અમર પ્રેમના પ્રતીક સમાન તળાવ


મોગલ શહેનશાહ શાહજહાંએ પ્યારી બેગમ મુમતાઝની યાદમાં બાંધેલા તાજમહલની  ગણના આજે વિશ્વની  એક અજાયબીમાં  થાય છે. તાજમહલ જેવું જ પ્રેમનું એક પ્રતીક હરિયાણાના ઝજ્જરમાં આવેલું છે જે  બુઆ-હસન તળાવ તરીકે  જાણીતું છે. આ તળાવ પાછળની કહાણી પણ રોમાંચક છે.

૩૮૦ વર્ષ પહેલાં  સિલાની ક્ષેત્રમાં માલેતુજાર મુસ્તફાનો પરિવાર રહેતો હતો તેની પુત્રીનું નામ બુઆ હતું. ૧૬ વર્ષની બુઆ ઘોડેસવારીમાં નિપુણ  હતી. એક સાંજે પોતાના શ્વેત અશ્વ પર સવાર થઈ તે દૂર દૂર જંગલમાં પહોંચી ગઈ. જંગલમાં  એક વિકરાળ વાઘે બુઆ ઉપર હુમલો કર્યો. એ વખતે નજીકમાં જ લાકડા કાપતો હસન નામનો કઠિયારો  તેને બચાવવા દોડી આવ્યો અને વાઘનો મુકાબલો કરી ભગાડી દીધો.

પછી ગંભીર  રીતે ઘાયલ થયેલી બુઆને ઉપાડી  મુસ્તફાના ઘરે લઈ ગયો. મુસ્તફાએ પુત્રીને બચાવનારા હસનનો ખૂબ ખૂબ આભાર માન્યો પછી પૂછ્યું કે તારી ઈચ્છા શું છે? ત્યારે  હસને બુઆ સાથે લગ્નની ઈચ્છા  વ્યક્ત કરી. બન્નેના લગ્નને મંજૂરી પણ મળી ગઈ.  બન્ને એક તળાવ કિનારે મળતા અને પ્રેમના ફાગ ખેલતા ત્યાર પછી મુસ્તફાએ આ યુવાન કઠિયારાને  રાજ્યની સેનામાં ભરતી થવા કહ્યું.

કઠિયારામાંથી સૈનિક બનેલા હસનને રણમોરચે  મોકલવામાં આવ્યો  જ્યાં તે યુદ્ધમાં ખપી ગયો હતો.  આ દુ:ખદ સમાચાર મળતા બુઆને માથે જાણે આભ તૂટી પડયું. પ્રીતમની સ્મૃતિમાં બુઆએ તળાવ કાંઠે  સમાધી બનાવી. આ જ જગ્યાએ બે વર્ષ સુધી વિયોગમાં તડપ્યા પછી બુઆએ દેહત્યાગ કર્યો હતો. એ જ તળાવ આજે બુઆ-હસન તળાવ તરીકે જાણીતું છે.  અને રોજ અસંખ્ય ટુરિસ્ટો અમર પ્રેમના પ્રતિકરૂપ આ તળાવને જોવા આવે છે.

ભેંસની ધરપકડ
ચોર, લૂંટારા, બદમાશોની પોલીસ ધરપકડ કરે છે.  પણ અલીગઢમાં એક અજબ ઘટનામાં   પોલીસે ભેંસની અટકાયત કરવાની નોબત આવી. બન્યું એવું કે અલીગઢના એક પુલ પરથી ધીરે ધીરે ભેંસ જઈ રહી હતી.   અચાનક પાછળથી  આવતી મોટરનો  હોર્ન વાગતા ગભરાયેલી ભેંસે પૂલ પરથી સીધો નીચે ઠેકડો માર્યો હતો. 

નીચે એક રિક્ષા ઊભી હતી તેની ઉપર ભેંસ પડતા રિક્ષા આખી ચગદાઈ ગઈ હતી  અને અંદર બેઠેલા ચાર જણા ઘાયલ થયા હતા. તરત જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી   અને ભેંસને દોરીને  પોલીસ થાણામાં લઈ ગઈ  હતી. પોલીસ થાણામાં ભેંસને બાંધી દીધી હતી. પણ અટકાયતમાં લીધેલી ભેંસ  સામે શું કાર્યવાહી કરવી એ જ સવાલ પોલીસને માટે માથાના દુ:ખાવારૂપ બની ગયો હતો.

પતિથી વધુ કમાતી પત્નીને ડિપ્રેશનની શક્યતા
મુંબઈ જેવાં શહેરોમાં  મોટે ભાગે  હસબન્ડ-વાઈફ બન્ને નોકરી કરતા હોય છે.  મોંઘવારી અને વધતી જરૂરિયાતોને પહોંચી વળવા પતિ-પત્ની  બન્નેએ નોકરી કરવી પડે એ જરૂરી બની ગયું છે. પરંતુ અમેરિકાની યુનિવર્સિટી ઓફ ઈલીનોઈઝના  એક અભ્યાસમાં  એવું જાણવા મળ્યું હતું કે  પતિ કરતાં પત્ની વધુ કમાતી હોય તો  એવી સ્થિતિમાં  પત્ની ડિપ્રેશનમાં સરી પડે એવી શક્યતા રહે છે. 

કારણ પત્નીને સતત થયા કરે છે કે હું મારા પતિથી વધુ કમાઉં છું અને ઘરગૃહસ્થીનો ખર્ચ ચલાવવામાં મારૂં યોગદાન સૌથી વધુ છે. આ અહેસાસને લીધે તે  ક્યારેક   ડિપ્રેશનમાં સરી પડે છે. જોકે પતિ અને પત્ની સંસાર રથના  બે પૈડાં  છે. 

એકમેકની ઓથે  કઈ રીતે  જીવાય તેનું  એક લોકગીત યાદ આવે છે: સવા બશેરનું  મારૂ દાતરડું  લોલ... એમાં એક કડી આવે છે પરણ્યો લાવે છે રોજ પાવલી રે લોલ હું રે લાવું છું રૂપિયો દોઢ મુજા વાલમજી લોલ,  હવે નહીં જાઉં વીઠી વાઢવા રે લોલ... આવી ખટમીઠી  નોકઝોકનું  ગાણું ગાતા ગામડાના પતિ-પત્ની સંસાર નિભાવ્યે  જાય છે. પણ ભણેલગણેલ શહેરી યુગલો આટલી સહજતાથી એકમેકને ઉણપને નજરઅંદાજ કરી  જીવી જાણે તો?

ટચુકડા દુલ્હારાની ટચુકડી દુલ્હન
માણસનું માપ કદથી નહીં કાબેલિયતથી નીકળે છે. માણસની ઊંચાઈ માપવાને બદલે તેના વિચારોની ઊંચાઈ મપાય છે. વામન સ્વરૂપ પણ વિરાટ દર્શન કરાવી શકે છે. નેપોલિયન બોનાપાર્ટ સહિત કેટલાક મહાપુરૂષોના ઉદાહરણ આપણી સામે છે, જેમની શારીરિક ઊંચાઈ ઓછી હતી છતાં સફળતાના શિખરની ઊંચાઈ પર પહોંચી ડંકો વગાડયો હતો.

ઉત્તર પ્રદેશના એક શહેરમાં લગભગ બે ફૂટની ઊંચાઈ ધરાવતા યુવકને મનમાં થયા કરતું હતું કે તેને જીવનસાથી કેવી રીતે મળશે? પણ કહે છે ને કે લગ્ન તો સ્વર્ગમાં જ નિર્ધાયા હોય છે. આ વામન-સ્વરૂપ યુવાનને તેમાંથી ફક્ત એક ઈંચ ઊંચી કન્યા મળી ગઈ. આમ ટચુકડા દુલ્હા અને ટચુકડી દુલ્હનના ધામધૂમથી લગ્ન પણ થઈ ગયા.

કિસ્મતની કમાલ જુઓ કેટલાય પાંચ હાથ પૂરા જુવાનિયા વગર પરણે વાંઢા-જનક સ્થિતિમાં જીવતા હોય છે. જ્યારે બે હાથની ઊંચાઈ ધરાવતા દુલ્હારાજા વાજતેગાજતે બારાત લઈને પરણવા નીકળે છે. આને કહેવાય રબને બના દી જોડી, જેને કોઈ ન શકે તોડી બસ હવે સંસાર ચલાવવા સમજદારી રાખજો થોડી.

બેગર્સ ટાઉન
ભીખ માગવા માટે કોઈ પાસે હાથ લાંબો કરવો પડે એ શરમજનક દશા કહેવાય.  પણ આ દેશમાં લાખો એવા ભિખારીઓ હશે જેમણે  ભીખને આજીવિકાનું  સાધન બનાવી  દીધું છે.  ધર્મસ્થાનકોની  બહાર  કે રેલવે સ્ટેશન જેવી મોકાની  જગ્યાએ તો ભીખ માગવા  બેસવા  માટેય ઓનના પૈસા આપવા પડે છે. કેટલાયે તો ભીખને કસદાર ધંધો બનાવી દીધો છે.

ગામેગામ  ભીખારીઓ જોવા મળે છે, પણ આખું ગામ જ  ભીખારીઓનું  હોય એ સાંભળીને આશ્ચર્ય થાય.  આ બેગર્સ ટાઉન કે ભીખ મંગો કા ગાંવ તરીકે ઓળખાતું ગામ ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં  આવેલું છે જેનું નામ નગલા-દરબારી છે. અબાલૃવૃદ્ધ, સ્ત્રી પુરૂષ સહુ સવાર પડતાની સાથે જ આસપાસના મોટા ગામ કે શહેરમાં  ભીખ માગવા માટે પહોંચી જાય છે.

અમુક મદારીઓ પણ ગામમાં વસે છે. આ મદારીઓ સાપના ખેલ દેખાડીને  કમાણી કરે છે. આ મદારીઓ વિષધર નાગ કે સાપને કેવી રીતે વશમાં કરવા તેની તાલીમ આપતી નાની તાલીમશાળા પણ ચલાવે છે.  એમ એક હિન્દી  દૈનિકના  અહેવાલમાં   જણાવાયું હતું. વીજળી, પાણી કે સડક જેવી  સુવિધાથી વંચિત નગલ-દરબારી ગામના આ માગણો પરિવાર સાથે કાચા ઘરોમાં રહે છે. આ ઘરોને દરવાજા પણ નથી હોતા. કારણ કે આ માગણોને ચોરીનો ડર જ નથી હોતા. ઘરમાં ક્યાં એવી કિંમતી ચીજો કે રોકડ રકમ હોય કે જે ચોરાઈ જવાની બીક હોય?

પંચવાણી

દિલ્હીની રિક્ષા ઉપર લખેલું સૂત્ર:

દૂધ માંગોગે તો 

ખીર દેંગે

કાશ્મીર માંગોગે 

તો ચીર દેંગે

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો