ્યમાં હવે કોઇ મજબૂત સહયોગી નથી છે.
Comments
Post a Comment