બે પ્રતિભા 'દો જિસ્મ મગર એક જાન હૈં હમ'ની જેમ એક થઇ



પંજાબથી વાયા હૈદરાબાદ થઇને મુંબઇ આવેલા શંકર રઘુવંશીની વાત આગલા એપિસોડ (૧૫-૦૨-૧૯)માં કરી. બીજી બાજુ દક્ષિણ ગુજરાતના સૂરત નજીક કોસંબા વાગરા ગામમાં જન્મીને નવસારી પાસેના ( એ સમયના ) સાવ ખોબા જેવડા વાંસદા ગામમાં ઊછરેલો જયકિસન ગામડાના સંગીત શિક્ષક પાસે સંગીતનાં કક્કો-બારાખડી શીખ્યો. 

પણ એનો સંગીતનો પાયો એટલો તો પાક્કો કે યુગસર્જક સંગીતકાર બની રહ્યો. કિશોરાવસ્થામાં ગામમાં અને આસપાસના વિસ્તારોમાં નાનાં મોટાં કામ કરી જોયાં. પરંતુ ભીતર રહેલો 'કાનસેન' એને સખણો બેસવા ન દે. અંતે નસીબ અજમાવવા મુંબઇ આવ્યો. કુદરતે શંકર સાથે કેવી મસ્ત રીતે એનો ભેટો કરાવી દીધો ! નાટયકાર-ફિલ્મ સર્જક ચંદ્રવદન ભટ્ટને ત્યાં કામની તલાશમાં આ બંને જણ જતા-આવતા. એકવાર અકસ્માતે એકમેકને ભટકાઇ ગયા.

જનમોજનમનો સહવાસ હોય એમ તરત બંનેના મન મળી ગયા. શંકરે જયકિસનને પણ પૃથ્વી થિયેટર સાથે જોડી દીધો. રામ ગાંગુલી સાથે કામ કરતા હતા ત્યારે રાજ કપૂરે આ બંનેનું હીર પારખ્યું અને 'બરસાત'માં સ્વતંત્ર સંગીતકાર તરીકે તક આપી. રાતોરાત નસીબનું ચક્ર ફર્યું અને એક નવા સંગીત યુગનો આરંભ થયો. ગીતની ભાષામાં કહીએ તો 'દો જિસ્મ મગર એક જાન હૈં હમ, એક દિલ કે દો અરમાન હૈં હમ...(ફિલ્મ-સંગમ) જેવી જોડી કુદરતે જમાવી. 

ઔર એક મુદ્દો પણ વિચારવા જેવો છે. શંકર અંતર્મુખ સ્વભાવના. બહુ બોલે નહીં. સહેલાઇથી ગુસ્સે થઇ જાય પરંતુ એટલીજ સહેલાઇથી રીઝે પણ ખરા. ભગવાન આશુતોષ જેવા. જયકિસન બહિર્મુખ સ્વભાવનો, હસમુખો અને મિલનસાર. કોઇ હીરો જેવો હેન્ડસમ અને પહેરવા ઓઢવાનો શૉખીન. ફ્રી હોય ત્યારે રોજ સાંજે મુંબઇમાં ચર્ચગેટ સ્ટેશન નજીકની ગેલોર્ડ હૉટલમાં બેઠક જમાવે. બંનેમાં સૌથી વધુ સામ્ય એક જ વાતનું. બંને ખૂબ પાક્કા કાનના.

શાસ્ત્રીય સંગીત આકંઠ માણેલું એટલું જ નહીં પણ સેબાસ્ટિયન અને એન્થની જેવાના સહવાસમાં પાશ્ચાત્ય સંગીત પણ એટલુંજ સાંભળતા. દેશવિદેશના ટોચના કલાકારોની રેકર્ડો સાંભળીને એમાંથી પોતાની ફિલ્મને અનુરૂપ માખણ તારવી લેતા. સાવ સામાન્ય એક દાખલો આપું તો ફિલ્મ 'શિકાર'નું એક ગીત આમ તો ભૈરવીમાં સ્વરબદ્ધ થયેલું લાગે પરંતુ એમાં અરબી સંગીતની છાંટ ભારોભાર સ્પર્શ માણી શકાય. એ ગીત એટલે 'પરદે મેં રહને દો પરદા ન ઊઠાઓ, પરદા જો ઊઠ ગયા તો ભેદ ખુલ જાયેગા.... '

બંને ગુણગ્રાહી પણ જબરા. સાવ અણગમતી વ્યક્તિની પોતાને ખપ લાગે એવી ખૂબી તારવી લે. સાજિંદાની અંગત મર્યાદાને જતી કરે. જેમ કે એક શહનાઇવાદક લગભગ ચોવીસે કલાક શરાબના નશામાં ધુત રહેતો. સવારે ઊઠીને કોગળા પણ શરાબથી કરે. પરંતુ પોતાના સાજ પરનો એનો કાબુ અદ્વિતીય હતો એટલે એની શરાબપ્રીતિ તરફ આ બંને સંગીતકાર આંખ આડા કાન કરતા. રેકોર્ડિંગ ટાણે એક સહાયક આ શરાબી સાજિંદા પાસે ખાસ ઊભો રહે. પેલાને વગાડવાનું આવે ત્યારે એને સાબદો કરે.

જયકિસન સાથેનો આવો અન્ય એક પ્રસંગ 'બૈજુ બાવરા' ફેમ વિજય ભટ્ટના મુખે સાંભળેલો. મૂળ અમારી વાત સંગીતકાર નૌશાદના સંગીત વિશેની હતી. દરમિયાન, વચ્ચે વીજુભાઇ કહે, 'અમારી ફિલ્મ ગૂંજ ઊઠી શહનાઇનું લતાએ ગાયેલું 'દિલ કા ખિલૌના હાય તૂટ ગયા... ' (અગેઇન ભૈરવી) યાદ છે ? બિસ્મીલ્લા ખાન મુંબઇમાં રોકાયેલા ત્યારે અમે અવારનવાર એમની સાથે રાત્રિ-બેઠક યોજતા. 'દિલ કા ખિલૌના'ની એ તર્જ મૂળ તો બિસ્મીલ્લા ખાને અમારી આવી એક બેઠકમાં વગાડેલી. અમે એનો ઉપયોગ ફિલ્મમાં કરવાનું વિચાર્યું.

એવામાં મને ખબર પડી કે જયકિસન પણ આ તર્જ પરથી કશુંક કરવાનું વિચારી રહ્યો છે. મેં તરત ટેલિફોન ઉપાડયો અને જયકિસન સાથે વાત કરી કે આ તર્જ પરથી અમે એક ગીત લઇ રહ્યા છીએ. મારા મનની વાત સમજી જઇને એણે તરત કહ્યું, 'તમે નચિંત થઇ જાઓ. હું તમારી આ તર્જ નહીં વાપરું, બસ ?' આ હતો જયકિસન. 

એવું જ 'મેરા જૂતા હૈ જાપાની' ગીત વખતે થયું. એક વિદેશી ગીત પરથી આ ગીતની પ્રેરણા મળી હતી. યોગાનુયોગે અજિત મર્ચંટે પણ આ ગીત પરથી પ્રેરણા લીધેલી. સરવાળે લાભ મારા તમારા જેવા સંગીત રસિકને થયો. આપણને એક વિદેશી ગીત પરથી બે યાદગાર ગીતો મળ્યાં, 'મેરા જૂતા હૈ જાપાની' (શ્રી ૪૨૦) અને 'તારી આંખનો અફિણી, તારા બોલનો બંધાણી..' (ગુજરાતી ફિલ્મ દીવાદાંડી). (ક્રમશ:) 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો