ઇઝરાયેલનો લેબનોન પર 'ઇલેકટ્રોનિક હુમલો'


- લેબનોનમાં સતત બીજા દિવસના હુમલામાં 9ના મોત, 300થી વધુ ઘાયલ

- પેજર બાદ વોકીટોકી, સોલર સિસ્ટમ વિસ્ફોટ

- લેબનોન સરહદે ઇઝરાયેલે 20 હજારથી પણ વધારે જવાનો ખડકી દીધા, સૂચના મળતા જ ત્રાટકવા તૈયાર

- પેજર હુમલા પછી હીઝબુલ્લાહે ઇઝરાયેલ પર હજારો રોકેટ એકસાથે છોડયા, આયર્ન ડોમે નષ્ટ કરી દીધા

- હીઝબુલ્લાહ અને ઇઝરાયેલી દળો વચ્ચે 8મી ઓક્ટોબર પછી નિયમિત રીતે સરહદ પર ગોળીબાર ચાલતો રહે છે.

બૈરુત : આતંકવાદી સંગઠનોને તેમની જ ભાષામાં જવાબ આપવા માટે જાણીતા ઇઝરાયેલે ગઈકાલે હીઝબુલ્લાહના આતંકવાદીઓેને મંગળવારે પેજર બ્લાસ્ટ પછી આજે વોકીટોકી બ્લાસ્ટનો સ્વાદ ચખાડયો છે. બુધવારે લેબનોન પર ઇઝરાયેલા વોકીટોકી હુમલામાં નવના મોત થયા છે અને ૩૦૦થી વધુ ઇજા પામ્યા છે. આ આંકડો વધી પણ શકે છે. હુમલાના નવા સ્વરૂપે હીઝબુલ્લાહને સ્તબ્ધ કરી દીધુ છે. 

લેબનોનમાં કેટલાય સ્થળોએ પેજર પછી વોકીટોકી બ્લાસ્ટ થવાના લીધે રીતસરનો ભયનો માહોલ છે. ઇઝરાયેલને હંફાવવા થનગની રહેલા હીઝબુલ્લાહ પોતે અત્યારે ઇઝરાયેલના નવા પ્રકારના હુમલાઓનો સામનો કેવી રીતે કરવો તેની વિમાસણમાં પડી ગયું છે.

હીઝબુલ્લાહના ત્રણ ફાઇટરો અને એક બાળકના મોતના અંતિમ સંસ્કાર કરવાના હતા ત્યારે જ આ વોકીટોકી બ્લાસ્ટ થયો હતો. 

હીઝબુલ્લાહે આ વોકીટોકી ડીવાઇસ પણ લગભગ પાંચ મહિના પહેલાં જ ખરીદ્યા હતા. આ વાયરલેસ રેડિયો સેટ હીઝબુલ્લાહના આતંકવાદીઓ ઉપયોગમાં લેતા હતા. દેશના દક્ષિણના હિસ્સા અને રાજધાની બૈરૂતના દશિણી પરાવિસ્તારોમાં આ વોકીટોકી સેટ ફાટયા છે. એક વિસ્ફોટ ત્યાં પણ થયો જ્યાં પેજર બ્લાસ્ટમાં મૃત્યુ પામેલાના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા. 

ઇઝરાયેલના હીઝબુલ્લાહ પર આ પ્રકારના હુમલાને લઈને આતંકવાદી સંગઠને હવે સંપર્ક  સાધવા અને સૂચનાઓ આપવા માટે મધ્ય યુગની સ્થિતિમાં પહોંચી ગયું છે. 

આતંકવાદી સગઠન હીઝબુલ્લાહના સભ્યો એકબીજા સાથે સંપર્કમાં રહેવા માટે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતાં નથી, કારણ કે તેમના આગેવાને તેમને ફોનનો ઉપયોગ ન કરવા ચેતવણી આપતા જણાવ્યું હતું કે તમારી તેના દ્વારા જાસૂસી થઈ શકે છે. તેના લીધે તેઓ એંસીના દાયકામાં ઉપયોગમાં લેવાતા પેજર અને વોકીટોકીનો ઉપયોગ કરે છે. હવે તેમા ગઇકાલે પેજરમાં થયેલા વિસ્ફોટમાં ૧૨ના મોત થયા છે અને પાંચ હજારથી વધુ લોકો ઇજા પામ્યા છે. કેટલાય લોકોએ રસ્તા પર પડી ગયા હતા. આવા જ હુમલા પાછા સીરિયામાં પણ કરવામાં આવ્યા હતા.

ઇઝરાયેલના પેજર બ્લાસ્ટ પછી ગીન્નાયેલા હીઝબુલ્લાહે તેના પર હજારો રોકેટ એકસાથે છોડયા હતા. જો કે ઇઝરાયેલની આયર્ન ડોમ સિસ્ટમે તેના લગભગ મોટાભાગના રોકેટ તોડી પાડયા હતા. ઇઝરાયેલે આ ઘટના પછી વધેલી તંગદિલીના પગલે તેના વીસ હજારથી વધારે જવાનોને લેબનોનની સરહદે ગોઠવ્યા અને અને તેમને ગમે ત્યારે હુમલો કરવાની સ્થિતિમાંતૈયાર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. તેથી ઇઝરાયેલી આર્મીની ટુકડી ગમે ત્યારે હવે લેબનોનમાં ઘૂસી શકે છે. આ સિવાય પેરાટ્રૂપર્સ અને કમાન્ડો ડિવિઝનને પણ સાબદા રહેવાનો આદેશ આપવામાં આવી ચૂક્યો છે. 

પાંચ હજાર પેજરમાં ત્રણથી પાંચ ગ્રામ વિસ્ફોટકો મૂકાયા હતા

- હુમલાની જટિલતા પરથી સંકેત મળે છે કે લાંબા સમય સુધી તેના પર કામ થયું હતું

લેબનોનના બધા વિસ્તારોમાં મંગળવારે એકસાથે પાંચ હજાર પેજરમાં વિસ્ફોટ થયા અને તેના લીધે ૧૨ના મોત થયા અને પાંચ હજારથી વધુ લોકો ઘાયલ થયા. તપાસ દરમિયાન પાંચ હજારથી પણ વધુ પેજરોમાં ત્રણથી પાંચ ગ્રામના વિસ્ફોટકો હોવાની ખબર પડી. 

આના પગલે હીઝબુલ્લાહના નાકની બરોબર નીચે ઇઝરાયેલે બે વર્ષથી ચાલતા તેના આયોજનને અંતિમ સ્વરૂપ આપ્યું. આતંકવાદી સંગઠનના ગઢમાં ઘૂસીને કરવામાં આવેલા આ હુમલાએ સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. ઇઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદે લેબનોનનમાં ઘૂસીને આતંકવાદી સંગઠન હીઝબુલ્લાહના ગઢમાં બરોબર તેના નાક નીચે મહિનાઓ સુધી આ પેજરમાં વિસ્ફોટકો લગાવ્યા અને તેને તેની ગંધ પણ ન આવી. 

એકસ્પ્લોઝિવ અને ડિફેન્સ એક્સ્પર્ટ મુજબ આટલા મોટાપાયા પરના હુમલાની યોજના બનાવવવા માટે કેટલાય મહિના અને બે વર્ષ કરતાં વધુ સમય લાગી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે હુમલાની જટિલતાથી સંકેત મળે છે કે હુમલાખોર લાંબા સમય સુધી ગુપ્ત જાણકારી મેળવતો રહ્યો હતો. આટલા મોટાપાયા પરના હુમલાના સંચાલન માટે પેજરના વેચાણ પહેલા તેના સુધી ભૌતિક પહોંચ હાંસલ કરવા માટે સંબંધ સ્થાપવો, ઉપકરણોમાં એમ્બેડ કરવા માટેની ટેકનિક શોધવી અને તેને વેરિફાઈ કરવા માટેના સ્ત્રોતોને પણ સુરક્ષિત કરવા તે જરૂરી છે કે લક્ષ્ય પાસે પેજર હોય. 

વિસ્ફોટક પેજર હંગેરીમાં બન્યા હતા: તાઇવાનની કંપનીનો દાવોે 

- તાઇવાનીઝ કંપનીએ અત્યાર સુધી 2,60,000 પેજરોની નિકાસ કરી છે

તાઇવાનની કંપની ગોલ્ડ એપોલોએ દાવો કર્યો છે કે ઇઝરાયેલા લેબનોનના હુમલામાં ઉપયોગમાં લીધેલા તેની બ્રાન્ડના પેજરનું ઉત્પાદન હંગેરીમાં થયું છે. આમાથી એકેય પેજેર તેમની કંપનીએ બનાવ્યા નથી.

હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં આવેલી બીએસી કન્સલ્ટિંગ કેએફકેએ એઆર-૯૨૪ બ્રાન્ડના પેજરનું ઉત્પાદન કર્યુ હતું. તેમની સાથે થયેલા કરાર મુજબ અને કંપનીને અમારી બ્રાન્ડનેમ ઉપયોગમાં લેવા માટે મંજૂરી આપી હતી. પરંતુ આ પ્રોડક્ટનું ઉત્પાદન અને ડિઝાઇન બીએસીએ જ તૈયાર કર્યા હતા. 

કંપનીના વડાએ પત્રકારોને જણાવ્યું હતું કે કંપનીએ બીએસીને ત્રણ વર્ષનુ લાઇસન્સ આપેલું છે, પરંતુ તેમણે તેમના કોન્ટ્રાક્ટટનો પુરાવો આપ્યો ન હતો. લેબનોન અને સીરિયામાં મંગળવારે બપોરના સમયે ગ્રોસરીઝની ખરીદી કરતાં, કાફેમાં બેઠેલા, કાર ચલાવતા અને બાઇક ચલાવનારાઓના પેજરમાં બ્લાસ્ટ થયો હતો. 

નિષ્ણાતોનું માનવું છે કે આ પેજર હીઝબુલ્લાહ પાસે આવ્યાં તે પહેલાં જ તેની અંદર વિસ્ફોટકો ભરી દેવામાં આવ્યા હશે. આ બતાવે છે કે તેની અત્યંત સંવેદનશીલ સપ્લાય ચેઇનમાં ક્યાંક ગડબડ થઈ છે. પેજરનું વાયરલેસ નેટવર્ક મોબાઇલ નેટવર્કથી જુદું હોય છે. કટોકટીની સ્થિતિમાં મોબાઇલ સિગ્નલ જામ બતાવે છે ત્યારે પેજર કામ આવે છે. તેથી ઘણી હોસ્પિટલો આજ પણ તેની સેવા માટે પેજર પર આધારિત છે.

તાઇવાનના પ્રધાને જણાવ્યું હતું કે તેઓએ ૨૦૨૨થી ઓગસ્ટ ૨૦૨૪ સુધી ૨,૬૦,૦૦૦ પેજરોના સેટની નિકાસ કરી છે. તેમા આ વર્ષે જાન્યુઆરીથી ઓગ્સટ સુધી ૪૦,૦૦૦ પેજરોની નિકાસ કરી છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો