ભારતને આજે 'અભિનંદન' મળશે : વિંગ કમાન્ડરને પરત મોકલવા પાકિસ્તાનને ફરજ પડી
સરહદે શાંતિ સ્થાપવા અમે ભારતીય પાયલટને છોડી રહ્યા છીએ પાક. સંસદમાં ઇમરાને કરેલી જાહેરાતને સાંસદોનું સમર્થન
અગાઉ પાકિસ્તાને કહ્યું હતું કે ભારત અમારી સાથે વાતચીત માટે તૈયાર થાય તો જ પાયલટને છોડીશું
ઇસ્લામાબાદ/નવી દિલ્હી, તા.28 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર
ભારત અને અમેરિકાના દબાણને પગલે પાકિસ્તાને ઝુકવુ પડયું છે, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સંસદમાં જાહેરાત કરી હતી કે અમે ભારતીય પાયલટ અભિનંદનને શુક્રવારે ભારતને પરત સોપી દઇશું. સાથે ઇમરાને દાવો કર્યો હતો કે અમે શાંતિના ભાગરુપે આ પગલુ ભરવા જઇ રહ્યા છીએ.
ઇમરાન ખાનનું આ નિવેદન ત્યારે સામે આવ્યું હતું જ્યારે પાક.ના વિદેશ પ્રધાન કુરેશીએ અભિનંદનને હાલ પરત આપવાની ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે જ્યાં સુધી બન્ને દેશો વચ્ચે શાંતિ સ્થાપીત ન થાય ત્યાં સુધી અમે અભિનંદનને નહીં છોડીએ. ઉપરાંત શરતો સાથે ભારત સાથે વાતચીતનો પ્રસ્તાવ પણ પાકિસ્તાને મુક્યો હતો, જેને ભારત દ્વારા ફગાવી દેવામાં આવ્યો હતો.
ભારતે કોઇ પણ પ્રકારની શરત માનવાની ના પાડી દીધી હતી, અને તાત્કાલીક અભિનંદનને છોડી મુકવા દબાણ કર્યું હતું. અંતે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ઝુકવુ પડયું હતું. ઇમરાને પાકિસ્તાનની સંસદમાં જાહેરાત કરી હતી કે અમે ઇચ્છીએ છીએ કે શાંતિ સ્થપાય, જેના ભાગરુપે શુક્રવારે પાકિસ્તાન પહેલુ પગલુ ભરશે અને અમારી કસ્ટડીમાં રહેલા ભારતીય પાયલટ અભિનંદનને છોડી મુકવામાં આવશે.
આ પહેલા પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન ભારતના પાયલટ અભિનંદનને પરત કરવા વિચારશે, જોકે આ માટે ભારત અને પાકિસ્તાન સરહદે શાંતિ સ્થપાવી જરુરી છે અને ઇમરાન ખાન વડા પ્રધાન મોદી સાથે શાંતિ માટે વાતચીત કરવા તૈયાર છે, શું મોદી તૈયાર છે? ભારતે આવી શરતોને ફગાવી દીધી હતી જે બાદ ઇમરાન ખાને અંતે અભિનંદનને છોડી મુકવાની જાહેરાત કરવી પડી હતી. એવા પણ અહેવાલો છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણીને પગલે પાકિસ્તાને અભિનંદનને છોડવા પડયા છે.
ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમે કોઇ પણ પ્રકારની સમજુતી કરવા તૈયાર નથી, કોઇ પણ સંજોગોમાં અભિનંદનને છોડવા જ પડશે. બીજી તરફ આતંકવાદ ફેલાવી રહેલા પાકિસ્તાને હવે શાંતીની વાતો કરી છે અને અભિનંદનને પરત કરવાના પગલાને શાંતિ સાથે જોડયું છે.
પાકિસ્તાનની સંસદમાં ઇમરાન ખાને કહ્યું હતું કે અમે ભારતમાં સ્ટ્રાઇક કરી હતી તેનો હેતુ માત્ર અમારી તાકાત દેખાડવાનો હતો. અમે નહોતા ઇચ્છતા કે ભારતમાં કોઇ જાનહાની થાય, અમારો હેતુ શાંતિ સ્થાપવાનો છે. અને તેના ભાગરુપે જ અમે અભિનંદનને છોડી રહ્યા છીએ. પાક. સાંસદોએ પણ ઇમરાનને સમર્થન આપ્યું હતું.
Comments
Post a Comment