યુધ્ધના દિવસોમાં લોકોમાં દેશદાઝ વધુ પ્રજવલિત
જે લોકો રોજ સવારે ઉઠીને ધાર્મિક ચેનલો જોતા હતા અને વિવિધ મંદિરોમાં થતી આરતી-દર્શનો જોયા કરતા હતા તે લોકો હવે સવારથીજ સમાચારો જોતા થઇ ગયા છે. ત્રાસવાદી અડ્ડાઓ ફૂંકી મારીને સરકારે લોકોમાં નવું જોશ ઉભું કર્યું છે. દેશ વિદેશમાં ભારતની આખી શિકલ બદલાઇ ગઇ છે.
હમ કિસીસે કમ નહીં જેવો માહોલ ઉભો થયો છે. જ્યાં હોય ત્યાં એરફોર્સની પ્રશંસા થઇ રહી છે. દરેકને હુમલાના ત્રણ સ્થળો યાદ રહી ગયા છે કેમે કે છેલ્લા બે દિવસથી મોટા ભાગના અહેવાલો રીપીટ થઇ રહ્યા છે. આશ્ચર્યતો એ વાતનું છે કે લોકો રીપીટ અહેવાલો પણ ધ્યાન પૂર્વક સાંભળતા હોય છે કેમકે યુધ્ધ દરેકને પસંદ છે ખાસ કરીને ત્રાસવાદીઓને ઠેકાણે પાડવાની વાત આવે ત્યારે સૌનું લોહી ઉકળી જાય છે.
બુધવારે સવારથીજ ભારતમાં બેઠકોને ધમધમાટ જોતાં એવું લાગી રહ્યું છે કે ભારત પાકિસ્તાનને વધુ ભીંસમાં લેશે. સુષ્મા સ્વરાજે પણ ભારતની નિતી ચીન અને રશિયા સમક્ષ સ્પષ્ટ કરી છે. અમેરિકાએ પાકિસ્તાનને ખખડાવ્યા બાદ ભારત વધુ શક્તિ એકઠી કરી રહ્યું છે. આખા વિશ્વની નજર ભારતના એક્શન પર છે. ત્રાસવાદ સામેના જંગમાં ભારત શું કરી શકે છે તે વિશ્વે જોઇ લીધું છે.
બુધવારની સવારથીજ પાકિસ્તાનના યુધ્ધ વિમાનોને તોડી પાડવાની વાતો થઇ રહી છે. પાકિસ્તાન તરફથી યુધ્ધના કોઇ પ્રત્યાઘાતના બદલે નાણાપ્રધાન અરુણ જેટલીએ પણ કહ્યું છે કે જો અમેરિકા ઓસામાબીન લાદેનને ઉંચકી લાવી શકે તે ભારત હાફીઝ સઇદને કેમ ખેંચી ના લાવે?
તેમના આ નિવેદનથી લાગે છે કે ભારત કંઇક નવું કરવાના મૂડમાં છે. લોકો પણ આવું ઇચ્છે છે. પાકિસ્તાન પણ બેઠકો બોલાવે છે પરંતુ તે અમેરિકાના ટેકા વગર આગળ વધી શકતું નથી. સામે છેડે અમેરિકાએે મદદ કરવાની ના પાડી હોય એમ દેખાઇ આવે છે. કહે છે કે ભારત હજુ બીજા હુમલા કરશે પણ ક્યારે તેની કોઇને ખબર નથી એટલેજ લોકોમાં ઉશ્કેરાટ જોવા મળે છે. પાકિસ્તાન સામે એકાદ હુમલો કરીને ભારતે બેસી ના રહેવું જોઇએ એમ લોકો ઇચ્છે છે.
પ્રજાના મનમાં ભરેલો પાકિસ્તાન વિરોધનો જુવાળ ઠેરઠેર જોવા મળે છે. નથી કોઇ રામમંદિરને યાદ કરતું કે નથી કોઇ રાફેલ વિવાદને યાદ કરતું કે નથી વિપક્ષી એકતાની વાત કરતું કેમકે સર્વત્ર પાકિસ્તાનના સફાયાની વાત થઇ રહી છે.
કોઇને સંતોષ નથી. દરેકની પાકિસ્તાનને નાબુદ કરવા માટેની દરેકની ભૂખ વધી છે. દેશના લોકો મોદી સરકારનું ધ્યાન કાશ્મીર સમસ્યા પર દોરવા માંગે છે. કાશ્મીરમાં રહેલા ભાગલાવાદી તત્વોની શા માટે આળ પંપાળ કરવામાં આવે છે ? શા માટે કાશ્મીરના લોકો પર કડક પગલા નથી લેવાતા?
પ્રજાના મનમાં ઘણા પ્રશ્નો ઘૂમરાય છે. જેમકે એર સ્ટ્રાઇકથી કાશમીરની સમસ્યા હલ થશે ખરી ? કાશ્મીરમાં વસતા ભારત વિરોધીઓ સામે કેમ કોઇ પગલાં નથી લેવાતા? દેશમાં અનેક એનકાઉન્ટરો થાય છે તો પછી શામાટે હુરિયત નેતાઓની નાપાક પ્રવૃતીઓને સહન કરવામાં આવે છે?
યુધ્ધના દિવસોમાં લોકોમાં દેશદાઝ વધુ પ્રજવલ્લિત થતી હોય છે . દેશ દાઝ દરેકમાં સુષુપ્ત અવસ્થામાં પડી હોય છે. યુધ્ધ થાય કે ત્રાસવાદી હુમલો થાય ત્યારે આવી દેશ દાઝ સપાટી પર આવી જાય છે. યુધ્ધની વાતો સાંભળવી, યુધ્ધ પરની ફિલ્મો જોવી વગેરે લોકોનેેે ગમે છે. હવે લોકો એમ કહી રહ્યા છે કે અમારે યુધ્ધ લાઇવ જોવું છે. ફિલ્મેામાં યુધ્ધ જોવા મળે છે, લશ્કરના જવાનોનું શૌર્ય અને દિલની વાતો સ્ટોરીમાં ભરેલી હોય છે.
બુધવારે સવારથીજ પાકિસ્તાનના એર ફાઇટરને તોડી પડાયાની વાતો એરફોર્સે કરી છે. લાગે છે કે હવેના દિવસો યુધ્ધની અસર વાળા જવાના છે. પાકિસ્તાન કોઇ આંધળૂકીયું પગલું ભરીને જો હુમલો કરશે તો ભારત તેને ધૂળ ચાટતું કરશે તે નક્કી છે. પાકિસ્તાન પાસે વળતો પ્રહાર કરવાનું કોઇ પ્લાનીંગ નથી એટલે તે આંધળૂકીયું સાહસ કરી શકે છે.
જે રીતે ભારત સાબદું થયું છે તે જોતાં એમ લાગે છે કે આ વખતે ભારત પાકિસ્તાનને બરબાદ કરવાની તૈયારી કરીને બેઠું છે. ભારતને અમેરિકાનો ટેકો મળ્યો છે તો બીજી તરફ ચીને પણ હુમલા માટે મૂક સંમતિ આપી હોય એમ લાગી રહ્યું છે.
એક ગૌેરવવંતો મેસેજ વારંવાર જોવાનું મન થાય છે કે અમે વોટ્સ મેસેજ વારંવાર એટલા માટે જોઇએ છીએ કે પાકિસ્તાન ખતમ તો નથી થઇ ગયું ને? ખરેખર યુધ્ધે વાતાવરણ બદલી નાખ્યું છે.
- પ્રસંગપટ
Comments
Post a Comment