યુરોપિયન યુનિયનનું નેતા જર્મની અમેરિકાથી દૂર, રશિયાની નજીક સરકી રહ્યું છે



વૈશ્વિક સમીકરણો કઈ રીતે બદલાઈ રહ્યાં છે?

બીજા વિશ્વયુદ્ધ પછી સેટ થયેલો વર્લ્ડ ઑર્ડર હવે બદલાઈ રહ્યો છે. કોઈ કાયમી દોસ્ત નથી હોતું અને કોઈ કાયમી દુશ્મન પણ નહીં. સંબંધોનું ગ્રહમાન પણ હંમેશા ગતિશીલ રહે છે. નવા-નવા શુભાશુભ યોગ રચતું રહે છે.

એક ગાંઠ મનાતા અમેરિકા અને યુરોપ વચ્ચેનું અંતર વધી રહ્યું છે. રશિયાથી ભૌગોલિક સામીપ્ય ધરાવતું યુરોપ હવે તેનાથી રાજકીય રીતે પણ નજીક ખસી રહ્યું છે. સર્જાવા જઈ રહેલી આ નવી વ્યવસ્થા હાલ સંક્રમણ કાળમાંથી પસાર થઈ રહી છે. જ્યાં સુધી તે સ્થિર નહીં થાય ત્યાં સુધી કંઈક પાથલ-ઉથલ જોવા મળી શકે છે.

જર્મનીના મ્યુનિક શહેરમાં દર ફેબુ્રઆરીમાં હોટલ બાયોરિશર હોફમાં આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાય છે. આ વર્ષે પણ યોજાયેલું. તેમાં વિધવિધ દેશના શાસનાધ્યક્ષો, ઉચ્ચ પદાધિકારીઓ, સૈનિક અફસરો, સુરક્ષા વિશેષજ્ઞાો તથા વૈજ્ઞાાનિક-આર્થિક સંગઠનના નિર્દેશકો ભાગ લે છે. આ વખતના સંમેલનમાં રશિયા, ચીન, જાપાન, જર્મની, અમેરિકા અને ભારત સહિત અનેક દેશોના મહાનુભવોએ હાજરી આપી હતી.

ભારત તરફથી ડેપ્યુટી નેશનલ સિક્યોરિટી એડવાઇઝર પંકજ સરણ આ બેઠકમાં હાજર રહ્યા હતા અને તેમણે જર્મની, અમેરિકા, રશિયા, અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, અર્મેનિયા, મંગોલિયા અને ઓમાનના પ્રતિનિધિઓને મળીને જૈશ-એ-મોહમ્મદે પુુલવામામાં કરેલા ત્રાસવાદી હુમલા વિશે જાણ કરી હતી. ભારત સર્જિકલ સ્ટ્રાઇક કરે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ ન ઊઠે તે માટે તેમણે હવા બનાવી હતી.

ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોં અને જર્મનીના ચાન્સલર અન્ગેલા મેર્કલે મળીને આ સંમેલન સંબોધિત કરવાનું હતું. મેક્રોં તેમને ત્યાં ચાલી રહેલા યેલો જેકેટ આંદોલનનું બહાનું ધરીને છટકી ગયા. તેમનું ત્યાં ન આવવાનું અસલી કારણ હતું જર્મની સામેની નારાજગી.  જર્મનીએ રશિયા પાસેથી ગેસ ખરીદવાના કરાર કર્યા છે. આ માટે પાઇપલાઇન પણ લાગી ગઈ છે. ફ્રાંસ નથી ઈચ્છતું કે યુરોપ રશિયા પર નિર્ભર બને. બહુ લાંબા સમય પછી ફ્રાંસ અને જર્મની વચ્ચે કોઈ મુદ્દે ફાંટા પડતા જોવા મળી રહ્યા છે.

ડોનલ્ડ ટ્રમ્પની નીતિઓના પ્રતાપે અમેરિકાનો વરદ હસ્ત યુરોપ પરથી હટી ગયો છે. યુરોપ પોતે પણ હવે બીજા વિશ્વયુદ્ધ પછી હતું એવું સંગઠીત રહ્યું નથી.  એક સમયે રશિયા અને અમેરિકાનું દ્વંદ્વયુદ્ધ ચીનની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીથી ત્રિકોણીય હરિફાઈમાં પલટાઈ ગયું છે. અમેરિકાનો હાથ ઊઠી ગયા પછી યુરોપ વિચાર કરવા લાગ્યું છે કે આમાં મારી સુરક્ષા ક્યાં? અને મારી ખુશાલીનું શું? ત્રણ મહાશક્તિમાંથી અમેરિકા સિવાયના વિકલ્પો તેણે શોધવાનું શરૂ કર્યું છે.

અન્ગેલા મેર્કલની પાર્ટી ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયને ગત વર્ષે યોજાયેલી ચૂંટણીમાં બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી ઓછા મત મેળવ્યા. ફલતઃ અન્ગેલા મેર્કલનો મૃદુ સ્વર તીવ્ર બન્યો છે. જર્મન જનતાનું બદલાતું માનસ તેઓ સમજી ગયા છે અને એ મુજબ તેમણે પોતાના અવાજમાં ફેરફાર કર્યો છે.

આ સંમેલનમાં અંગેલા મેર્કલે નામ વિના લીધા ડોનલ્ડ ટ્રમ્પ પર આકરા પ્રહાર કર્યા હતા. ભૌતિકશાસ્ત્ર પ્રમાણે તમામ ક્રિયાઓ પારસ્પરિક છે અને અન્ગેલા તો ભૌતિકશાસ્ત્રમાં પીએચડી છે. મેર્કલે શું કહ્યું એ તો જ સમજાશે જો આપણે પહેલા એ સમજી લઈશું કે ડોનલ્ડ ટ્રમ્પે શું કહેલું.

બીજા વિશ્વયુદ્ધ પછી હિટલર જેવા કોઈ મોટા શત્રુ સામે લડવાનું બને તો આસાનીથી રક્ષણ કરી શકાય એ માટે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન (નાટો) સૈન્ય સંગઠનની રચના યુરોપ અને અમેરિકા દ્વારા કરવામાં આવી હતી. આ સમજૂતીને બહુપક્ષવાદ (મલ્ટિલેટરલિઝમ) કહેવામાં આવે છે. ડોનલ્ડ ટ્રમ્પને હૈયા બળતરા થાય છે કે અમે નાટો પાછળ વધારે ખર્ચ કરીએ છીએ. બીજા યુરોપીય દેશ ઓછો કરે છે. તેમનું કહેવું છે કે યુરોપિયન દેશોએ નાટોના ખર્ચામાં પોતાનો હિસ્સો વધારવો જોઈએ યા પોતાની સુરક્ષાની જવાબદારી પોતે ઉઠાવવી જોઈએ.

મેર્કલે કહ્યું કે અત્યારે જેટલાં આંતરાષ્ટ્રીય સંસ્થાઓ અથવા સંગઠનો છે તે બીજા વિશ્વયુદ્ધના અનુભવોના આધારે રચાયા છે. તે જળવાવા જોઈએ. જો હળીમળીને રહેશું તો જ આજની સમસ્યાઓ હલ થશે. મનમાની કરશું તો તે વધારે જટિલ બની જશે. નાટોના ઔચિત્ય પર પ્રશ્નચિહ્ન લગાવવું અને તેને ખંડિત કરવું એ બહુપક્ષીયવાદ પર કુઠારાઘાત સાબિત થશે.

ડોનલ્ડ ટ્રમ્પે યુરોપથી અમેરિકામાં આયાત થતી કાર પર ૨૫ ટકા કસ્ટમ ડયુટી ઠોકી બેસાડવાની ધમકી આપી છે. તેણે યુરોપની કારને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવી. અન્ગેલા મેર્કલે આ મુદ્દે ટીકા કરી કે, આ કાર અમેરિકામાં જ બને છે. બીએમડબલ્યુનું સૌથી મોટું કારખાનું જર્મનીના બવેરિયામાં નહીં, અમેરિકાના દક્ષિણ કેરોલિનામાં છે. ત્યાં હજારો લોકોને નોકરીઓ આપે છે અને ત્યાં હજારો લોકો નોકરી કરે છે. 

અમેરિકાની સાહેબગીરી સહેવાનું આદી રહેલું જર્મની રશિયાને ખરી ખોટી સંભળાવવામાં પારંગત રહ્યું છે. હવે તે યુએસની ટીકા કરીને રશિયા પાસેથી ગેસ ખરીદવા જઈ રહ્યું છે તે બાબત દર્શાવે છે કે વૈશ્વિક પરિદૃશ્યમાં કેટલો મોટો બદલાવ આવી રહ્યો છે. મેર્કલે સોઈ ઝાટકીને કહી દીધું કે, ભૂરાજનીતિને ધ્યાને લેતા યુરોપ રશિયા સાથેના સંબંધો તોડવાનું ક્યારેય વિચારી શકે નહીં.

યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન એક્ઝિટ થઈ ગયું અને હવે તેનો સૌથી મોટો દેશ પોતાનું મુખ અમેરિકાને બદલે રશિયા બાજુ ફેરવી રહ્યો છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે બચાવપૂર્ણ ભાષણ આપતા યુરોપના અન્ય દેશોને રશિયન ગેસ પાઇપલાઇનનો વિરોધ કરવા ઉકસાવવાની કોશિશ કરી.

અન્ગેલા મેર્કલ ઈરાન પર અમેરિકાએ લાદેલા પ્રતિબંધોનો વિરોધ કરી રહ્યા છે કેમ કે યુરોપે પ્રતિબંધ હટયો તે વર્ષોમાં ત્યાં રોકાણ કરેલું છે. માઇક પેન્સ એવું કહે છે કે યુરોપ અમે ઈરાન પર લાદેલા પ્રતિબંધો પર કાતર ફેરવવાનું બંધ કરે. અમેરિકાએ આઇએનએફ કરાર રદ કર્યા પછી રશિયાથી સૌથી ઝાઝો ખતરો યુરોપને છે. હા, જો યુરોપિયન દેશો તેની સાથે વેપાર કરતા હોય તો તે સશસ્ત્ર ઘર્ષણમાં ઊતરવાનું ટાળે.

વળી, બીજા ક્રમની સૌથી મોટી સત્તા ચીન બની ગયું હોવાથી રશિયાનું વજન ઘટી ગયું છે.  આમ યુરોપ અને રશિયા બંને પોતપોતાની ખોટ પૂરવા એકબીજામાં સાથીદાર જોઈ રહ્યા છે. એક બાજુ અમેરિકા, બીજી બાજુ ચીન અને ત્રીજી બાજુ યુરોપ વત્તા રશિયા એવું કોઈ સમીકરણ પણ ભવિષ્યમાં જોવા મળી શકે છે.

ચીને આ સંમેલનનું પોતાના માટે કોઈ મહત્ત્વ ન હોય તેમ ભૂતપૂર્વ વિદેશ મંત્રી યાંગ જ્યેશીને મોકલી દીધા હતા. મેર્કલે એવું કહ્યું હતું કે આઇએનએફના સ્થાને નવી સંધિ થવી જોઈએ અને તેમાં અમેરિકા અને રશિયાની સાથોસાથ ચીનનો પણ એક પક્ષકાર તરીકે ઉમેરો થવો જોઈએ.

જ્યેશીએ આનો જવાબ એમ આપ્યો કે ચીન કદાચ મધ્યમ દૂરીની મિસાઇલ વિકસાવે તો પણ તેનાથી કોઈને ખતરો નથી.  (આઇએનએફ કરાર રશિયા અને અમેરિકા વચ્ચે ૧૯૮૬માં થયો હતો, જેમાં એવી શરત હતી કે બંને દેશો જમીન પરથી ફેંકી શકાય એવી મધ્યમ અંતરની મિસાઇલો નહીં બનાવે.)

ડોનલ્ડ ટ્રમ્પ વૈશ્વિકરણનો વિરોધ કરી રહ્યા છે અને ચીન તેની તરફેણ કરી રહ્યું છે ત્યારે કોઈએ એમ ન સમજી લેવું કે તે વૈશ્વિકરણ અને ઉદારવાદમાં માનનારો દેશ છે. તે ગ્લોબલાઇઝેશનની વાતો વન બેલ્ટ વન રોડ યોજનાના ભાગીદારો શોધવા માટે કરે છે. રામ-રામ જપવા પાછળનો હેતુ શું છે? સમજાઈ ગયોને? ખરેખર તે વૈશ્વિકરણનો હિમાયતી હોય તો સુરક્ષા પરિષદના વિસ્તરણ માટે શા માટે સહમત થતો નથી.

વચ્ચે-વચ્ચે આડી-અવળી વાતો કરતા-કરતા પાછા આપણી મૂળ વાત પર આવીએ તો યુરોપ અને અમેરિકા વચ્ચે કેટલા તડા પડયા છે તેનું વધુ એક ઉદાહરણ સંમેલન રદ થયા પછી ડોનલ્ડ ટ્રમ્પે કરેલી ટ્વીટ પરથી સમજી શકાય છે. તેણે કહ્યું, બ્રિટન, ફ્રાંસ, જર્મની અને અન્ય મિત્ર દેશોને અમેરિકા કહેવા માગે છે કે સીરિયામાં આઇએસના ૮૦૦થી વધારે આતંકીઓને બંદી બનાવવામાં આવ્યા છે.

તેઓ આને લઈ જાય અને પોતાને ત્યાં તેમના પર કેસ ચલાવે. અન્યથા અમે તેમને છોડી દેવા વિવશ થઈ જઈશું. અમે નથી ઇચ્છતા કે પછી આ આઇએસના ત્રાસવાદીઓ યુરોપમાં ઘૂસણખોરી કરે. સંભાવના તો એ જ છે. અમે અત્યાર સુધી બહુ કર્યું અને ખૂબ ખર્ચો ઉપાડયો છે. હવે અમે ઇચ્છીએ છીએ કે બીજા દેશો પણ આગળ આવે અને આ કામ પોતાના હાથમાં લે.

જર્મની યુરોપિયન યુનિયનનું સૌથી મોટું નેતા છે. ટ્રમ્પની ટ્વીટ દર્શાવે છે કે આ સંમેલનમાં તેની જર્મની સાથેની મંત્રણા નિષ્ફળ રહી છે અને તે (જર્મની) મક્કમ ગતિએ રશિયા તરફ ધસી રહ્યું છે. તે જશે એટલે તેની પાછળ બીજા યુરોપિયન દેશો પણ જવાના. નવું સમીકરણ આપણે ધારીએ છીએ તે હોય કે ન હોય એક વાત પાકી છે કે અત્યારે સંક્રાંતિ કાળ ચાલી રહ્યો હોવાથી કોલાહલ થતો રહેશે અને વધશે. 

દર્શન
મૃત્યુથી ડરવાની જરૂર નથી. જીવન જીવવવાની ક્યારેય શરૂઆત જ ન કરવી એ ડરવા જેવી બાબત છે

માર્કસ ઑરિલિયસ રોમન સમ્રાટ હતો. સન ૧૨૧થી ૧૮૦ દરમિયાન થઈ ગયો. પાંચ સર્વશ્રેષ્ઠ રોમન સમ્રાટમાં તે છેલ્લો હતો. તે ઉત્તમ દાર્શનિક પણ હતો. આવો તેના વિચારો જાણીએ, સમજીએ અને યોગ્ય લાગે તો જીવીએ.

- જીવનની સુંદરતામાં રહો, સિતારા જુઓ અને તમારી જાતને તેની સાથે દોડતી જુઓ.

- શક્તિ તમારા મનમાં છે. બાહ્ય ઘટનાઓમાં નથી. આટલો અહેસાસ કેળવો અને તમને શક્તિનો અનુભવ થશે.

- તમારા જીવનસુખનો આધાર વિચારોની ગુણવત્તા પર રહેલો છે.

- આપણે જે કંઈ સાંભળીએ છીએ તે અભિપ્રાય છે, હકીકત નથી. જે જોઈએ છીએ તે દૃષ્ટિકોણ છે, સચ્ચાઈ નથી.

- સારો માણસ કેવો હોવો જોઈએ તેની ચર્ચામાં સમય ન બગાડો. બનીને દેખાડો.

- નસીબ તમને જેની સાથે જોડે તેને સ્વીકારો. નસીબ તમને જેની સાથે ભેગા કરે તેમને પ્રેમ કરો. આવું કરવા ખાતર નહીં, હૃદયપૂર્વક કરો.

- સવારે ઊઠો ત્યારે વિચારો કે તમને કેવો વૈભવ મળ્યો છે! વિચારવાનો, જીવવાનો અને ચાહવાનો.

- તેના જેવા ન બનવું એ જ શત્રુ સાથે લીધેલો શ્રેષ્ઠ બદલો છે.

- જો તમે કોઈ બાહ્ય વસ્તુથી ઘાયલ થયા હોવ તો તમને જે પીડા ઊપડે છે એ તેનાથી નહીં, પણ તેના વિશે તમે લગાવેલા અંદાજને કારણે થાય છે. તમે જ્યારે ઇચ્છો ત્યારે તે દર્દથી મુક્ત થઈ શકો છો.

- આપણું જીવન આપણા વિચારોથી બને છે.

- માણસે મૃત્યુથી ડરવાની જરૂર નથી. જીવન જીવવવાની ક્યારેય શરૂઆત જ ન કરવી એ ડરવા જેવી બાબત છે.

આજની નવી જોક

શિક્ષક (લલ્લુને): કેમ સ્કૂલે આવવામાં મોડું થયું? આજે શું બહાનું છે?

લલ્લુઃ આજે હું એટલો ઝડપથી દોડીને આવ્યો કે બહાનું વિચારવાનો મોકો ન મળ્યો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો