યુદ્ધે ચડતું ભારત .



ભારતીય વાયુસેનાએ ભારત- પાક વચ્ચેની નિયંત્રણ રેખા પાર કરીને જૈશ-એ-મોહમ્મદ નામક આતંકવાદી જૂથના અનેક પડાવોને ધ્વસ્ત કરીને ૩૫૦થી વધુ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા જેનાથી સમગ્ર એશિયા સ્તબ્ધ થઈ ગયું છે. 

આ એ નિયંત્રણ રેખા છે જેને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ વારંવાર પાર કરીને ભારતમાં નાની- મોટી તબાહી મચાવતા રહ્યા છે. એ રેખાનું ઉલ્લંઘન ભારતે સર્જિકલ સ્ટ્રાઇ વખતે ભૂમિ પર અને હવે આકાશમાં કર્યું છે. આંતરરાષ્ટ્રીય નવા ધારા-ધોરણો પ્રમાણે કોઈ પણ દેશમાં રહેલા આતંકવાદી અડ્ડાઓ પરના હુમલાને એ દેશ પરનો હુમલો માનવામા આવતો નથી.

સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ અગાઉ જાહેર કરેલું છે કે, આતંકવાદી છાવણીઓ જે દેશની ભૂમિ પર હોય તેના પર આક્રમણ થાય ત્યારે તે દેશની સેના એનો જવાબ આપી શકે નહિ. એ રીતે જુઓ તો ભારતે પોતાની ભૂમિ પર વર્ષોથી આતંકવાદ સામેની જે લડત ચલાવેલી છે તે હવે એના મૂળભૂત સ્રોત અને કમાન્ડ એરિયા એવા પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં આરંભી છે, જે એક રીતે તો સંયુક્ત રાષ્ટ્રસંઘના અભિગમ સિવાયની દ્રષ્ટિએ પાકિસ્તાન સામેના યુદ્ધનું આરંભબિંદુ પુરવાર થઈ શકે છે.

ભારતીય હવાઈદળે કરેલો હુમલો એક પ્રકારની એરસ્ટ્રાઇક છે. એરસ્ટ્રાઇકે હવે એક પારિભાષિક શબ્દ છે જે મુખ્યત્વે આતંકવાદ સામેની લડત માટે જ પ્રયોજાય છે. ભારતીય વાયુ સેનાએ આંતરરાષ્ટ્રીય નિયમોનું સંપૂર્ણ પાલન કરીને, કોઈ પણ નાગરિક વસાહતોને નુકસાન થાય તે રીતે આતંકવાદીઓ પર વિનાશક આક્રમણ કરેલું છે જેને દુનિયાના બહુધા દેશોએ યોગ્ય ઠરાવ્યું છે. સર્જિકલ સ્ટ્રાઇક એક પ્રકારનો પ્રતીકાત્મક હુમલો હતો અને એ હુમલો પૂરો થયો ત્યાં જ ભારતે પૂર્ણ વિરામ એ આશાએ મૂક્યું કે પાકિસ્તાન એમાંથી બોધપાઠ લેશે.

પરંતુ જૈશ-એ-મોહમ્મદની આતંકવાદી છાવણીઓ પરનો આ વખતનો હુમલો પૂર્ણવિરામ નથી, અલ્પવિરામ છે. આ હુમલાના અનુસંધાનના પાના હજુ ખોલવાના ભારતે બાકી રાખ્યા છે. જૈશ-એ-મોહમ્મદ પરના હુમલાનો જવાબ જો ભૂલેચૂકે ય પાકિસ્તાનની સેના આપવાની કોશિષ કરશે તો એ પાકિસ્તાનની સૌથી મોટી મૂર્ખતા હશે.

કાશ્મીરમાં પુલવામા ખાતે સીઆરપીએફના જવાનો પર જૈશ-એ-મોહમ્મદના ફિદાયીન આતંકવાદીઓએ કરેલા હુમલાની ઘટનાથી જ ભારતના પાકિસ્તાન પરના આક્રમણનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું હતું. આજે પણ ભારતીય હવાઈદળે કેટલાક મોકાના એરપોર્ટ પર નાગરિક ઉડ્ડયનો પર ભારત સરકાર દ્વારા પ્રતિબંધ મૂકાવી દીધો છે. જે દર્શાવે છે કે ભારતે એક અણધાર્યા છતાં પૂર્ણ કક્ષાના યુદ્ધની તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે. ભારતની આંતરરાષ્ટ્રીય છબી શાંતિપ્રિય રાષ્ટ્ર તરીકેની છે.

પરંતુ હવે સમય એ આવી ગયો છે કે ભારતે પોતાની છબી અપડેટ કરવી અનિવાર્ય થઈ ગઈ છે. પુલવામા હુમલાથી ભારતીય પ્રજાને જે આઘાત લાગ્યો તેમાંથી જ જન્મેલો યુદ્ધોન્માદ કેન્દ્ર સરકાર અને ભારતીય સેના સારી રીતે જાણે છે. જૈશ-એ-મોહમ્મદ પર ભારતીય હવાઈ દળે કરેલો હુમલો વાસ્તવમાં પ્રજામાં વ્યાપ્ત યુદ્ધોન્માદનો જ પ્રતિધ્વનિ છે.

ભારત- પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલી આતંકવાદ સંબંધિત તંગદિલ હવે ખુદ ભારત ઠરવા દેશે નહિ. વધારાની કેટલીક એરસ્ટ્રાઇકની પણ સંભાવના છે. પાકિસ્તાન જાણે કે સત્તાવાર કહેતું હોય તે રીતે કોઈ જાનહાનિ ન થયાની વાતો કરી છે, પરંતુ એ તો ચોરની માતાએ પોતાનું મુખારવિંદ કોઠીમાં છુપાવીને રડવાના નિયમ પ્રમાણેની વાતો છે. પાકિસ્તાનની સેના આતંકવાદને સમર્થન આપીને ખુદ ખખડી ગયેલી સેના છે. 

જૈશ-એ-મોહમ્મદ પરના ભારતીય હવાઈ દળના હુમલા બાદ પાકિસ્તાનની સંસદમાં તેની સરકાર પર ફિટકાર વરસાવવામાં આવ્યો તે એ અર્થમાં કે પાકિસ્તાનની ધરતી પર આતંકવાદીઓના 'પથારા' છે જેનો વિનાશ કરવા ભારત યુદ્ધે ચડયું છે ને પાકિસ્તાન તેમાં કોઈ હસ્તક્ષેપ કરી શકે એમ નથી. એક તો આતંકવાદમાં જ પાકિસ્તાનના હાથ કાળા થયેલા છે અને હવે જો એ ભારતને અટકાવશે તો એ હાથ પણ ગુમાવશે. પાકિસ્તાનની પ્રજામાં એકોત્તેરના યુદ્ધના સ્મરણો હાલ તાજા થઈ ગયા છે.

આખરે ભારતે આતંકવાદ સામે યુદ્ધે ચડવાનો નિર્ણય લઈ લીધો છે તે વાત હવે જગખ્યાત થઈ ગઈ છે. વર્ષો સુધી સહન કર્યા બાદ અને છૂટક અથડામણોના હજારો ઘટનાક્રમ પછી ભારતે આતંકવાદીઓના મૂળ ગોત્ર એવા પાકિસ્તાન પર એરસ્ટ્રાઇકથી શરૂઆત કરી છે.

આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પાકિસ્તાન હવે એકલું પડી ગયું છે અને કોઈ પણ બહાને વિનાશને આરે પહોંચી ગયું છે. ભારતીય હવાઈદળે પોતાની અત્યન્ત ઉચ્ચ સ્તરની કુનેહ, સાહસિકતા, આક્રમકતા અને વિજયોન્માદથી ભરપુર ઉડ્ડયનનો પાકિસ્તાનને નવેસરથી પરિચય આપ્યો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે