પાકિસ્તાન પકડાયેલા ભારતીય પાયલટને તાત્કાલિક પરત મોકલે : ભારતનું અલ્ટિમેટમ
(પીટીઆઈ) નવી દિલ્હી, તા.27 ફેબ્રુઆરી 2019,બુધવાર
સવારે સરહદે થયેલા આકાશી યુદ્ધ દરમિયાન ભારતનું એક મિગ-૨૧ તૂટી પડયું હતુ અને તેના પાઈલટ વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાને પકડી લીધા હતા. એ પછી તેમની મારપિટ કરાતી હોય, પૂછપરછ કરાતી હોય એવો વીડિયો પણ વાઈરલ થયો હતો.
દરમિયાન ભારતે તપાસ કરતાં પાઈલટ ગુમ થયાનું જણાયુ હતું અને એ પાઈલટ પાકિસ્તાનના કબજામાં હોવાની વાતને પણ સરકારે સ્વીકારી હતી. આંતરરાષ્ટ્રીય કાયદા-સમજૂતી મુજબ પકડાયેલા લશ્કરી અધિકારી સાથે ગેરવર્તન કરી શકાતું નથી. તેનો વીડિયો કે ફોટોગ્રાફ્સ પણ જાહેર કરી શકાતો નથી.
પાકિસ્તાનના આ બેજવબદાર વર્તન પછી આજે ભારતે દિલ્હી ખાતેના પાકિસ્તાનના કાર્યકારી રાજદૂત સૈયદ હૈદર શાહને સમન્સ પાઠવ્યું હતુ. ભારતે સૈયદ હૈદરને જણાવ્યુ હતું કે અમારા પાઈલટને સલામત રીતે, વિના વિલંબે અમને પરત આપી દો. એ પાઈલટને કંઈ નુકસાન કરવામાં આવશે તો પણ ભારત સાંખી નહીં લે. પાકિસ્તાને રિલિઝ કરેલા વિડીયોને ભારતે વલ્ગર પ્રદર્શન ગણાવ્યુ હતુ.
ભારતે એ વાતની પણ પાકિસ્તાન સાથે સ્પષ્ટતા કરી હતી કે ભારત તરફથી લેવાયેલા બધા પગલાં દેશની સલામતી માટેના છે, કોઈ પર આક્રમણ કરવાનો અમારો ઈરાદો નથી. માટે પાકિસ્તાને આ ઘટનાને આક્રમણ નહીં, સ્વ-રક્ષણ ગણવુ જોઈએ. વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના એમ્બેસેડરને આ રીતે ભારત તરફથી કડક સંદેશો આપી દીધો છે અને ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો છે.
બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ વિંગ કમાન્ડર અંગે સહાનુભૂતિ ઉમટી હતી. લોકોએ 'બ્રિંગ બેક અભિનંદન' એવુ હેશટેગ વાપરીને હજારો ટ્વિટ્સ કરી હતી. લોકોએ પાકિસ્તાનના ગેરવર્તનની ટીકા પણ કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યુ હતુ કે આખા દેશને પાઈલટ પર ગર્વ છે અને સલામત પરત આવે એ માટે પ્રાર્થના થાય છે. ઓમર અબ્દુલાએ વધુમાં કહ્યુ હતુ કે સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી વડા પ્રધાને રાજકીય પ્રવૃત્તિઓ અટકાવી દેવી જોઈએ.
જિનિવા સંધિનો ભંગ ક્યારે થાય?
સ્વિત્ઝરલેન્ડના જિનિવા ખાતે ૧૯૨૯માં દુનિયાના દેશોએ એક સંધિ તૈયાર કરી હતી. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી એ સંધિમાં કેટલાક સુધારા કર્યા હતા. આજે એ સંધિ માનવા આખુ જગત બંધાયેલું છે. એ સંધિ પકડાયેલા યુદ્ધકેદી (પ્રિઝનર ઑફ વૉર) અંગેની છે. સામાન્ય કેદી અને યુદ્ધકેદી વચ્ચે ફરક હોય છે, માટે તેમની સાથેનું વર્તન પણ અલગ અલગ રીતે થવું જોઈએ.
આ સંધિ મુજબ પકડાયેલા યુદ્ધકેદીને બન્ને દેશો વચ્ચે શાંતિ સ્થપાય એ સાથે તુરંત મુક્ત કરી દેવો જોઈએ. સંધિ પ્રમાણે પકડાયેલા યુદ્ધકેદીને કોઈ શારીરિક નુકસાન થવું ન જોઈએ, તેમજ તેના જીવ પર ખતરો હોવો ન જોઈએ. સાથે સાથે એ કેદી કોણ છે, તેની જાણ કરવા માટે ફોટો કે વીડિયો કે ખુદ કેદીને જાહેરમાં લાવવો ન જોઈએ. પાકિસ્તાને આ બધા જ સિદ્ધાંતોનો ભંગ કર્યો છે. માટે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ટીકા થશે.
Comments
Post a Comment