હાથમાં ગીતા, ચહેરા પર હાસ્ય ને મુખમાં ગીતાવચ !


મર કર ભી ન જાયગી યે વતન કી ઉલ્ફત, મેરી મિટ્ટી સે ખૂશ્બૂ-એ-વતન આયેગી

ઉંમર તો હતી માત્ર સત્તર વર્ષની. હજી મોંમાથી પૂરા દૂધિયા દાંત પણ નહિ ગયેલા, મૂછનો દોરો પણ નહિ ફૂટેલો. દુનિયાની લીલી-સૂકી પણ નહિ જોયેલી. ખેલ-કૂદની અવસ્થા ! એવી વયે કલકત્તાની સ્કૂલમાં ભણતા એ યુવાનને દિનરાત એક જાતના જ ખ્યાલો આવતા, 'મારી માતૃભૂમિ પરાધીન કેમ ? હું ગુલામ શા માટે ?'

એ ઇતિહાસ શીખ્યો, ભૂગોળ ભણ્યો, દેશ દેશની વીર કથાઓ વાંચી. ઘરમાં વંચાતી ગીતાનું શ્રવણ કરતો હતો. આ બધાથી એના મનમાં નિશ્ચય દ્રઢ બન્યો. એણે વિચાર્યું, 'ગમે તેવું રાજ્ય પણ વિદેશી રાજને ! ગમે તેવી તોય ઓરમાન માને ! કોઈ પણ દેશ પર વિદેશીઓનું વર્ચસ્વ, એ અધર્મ છે, અન્યાય છે. ગીતામાં કૃષ્ણવચન છે, કે અધર્મ-અન્યાયના નાશ માટે પ્રભુનો અવતાર થાય છે. અરે, દેશ આખો પરાધીન છે, ને પ્રભુ ક્યાં ઊંઘે છે ?'

સત્તર વર્ષના એ નવલોહિયા જુવાનના મગજમાં અનેક જાતના પ્રશ્નો ઘૂમી રહ્યા. કોઈએ એને સમજાવ્યું: 'પ્રભુ ઉંઘતો નથી. તારા અંતરમાં જ જીવતો જાગતો બેઠો છે. નર દ્વારા જ નારાયણ કામ કરે છે. અર્પણ થઈ જા ! સર્વસ્વ ઓળઘોળ કરી દે.'

બન્યું પણ તેવું. એ યુવાન ગુલામી મિટાવવા, આ અધર્મ-અન્યાય ફેડવા ખુદ તૈયાર થયો. એણે ગીતાને હાથમાં લઈ પ્રતિજ્ઞાા કરી: 'કાં તો મારે માતૃભૂમિની ગુલામી ફેડવી, નહી તો એ પ્રયત્નમાં અર્પણ થઈ જવું.'

આધ્યેય સાથે યુવાન સમાન આદર્શવાળું પોતાનું જુથ જમાવવા લાગ્યો. એને મિત્રમંડળ મળી રહેતાં વાર ન લાગી. એક જ ધ્યેય ને એક જ તમન્નાથી કામ કરનારું નવલોહીયું મંડળ જામી ગયું. પેલા યુવાનને તો નવજીવન મળ્યું. સહુ અસ્થિ-માંસના આ દેહ કરતાં કર્તવ્ય-દેહની વધુ પૂજા કરવા લાગ્યા. એ જુવાનનું નામ ખુદીરામ બોઝ ! એ મંડળી તે 'કલકત્તા ક્રાન્તિકાર દળ'! તેમની દેશપ્રેમભરી પ્રવૃત્તિઓએ સહુનું લક્ષ ખેચ્યું.

એક દિવસ વર્તમાનપત્રોમાં દેશભક્તિભર્યા કેટલાક લેખો પ્રગટ થયાં. એના લેખક કલકત્તા કોલેજના નવજુવાન વિદ્યાર્થીઓ હતા. આ લેખોએ અંગ્રેજી સરકારનું લક્ષ ખેંચ્યું. અંગ્રેજ હાકેમોએ એમાં વર્તમાન શાસન પ્રત્યે દ્રોહ વાંચ્યો. સ્થાપિત રાજ તરફ બળવાનો આરોપ ઘડાયો. એ યુવાનોને પકડવામાં આવ્યા. કલકત્તાના વડા અંગ્રેજ ન્યાયમૂર્તિ કિંગ્સફોર્ડ એનો ન્યાય તોળવા બેઠા.

એક સત્તાધીશ અંગ્રેજને દેશદાઝભર્યા આ નવજવાન હિંદી હૈયાં કેમ સમજાય ! એણે તમામને રાજદ્રોહી લખાણ લખવાના આરોપસર ભારે સજાઓ ફટકારી. દેશપ્રેમવાળા જુવાનોને કારાગારમાં હડસેલી દેવામાં આવ્યા ન કોઈ બોલ્યું, ન કોઈએ વિરોધ દાખવ્યો.

યુવાન ખુદીરામ બોઝ આમાં રસ લેતો હતો. એને અંતરના અવાજને રુંધનારી આ કાર્યવાહી અકારી લાગી. શું અમારી ગુલામી એવી છે, કે દિલની તમન્નાઓને પ્રગટ કરવી એ પણ અપરાધ બની જાય છે ? એણે પ્રતિજ્ઞાા કરી કે મન, વાણી ને કર્મને ગુલામ બનાવનારી આવી ગુલામીને દફનાવે છૂટકો !

જાણે એક પહાડને કોરી કાઢવાનો નાના શા ઉંદરે નિર્ણય કર્યો ! એક ટીંટોડીએ આખા સમુદ્રને પી જવાની હિંમત બાંધી ! સહુએ કહ્યું, 'અલ્યા, સત્તા આગળ શાણપણ નકામુ ! ઉગતા સૂરજને પૂજવામાં સાર, ભઈલા !'

યુવાની સંસારના આવા શાણપણને તિરસ્કારની નજરે જુએ છે. કલકત્તાનું એ ક્રાંતિકારી દળ વિચાર ચલાવવા એકત્ર મળ્યું. એણે કહ્યું: 'અન્યાયને એક વાર તમે સહન કરી લેશો, તો એની ઇજ્જત બઢી જશે. અને પછી એ અપમાન સહન કરવાની તમને આદત થઈ જશે.'

બીજાએ કહ્યું: 'તંત્ર જ દૂષિત છે કાયદો એવો છે કે ગુનેગાર કરતાં, ન્યાય કરનારને એ પહેલો બાંધે છે. તંત્રવાહકો કરતાં તંત્ર પહેલું દૂષિત છે.'

ખુદીરામે કહ્યું: 'હું બીજુ ન જાણું, મને કોઈ તરફ વ્યક્તિગત દ્વેષ નથી. પણ એટલું કહું છું કે જુલમ ગુજારનાર કરતાં જુલમ સહન કરનાર વધુ હલકો છે. સામનો કરવો ઘટે.'

સહુએ એકમતે નિર્ણય કર્યો: 'આ ઈન્સાફ ન કહેવાય. એવા ઈન્સાફ કરનારની સાન ઠેકાણે આણો. એવો દાખલો બેસાડો કે ફરી કોઈ પણ હિંદી સાથે આવો વ્યવહાર કરતાં પ્રત્યેક અંગ્રેજ બચ્ચો યા સત્તાધિકારી કાંપી ઊઠે !'

જીવસટોસટનું આ કામ કોણ માથે લે ! આખરે કર્તવ્યની હાથણીએ બે યુવાનો પર કળશ ઢોળ્યો. આ કામ શ્રી ખુદીરામ બોઝ અને શ્રી પ્રફુલ્લકુમાર ચાકી નામના જુવાનોને સોંપાયું. બંને જણા પોતાના કામમાં દત્તચિત્ત બન્યા. તેઓએ માહિતી મેળવવા માંડી. એમને ખબર મળી, કે ગેરઈન્સાફ કરનાર જજ કિંગ્સફોર્ડની કલકત્તાથી બદલી થઈ છે. મૂજફરપુરમાં એની નિમમૂંક થઈ છે.

ઈ.સ. ૧૯૦૮ની ૨૦મી એપ્રિલની સંધ્યા આથમી ગઈ. ત્યારે મુઝફરપુરની ધર્મશાળામાં નાના શા બિસ્તરા સાથે બે જુવાનીઆ આવીને ઊતર્યા. ભારે રખડુ ને ભારે ઉંઘણશી ! ભારે વાતોડિયા ને ભારે ખાઉધરા ! દિવસ આખો ભટક્યા કરે ને જ્યાં ત્યાં બેસીને વાતો કર્યા કરે !

એક વાર માર્ગ પરથી એક ગોરો બે ઘોડાની ફેટિનમાં નીકળ્યો. વાદળી રંગની ફેટિન હતી, ને એના પર સોનેરી વેલબૂટાં હતાં. આગળ બે કિરીચ-સવાર ને પાછળ બે બંદૂક સવાર હતાં.

'ભાઈ, પેલા ગોરા સાહેબ કોણ છે ?' 'અહીંના જજ સાહેબ ! ભારે કડક મિજાજનાં છે. હમણાં કલકત્તાથી બદલી થઈને આવ્યા છે.' 'ક્યાં જતા હશે ?'

'સાંજે વળી ક્યાં જાય ! અહીંની અંગ્રેજ કલબમાં, સાંજે બધાં ગોરા સ્ત્રી-પુરુષ ત્યાં એકઠાં થયા છે ને એમન ચમન ઉડાવે છે.'

'અમનચમન !' જુવાનના હોઠ અજાણી રીતે બિડાયાં. તરત એણે જાત સંભાળી લીધી. 'વારું, વારું, દારૂ ઢીંચીને મોડી રાતે પાછા જતા હશે ! વાદળી રંગની ફેટિન ગાડી એમની જ હશે કાં ! હાસ્તો ! એ જ ગાડીમાં રોજ જાય છે ને આવે છે.' વાત કરનારે સીધો જવાબ વાળ્યો. ત્રણેક દિવસ રોજ સાંજે એ યુવાનો એ રસ્તે નિયમિત ટહેલતાં દેખાયાં વાદળી રંગની ગાડીને નિયત સમયે કલબમાં જતી ને નિયત સમયે આવતી તેઓએ જોઈ. કિંગ્સફોર્ડ સાહેબને એમની મેડમ સાથે કિલ્લોલ કરતો આવતો ને જતો જોયો.

'યે ઈધર કોન ફિરતા હૈ !' સિપાઈએ આ બે રખડુને ટોક્યા. છેલ્લા દિવસોમાં પોલીસ બંદોબસ્ત વધ્યો હતો. સરકારને કોઈ કાવતરાની આછી આછી ગંધ આવી ગઈ હતી.

બંને જુવાનો ધર્મશાળા તરફ પાછા ફરી ગયા. સિપાઈઓએ સબ સલામતીની આલબેલ પોકારી. દસ દિવસ પછીની ૩૦ મી એપ્રિલ સંધ્યા આથમી ગઈ હતી. મુઝફરનગરના મિનારાઓ પર રાત આવીને લપેટાઈ ગઈ હતી. આરતી અને આઝનનો સમય ખત્મ થયો હતો. અંગ્રેજ કલબના દીવાઓ ઝળહળી ઉઠયા હતા રાતના સાડા આઠમનો સમય હશે.

'ગુડબાય' 'ગુડબાય'ની તીણા સ્વરો કલબમાંથી આવી રહ્યા હતા. સ્ત્રીપુરુષોનાં મુક્ત હાસ્યશાન્તિને ભેદતા હતાં. કલબમાંથી એક ગાડી બહાર નીકળી દ્વાર પાસેની ઝાડીમાં કંઈક ઝીણો સંચાર જણાયો. અચાનક દિશાઓ ગજવી નાખે તેવો રાત્રિની શાંતિને ભયંકર રીતે ભેદતો અવાજ સંભળાયો.

આંખ ખોલીએ ને બંધ કરીએ તેટલી વારમાં એક બનાવ બની ગયો. બોંબ ફેકાયો હતો. કલબમાંથી નીકળેલી બે ઘોડાની ફેટિનના ચૂરેચૂરા થઈ ગયા. એમાં બેઠેલી એક અંગ્રેજ છોકરી ત્યાં ને ત્યાં મૃત્યુ પામી. એક અંગ્રેજી સ્ત્રી ભયંકર રીતે ઘાયલ થઈ. ચારે તરફ સમાચાર પ્રસરી ગયા કે અંગ્રેજ વકીલ કેનેડી સાહેબનાં એ પુત્રી અને પત્ની હતાં. ભારે ગજબ થયો. જેને મારવો હતો એ જુલ્મી કિંગ્સફોર્ડ તો જીવતો રહ્યો ને નિરપરાધી જીવોની હત્યા થઈ ગઈ !

આ ભારે ભૂલ કેમ થઈ ! એનું કારણ એ હતું કે જેવી વાદળી રંગની બે ઘોડાની ફેટિન ગોરા ન્યાયાધીશ કિંગ્સફોર્ડ પાસે હતી, એવી અંગ્રેજ વકીલ કેનેડી પાસે પણ હતી ! ભળતા રંગની ભૂલ થઈ ગઈ.

એ વખતે પાસેની ઝાડીમાંથી બે યુવાનો ભાગ્યા. કલકત્તાથી આવેલા બે સિપાઈઓએ એમને નાસતા જોયા. તેઓએ કહ્યું, કે છેલ્લા કેટલાક દિવસથી આ બંને યુવાનો અહીં શકમંદ રીતે ફરતા જોવાયા હતા. બંને કલકત્તાના છે. એકનું નામ ખુદીરામ બોઝ ને બીજાનું નામ પ્રફુલ્લ ચાકી !

તરત મુઝફરનગર ફરતો પહેલો મૂકી દેવામાં આવ્યો. પણ પાંજરામાંથી પંખી છટકે એમ છટકી ગયા, એટલું જ નહિ રાતોરાત પચીસ માઈલ ચાલીને ખુદીરામ બૈનીગાંવ પહોંચી ગયો. પ્રફુલ્લ ચાકી પણ ક્યાંય જઈને છૂપાઈ ગયો. નિરપરાધ સ્ત્રી-બાળકની અને તે પણ અંગ્રેજ સ્ત્રી-બાળકની હત્યાથી આખું સરકારી તંત્ર હલી ઊઠયું. તાર, ટેલિફોન બધે ગાજી ઊઠયા. સ્થળે સ્થળે પહેરા ગોઠવાયા. ગામે ગામ, ગલીએ ગલી છૂપી પોલીસનાં માણસો ઘૂમવા લાગ્યાં.

ગાડીએ ગાડી તપાસવા લાગી. ભાગતો પ્રફુલ્લ ચાકી સમસ્તીપુર નામના ગામમાં આવી છૂપાયો હતો. એણે બીજે દિવસ કલકત્તા જવા માટે પ્રયાણ કર્યું. ચાલતી ગાડીએ એ ચઢી બેઠો, પણ દૂર્ભાગ્યથી જે ડબ્બામાં ચઢ્યો. એમાં નંદલાલ બેનરજી કરીને એક જાણીતો પોલીસ અમલદાર બેઠો હતો. એને હત્યાંકાંડના સમાચાર મળી ગયા હતા, ને એ હત્યા કરનાર કલકત્તાના પ્રફુલ્લ ચાકી અને ખુદીરામ બોઝ છે: એ પણ માહિતી એની પાસે હતી.

અમલદારે પ્રફુલ્લ સાથે વાત કરવા પ્રયત્નો કર્યો, પણ બીજે સ્ટેશને ગાડી ઊભી રહેતા પ્રફુલ્લ બીજા ડબ્બામાં ચાલ્યો ગયો. જો ખરેખર કોઈ રીઢો ગુનેગાર હોત તો એ ટ્રેનમાંથી જ ઉતરી જાત. પણ આ તો દેશપ્રેમના પૂજારી, દુનિયાદારીને ગુનેગારીથી અજાણ્યા કોમળ કળી જેવા નવજુવાન હતા.

પોલીસ અમલદારે તારથી આગળના સ્ટેશને પોલીસને સમાચાર આપ્યા. જેવી ગાડી થોભી કે ડબ્બો ઘેરી લેવામાં આવ્યો. પ્રફુલ્લે છૂટવા માટે રિવોલ્વરનો આશરો લીધો. એક ગોળી ચલાવી, એનાથી અર્થ ન સર્યો. કટોકટીની ઘડી આવી પહોંચી. પ્રફુલ્લે રિવોલ્વરનું મોં પોતાના તરફ કર્યું. ધડ ! ધડ ! ધડ ! પોતાની જ ગોળીઓથી વીંધાઈને પ્રફુલ્લ સ્ટેશનના પ્લેટફોર્મ પર પડયો. એનું પ્રાણપંખી ઊડી ગયું. કાયદાની કોઈ અદાલત એના કામની ન રહી.

અંગ્રેજ સરકારે હવે ખુદીરામ બોઝની શોધ પાછળ પોતાનાં તંત્ર ગોઠવી દીધાં, પણ આ બિનઅનુભવી યુવાનોને રીઢા ગુનેગારોની જેમ સંતાકૂકડી રમતાં આવડતી નહોતી. બેનીપુર ગામમાં, જે દિવસે પ્રફુલ્લે આત્મસમર્પણ કર્યું, એ દિવસે ખુદીરામ એક મોદીની દુકાને ઊભો હતો. એ માનતો હતો કે પોતે નિર્ભય છે: પણ એકાએક બે જાણીતા પોલીસો એને ઘેરી વળ્યા એ સ્વરક્ષણ માટે કંઈ યત્ન કરે તે પહેલાં એના બંને હાથ જકડાઈ ગયા.

એની ખીસાં-તલાસી થઈ. એના પાકીટમાંથી એક મોટી પણ ખાલી પિસ્તોલ અને બીજી નાની પણ ભરેલી પિસ્તોલ મળી આવી. ૩૦ જીવતા કારતૂસ મળ્યા. કડક પોલીસ-પહેરા નીચે એને બૈનીપુરથી મુજફરપુર લાવવામાં આવ્યો. ખુદીરામની ધરપકડના સમાચાર બધે પ્રસરી ગયા. મુજફરપુર સ્ટેશન પર દર્શકોની ભીડ જામી ગઈ.

અદ્ભૂત હતું એ દ્રશ્ય ! બાલ્યાવસ્થાની ભોળી ભાલી જેની સુરત છે, એવો ૧૭ વર્ષનો ખુદીરામ હસતો હસતો ઊંચા તાડ જેવા સિપાઈઓ વચ્ચે ખડો હતો. જિલ્લા ન્યાયાધીશને એણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું ઃ મેં પોતે જ બોંબ ફેકી હત્યા કરી છે. હું ખૂની નથી, દેશભક્ત જુવાન છું હું જુલ્મી કિંગ્સફોર્ડને મારવા માગતો હતો. નિર્દોર્ષોનાં ખૂન બદલ લાચાર છું.

ન્યાયનાં ચક્રો ચાલુ થયાં. ખુદીરામના ચહેરા પર જરા પણ શોક કે ગ્લાનિ નહોતી. એના પર હિંદી પિનકોડની કલમ ૩૦૨ મુજબ કામ ચલાવવામાં આવ્યું. આ બાળગુનેગાર તરફથી કોઈ વકીલ તરીકે ખડું રહેવા તૈયાર ન થયું.

આખરે એક માઈનો લાલ આગળ આવ્યો, એનું નામ કાલીદાસ બોઝ ! આઠ દશ દિવસ કાયદાની બહેશ ચાલી. આખરે તો ફાંસીની સજા થવાની જ હતી. અને થઈ પણ ખરી ! બધી ન્યાયકચેરીઓમાં ફરતાં એની સજા ન બદલાઈ. ફાંસી માટે ઈ.સ. ૧૯૦૮ના ઓગષ્ટ મહિનાની અગિયારમી તારીખ નિશ્ચિત થઈ. એની ખબર ખુદીરામને આપવામાં આવી ત્યારે એ બહાદૂરે મુક્ત હાસ્ય કર્યું !

એની અંતિમ ઇચ્છા માટે પૂછવામાં આવ્યું. અંતિમ ઇચ્છા આ જુવાનની એ હતી કે ગાંસડા-પોટલાં બાંધી પરદેશીઓ જેવા આવ્યા હતા તેવા પાછા ચાલ્યા જાય ! પણ એ ઇચ્છા બર આવવાને વાર હતી, બલિવેદી પર આ તો પહેલું પુષ્પ હતું: ને ન જાણે સ્વતંત્રતાની વેદી પર તો આવાં કેટલાંય બલિપુષ્પ ચઢાવવા પડે ! એણે પોતાની બીજી અંતિમ ઇચ્છા પોતાનો અંત્યેષ્ઠિ સંસ્કાર પોતાના વકીલ શ્રી કાલીદાસ બોઝના હાથે થાય તેમ જાહેર કરી. એ ઇચ્છા સ્વીકારવામાં આવી.

અગિયારમી ઓગસ્ટનું પુનિત પ્રભાત ઊગ્યું. બલિવેદી પર હોમાઈ જતાં દુઃખ કેવું ! મધૂર સાથે આ નવજવાને ઇષ્ટસ્મરણ કર્યું ને ફાંસીના મંચ પર ચાલ્યો.

આ વખતે તેના હાથમાં એક જ વસ્તુ હતી, જેણે યુગે યુગે અધર્મનાં શાસનની જડ ઉખેડી નાખી હતી: અને તે ભારત વર્ષનો મહાન ગ્રંથ-ગીતા !

હાથમાં ગીતા હતી, ચહેરા પર હાસ્ય હતું ને મુખમાં ગીતાવચન હતું.   सर्वे घर्मापरित्यज्य मामेकं शरणं व्रज |

ભગવાનને ખોળે બેસવા જવામાં શોક કેવો ! મુક્ત હાસ્ય કરતો એ માત્ર સત્તર વર્ષનો જવામર્દ ફાંસીને માંચડે ઝૂલી ગયો. પણ એ માંચડા પર એ બાલા જોગીએ ભારતની-માદરે વતનની મુક્તિનાં મંત્ર અમિટ અક્ષરે લખી નાખ્યાં.

આજની વાત

બાદશાહઃ બીરબલ, ભારતના શા ખબર છે ?

બીરબલ: જહાંપનાહ, ભારત-પાકિસ્તાન વચ્ચે નિયંત્રણ-રેખા છે, પણ ભારતની ન્યૂઝચેનલો પર કોઈ નિયંત્રણ રેખા નથી.

બાદશાહ: ક્યા ખૂબ !

બીરબલ: જહાંપનાહ, એવા જોર-શોરથી અને ઘોંઘાટથી ટેલિવિઝન પર સમાચારની પ્રસ્તુતિ કરે છે કે એમ લાગે કે હમણાં ટેલિવિઝન સ્ક્રીન ફાડીને બહાર નીકળી આવશે અને થોડીવારમાં તો રાવલપીંડી ને ઇસ્લામાબાદને પાર કરીને છેક અફઘાનિસ્તાનના કાબૂલ સુધી પહોંચી જશે !

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે