સર્જિકલ સ્ટ્રાઇક પાર્ટ-૨ઃ ઇન્ડિયન એર ફોર્સે રંગ રાખ્યો!

- પુલવામા હુમલા બાદ રોષે ભરાયેલા દેશવાસીઓને ટાઢક વળી છે અને એ સાથે જ પાકિસ્તાનને પણ ચેતવણી મળી છે કે ભારત સામેથી કોઇને છેડતું નથી અને કોઇ છેડે તો એને છોડતું નથી

પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે મોટી કાર્યવાહી કરતા પાકિસ્તાનમાં ચાલતા આતંકવાદી કેમ્પો પર ભારે બોમ્બમારો કરીને તેમને તબાહ કરી દીધાં છે. જે આતંકવાદી ઠેકાણાનો સફાયો બોલાવવામાં આવ્યો એમાં પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાં પ્રાંતના બાલાકોટ ખાતેનો જૈશ-એ-મોહમ્મદનો સૌથી મોટો આતંકવાદી કેમ્પ પણ સામેલ છે. દુનિયાના દેશો સમક્ષ પોતાના પગલાંને યોગ્ય ઠરાવતા ભારતે કહ્યું છે કે આ હુમલો જરૃરી બની ગયો હતો કારણ કે જૈશ-એ-મોહમ્મદ ભારતમાં ફિદાયીન હુમલાની ફિરાકમાં હતું. 

ખરેખર તો પુલવામા હુમલા બાદ પાકિસ્તાન જે ભયથી ધૂ્રજી રહ્યું હતું એ મંગળવારે વહેલી સવારે સાચો ઠર્યો. પાકિસ્તાને જ સૌથી પહેલાં જાહેરાત કરી કે ભારતીય વાયુ સેનાના વિમાનોએ પાકિસ્તાની સરહદમાં આવીને બોમ્બ વરસાવ્યાં છે. જોકે પાકિસ્તાને શેખી હાંકતા એવો દાવો કર્યો કે ઇન્ડિયન એર ફોર્સના વિમાનો પાકિસ્તાની સરહદમાં ઘૂસી આવ્યાં કે તુરંત પાકિસ્તાની વાયુસેનાના વિમાનો તેમની પાછળ લાગ્યાં અને ભારતીય વિમાનો ખેતરોમાં જ બોમ્બ ફેંકીને પાછા ચાલ્યાં ગયાં. બાદમાં ભારતે એર સ્ટ્રાઇકની વિધિવત માહિતી આપતા જાહેરાત કરી કે આતંકવાદી કેમ્પો પર થયેલા હુમલામાં અનેક આતંકવાદીઓ માર્યા ગયા છે ત્યારે પાકિસ્તાનનું જૂઠ્ઠાણું પકડાયું. 

આમ તો પુલવામા હુમલા બાદ જ મોદી સરકાર પર પાકિસ્તાન સામે બદલો લેવા માટે દેશભરમાં દબાણ થઇ રહ્યું હતું. પુલવામા હુમલા બાદ જ કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાન તેજ બનાવી દેવામાં આવ્યું હતું. પરંતુ આતંકવાદીઓ અને તેમને શરણ પૂરી પાડનાર પાકિસ્તાન સામે મોટા પાયે કાર્યવાહી કર્યા વિના ભારતને ચેન પડે એમ નહોતું. ભારતની ગુપ્તચર એજન્સીઓને પાકિસ્તાનની જમીન પર ચાલી રહેલા લગભગ ૧૩ આતંકવાદી લોન્ચ પેડની જાણકારી હતી જેમાંના ત્રણ લોન્ચ પેડનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે.

ભારતીય વાયુ સેનાએ જે ત્રણ આતંકવાદી ઠેકાણાનો સફાયો કર્યો છે એમાંના ચિકોટી અને મુઝફ્ફરાબાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં છે. જે ત્રીજા ઠેકાણા પર ભારતે હુમલો કર્યો છે એ પાકિસ્તાનની મૂળ ભૂમિ પર છેક ખૈબર પખ્તૂનખ્વાં પ્રાંતમાં એબટાબાદ પાસે છે. છેલ્લા કેટલાંક દિવસથી ભારતીય સેનાઆ આતંકવાદી ઠેકાણા પર ચાંપતી નજર રાખી રહી હતી અને યોગ્ય તકની રાહ જોઇ રહી હતી. હુમલા બાદ ભારતીય વિદેશ સચિવે સ્પષ્ટ કર્યું છે કે એર સ્ટ્રાઇકમાં જૈશના ટોપ કમાન્ડર સહિત અનેક આતંકવાદીઓ માર્યા ગયા છે.

આમ તો પુલવામા હુમલા બાદ જ પાકિસ્તાનને ખબર પડી ગઇ હતી કે ભારત સર્જિકલ સ્ટ્રાઇક કરશે. જોકે તેને એમ હતું કે ભારત અગાઉની જેમ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર ખાતેના આતંકવાદી કેમ્પો પર સ્ટ્રાઇક કરશે એટલા માટે તેણે ત્યાંથી આતંકવાદીઓને હટાવીને દૂર પાકિસ્તાનની મૂળ ભૂમિ પર જંગલની અંદર બાલાકોટમાં છુપાવી દીધાં હતાં.

આમ સેંકડો આતંકવાદીઓ અને તેમના ટ્રેઇનર્સને બાલાકોટ ખાતેના સુરક્ષિત સ્થાને શિફ્ટ કરીને પાકિસ્તાન નિશ્ચિંત બની ગયું હતું. પરંતુ પાકિસ્તાનની આ ચાલના કારણે જ બાલાકોટ ભારતીય વાયુસેના માટે આસાન ટારગેટ બની ગયું અને ઇન્ડિયન એરફોર્સના ૧૨ જેટલા મિરાજ-૨૦૦૦ ફાઇટર વિમાનોએ લાઇન ઓફ કંટ્રોલની ૮૦ કિલોમીટર અંદર જઇને આતંકવાદીઓના આ ફાઇવસ્ટાર કેમ્પ પર જ હુમલો કરીને ૩૫૦ જેટલા આતંકવાદીઓનો સફાયો કરી નાખ્યો. 

ભારતની વાયુસેનાએ કરેલી એરસ્ટ્રાઇક અંગે પાકિસ્તાને પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી છે અને લાઇન ઓફ કંટ્રોલનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ કહ્યું કે પાકિસ્તાનને આત્મરક્ષા માટે યોગ્ય જવાબ આપવાનો હક છે અને યોગ્ય સમયે જવાબ આપવામાં આવશે.

ભારતની કાર્યવાગી અને પાકિસ્તાનની પ્રતિક્રિયા બાદ સવાલ એ છે કે પાકિસ્તાન ભારતના હુમલાનો બદલો લેવા વળતો હુમલો કરશે કે કેમ? જોકે પરિસ્થિતિ એવી છે કે પાકિસ્તાન માટે બદલાની કાર્યવાહી કરવી આસાન નથી. 

પાકિસ્તાન દ્વારા ભારત પર બદલાની કાર્યવાહી ન કરી શકવાનું પહેલું અને મોટું કારણ તેની હાલની આર્થિક પરિસ્થિતિ છે. જાણકારોના મતે આ સમયે પાકિસ્તાન અત્યંત ખરાબ આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. ઇમરાન ખાન જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારથી અર્થવ્યવસ્થા સંભાળવા મથી રહ્યાં છે.

પાકિસ્તાનનું અર્થતંત્ર એટલું ખસ્તાહાલ છે કે તે ચીન, સાઉદી અરેબિયા જેવા દેશો પાસે મદદ માટે હાથ ફેલાવી ચૂક્યું છે. વળી, પાકિસ્તાનની ખાસ સહયોગી મનાતા એવા ચીન અને સાઉદી અરેબિયા પણ ભારત સામેની કાર્યવાહીમાં પાકિસ્તાનનો સાથ નહીં આપે. 

અમેરિકા સાથેના ટ્રેડ વૉરના કારણે ચીનને વેપારધંધામાં ભારતની જરૃર છે અને હાલના સંજોગોમાં પાકિસ્તાનને સાથ આપીને ભારતની નારાજગી વહોરવી ચીનને પોસાય એમ નથી. એટલા માટે જ ચીને બંને દેશોને સંયમ દાખવવાની સલાહ આપી છે. તો સાઉદી અરેબિયાને પણ પોતાનું પેટ્રોલિયમ વેચવા માટે ભારતની જરૃર છે. તાજેતરમાં જ સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની ભારતયાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે અબજો રૃપિયાના કરાર થયા છે જે જોતાં સાઉદી અરેબિયા પણ ભારતને નારાજ કરી શકે એમ નથી. 

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સારી પેઠે જાણે છે કે આ સમયે ભારત પર હુમલો કરવામાં આવ્યો તો જડબાતોડ જવાબ મળશે. ભારતમાં બે મહિના પછી લોકસભાની ચૂંટણી આવી રહી છે એ પરિસ્થિતિમાં મોદી સરકાર પાકિસ્તાનની કોઇ પણ કાર્યવાહીનો તુરંત જવાબ આપશે. તાજેતરમાં જ ઇમરાન ખાને એવું કહ્યું હતું કે પાકિસ્તાન પર હુમલો કરવાથી ભારતમાં સત્તામાં રહેલી પાર્ટીને ચૂંટણીમાં મોટો ફાયદો થશે. જાણકારોના મતે જો યુદ્ધ છેડાયું અને લાંબુ ચાલ્યું તો પાકિસ્તાનની પરિસ્થિતિ જોતાં ત્યાં ભૂખમરો પણ આવી શકે છે. 

બીજું એ કે ભારતીય વાયુસેનાએ કરેલા હુમલા બાદ વિદેશ ખાતાએ સ્પષ્ટ કર્યું છે કે હુમલાના નિશાન પર સામાન્ય નાગરિકો કે પાકિસ્તાની સેના નહોતા પરંતુ માત્ર આતંકવાદી કેમ્પો જ હતાં. એર સ્ટ્રાઇકમાં પાકિસ્તાની સૈનિકો કે ત્યાંના નાગરિકોના નુકસાન થયું નથી. જો પાકિસ્તાનના નાગરિકો કે સૈનિકોના જાનમાલનું નુકસાન થયું હોત તો પાકિસ્તાન પર બદલાની કાર્યવાહી કરવાનું દબાણ હોત. પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં પાકિસ્તાન માટે બદલાની કાર્યવાહી કરવા માટે મજબૂત કારણ નથી. જોકે ઘણાં જાણકારોનું માનવું છે કે એર સ્ટ્રાઇકના કારણે પાકિસ્તાન ચોંકી ઉઠયું છે. ૨૦૧૬માં જ્યારે ભારતે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરી તેને પાકિસ્તાને આજ દિન સુધી સ્વીકારી નથી. 

એથી ઉલટું સોમવારે રાતે ઇન્ડિયન એર ફોર્સે એર સ્ટ્રાઇક કરી તો પાકિસ્તાને તેને તુરંત સ્વીકારી લીધી. એટલું જ નહીં, હુમલાની સૌથી પહેલી જાણકારી પણ પાકિસ્તાની વાયુસેના એ જ આપી અને પુરાવા તરીકે ફોટો અને વીડિયો પણ જારી કર્યાં. એવામાં સવાલ એ છે કે પોતાના પર થયેલી ઘાતને અગાઉની જેમ છુપાવવાના બદલે પાકિસ્તાન શા માટે બરાડા પાડીને દુનિયાને એના વિશે માહિતી આપી રહ્યું છે? જાણકારોના મતે પાકિસ્તાન આવું એટલા માટે કરી રહ્યું છે કે દુનિયા સમક્ષ પોતાનો પક્ષ મજબૂત કરવા માંગે છે. તે દુનિયાને બતાવવા માંગે છે કે ભારતે તેની સરહદની અંદર આવીને હુમલો કર્યો છે અને જવાબમાં તે કાર્યવાહી કરે તો તે સંપૂર્ણ યોગ્ય લેખાશે. 

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ એટલા માટે જ કહ્યું છે કે તેમને વળતી કાર્યવાહી કરવાનો પૂરો હક છે. તો પાકિસ્તાનની અંદર પણ ભારત પર વળતી કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. એર સ્ટ્રાઇક પાકિસ્તાની સંસદની અંદર પણ ઇમરાન ખાન વિરોધી નારા થયાં હતાં. એવામાં ઇમરાન ખાન ઉપર પણ ભારે દબાણ છે. ખાસ વાત એ કે પાકિસ્તાનની અંદર ઇમરાન ખાનની ઓળખ મજબૂત અને નીડર નેતા તરીકેની છે અને આ ઓળખ જાળવી રાખવા માટે પણ બદલાની કાર્યવાહી કરવાનું તેમના પર દબાણ છે. એટલા માટે જ પાકિસ્તાની વડાપ્રધાને તેમની સેના અને નાગરિકોને તમામ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા કહ્યું છે.  જોકે ભારતીય સેના કોઇ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાઇ એલર્ટ પર છે. હજુ તો આગામી સમયમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી કેમ્પો ઉપર આવી બીજી કેટલીક સ્ટ્રાઇક થઇ શકે છે.

પુલવામા હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુંકાર કર્યો હતો કે અમને આતંકવાદનો સફાયો કરતા આવડે છે. અને પુલવામા ખાતે શહીદ થયેલા જવાનોનો જોરદાર બદલો ભારતે લીધો છે ત્યારે ભારતીય સેના અને સફળ એર સ્ટ્રાઇક કરનાર એર ફોર્સના જાંભાઝ પાયલોટોને સલામ.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો