ભારતની એર સ્ટ્રાઇક સામે પાકિસ્તાનની જૂઠ્ઠાણાંની સ્ટ્રાઇક
- જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કેમ્પો પર એર સ્ટ્રાઇક કર્યા બાદ ભારતને વૈશ્વિક સમુદાય સમક્ષ પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોને શરણ આપવાના કારસ્તાનને વધુ એક વખત ઉઘાડું પાડવામાં સફળતા મળી છે
પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલાનો જોરદાર બદલો ભારતે લીધો છે. ૧૯૭૧ બાદ પહેલી વખત ભારતે પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને એર સ્ટ્રાઇક કરી અને જૈશ-એ-મોહમ્મદના મહત્ત્વના આતંકવાદી કેમ્પનો સફાયો કર્યો. ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇક બાદ એક તરફ ભારતમાં જયજયકાર થઇ રહ્યો છે તો બીજી તરફ પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકાર મુર્દાબાદના નારા લાગી રહ્યાં છે. દેશમાં આકરી ટીકાનો સામનો કરી રહેલી ઇમરાન ખાનની સરકાર હંમેશની મુજબ જૂઠ્ઠાણાં આચરવા પર ઉતરી આવી છે. પાકિસ્તાન સતત એવા દાવા કરી રહ્યું છે કે ભારતના એર સ્ટ્રાઇકના દાવા જ ખોટાં છે.
હકીકતમાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇકના પરાક્રમની સૌથી પહેલી જાણકારી પાકિસ્તાને પોતે જ આપી. જોકે તેણે એવો દાવો કર્યો કે ભારતના ફાઇટર વિમાનો લાઇન ઓફ કંટ્રોલની પાર ઘૂસી આવ્યાં હતાં પરંતુ પાકિસ્તાની એર ફોર્સે તેમનો પીછો કરતા તેઓ પાછા વળી ગયાં. બાદમાં ભારતે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ચિકોટી અને મુઝફ્ફરાબાદ તેમજ પાકિસ્તાનની મૂળ ભૂમિ પર બાલાકોટ ખાતે એર સ્ટ્રાઇક કરીને આતંકવાદી કેમ્પોનો સફાયો કર્યાની જાહેરાત કરતા પાકિસ્તાનનું જૂઠ્ઠાણું પકડાયું. જોકે આટલેથી ન અટકતા પાકિસ્તાની સરકારે ઉતાવળમાં પ્રેસ કોન્ફરન્સ યોજી અને ખોટું બોલવાનું ચાલુ રાખ્યું. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ એવો દાવો કર્યો કે બાલાકોટમાં તો કોઇ આતંકવાદી શિબિર છે જ નહીં. એ સાથે જ તેમણે એવો આક્ષેપ પણ કર્યો કે આ બધો ભારતનો પ્રોપેગેન્ડા છે.
બીજી બાજુ પાકિસ્તાની સેનાએ બાલાકોટના જે વિસ્તારમાં એર સ્ટ્રાઇક થઇ છે એ સમગ્ર વિસ્તારને જ કોર્ડન કરી લીધો છે અને ત્યાંથી એર સ્ટ્રાઇકના પુરાવા અને થયેલા નુકસાન પર ઢાંકપિછોડો કરવાની કામગીરી ચાલી રહી છે. એ કામગીરી થયા બાદ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મીડિયાને ઘટના સ્થળે લઇ જઇને એ પુરવાર કરવા પ્રયાસ કરશે કે ત્યાં કોઇ આતંકવાદી ઠેકાણું જ નથી.
ભારતે છેક ઘરમાં ઘૂસીને હુમલો કર્યો એ વાતને લઇને પાકિસ્તાન એટલું છોભીલું પડયું કે તેણે પાકિસ્તાન પણ વળતી સ્ટ્રાઇક કરશે એવી જાહેરાત કરવી પડી. એર સ્ટ્રાઇકના બીજા દિવસે સવારે પાકિસ્તાને થોડી હિંમત દેખાડી પણ ખરી અને તેના વિમાનોએ ભારતીય સીમાની અંદર ઘૂસણખોરી કરી. જોકે આ હિંમત દાખવવા જતાં તેણે એક એફ-૧૬ વિમાન ગુમાવવાનો વારો આવ્યો. પાકિસ્તાની વિમાનો ભારતીય સરહદમાં આવતા જ ઇન્ડિયન એર ફોર્સના વિમાનો તેમની પાછળ લાગ્યા અને પાછા પાકિસ્તાનમાં તગેડી મૂક્યાં.
પરંતુ રાબેતા મુજબ પાકિસ્તાને જૂઠ આચરવાનું ચાલુ રાખ્યું. પાકિસ્તાની વિદેશ ખાતાએ બુધવારે સવારે જ નિવેદન જારી કર્યું કે આજે તેમની વાયુસેનાએ ભારતીય સરહદની અંદર ઘૂસીને સ્ટ્રાઇક કરીચ જોકે પાકિસ્તાને એવી ફિશિયારી હાંકી કે આ ભારતની એર સ્ટ્રાઇકનો બદલો નથી.
પાકિસ્તાની વિમાનોએ એવી જગ્યાએ બોમ્બ વરસાવ્યાં જ્યાં કોઇ સૈન્ય ઠેકાણા નહોતા કે નહોતા લોકોના રહેણાંક. પાકિસ્તાને એવો દાવો પણ કર્યો કે તેની આ કાર્યવાહીનો ઉદ્દેશ માત્ર એટલો જ હતો કે ભારતને દેખાડી આપે કે તેની તાકાત કેટલી છે અને તે શું કરી શકે છે. એ સાથે જ પાકિસ્તાને ચેતવણી પણ આપી કે તે આ મામલાને આગળ વધારવા નથી માંગતું પરંતુ ભારતે મજબૂર કર્યું તો તે મુકાબલા માટે તૈયાર છે. એ સાથે જ પાકિસ્તાને ભારતને ફરી વખત અપીલ પણ કરી કે શાંતિ સ્થાપવાની એક તક આપે અને સમજદાર લોકશાહી દેશની જેમ સમસ્યા ઉકેલે.
જોકે વાસ્તવિકતા એ હતી કે પાકિસ્તાની વાયુસેનાના બે વિમાનો ભારતના લશ્કરી ઠેકાણા પર હુમલો કરવા માટે સરહદની અંદર ઘૂસી આવ્યા હતાં. પરંતુ ઇન્ડિયન એર ફોર્સની વીજળીવેગી વળતી કાર્યવાહીના કારણે તેઓ પોતાના ઇરાદામાં સફળ ન નીવડી શક્યાં. ઇન્ડિયન એર ફોર્સના વિમાનો પાછળ લાગતા જ બંને પાકિસ્તાની જેટ પાછા નાસવા લાગ્યાં અને બે બોમ્બ ખેતરોમાં જ દાગ્યાં. પાકિસ્તાની વિમાનોને તગેડવા દરમિયાન જ કદાચ એક મિગ-૨૧ પાકિસ્તાની ક્ષેત્ર પાસે જતું રહ્યું અને પાકિસ્તાનની એન્ટી એરક્રાફ્ટ ગનનો શિકાર બન્યું.
બીજી બાજુ બંને દેશો વચ્ચેની આવી તંગદીલીભરી પરિસ્થિતિ વચ્ચે જમ્મુ-કાશ્મીરના બડગામમાં ઇન્ડિયન એર ફોર્સનું એક હેલિકોપ્ટર ટેકનિકલ ખરાબીના કારણે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. આ દુર્ઘટનામાં શરૃઆતમાં બે જણાના મૃત્યુ નીપજ્યાં હોવાની ખબર આવી. જેવી આ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયાની ખબર પાકિસ્તાન પહોંચી કે તેણે એને પાકિસ્તાની એરફોર્સની કાર્યવાહી ગણાવી. એટલું જ નહીં, પાકિસ્તાની ચેનલો પર દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરની તસવીરો અને વીડિયો બતાવીને પાકિસ્તાની વાયુસેનાના ગુણગાન થવા લાગ્યાં. ઉપરાંત ભૂતકાળમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા ભારતના હેલિકોપ્ટરની તસવીર પણ પાકિસ્તાની મીડિયામાં ફરવા લાગી.
વળી પાછી એક પ્રેસ કોન્ફરન્સ યોજાઇ જેમાં પાકિસ્તાનના ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશનના ડાયરેક્ટર મેજર જનરલ આસિફ ગફૂરે હાજરી આપી. ગફૂરે એવો દાવો કર્યો કે પાકિસ્તાની વાયુ સેનાએ તેમની સરહદમાં ઘૂસી આવેલા ઇન્ડિયન એરફોર્સના બે વિમાનોને તોડી પાડયાં છે જેમાંનું એક ભારતના તાબા હેઠળના કાશ્મીરમાં પડયું તો બીજું પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં પડયું. એ સાથે જ તેમણે એવો દાવો પણ કર્યો કે ભારતીય વાયુસેનાના બે પાયલોટને પાકિસ્તાની સેનાએ પકડયાં છે. એ સાથે જ પાકિસ્તાને એક પાયલોટનો વીડિયો જારી કર્યો અને કહ્યું કે બીજા પાયલોટને હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવ્યો છે.
બાદમાં ભારતે સ્પષ્ટતા કરી કે તેણે એક મિગ-૨૧ વિમાન ગુમાવ્યું છે અને એક પાયલોટ લાપતા છે. ભારત તરફથી સત્તાવાર જાહેરાત થતા વળી પાછું પાકિસ્તાનનું જૂઠ પકડાયું અને તેણે પણ જાહેરાત કરવી પડી કે તેમના કબજામાં માત્ર એક ભારતીય પાયલોટ જ છે.
બીજી બાજુ પાકિસ્તાની વાયુસેનાનું એક એફ-૧૬ જેટ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નૌશેરા સેકટરમાં ઘૂસી આવીને ભારતીય વાયુ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું. જોકે જેવું પાકિસ્તાની જેટ ભારતીય સરહદમાં ઘૂસ્યું કે ભારતીય સેનાએ તેને તોડી પાડયું. પાકિસ્તાની એરફોર્સનું આ વિમાન ભારતની સરહદની લગભગ ત્રણ કિલોમીટર અંદર સુધી ઘૂસી ગયું હતું.
ઇન્ટરનેટ પર ફરતા થયેલા એક વીડિયોમાં લાઇન ઓફ કંટ્રોલ પાસે પાકિસ્તાનનું એફ-૧૬ નીચે પડતું જોવા મળે છે અને એક પેરાશુટ પણ નીચે આવતી દેખાય છે, જોકે તેના પાયલોટ અંગે સ્પષ્ટતા થઇ નથી. તો પાકિસ્તાને રાબેતા મુજબ ઇન્કાર કર્યો કે તેમનું તો કોઇ વિમાન તૂટી પડયું જ નથી.
આમ, ભારતની એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન એક પછી એક જૂઠનો દોર ચલાવી રહ્યું છે. તો બીજી બાજુ ભારત પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને ઉઘાડુ પાડવાના અભિયાનમાં લાગ્યું છે. ચીનની મુલાકાતે ગયેલા વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ત્યાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો છે અને પુલવામા હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદીઓના સફાયા માટે એર સ્ટ્રાઇકને અનિવાર્ય ગણાવી છે.
ભારત. ચીન અને રશિયાના વિદેશ મંત્રીઓની આ બેઠકમાં સુષમા સ્વરાજ પાકિસ્તાનને આતંકવાદના મામલે દોષિત ઠરાવવાના મામલામાં સફળ રહ્યાં છે. એટલે સુધી કે પાકિસ્તાનના જાની દોસ્ત ગણાતા ચીને પણ પાકિસ્તાનનો પક્ષ લેવાના બદલે સમગ્ર મામલાને શાંતિથી ઉકેલવાની અપીલ કરવી પડી છે.
એ સાથે જ તાજેતરના વર્ષોમાં ભારતના મહત્ત્વના સાથીદાર બનેલા અમેરિકાએ પણ ભારતની એર સ્ટ્રાઇકના મુદ્દે પાકિસ્તાનને જ ઠપકો આપ્યો છે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ સાથે વાત કરીને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. એટલું જ નહીં, પોમ્પિયોએ આડકતરી રીતે ભારતની એર સ્ટ્રાઇકને યોગ્ય ઠરાવતા પાકિસ્તાની વિદેશ મંત્રીને તેમની ધરતી પરથી ઓપરેટ કરતા આતંકવાદી સંગઠનો વિરુદ્ધ અસરકારક પગલાં ઉઠાવવાની સલાહ પણ આપી છે.
ઓસ્ટ્રેલિયાએ પણ ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇકને યોગ્ય ઠરાવતા કહ્યું છે કે પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતને પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યાં છે. એ સાથે જ ઓસ્ટ્રેલિયાએ પણ પાકિસ્તાનને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો વિરુદ્ધ પગલાં લેવાની તાકીદ કરી છે.
ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી મેરીસ પેને પાકિસ્તાનને કહ્યું છે કે આતંકવાદી સંગઠનોને શરણ આપવાનું બંધ કરે અને આતંકવાદ માટે તેની ભૂમિનો ઉપયોગ ન કરવા દે. તો ફ્રાન્સે પણ ભારતની એર સ્ટ્રાઇકને યોગ્ય ઠરાવતા કહ્યું છે કે સરહદપારથી થતા આતંકવાદ સામે લડવામાં ભારતના અધિકારનો અમે સ્વીકાર કરીએ છીએ અને આતંકવાદ વિરુદ્ધની લડાઇમાં અમે ભારત સાથે છીએ. એ સાથે જ ફ્રાન્સે પણ પાકિસ્તાનને તેની ભૂમિ પર રહેલાં આતંકવાદી સંગઠનો વિરુદ્ધ પગલાં લેવાની તાકીદ કરી છે. યુરોપિયન યુનિયને પણ પાકિસ્તાને આતંકવાદ પર લગામ કસવા કહ્યું છે.
આમ, પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કેમ્પો પર હુમલા કર્યા બાદ ભારત આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ પોતાના નેક ઇરાદા પ્રગટ કરવામાં સફળ રહ્યું છે. એ સાથે જ આતંકવાદને શરણ આપવાના મામલે પાકિસ્તાનને ઉઘાડું પાડવામાં પણ ભારતને સફળતા મળી છે. હાલ બંને દેશો વચ્ચે ભારે તંગદીલી પ્રવર્તી રહી છે પરંતુ પાકિસ્તાનના સતત જૂઠ્ઠાણાં સામે ભારત 'સત્યમેવ જયતેદ સાકાર કરીને જ જંપશે એમાં બેમત નથી.
Comments
Post a Comment