બજારમાં નવી ચમક .
દેશના વિદ્વાન અર્થશાસ્ત્રીઓ ભલે મંદીની સૂસવાટા મારતી આગાહી અને પછી ગવાહી આપતા હોય. પરંતુ વિરાટ જનસંખ્યાને કારણે ભારતીય બજારમાં ડિમાન્ડ અને સપ્લાયના ચક્ર એટલા તો ગતિશીલ રહે જ છે કે મંદીની લહેર આવે પણ સરળતાથી મંદી ઘર ન કરી શકે. કેન્દ્રના નાણામંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન અનુરાગ ઠાકુર હમણાં રાજ્ય સરકારોને ઠપકો આપતા કહ્યું કે મંદીની વાતો દરેક રાજ્યમાં સાંભળવા મળે છે. પરંતુ કોઇ રાજ્ય સરકાર હજુ કરવેરા ઓછા કરતી નથી.
ખરેખર તો આ જ સમય છે કે, રાજ્યોએ પોતાના વિવિધ વેરાની જાળ ટૂંકી કરવી જોઇએ. આ વખતે વરસાદ સારો થયો છે. એનું નકારાત્મક પાસુ એ છે કે દેશમાં ૩૦ ટકા વિસ્તારોમાં કૃષિ ક્ષેત્રનું ધોવાણ થઇ ગયું છે. પરંતુ એ સિવાય ખરીફ પાક સારો ઉતરવાનો છે અને હવે પછીની રવિ પાકની મોસમ પણ જમાવટ કરવાની છે. એક રીતે જુઓ તો વરસાદે દેશના અર્થતંત્રને યોગાનુયોગ એક મહત્ત્વનો અને ખરા સમયનો ટેકો કરેલો છે.
કેન્દ્રની એનડીએ સરકારનો ઝુકાવ હજુ પણ દેશના કોર્પોરેટ સેકટર તરફ છે અને એ તો રહેવાનો જ છે, કારણ કે એનડીએ સરકારની વિચારધારામાં પહેલેથી એની કિચન કેબિનેટમાં કોર્પોરેટ કિંગ કહેવાય એવા અનેક ઉદ્યોગપતિઓના પડાવ છે. નાણાંપ્રધાન નિર્મલા સીતારામને કરવેરામાં જે રાહતો આપી છે એની અસરો બજારમાં હવે દેખાવા લાગી છે. પરંતુ અર્થશાસ્ત્રના સિધ્ધાંત પ્રમાણ ેરાજ્ય સરકારોએ મંદીમાં જે ખર્ચ વધારવો જોઇએ એના બદલે છેલ્લા ત્રિમાસિક આંકડાઓ જોતા ખર્ચ ઘટી રહ્યો છે.
કેન્દ્ર સરકારે જ જાહેર કરેલા આંકડાઓ અનુસાર દેશની વિવિધ રાજ્ય સરકારોએ છેલ્લા ત્રિમાસિક ગાળામાં ખર્ચમાં સરેરાશ ૨૦ ટકાથી વધુ કાપ મૂક્યો છે. જ્યાં સુધી રાજ્ય અને કેન્દ્ર સરકાર આર્થિક તંગદિલીના આ સમયાવકાશમાં ખર્ચ અભિવૃધ્ધ ન કરે ત્યાં સુધી બજારમાં ફરતા રૂપિયાને નવી ગતિ મળતી નથી. રાજ્ય કક્ષાના નાણા પ્રધાન અનુરાગ ઠાકુરના મૌલિક વિચારો તેમની સમજણ દર્શાવે છે. પરંતુ એમની ટકોર પ્રમાણે રાજ્ય સરકારો ટેકસ ક્યારે ઘટાડશે તે એક કોયડો છે.
રાજ્ય અને કેન્દ્ર દ્વારા હાલ લેવામાં આવતા વિવિધ કરવેરા કોઇ પણ રીતે બિઝનેસ પ્રોત્સાહક નથી. મોંઘવારી પણ સતત ઊંચા પગથિયા ચડે છે. આજકાલ તો ડુંગળીનો દડો પણ સોનાનો થવા લાગ્યો છે. પેટ્રોલ, ડિઝલની લાઇનમાં જ ડુંગળી આવીને ઉભી રહી ગઇ છે. છેલ્લા ઘણા વરસોથી આ ક્રમ ચાલે છે, દિવાળી નજીક આવે કે તુરત જ ડુંગળીના ભાવ આસમાનને અડવા માટે 'મહેકી' ઉઠે છે. ડુંગળી તો દેશના ગરીબથી તવંગર સહુના સ્વાદ અને શોખનો વિષય છે.
છતાં નાના પરિવારોમાં ડુંગળી મહ્દઅંશે શાકનો વિકલ્પ બનીને દિવસો પસાર કરી આપે છે. મોંઘવારીએ હવે ડુંગળી પર પણ તરાપ મારી છે અને રાજ્ય કે કેન્દ્ર પાસે એવી કોઇ વ્યવસ્થા જ નથી કે તે ડુંગળીના ભાવનું નિયમન કરી શકે. આ વરસે તો છેલ્લા ચાર વરસમાં ડુંગળીના ભાવ સૌથી વધુ ઊંચે ગયા છે. ડુંગળીની લાક્ષણિકતા જ આંખમાં આંસુ લાવવાની છે એની પ્રતીતિ બજાર હવે આર્થિક રીતે પણ કરાવે છે.
આ વખતની મંદીનું એક કારણ દેશના આડે પાટે ચડેલા બજેટ છે. લગભગ અવારનવાર બજેટમાં ચૂંટણીલક્ષીતા હોય છે. એટલે ખરેખર જે પ્રબંધ કરવાનો હોય એના બદલે પક્ષની લોકપ્રિયતા ટકાવવા અને કૃત્રિમ ગુલાબી ચિત્ર ઊભું કરવા જે નુસખાઓ અજમાવવામાં આવે છે. એણે દેશના મૂળભૂત આંતરિક આર્થિક પ્રવાહોની ઘોર ખોદી છે.
દેશમાં પુવર્તમાન મંદીનું એક કારણ બજેટ તૈયાર કરવામાં દાખલ કરાયેલી બિનઅર્થશાસ્ત્રીય પ્રણાલિકાઓ પણ છે. એક સર્વેક્ષણ પ્રમાણે ભારતમાં મંદીની શરૂઆત છેલ્લા અઢાર મહિનાથી થયેલી છે. છતાં પણ આજ સુધી રાજ્ય સરકારોએ પોતાના ખર્ચના આંકડાઓને અભિવૃધ્ધિ કર્યા નથી. એનો બીજો અર્થ છે કે, રાજ્ય સરકારોની નીતિ મંદીને પ્રોત્સાહન આપનારી નીવડી છે.
હવે વિકલ્પો બહુ મર્યાદિત છે. વડાપ્રધાન મોદી પોતાની કોઇ વિશ્રામ વેળાએ જો દેશના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજીને નવી રણનીતિ બનાવે અને ખર્ચના યોગ્ય પ્રયોજન માટે ઉદ્દીયકનું કામ કરે તો તેજીના ચક્ર અધિક સજીવન થઇ શકે છે. પરંતુ આપણે ત્યાં સરકાર પોતાના પક્ષે તો કદી બોધપાઠ લેતી જ નથી અને બધા જ બોધપાઠ લેવાના અને ભોગવવાના પ્રજાના ભાગે જ આવે છે. આજકાલ દેશમાં તેર રાજ્યો એવા છે જેની તિજોરીની હાલત ગંભીર છે. છત્તીસગઢ અને કેરળની હાલત વધુ ખરાબ છે. સાત રાજ્યો એવા છે.
જેની ખોટ પાછલા વરસ કરતા વધારે છે, એમાં ગુજરાત, આન્ધ્ર, કર્ણાટક, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ જેવા મોટા રાજ્યો છે. આ એ રાજ્યો છે કે જેમણે પોતાના ખર્ચમાં કાપ મૂકીને મંદીને વધુ વેગ આપ્યો છે. બજારમાં તહેવારોને કારણે અને વરસાદને કારણે જે નવી ચમક દેખાવા લાગી છે એને ટકાવી રાખવી હોય તો રાજ્ય સરકારોએ વિવિધ પરિયોજનાઓને બહાને ખર્ચમાં વધારો કરવો પડશે. તો જ ડિમાન્ડ કાર્યાન્વિત થશે. ડિમાન્ડ ખરેખર તેજીનું પ્રાણતત્ત્વ છે. એક વખત બજારમાં ડિમાન્ડ પ્રજવલિત થાય પછી સમગ્ર અર્થતંત્રમાં નવો અજવાસ ફેલાઇ જાય છે.
Comments
Post a Comment