ગરીબોની કસ્તૂરી અમીરોને પણ દોહ્યલી બની

- સામાન્ય રીતે દીવાળી પહેલાના દિવસોમાં ડુંગળીના ભાવ વધવાનો ટ્રેન્ડ રહેતો હોય છે અને એમાંયે આ વર્ષે ધારણા બહાર વરસેલા વરસાદના કારણે ડુંગળીના પાકને માઠી અસર થઇ છે જેના પરિણામે ભાવ અસહ્ય વધ્યા છે


હમણા સુધી સામાન્ય લોકો પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી પરેશાન રહેતા હતાં પરંતુ છેલ્લા થોડા દિવસથી ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીએ લોકોને રડાવવાનું શરૂ કર્યું છે. મોટા ભાગના ભારતીયોની થાળીમાં બટાકા, ડુંગળી અને ટામેટામાંથી કોઇ એક તો હાજર હોય જ છે. કઠણાઇ એ વાતે છે કે દર વર્ષે આમાંના કોઇ એક શાકના ભાવ વધી જાય છે. આ વર્ષે ડુંગળીના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. કેટલાંક રાજ્યોમાં તો ડુંગળીના ભાવ ૮૦થી ૯૦ રૂપિયે કિલોએ પહોંચી ગયા છે. ડુંગળીના વધી રહેલા ભાવોને અંકુશમાં લેવા સરકારે ડુંગળીની નિકાસ પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે. ડુંગળીના ભાવ નીચા લાવવા સરકારે અફઘાનિસ્તાન અને ઇજિપ્તમાંથી ડુંગળીની આયાત કરવાનો નિર્ણય પણ લીધો છે.

સામાન્ય રીતે પંદરથી વીસ રૂપિયાની આસપાસ વેચાતી ડુંગળી ૯૦ રૂપિયે પહોંચે ત્યારે મોંઘવારીમાં વધારો થવો સ્વાભાવિક છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં પરિસ્થિતિ સરખી છે. આ પરિસ્થિતિ ચિંતા એટલા માટે ઉપજાવે છે કે ડુંગળી એ રોજિંદી જરૂરિયાતની ચીજ છે. પરંતુ સરકારોને લાગે છે કે ડુંગળીના ભાવ વધવાથી તેમને કોઇ નિસ્બત નથી. જોકે ડુંગળીની કિંમત જ્યારે જ્યારે વધી છે ત્યારે ત્યારે રાજકીય ઉથલપાથલ સર્જાઇ છે. ૧૯૯૮માં તો દિલ્હી વિધાનસભાની ચૂંટણી વખતે ડુંગળીના ભાવ જ મુખ્ય મુદ્દો હતાં જે ભાજપની સરકારના હારનું કારણ પણ બન્યો હતો. 

સામાન્ય રીતે દીવાળી પહેલાના દિવસોમાં ડુંગળીના ભાવ વધતા હોય છે. ખાસ કરીને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ડુંગળીના ભાવમાં થોડોઘણો વધારો થતો હોય છે પરંતુ આ વર્ષે તો ઓગસ્ટથી જ ડુંગળીના ભાવ આસમાને પહોંચવા લાગ્યાં છે. પરિસ્થિતિ એ છે કે આ વખતે ડુંગળીનો ભાવ છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધારે વધ્યો છે. આ સીઝનમાં ડુંગળીના ભાવ વધતા હોવાની પેટર્ન ખ્યાલ હોવા છતાં સરકારે અગમચેતીરૂપે કોઇ પગલાં ન લીધાં. ડુંગળીનું સૌથી વધારે ઉત્પાદન થાય છે એવા મહારાષ્ટ્રમાં જ ડુંગળીના ભાવ સાઠ રૂપિયે કિલોથી વધારે હોય તો દેશના બીજા ભાગોમાં તો કેવી સ્થિતિ હોય એની કલ્પના જ કરવી રહી. 

ડુંગળીના ભાવ વધવા પાછળ સરકારો અને વેપારીઓ પોતપોતાના તર્ક આપી રહ્યાં છે. વેપારીઓનું કહેવું છે કે દેશમાં ડુંગળીનો સ્ટોક ઘણો ઓછો છે જેના કારણે બજારમાં તેની આવક ઓછી થઇ રહી છે. માંગના પ્રમાણમાં પુરવઠાનું પ્રમાણ ઘટવાના કારણે ભાવ વધવા સ્વાભાવિક છે. આ વર્ષે વરસેલા અનરાધાર વરસાદના કારણે ડુંગળીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે જેના કારણે બજારમાં તેની આવકને અસર થઇ છે. હજુ ડુંગળીનો નવો સ્ટોક આવવાને વાર છે જેના લીધે પણ સંકટ વધ્યું છે. સામાન્ય રીતે ઓક્ટોબર-નવેમ્બરમાં ડુંગળીનો નવો સ્ટોક આવે એ પહેલાં ભાવમાં થોડો વધારો થતો જ હોય છે. આ દર વર્ષનું સામાન્ય ચક્ર છે જેનો લાભ સંઘરાખોરો ઉઠાવે છે. 

કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ આ પરિસ્થિતિ વિશે વાકેફ હોય છે પરંતુ સંઘરાખોરો અને કાળાબજારિયાઓ વિરુદ્ધ કોઇ પગલાં ઉઠાવતી નથી. ઉલટું ડુંગળીનો પૂરતો સ્ટોક હોવાના દાવા થતા રહે છે પરંતુ બજારોમાં તંગી સર્જાતી હોય છે. સરકારી સસ્તા અનાજની દુકાનો પર સસ્તી કિંમતે ડુંગળી વેચવાની યોજનાઓ ચલાવવામાં આવે છે પરંતુ સંઘરાખોરો આવી તમામ યોજનાઓ પર પાણી ફેરવી દે છે અને સસ્તી ડુંગળી ખરીદીને વધારે ભાવે વેચવાના ખેલ કરતા રહે છે. બજારોમાં ડુંગળીની તંગી ન સર્જાય અને વાજબી ભાવે લોકોને મળતી રહે એ માટે રાજ્ય  સરકારો પોતપોતાના સ્તરે પ્રયાસ કરે છે પરંતુ ડુંગળી ગરીબો માટે તો દોહ્યલી જ રહે છે. 

ભારતમાંથી મોટા પાયે ડુંગળીની નિકાસ અન્ય દેશોમાં થાય છે. એટલા માટે ડુંગળીના ભાવ વધતા પહેલું પગલું તો નિકાસ પર પ્રતિબંધ મૂકવાનું હોય છે જે સરકારે ઉઠાવ્યું છે. ગત જૂનમાં પણ ડુંગળીના ભાવ વધ્યા ત્યારે સરકારે નિકાસ પર નિયંત્રણ મૂકવા માટે ડુંગળીની નિકાસ પર આપવામાં આવતી દસ ટકા સબસીડી પાછી લીધી હતી. નિકાસ વધવાના કારણે સ્ટોકમાં ઘટાડો થઇ જાય છે જેની સીધી અસર બજારમાં આવક પર પડે છે અને સ્થાનિક સ્તરે અછત સર્જાય છે. જોકે દર વર્ષે આ સ્થિતિ સર્જાતી હોવા છતાં સરકારો આગોતરા પગલાં શા માટે નથી લેતી એવો સવાલ થવો સ્વાભાવિક છે. 

ભારતના દરેક પ્રદેશમાં ડુંગળીનો ખોરાકમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે. સરકારી આંકડા અનુસાર દેશમાં દર હજાર લોકોએ ૯૦૮ જણાં ડુંગળીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે જેની ગણતરી માંડીએ તો ભારતમાં ડુંગળીના વપરાશકર્તાઓની સંખ્યા ૧૦૦ કરોડ કરતા પણ વધારે થવા જાય છે. બીજી બાજું ડુંગળીનું ઉત્પાદન બધાં રાજ્યોમાં નથી થતું. કૃષિ મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં વર્ષે લગભગ ૨.૩ કરોડ ટન ડુંગળીનું ઉત્પાદન થાય છે. ડુંગળીના કુલ ઉત્પાદનના ૩૬ ટકા મહારાષ્ટ્રમાં થાય છે તો મધ્યપ્રદેશમાં ૧૬ ટકા, કર્ણાટકમાં ૧૩ ટકા, બિહારમાં છ ટકા અને રાજસ્થાનમાં પાંચ ટકા થાય છે. બાકીના રાજ્યોમાં ડુંગળીનું ઉત્પાદન ઘણું ઓછું છે. 

આમ તો આખા વર્ષ દરમિયાન ડુંગળીની ખેતી થતી રહે છે પરંતુ એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન લગભગ ૬૦ ટકા ડુંગળીનું ઉત્પાદન થાય છે. તો ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન ૨૦ ટકા અને જાન્યુઆરીથી માર્ચ દરમિયાન બાકીની ૨૦ ટકા ડુંગળીનું ઉત્પાદન થાય છે. બીજી બાજુ જૂનથી ઓકટોબર સુધી દેશભરમાં ચોમાસું રહેતું હોય છે અને વધારે વરસાદ પડવાના સંજોગોમાં ડુંગળીનો પાક બગડી જવાની શક્યતા રહે છે. વરસાદથી બચીને પણ ડુંગળી ગોડાઉનોમાં પહોંચી જાય તો પણ પરેશાની ખતમ નથી થતી. ભારે વરસાદના કારણે પણ ડુંગળીનો સ્ટોક બગડવાની શક્યતા રહે છે. જો ગોડાઉનોમાં પાણી ભરાય કે ભેજ થઇ જાય તો ડુંગળી સડી જાય છે. દર ચોમાસામાં આવું થવું સામાન્ય છે પરંતુ આ વખતે તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસેલા અતિ ભારે વરસાદના કારણે પરિસ્થિતિ ઓર વણસી છે. 

દેશના છ રાજ્યોમાં મોટા ભાગની ડુંગળીનું ઉત્પાદન થાય છે જેના કારણે લગભગ પચાસ ટકા ડુંગળી દેશના દસ માર્કેટમાંથી જ આવે છે. આ દસમાંના છ માર્કેટ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં છે. મતલબ કે અડધોઅડધ ડુંગળીનો વેપાર અમુક વેપારીઓના હાથમાં જ રહે છે. આ જૂજ વેપારીઓ જ દર વર્ષે ડુંગળીના ભાવ વધારવાનો ખેલ કરે છે. ડુંગળીમાં કોઇ ટેકાનો ભાવ નક્કી નથી જેના કારણે ઉત્પાદન વધતા ડુંગળી મોટા પાયે બજારોમાં ઠલવાય છે અને ઘણી વખત તો ભાવ ઘટીને એક રૂપિયે કિલો સુધી પહોંચી જાય છે. આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવે છે. આવા સમયે પણ સંઘરાખોરો સસ્તા ભાવે ડુંગળી ખરીદીને સ્ટોક કરી લે છે અને તંગી સર્જાય ત્યારે કાળાબજારી કરે છે.

સરકાર દરેક ચીજવસ્તુનો અમુક જશ્થો પોતાની પાસે સુરક્ષિત રાખતી હોય છે જેનો કોઇ પણ પ્રકારની કટોકટી સર્જાય ત્યારે ઉપયોગ થઇ શકે. આને બફર સ્ટોક કહેવામાં આવે છે. કેન્દ્ર સરકાર લગભગ ૧૩ હજાર ટન ડુંગળીનો બફર સ્ટોક રાખતી હોય છે. જોકે ખાટલે મોટી ખોડ એ છે કે સંગ્રહ કરવાની અપૂરતી ક્ષમતાના કારણે મોટો જથ્થો બગડી જાય છે. એક રિપોર્ટ અનુસાર ગયા વર્ષે કુલ બફર સ્ટોકમાંથી સાડા છ હજાર ટન ડુંગળી સડી ગઇ હતી. હાલ ડુંગળીના ભાવ કાબુમાં લેવા સરકારે બફર સ્ટોક વેચવા કાઢ્યો છે. 

ડુંગળીના મામલે રાજકારણ પણ ઘણું થાય છે. સામાન્ય રીતે એવો ટ્રેન્ડ જોવા મળે છે કે જ્યારે જ્યારે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે ત્યારે ડુંગળી મોંઘી થઇ જાય છે. જાણકારોના મતે ડુંગળીનો વેપાર કરતા મોટા વેપારીઓ રાજકારણીઓ અને રાજકીય પાર્ટીઓ સાથે સંબંધો ધરાવે છે. ચૂંટણીટાણે આવા વેપારીઓ રાજકીય પક્ષોને ફંડ આપતા હોય છે. 

રાજકીય પાર્ટીઓને આપેલા નાણાની વસુલાત કરવા ડુંગળીના ભાવ વધારી દેવામાં આવે છે. આમ તો દરેક પાકની જેમ ડુંગળીના પાકનો પણ ખેડૂતોને ખાસ લાભ મળતો નથી પરંતુ ચૂંટણી નજીક હોય ત્યારે વોટબેંક સાધવા ખેડૂતોને પણ અમુક ફાયદો પહોંચાડવામાં આવે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો