દિલ્હીની વાત : મોદીએ 17 મિનિટના સંબોધનમાં અમીટ છાપ છોડી
મોદીએ 17 મિનિટના સંબોધનમાં અમીટ છાપ છોડી
નવી દિલ્હી,તા.27 સપ્ટેમ્બર 2019, શુક્રવાર
નરેન્દ્ર મોદી યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં શું બોલે છે તેના પર આખી દુનિયાની નજર હતી.
મોદીએ પોતાના સંબોધનમાં દુનિયાને કનડતા આતંકવાદ સામે લડવાની હાકલ તો કરી જ પણ બીજા ઘણા મુદ્દા પણ આવરી લીધા. ક્લાઈમેટ ચેન્જ, જળસંચય, રોગો સામે ભારતની લડત અને જાહેરમાં શૌચ સહિતના મુદ્દા પર તેમણે મનનીય પ્રવચન આપ્યું. મોદીના સંબોધનમાં ભારતમાં કઈ રીતે પરિવર્તન આવી રહ્યું છે તેનવી વાત કેન્દ્રસ્થાને હતી પણ મોદીના સંબોધનમાં સૌથી પ્રભાવશાળી વાત 'ભારત યુધ્ધનો નહીં પણ બુધ્ધનો દેશ છે' એ રહી. મોદીએ આ વાત કરીને ભારતની શાંતિ તરફની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી જ પણ સાથે સાથે આતંકવાદ સામે લડવાની હાકલ પણ કરી.
મોદીના રાજકીય વિશ્લેષકોના મતે મોદીએ આ સંબોધન દ્વારા એક તરફ ભારતનું બ્રાન્ડિંગ કર્યું તો બીજી તરફ ભારત દુનિયાના બીજા દેશોની સાથે છે એ પણ સ્પષ્ટ કરી દીધું. માત્ર ૧૭ મિનિટના પ્રવચનમાં મોદીએ અમીટ છાપ છોડી દીધી.
ઈમરાને ઈસ્લામ કાર્ડ ખેલીને કોમવાદી રંગ આપી દીધો
યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં એક તરફ મોદી છવાઈ ગયા ત્યારે બીજી તરફ ઈમરાન ખાન સાવ ફિક્કા સાબિત થયા. કાશ્મીર મુદ્દે પછડાટ પર પછડાટ ખાઈ રહેલા ઈમરાને ઈસ્લામ કાર્ડ ખેલવાની ભરપૂર કોશિશ કરી પણ કોઈ પ્રભાવ ના પાડી શક્યા.
વિશ્વમાં ઈસ્લામિક ફોબિયા થઈ ગયો છે એવી તેમની વાત સાથે મુઠ્ઠીભર કટ્ટરવાદીઓ કદાચ સંમત થાય પણ મોટા ભાગના મુસ્લિમો સંમત નહીં થાય એ સ્પષ્ટ છે. ઈમરાને ગરીબો અને અમીરો વચ્ચે વધી રહેલી ખાઈની વાત કરી તે પણ બહુ પ્રભાનવ નથી પાડી શકી.
મોદીએ પોતાની માતૃભાષા હિન્દીમાં પ્રવચન આપ્યું તેના કારણે એ અસરકારક રીતે પોતાની વાત રજૂ કરી શક્યા. બીજી તરફ ઈમરાને અંગ્રેજીમાં પ્રવચન આપ્યું તેમાં પણ એ માર ખાઈ ગયો. ઈમરાનની બોડી લેંગ્વેજ પણ એક હારેલા સેનાપતિ જેવી હતી.
મોદી વર્સીસ ઈમરાનના જંગમાં કોણ જીતે છે એ સવાલ બંનેના સંબોધન પહેલાં પૂછાતો હતો. મોદી આ જંગ જીતી ગયા છેએ કહેવાની જરૂર નથી.
અમેરિકાએ પાકિસ્તાન-ચીનને એકસાથે ઝાટકી ભારતને ખુશ કર્યું
યુનાઈટેડ નેશન્સમાં મોદીના પ્રવચન પહેલાં અમેરિકાએ પાકિસ્તાનને વધુ એક ફટકો માર્યો. પાકિસ્તાન કાશ્મીરમાં મુસ્લિમોની સ્થિતી ખરાબ હોવાની અને ભારત તેમના પર અત્યાચારો કરે છે તેવા આક્ષેપ કર્યા કરે છે.
પાકિસ્તાનને જવાબ આપતા અમેરિકાનાં દક્ષિણ અને મધ્ય એશિયા મામલાના મંત્રી એલિસ જી. વેલ્સે સામો સવાલ કર્યો કે, ચીનમાં મુસ્લિમોની પરિસ્થિતી વધારે ખરાબ છે અને તેમને કેમ્પોમાં ગોંધી રખાય છે ત્યારે પાકિસ્તાન તેમની સ્થિતી સામે કેમ કંઈ બોલતું નથી ? એલિસે તો ટોણો માર્યો કે, પાકિસ્તાને ચીનના મુસ્લિમોની વધારે ચિંતા કરવી જોઈએ કેમ કે ચીનમાં માનવાધિકારોનું ઉલ્લંઘન વધારે થઈ રહ્યું છે.
ચીનમાં મુસ્લિમોની સ્થિતીનો મુદ્દો ઉઠાવીને અમેરિકાએ એક કાંકરે ત્રણ પક્ષી માર્યાં છે. એક તો તેણે પાકિસ્તાનને તેની હૈસિયત બતાવી દીધી. બીજું ભારતની ખુલ્લી તરફેણ કરીને ભારતને રાજી કરી દીધું. ત્રીજું ચીનને પણ તેણે ઝપટમાં લઈ લીધું.
આદિત્યને ગાદીએ બેસાડવા ઉધ્ધવનું ભાજપ સાથે સમાધાન
મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના વિધાનસભાની ચૂંટણી સાથે રહીને લડશે કે સામસામે આવી જશે એ સવાલનો જવાબ મળી ગયો છે. અમિત શાહે ગુરૂવારે દેવેન્ ફડણવિસ સહિતના મહારાષ્ટ્ર ભાજપના નેતાઓને તાબડતોબ દિલ્હી તેડાવીને ચર્ચા કરી એ વખતે જ સમાધાનની ફોર્મ્યુલા ઘડાઈ ગઈ હતી. શિવસેનાને ૧૨૬ બેઠકો આપવી અને ભાજપ ૧૪૪ બેઠકો પર લડે તેવું નક્કી થયું હતું.
ભાજપનાં સૂત્રોના કહેવા પ્રમાણે. શિવસેનાના પ્રમુખ ઉધ્ધવ ઠાકરેને આ ફોર્મ્યુલા મોકલાઈ પછી તેમણે નાયબ મુખ્યમંત્રીપદ અપાય તો ફોર્મ્યુલા સ્વીકારવા તૈયારી બતાવી. શાહે તરત હા પાડી દેતાં આ કોકડું ઉકેલાઈ ગયું. હવે રવિવારે ઉધ્ધવ ઠાકરે અને ફડણવિસ સમજૂતીની જાહેરાત કરશે.
દિલ્હીમા ચાલતી ચર્ચા પ્રમાણે ઉધ્ધવે પોતાના દીકરા આદિત્ય ઠાકરે માટે નાયબ મુખ્યમંત્રીપદ માંગ્યું છે. આદિત્યને વરલી વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતારાશે. આદિત્ય જીતે એ માટે એનસીપીના સચિન આહિરેને પહેલાં જ ખેંચી લેવાયા છે એ જોતાં આદિત્યની જીત પાકી મનાય છે. ઠાકરે પરિવારમાંથી અત્યાર લગી કોઈ વ્યક્તિ ચૂંટણી નથી લડી કે હોદ્દો નથી ભોગવ્યો. આદિત્ય ચૂંટણી લડશે તો આ બંને પરંપરા તોડશે.
પવારના દાવે દિલ્હીમાં સૌને દોડતા કરી દીધા
શરદ પવારે પોતે ભારતના રાજકારણમાં સૌથી અઠંગ ખેલાડી કેમ મનાય છે એ શુક્રવારે સાબિત કરી દીધું. મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના મની લોન્ડરિંગ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ફરિયાદ નોંધી પછી શરદ પવારે સામેથી ઈ.ડી.ની ઓફિસ જવાની જાહેરાત કરી નાંખી હતી. એ વખતે પવારની જાહેરાતને કેન્દ્ર સરકારે કે ઈ.ડી.એ ગંભીરતાથી નહોતી લીધી.
એનસીપી અને ઈ.ડી. ઓફિસ પાસપાસે જ છે તેથી શુક્રવારે મુંબઈમાં પવારના આગમન પહેલાં ઈ.ડી.ની ઓફિસ બહાર એનસીપીના કાર્યકરો ઉમટી પડયા. તેના કારણે અધિકારીઓ હબકી ગયા. તેમણે તાબડતોબ દિલ્હી ફોન લગાડયા ને પવારને ગમે તે રીતે રોકવા આજીજી કરી.
ઈ.ડી.ના અધિકારીઓએ નાણાં મંત્રાલયનો સંપર્ક કર્યો ને ત્યાંથી ઉપર ફોન થયા હોવાનું કહેવાય છે. દિલ્હીથી તરત જ પવારને હમણાં હાજર રહેવાની જરૂર નથી તેવો લેટર મોકલવા કહી દેવાયું. આ કાગળ લઈને એક અધિકારી પવારના ઘરે પહોંચ્યો ને હાથોહાથ કાગળ આપીને વિનંતી કરી ત્યારે પવાર માન્યા.
પવારે ઈ.ડી.ની નોટિસને રાજકીય મુદ્દામાં ફેરવીને સાબિત કર્યું કે, એ ભલે ઘરડા થયા પણ હજુ દાવપેચ નથી ભૂલ્યા.
કેરળમાં ભાજપ ના કરી શક્યો એ એનસીપીએ કરી બતાવ્યું
પવારે મહારાષ્ટ્રમાં પોતાની તાકાત બતાવી તો તેમની પાર્ટીએ કેરળમાં વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જીતીને સૌને દંગ કરી દીધા. કેરળની પાલા બેઠક કોંગ્રેસના સાથી પક્ષ કોંગ્રેસ (એમ)નો ગઢ હતી. ૧૯૬૪માં આ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી ૨૦૧૯મા ગુજરી ગયા ત્યાં સુધી એટલે કે ૫૫ વર્ષ સુધી કે.એમ. મણિ આ બેઠક પરથી ધારાસભ્યપદે ચૂંટાતા હતા.
એનસીપીના મણિ સી. કપ્પને આ બેઠક જીતીને સૌને આંચકો આપી દીધો. આ જીત સાથે એનસીપીએ કેરળમાં પહેલી વાર વિધાનસભા બેઠક જીતી છે. ભાજપ કેન્દ્રમાં સત્તામાં હોવા છતાં હજુ સુધી કેરળમાં વિધાનસભાની બેઠક જીતી નથી શક્યો ત્યારે એનસીપીએ એ પરાક્રમ કરી બતાવ્યું છે. કપ્પન મલયાલમ ફિલ્મોના અભિનેતા છે. તેમનો સ્ટાર પાવર ચાલી ગયો છે.
વિધાનસભાની બાકીની બેઠકોની પેટાચૂંટણીમાં ઉત્તર પ્રદેશની હમીરપુર અને ત્રિપુરાની બધારઘાટ ભાજપે જીતી જ્યારે કોંગ્રેસે છત્તીસગઢની દાંતેવાડા બેઠક જીતી. આ બેઠકો પર સત્તાધારી પક્ષ જીત્યો એ ધારણા પ્રમાણે છે પણ કેરળના પરિણામે દિલ્હીમા રાજકીય પંડિતોને વિચારતા કરી મૂક્યા છે.
હરિયાણામાં ભાજપના પક્ષપલટાથી અકાલી દળ નારાજ
હરિયાણામાં ચૂંટણી જીતવા ભાજપે બાલકૌરલ સિંહને ખેંચી લેતાં તેનો લાંબા સમયનો સાથી અકાલી દળ નારાજ થઈ ગયો છે. આ નારાજગીનું કારણ બાલકૌર સિંહ છે. બાલકૌર હરિયાણા વિધાનસભામાં અકાલી દળના એક માત્ર ધારાસભ્ય હતા. એ ગુરૂવારે નવી દિલ્હીમાં ભાજપમાં જોડાઈ ગયા તેથી હવે અકાલી દળનું હરિયાણા વિધાનસભામાં પ્રતિનિધિત્વ જ નથી રહ્યું.
અકાલી દળના વડા સુખબીરસિંહ બાદલે ભાજપ સામે બળાપો કાઢીને ભાજપના કૃત્યને અનૈતિક અને કમનસીબ ગણાવ્યું. ભાજપે ગઠબંધનની મર્યાદા તોડી હોવાનો આક્ષેપ પણ ભાજપે કયો છે. બાદલે બે દિવસમાં બીજી વાર ભાજપને આડે હાથ લીધો છે. ગુરૂવારે પણ તેમણે ભાજપ પર દગાખોરીનો આક્ષેપ મૂકેલો. લોકસભાની ચૂંટણીમાં હરિયાણામાં અકાલી દળનો ટેકો લેવા ખાતરી આપ્યા પછી હવે ભાજપ અકાલી દળને એક પણ બેઠક આપવા તૈયાર નથી તેથી બાદલ બગડયા હતા.
અકાલી દળનો હરિયાણામાં પ્રભાવ નથી તેથી ભાજપને ચિંતા નથી પણ આવતા વર્ષે યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અકાલી દળની નારાજગી ભાજપને નુકસાન પહોંચાડી શકે છે.
સ્વામીએ આરબીઆઇના પૂર્વ ગર્વરન રાજન પર પ્રહાર કર્યો
રિસેટ-રિગેઇનિંગ ઇન્ડિયાઝ અકોનોમિક લેગેસી પુસ્તકના વિમોચન પ્રસંગે બોલતાં ભાજપના સાંસજ સુબ્રમણ્ય સ્વામીએ રિઝરેવ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હાલનો બેરોજગારીનો ઉચ્ચ આંક રાજને તેમના કાર્યકાળમાં બનાવેલી તમામ યોજનાઓ પર પાણી ફેરવી દેશે. દરેક જણ જાણે છે કે રાજન ખૂબ હોંશિયાર હતા, પરંતુ તેઓ અર્થશાસ્ત્રી નથી. તેઓ નાણાકીય બાબતોના નિષ્ણાંત હતા. સ્વીમીએ વધુમાં કહ્યું હતું કે અર્થશાસ્ત્રમાં પણ સુક્ષ્મ અર્થશાસ્ત્ર (મેક્રોઇકોનોમિક્સ)ને સમજવું ખૂબ જ અઘરૂં છે.
રાજને કહ્યું હતું કે ફુગાવાને નિયંત્રણમાં રાખવા વ્યાજ દર ઉંચા રાખવા પડશે. પરંતુ એનાથી તો રોકાણનો ખર્ચ વધી ગયો પરિણામે નુકસાનીના આરે ઊભેલી કંપનીઓ હવે તુટવા લાગી છે.ઉચ્ચ બેરાજગારી માટે આ પણ એક પરિબળ છે. સ્વીમીએ વડા પ્રધાન મોદી પર પણ ટીપ્પણી કરી હતી. 'મોદી એવા લોકોની વચ્ચે ઘેરાઇ ગયા છે જેમને કાંતો ખબર જ નથી પડતી કે અર્થતંત્ર શું છે અથવા તો સાચી વાતથી મોદીને વાકેફ કરાવવાની તેમનામાં હિમંત નથી.
દીદીના ખાતરીની કોઇ જ અસર નથી
એનઆરસીનો બંગાળમાં અમલ નહીં જ કરાય તેવી પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાના મમતા મુખર્જીની ખાતરી છતાં રાજ્યમાં લોકો આ મુદેદે ડરી રહ્યા છે. એનઆરસીનો અમલ કરવામાં આવશે તેવા ડરના કારણે સરહદી વિસ્તારના લોકો એ પોતાના રેશન કાર્ડ જેવા દસ્તાવેજોમાં સુધારા શરૂ કરી દીધા હતા.સૂત્રોએ કહ્યું હતું કે પહેલી ઓકટોબરે કોલકાતામાં ગૃહ મંત્રી અમીત શાહનું નાગરિકત્વ અંગેના સંબોધન એવા સમયે રખાયો છે કે જ્યારે લોકોમાં એનઆરસીનો ભય વ્યાપી ગયો છે.તૃઁણમુલ કોંગ્રેસના નેતાઓ કહે છે કે ગયા સપ્તાહે શરૂ કરાયેલી ડીજીટલ રાશન કાર્ડ અને ચૂંટણીના નામમા ફેરફારની ઝુંબેશથી લોકો વધારે ભયભીત બન્યા છે.મમતાએ કહ્યું હતું કે એનઆરસીની કવાયતના ભયથી ૧૧ લોકો માર્યા ગયા હતા. જો કે ભાજપે કહ્યું હતું તે મમતા બેનર્જીના દાવાઓ ખોટા હતા.
કાશ્મીરી પંડીતો મોદી પાસેથી પુનઃવસનની યોજના ઇચ્છે છે
એમેરિકાના હ્યુસ્ટનમાં કાશ્મીરી પંડીતોએ વડા પ્રધાન મોદી પાસેથી તેમના પુનઃ વસનની યોજના માગી હતી. આંતરિક વિસ્થાપિત કાશ્મીરી પંડીતોના એક સંગઠન યુથ ઓલ ઇન્ડિયા કાશ્મીરી સમાજે વડા પ્રધાનને કાશ્મીરીઓ વટભેર ખીણમાં પાછા ફરે તેવી કોઇ સવ્રગ્રાહી યોજના બનાવવાની માગ કરી હતી.તેમણે માગ કરી હતી કે તેમનો પણ અવાજ સંભળાય તે માટે ઓછામાં ઓછી ચાર વિધાનસભા અને બે લોકસભાની બેઠકો પંડિતો માટે અનામત રાખવી જોઇએ.' અમે આશા રાખીએ કે વડા પ્રધાન અથવા કેન્દ્ર સમાજના પાયાના કાર્યકરો સાથે વાતચીત કરશે અને કોઇ સર્વગ્રાહી યોજનાની ઓફર કરશે'એમ સમાજના પ્રમુખ આર.કે. ભટ્ કહ્યું હતું.
સ્નેચરોના કારણે યુવાનનો જીવ ગયો
પાટનગરમાં ચેન સ્નેેચરોનો ત્રાસ વધી ગયો છે. ગઇ કાલે એક આવા જ બનાવમા૨૭ વર્ષના એક યુવકની બેગ ઝુંટવા જતાં યુવાનનો જીવ ગયો હતો.ચાલુ સપ્તાહની શરૂઆતમાં દક્ષિણ દિલ્હીના ચિતરંજન પાર્ક વિસ્તારમાં એક વ્યસ્ત બજારમાં સમાચાર સંસ્થામાં કામ કરતી પત્રકાર જયમાલા બાગચીને ઓટો રિકશામાંથી ખેંચીને તેને લૂંટી લેવામાં આવી હતી. તેમના માથામાં ઇજા થઇ હતી.છેલ્લા એક મહિનામાં ચેન સ્નેચીંગના ઓછામાં ઓછા સાત બનાવ બન્યા હતા. ભોગ બનેલાઓમાં કેન્દ્ર સરકારના એક પૂર્વ કર્મચારીનો સમાવેશ થતો હતો જે પોતાના ઘરની બહાર ઊભો હતો. ઉપરાંત ભારતના સોલીસિટર જનરલના પત્ની તેમજ એક પોલીસ પત્ની પણ ભોગ બની હતી. દિલ્હી પોલીસના આંકડાઓ અનુસાર, ચાલુ વર્ષમાં ચેન સ્નેચીંગના ૪૫૧૬ કેસની સામે ગયા વર્ષે ૪૭૦૭ કેસ નોંધાયા હતા.
- ઇન્દર સાહની
Comments
Post a Comment