સાંસદ ગેંડાભાઈ ગુમાનીએ મતદારોના પગ ધોયા અને પાણીમાં ડૂબકી લગાવી


મહારાજા સિંહ સતત ઉદ્ધાટનો કરતા હતા. જંગલની સૌથી ફાસ્ટ ટ્રેનનું ઉદ્ધાટન કર્યા પછી રાજા સિંહે મેમોરિયલોના ઉદ્ધાટનો કર્યા. એમાંથી પ્રેરણા લઈને સાંસદ ગેંડાભાઈ ગુમાનીએ પણ ઉદ્ધાટન સમારોહો શરૂ કર્યાં હતાં. પ્રથમ તબક્કામાં પરાક્રમી પંજાની મદદથી ગેંડાભાઈએ નળની ચકલી ફેરવીને એક ઉદ્ધાટન સમારોહને ભારે સફળ બનાવ્યો હતો.

પછી વીજવાયરનું ઉદ્ધાટન કર્યું, પંખાનું ઉદ્ધાટન કરીને જંગલવાસીઓને હવા ખાવાનું જાહેર આમંત્રણ પણ આપ્યું. ગેસ-સ્ટવને આગ લગાડીને માદા મોરચા દ્વારા આયોજિત ઉદ્ધાટન સમારંભને નવી ઊંચાઈ આપી. ચૂંટણીલક્ષી કાર્યક્રમોનો એ જ સિલસિલો સાંસદ ગેંડાભાઈ ગુમાનીએ બીજા સપ્તાહમાં ય આગળ વધાર્યો.

'મંકી મંદમતિ! હજુ આપણી પાસે ચૂંટણી પહેલાં કાર્યક્રમો થાય તે માટે કેટલું બજેટ છે?' સાંસદ ગેંડાભાઈ ગુમાનીએ રાજકીય સલાહકારને બોલાવીને પૂછ્યું.

'મતવિસ્તારમાં રસ્તા-પાણી-શિક્ષણ માટે જે ગ્રાન્ટ મળી હતી એ તમે ઘર-કાર અને કારખાના માટે ફાળવી હતી. તેમ છતાં હજુ ય ઘણી રકમ બચી છે. કાર્યક્રમોની જાહેરખબરો આપવામાં વાપરી શકાય એટલી રકમ તો છે જ' મંકી મંદમતિએ ટૂંકમાં ગ્રાન્ટનો હિસાબ સમજાવ્યો.

'વેલડન! બસ તો હજુ ય આપણે ચૂંટણીલક્ષી સમારોહો ચાલુ રાખીશું. તું નવા કાર્યક્રમોની તૈયારી કરવા માંડ' ગેંડાભાઈ ગુમાનીએ ગુમાનથી આદેશ છોડયો.

'બધુ તૈયાર જ છે. આપના હાથે ઉદ્ધાટનો કરાવવા માટે જંગલવાસીઓ ઉતાવળા બન્યા છે. તમે કહો એટલે કાર્યક્રમ ગોઠવી દઈશ' મંકી મંદમતિએ સ્હેજ રોકાઈને ઉમેર્યું, 'જંગલવાસીઓ જાણે છે કે ચૂંટણી પહેલાં જ તમે આવા કાર્યક્રમો માટે સમય આપશો એટલે એ બધાને ય આ દિવસોમાં ઉદ્ધાટનો કરવાનું ફાવે છે.'

'ઉદ્ધાટન સમારોહો ઉપરાંત મહારાજા સિંહ બીજું શું શું કરે છે એના ઉપર નજર રાખજે. હું પણ એ પ્રકારનું બધું જ કરીશ' ગેંડાભાઈએ મોટું બગાસુ ખાઈને પગ લાંબાં કર્યાં.

'મહારાજા સિંહે હમણાં ડૂબકીઓ લગાવવાનો અને પગ ધોવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે' મંકી મંદમતિએ ગેંડાભાઈના હાવભાવ નોંધીને આગળ ચલાવ્યું, 'તમે કહો તો ઉદ્ધાટન સમારોહોની સાથે સાથે એવા કાર્યક્રમો પણ ગોઠવું?'

'ગોઠવ ગોઠવ! આપણે તો મહારાજ સિંહની સ્ટાઈલ પ્રમાણે જ ચૂંટણી જીતવી છે બસ' ગેંડાભાઈ ગુમાનીએ લાંબાં કરેલા પગ ફરીથી ભેગા કરીને ઉત્સાહ બતાવ્યો.

મંકી મંદમતિએ ગેંડાભાઈ પાસે પગ ધોવડાવવા તૈયાર હોય એવા પ્રાણીઓની શોધ આદરી.

નિયત સમયે ગેંડાભાઈ ગુમાનીનો જંગલવાસીઓના પગ ધોવાનો કાર્યક્રમ શરૂ થયો. મંકી મંદમતિએ ક્રમ આપી રાખ્યો હતો એ પ્રમાણે પહેલો ક્રમ હતો ભટકેલી ભેંસબેનનો. કાર્યક્રમનું સંચાલન કરતા મંકી મંદમતિએ કહ્યું, 'હું શ્રીભટકેલી ભેંસબેનને વિનંતી કરું કે તેઓ મંચ ઉપર આવે અને આપણા સૌના લાડકા સાંસદ શ્રીગેંડાભાઈના હાથે પગ ધોવડાવે.' પંજાઓના ગડગડાટથી વાતાવરણ ગૂંજી ઊઠયું.

ભટકેલી ભેંસબેન મંચ ઉપર આવ્યા કે તરત ગેંડાભાઈએ પગ ઉપર પાણી રેડવાનું શરૂ કર્યું. થોડુંક પાણી રેડયું ન રેડયું ત્યાં ભેંસબેન બોલ્યાં, 'ગેંડાભાઈ જરાક ઘસીને સાફ કરજો. બે-ત્રણ દિવસથી પગમાં ચોંટેલું છાણ સાફ થયું નથી. ને હું તો આજે જંગલની ગંદકીમાં ભટકીને આવી છું એટલે પગ મેલા ય થયા હશે' ભટકેલી ભેંસબેન તો આમેય બોલવે ભારે જબરાં હતાં, એટલા મોટા અવાજે બોલ્યા કે સભામાં છેક છેલ્લે સુધી અવાજ સંભળાયો!

'જી જી!' ગેંડાભાઈએ અણગમાથી નાક બંધ કરીને ભેંસબેનના પગમાં ચોંટેલું છાણ ઉખેડવા હાથનો પંજો ઘસ્યો. પગ ઉપર ચોંટેલું છાણ તો નીકળું ગયું, પણ સીધું પગના પંજા (ખરી)માં ઘૂસી ગયું. ગેંડાભાઈએ એના ઉપર પાણી તો ઘણું નાખ્યું, પણ કેમેય કરીને છાણ નીકળતું ન હતું. બધાની નજર ગેંડાભાઈ ઉપર ખોડાયેલી હતી એટલે ગેંડાભાઈની કસોટી હતી.

જેમ તેમ કરીને સાંસદ ગેંડાભાઈએ ભેંસબેનના પંજામાંથી છાણ કાઢ્યું તે સાથે જ મંકી મંદમતિએ જાહેરાત કરી, 'શ્રીભેંસબેનને હું વિનંતી કરીશું કે તેઓ એમની જગ્યાએ જઈને બેસે. કાર્યક્રમમાં હજુ ઘણાં પ્રાણીઓનો વારો બાકી છે અને સમય પણ બહુ ઓછો છે'

પણ આ તો ભટકેલી ભેંસબેન. એ થોડા એમ જતા રહે! ભેંસબેને તો બીજો પગ આગળ કરીને કહ્યું, 'ગેંડાભાઈ આ પગ તો હજુ બાકી છે'

'બિલકુલ બિલકુલ' પરાણે પરાણે મોઢા ઉપર સ્મિત લાવીને ગેંડાભાઈએ ભેંસબેનનો બીજો પગ પણ ઘસી ઘસીને ધોયો. ચારેય પગ ધોવાયા પછી ય ભેંસબેને છેલ્લી વિનંતી, 'ગેંડાભાઈ થોડુંક પાણી પીઠ ઉપર પણ નાખી જ દેજો. આટલા માટે શું બાકી રાખવું!' મંકી મંદમતિ સામે ગુસ્સામાં આંખ કાઢીને ગેંડાભાઈએ માંડ માંડ ભેંસબેનને મંચ ઉપરથી વિદાય કર્યાં.

ભેંસબેન પછી મંચ ઉપર આવીને પગ ધોવડાવવાનો વારો આમ તો બાબાલાલ બકરાનો હતો, પરંતુ સંચાલક મંકી મંદમતિએ ત્રણ-ચાર વખત નામ લીધા પછી ય બાબાલાલ ન દેખાયા એટલે તકનો લાભ લઈને એક ભૂંડભાઈ મંચ ઉપર આવી ચડયા, 'બાબાલાલ આવે ત્યાં સુધીમાં મારા પગ ધોઈ આપશો?' ગેંડાભાઈ ગુમાની કે મંકી મંદમતિ કંઈ બોલે એ પહેલાં તો ભૂંડભાઈએ પગ લાંબો કરીને ગેંડાભાઈ સામે ધરી દીધો. સભાની વચ્ચે જો ગેંડાભાઈ ભૂંડનું અપમાન કરે તો તેની મતદારો ઉપર ખરાબ અસર પડે.

ચૂંટણી નજીક ન હોત તો ગેંડાભાઈએ પગ ધોવડાવવા માટે આવી હરકતો કરતા ભૂંડને ગૂંડાઓ પાસે ધોવડાવી નાખ્યો હોત, પરંતુ ચૂંટણી વખતે જોખમ ન લઈ શકાય એમ વિચારીને ગેંડાભાઈએ ભૂંડના પગ ઉપર દૂરથી પાણી રેડયું કે તરત ભૂંડભાઈ બોલ્યા, 'એમ નહીં, એમ નહીં.

આ ભેંસબેનના પગ જે રીતે ઘસીને સાફ કર્યા એ જ રીતે કરી આપોને! આપણાં વિસ્તારમાં અમારા સમાજ માટે ક્યાંય ચોખ્ખા પાણીનું ખાબોચિયું નથી એટલે અમારે ગંદા પાણીથી જ નહાવું પડે છે. તમે અહીં પધાર્યા એ અમારું નસીબ છે. આજે સરખી રીતે પગ સાફ થઈ જાય તો પછી છ-આઠ મહિના ચિંતા નહીં!'

'ચોક્કસ ચોક્કસ' ગેંડાભાઈએ માંડ માંડ ગંધાતા ભૂંડભાઈના પગ સાફ કર્યા ત્યાં સુધીમાં તો ભૂંડભાઈએ સામેથી તેની પત્ની અને બાળકોને ય સ્વચ્છ પાણીથી પગ સાફ કરવાનો લાભ લેવા મંચ ઉપર બોલાવી લીધાં. સભાની વચ્ચે ભૂંડના પરિવારે લાગણીસભર વિનંતી કરી એટલે ગેંડાભાઈએ આખા પરિવારના પગ ધોઈ આપ્યાં. ગેંડાભાઈ ભૂંડભાઈના આખા પરિવારને છેક નીચે સુધી મૂકવા ગયા. ગેંડાભાઈ અને મંકી મંદમતિએ રાહતનો શ્વાસ લીધો.

મંકી મંદમતિએ એકાદ સ્વચ્છ પ્રાણીને મંચ ઉપર બોલાવવા માટે લિસ્ટમાં નામ શોધવાની શરૂઆત કરી ત્યાં તો શેરીઓના કૂતરાઓનું ટોળું નારા લગાવતા લગાવતા આવી ચડયું. 'સાંસદ ગેંડાભાઈ અમર રહો.

સાંસદ ગેંડાભાઈ જિંદાબાદ' એક તરફના કૂતરાઓ બોલ્યાં, 'સાંસદ ગેંડાભાઈ તમે પગ ધોવો' બીજી તરફના કૂતરાઓએ કહ્યું, 'અમે પગ ધોવડાવવા તૈયાર છીએ'... 'ગેંડાભાઈ તમે પગ ધોવો... અમે પગ ધોવડાવવા તૈયાર છીએ'. 'જબ તક નદી સલામત રહેગી, ગેંડાભાઈ તુમ્હારી પગ ધુલાઈ રહેગી' ગેંડાભાઈના સમર્થકો કંઈ સમજે કે કૂતરાઓને રોકે એ પહેલાં તો કૂતરાઓનું ટોળું મંચ ઉપર આવી ગયું. કૂતરાઓએ મોટે અવાજે સમૂહમાં કહ્યું, 'અમને ગૌરવ છે કે શ્રીગેંડાભાઈએ પગ ધોવા માટે અમને આમંત્રણ આપ્યું છે. અમે એમના આગ્રહથી આવી પહોંચ્યા છીએ. નહીંતર અમે શેરીઓ મૂકીને ભાગ્યે જ ક્યાંય જવાનું પસંદ કરીએ છીએ'

ગેંડાભાઈ અને મંકી મંદમતિને તો કંઈ સમજમાં જ ન આવ્યું કે શું થઈ રહ્યું છે. મંકીએ સ્થિતિને કાબુમાં લેવાની કોશિશ કરતા કહ્યું, 'મિત્રો અત્યારે બીજાં પ્રાણીઓના પગ ધોવાની વિધિ ચાલી રહી છે. મહેરબાની કરીને આપ નીચે બેસો, આપ સૌને હમણાં બોલાવાશે'.

પણ કૂતરાઓ મંચ ઉપરથી ન હટયા. ન છૂટકે ગેંડાભાઈએ એ બધાના પગ ધોવાનું શરૂ કર્યું. 'શેરીનો બધો કચરો પગમાં સાચવ્યો છે' એમ બબડતા બબડતા ગેંડાભાઈએ બધાના પગ ધોઈ આપ્યાં. થાકેલા ગેંડાભાઈએ મંકીના કાનમાં કહ્યું, 'પગ ધોવાનો આગળનો કાર્યક્રમ કોઈ બહાનું બતાવીને રદ્ કરી નાખ' મંકીએ બહાનું બતાવ્યું, 'મિત્રો, શ્રીગેંડાભાઈ ગુમાનીને નદીમાં ડૂબકી લગાવવા જવાનું હોવાથી આપણે આ કાર્યક્રમ અહીં જ અટકાવવો પડશે'.

'ગેંડાભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ'ના નારા લાગ્યાં. જંગલવાસીઓએ ગેંડાભાઈની સાથે ડૂબકી લગાવવા જવાની હઠ પકડી. આગળ ગેંડાભાઈ અને પાછળ પ્રાણીઓનું ટોળું - એમ બધા નદીએ પહોંચ્યા. મને-કમને ગેંડાભાઈએ નદીમાં ડૂબકી લગાવીને ધાર્મિક વિધિ કરતા હોવાનો ડોળ કર્યો. તેની પાછળ પાછળ પ્રાણીઓએ નદીમાં ડૂબકી લગાવીને ભાવપૂર્વક ધાર્મિક વિધિ કરી. કેટલીય વાર પછી ગેંડાભાઈને આ બધામાંથી માંડ છૂટકારો મળ્યો.

ગેંડાભાઈ ગુમાની અને મંકી મંદમતિને બીજા દિવસે એક પત્ર મળ્યો. પત્રમાં લખ્યું હતું:

'તમારા કાર્યક્રમની સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન! આપે ભેંસ-ભૂંડ-કૂતરાઓના પગ ઘસી ઘસીને સાફ કર્યા તે પ્રશંસનીય છે. આપને જાણ થાય કે મહારાજા સિંહ આવા કાર્યક્રમમાં જેને પગ ધોવા માટે પસંદ કરે છે એને અગાઉથી જ સ્વચ્છ થઈને; ચાર-પાંચ વખત ઘસીને પગ ધોઈને આવવાની કડક સૂચના અપાય છે.

પગમાં એકેય પ્રકારનો દાગ ન હોય, પગ ધોળાફૂલ જેવા હોય એવાની જ પગ ધોવા માટે પસંદગી થાય છે. મહારાજા સિંહની આખી ટીમ એ માટે કાર્યરત છે. રાજા સિંહ જેને પગ ધોવા માટે પસંદ કરે તેને આકરા નિયમોનું પાલન કરવાનું હોય છે. સિંહ નદીમાં ડૂબકી લગાવે ત્યારે ય આસપાસ બધાના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકાય છે. તમે બીજી વખત આવો કાર્યક્રમ યોજો ત્યારે ધ્યાનમાં રહે એટલે ધ્યાન દોરું છું - આપનો હિતેચ્છુ!'

વિશ્વસનીય સૂત્રોના કહેવા પ્રમાણે સાંસદ ગેંડાભાઈ ગુમાની ને રાજકીય સલાહકાર મંકી મંદમતિ આ પત્રના આઘાતમાંથી હજુ ય બહાર આવ્યા નથી!

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો