સમુદ્રના જળમાં સ્થળ ઉભું કરતું ભારતીય નૌકાદળનું નવું ડ્રાય ડોક!
- આઈએનએસ વિક્રાંત જેવું કદાવર અથવા નાના કદના બે યુદ્ધજહાજો એક સાથે મેઈન્ટેનન્સ માટે મુકી શકાય એટલા માટે આ ડ્રાય ડોક તૈયાર કરાયું છે
સંરક્ષણ મંત્રી આજે (૨૮ સપ્ટેમ્બરે) મુંબઈના નેવલ યાર્ડમાં નવું ડ્રાય ડોક ખૂલ્લું મુકવા જઈ રહ્યાં છે. ડ્રાય ડોકમાં આમ તો કોઈને રસ ન પડે, પરંતુ આ ડ્રાય ડોક એન્જિનિયરિંગની દૃષ્ટિએ કમાલકારક છે. સાથે સાથે ભારતીય નૌસેનાની આવડત અને એડવાન્સ ટેકનોલોજીના પણ એમાં દર્શન થાય છે. પણ એ પહેલા ડ્રાય ડોક એટલે શું એ સમજી લઈએ.
સમુદ્ર કે નદીકાંઠે જ્યાં જહાજો લંગારાય એટલે કે પાર્ક થાય એ વિસ્તાર ડોક કહેવામાં આવે છે. સમુદ્રી વેપાર જગતના અર્થતંત્રને હજારો વર્ષથી ધબકતું રાખે છે. માટે ડોકની જરૂરિયાત પણ હજારો વર્ષથી ચાલી આવે છે.
અમદાવાદ પાસે આવેલું પુરાત્ત્વીય નગર લોથલ એ હજારો વર્ષ જુનું ડોક જ તો છે! ડોક પરથી જ જ્યાં જહાજો-હોડી-આગબોટનું રિપેરિંગ-મેઈન્ટેનન્સ થાય એ સ્થળને ડોક યાર્ડ નામ મળી ગયું. સમુદ્ર કાંઠે ડોક હોય એટલે જળની તો બાદબાકી થઈ ન શકે. પરંતુ જહાજોના રિપેરિંગ માટે ઘણી વખત તેને પાણીથી દૂર કરવું પડે. આખુ જહાજ ઉપાડીને જમીન પર લાવી ન શકાય. બીજી તરફ પાણીને પણ ધક્કો મારી ન શકાય. તો શું કરવું?
એ સમસ્યાના ઉકેલરૂપે કાંઠા પર જ જમીનમાં ખાંચો કરીને ડ્રાય ડોક બનાવાની શરૂઆત થઈ. સામાન્ય સિદ્ધાંત એવો છે, કે જહાજ ફીટ થઈ શકે એવો ૩ બાજુથી બંધ, એક બાજુથી ખૂલ્લો ખાંચો તૈયાર કરવામાં આવે. એ પાર્કિંગ સ્પેસ થઈ. એ સ્પેસમાં જહાજ લાવવામાં આવે ત્યારે તેમાં પાણી હોય. જહાજ આવી જાય પછી પાણી નીકળી જાય અને ફરીથી ઘૂસે નહીં એ પ્રકારે ચોથી ખૂલ્લી દિશામાં દરવાજા ફીટ થયેલા હોય છે.
પાણી નીકળી ગયા પછી ડોક ડ્રાય થઈ જાય એટલે સુકાઈ જાય અને ત્યાં જહાજની ખાસ તો પાણીમાં ડૂબેલો રહ્યો હોય એવા ભાગની મરમ્મત થઈ શકે. ડ્રાય ડોક એ એક રીતે જહાજોનું ગેરેજ છે.
૧૭૩૫માં સ્થપાયેલું મુંબઈનું નેવલ ડોક યાર્ડ પહેલેથી ૩ ડ્રાય ડોક ધરાવે જ છે. પરંતુ એ પૂરતાં નથી. હવે આજે ખૂલ્લું મુકાવા જઈ રહ્યું છે, એ ભારતમાં અત્યાર સુધીમાં બનેેલું સૌથી મોટું ડ્રાય ડોક છે. લંબાઈ ૨૮૧ મીટર, પહોળાઈ ૪૫ મીટર અને ઊંડાઈ ૧૭ મીટર છે. એ સિવાય બન્ને તરફની દીવાલમાં અંદર અનેક બાંધકામો, ટનલ, ઈલેક્ટ્રિક્લ સપ્લાય સિસ્ટમ, વૉટર મેનેજમેન્ટ સિસ્ટમ વગેરે બાંધકામો છે. એમાં ૯૦ કિલોમીટર લાંબુ વાયરિંગ જ્યારે ૧૩ કિલોમીટર લાંબુ પાઈપ ફિટિંગ થયેલું છે.
ડોકને સ્પર્શતી બન્ને તરફની દીવાલો ૧.૫ મીટર જાડા કોન્ક્રિટથી બનેલી છે! આ ડ્રાય ડોક ખાસ તો એરક્રાફ્ટ કેરિયર (વિમાનવાહક જહાજ) 'આઈએનએસ વિક્રમાદિત્ય' કે પછી ભવિષ્યમાં ભારતીય નૌકાદળમાં શામેલ થનારા 'આઈએનએસ વિક્રાંત' માટે બનાવાયું છે.
અત્યાર સુધી આવા મોટાં જહાજનું રિપેરિંગ કરી શકે એવુ ડ્રાય ડોક હતું નહીં. એટલે કાં તો ભારતે જહાજને પરદેશ મોકલવું પડે, જ્યાંથી ખરીદી કરી હોય. વિક્રમાદિત્ય રશિયા પાસેથી ખરીદેલું છે (વિક્રાંત ભારતમાં બની રહ્યું છે). રશિયા રિપેર કરવા કે સુધારા કરવા મોકલીએ તો બિલ આવે હજારો કરોડ રૂપિયાનું અને એટલો સમય ભારતનો સમુદ્રી વિસ્તાર વિમાનવાહક જહાજ વગર રહે એ વધારાનું નુકસાન. આવી ઘણી મુશ્કેલીઓ ધ્યાનમાં લઈને ભારતે વર્ષો પહેલા જ આ ડ્રાય ડોક બાંધવાનો નિર્ણય લીધો હતો, જેનું પરિણામ આજે મળી રહ્યું છે.
આ બાંધકામ એક દાયકા સુધી ચાલ્યુ અને અંદાજે હજારેક કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. પરંતુ તેની સામે મળનારું વળતર બહુ મોટું છે. વિક્રમાદિત્ય તો જાણે ૪૫ હજાર ટન વજનનું છે, પરંતુ તેનાથી બમણું ૯૦ હજાર ટન સુધીના વજનનું જહાજ અહીં પાર્ક કરી શકાય છે. સમગ્ર બાંધકામ તૈયાર થવામાં ૪૦ લાખ માનવદિવસો (એક માનવ દિવસ એટલે ૮ કલાક) લાગ્યા છે, જ્યારે ૮ હજાર ટન સ્ટીલ વપરાયું છે. તો વળી કુલ ૫ લાખ ટન સિમેન્ટ કોન્ક્રિટનો જથ્થો અહીં વપરાયો છે.
સામાન્ય રીતે ડ્રાય ડોક દરિયા કાંઠે જમીનમાં ખાંચો કરીને બનાવાતું હોય છે. આ ડોક દરિયાના પાણીમાં પાળા બનાવીને તૈયાર કરાયું છે. બાંધકામ દરમિયાન પાણી દૂર રહે એટલા માટે પહેલા તો જમીનથી ૩૦૦ મીટર દૂર બાંધકામની ભાષામાં કોફર ડેમ તરીકે ઓળખાતો બંધ તૈયાર કરાયો હતો. કોન્ક્રિટ અને સ્ટીલના ગોળાકાર થાંભલાની ૧૧૪ હારમાળા ખડકી દેવાઈ હતી, જેણે વાડનું કામ આપ્યું. એ દરેક થાંભલો પોતે ૬૦ ટન વજનનો હતો. તેની વચ્ચે પાણી આવી શકે એમ ન હતું. એ પછી શરૂ કરાયું હતું, ડોકનું બાંધકામ. એ રીતે સમુદ્રમાં બનાવાયું હોય એવુ પણ ભારતનું પ્રથમ ડ્રાય ડોક છે. નૌકાદળે આ ડોક બાંધકામનો કોન્ટ્રાક્ટ 'હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની (એચસીસી)'ને આપ્યો હતો. એ કંપની શેઠ વાલચંદ હિરાચંદે સ્થાપી હતી અને એક સદીથી ભારતના અનેક મહત્ત્વપૂર્ણ જાહેર બાંધકામો કરતી આવી છે.
જહાજોની મોટા ભાગની જિંદગી સમુદ્રમાં પસાર થતી હોય છે. સમુદ્રમાં સૌથી મોટી સમસ્યા કાટ લાગવાની થાય. એ ઉપરાંત દરિયાઈ જીવ-જંતુ, શેવાળ વગેરે જહાજના નીચેના ભાગમાં ચીપકતું રહે છે. તેનાથી જહાજની સ્પીડ ધીમી પડે. માટે નિર્ધારિત સમયે દરેક જહાજને ફરીથી કલર કરવો, તળિયે બાજેલો કચરો સાફ કરવો.. વગેરે કામગીરી કરવા માટે ડ્રાય ડોકમાં આવવું જ પડે. આ પ્રવૃત્તિ એટલી બધી મહત્ત્વની છે કે કોઈ પણ સમયે ભારતીય નૌકાદળના ત્રીજા ભાગના જહાજો વિવિધ ડોકમાં મેઈન્ટેનન્સ માટે જ પડયા હોય છે.
કદાવર વિમાનવાહક જહાજ અહીં રિપેર-સર્વિસ ન થતું હોય ત્યારે એક સાથે બે નાના નૌકાદળના જહાજો ફીટ થઈ શકે એ રીતે વચ્ચે ભાગ કરાયો છે. વચ્ચેનો દરવાજો બંધ કરી દેવામાં આવે તો બે જહાજો સ્વતંત્ર રીતે એક જ ડ્રાય ડોકમાં રિપેર થઈ શકે છે. જહાજ સાથે સબમરિન પણ ત્યાં જ પાર્ક કરી તેની મરમ્મત કરી શકાય છે.
જ્યારે જહાજને ડોકની અંદર લાવવાનું હોય ત્યારે તેના દરવાજા ખુલ્લા હોય છે. જહાજ આવી જાય, એ પછી દરવાજો બંધ કરી પાણી કાઢી નાખવામાં આવે. પરંતુ ડોકની અંદર પાણી ભરેલું રાખવામાં આવે તો ૨૦ કરોડ લીટર પાણી સમાઈ શકે. ભરેલા પાણી સાથે જહાજ અંદર લાવવાની, પાણી ખાલી કરવાની અને જહાજને બરાબર ગોઠવવાની કામગીરી લગભગ અડધો દિવસ સુધી ચાલે. કેમ કે અંદર રિપેરિંગ માટે આવતું જહાજ નક્કી થયેલા ટેકાઓ પર જ ગોઠવવાવું જોઈએ. જહાજના તળિયે પણ અનેક સાધનો ફીટ થયેલા હોય તેને નુકસાન ન થાય એ રીતે પાર્ક કરવું પડે. ડોકનો દરવાજો પોતે ૨૦૦૦ ટન વજનનો છે, જે બંધ થયા પછી અંદર પાણી પ્રવેશી શકે નહીં.
એન્જિનિયરિંગ પડકારો પાર પાડવા ઉપરાંત બીજું મહત્ત્વનું પાસું એ છે કે આ ડોકના બાંધકામમાં ૯૬ ટકા સામગ્રી ભારતમાં બનેલી વપરાઈ છે. માત્ર કેટલીક મિકેનિકલ, ઈલેક્ટ્રિક સામગ્રી જ ઉપલબ્ધ ન હોવાથી પરદેશથી મંગાવવી પડી હતી. કોઈ મોટો બ્રિજ બને, ગગનચૂંબી ઈમારત બને કે પછી ભૂગર્ભમાં ટનલ ખોદી રેલવે લાઈન નંખાય ત્યારે દેશનું ધ્યાન તેના પર પડતું હોય છે અને એ બાંધકામની કદર પણ થતી હોય છે. પરંતુ આવા ડ્રાય ડોકના બાંધકામને ઓછું મહત્ત્વ અપાતું હોય છે. હકીકતે આ બાંધકામ સૌથી વધુ મહત્ત્વ મેળવવાનું હક્કદાર છે કેમ કે તેની સાથે દેશની દરિયાઈ સુરક્ષા જોડાયેલી છે.
ભાવનગર રાજની દીર્ઘદૃષ્ટિ રજૂ કરતાં વોટર ગેટ!
ભાવનગર આજે બંદર તરીકે જાણીતું નથી, અલંગ જહાજોના ભંગાર માટે જાણીતું થયું છે. પરંતુ એક સમયે ભાવનગર બંદરે જહાજોની ખાસ્સી અવરજવર રહેતી હતી. માટે અહીંના દીર્ઘદૃષ્ટિ ધરાવતા રાજવીઓએ એ જમાનામાં ડ્રાય ડોક જેવી જ ટેકનોલોજી ધરાવતા વોટર ગેટ તૈયાર કર્યા હતા. જેમાં પાણી અંદર આવી ગયા પછી દરવાજા બંધ કરી શકાતા હતા. એ વખતે ભારતમાં સંભવત એ પ્રથમ વોટર ગેટ એટલે કે પાણીને રોકી રાખતા દરવાજા હતા. આ વ્યવસ્થાને કારણે ઓટ વખતે પાણી ઓછું હોય ત્યારે પણ જહાજો તરતાં રહી શકતા હતા. આજે આ સ્થળ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
આ ડ્રાય ડોક કઈ રીતે કામ કરે તેનું કલ્પનાચિત્ર છે. બન્ને તરફની દીવાલો વચ્ચે ભરાયેલા પાણીમાં જહાજને ખેંચી લાવવામાં આવે, એ પછી પાછળ દરવાજો બંધ થાય અને પાણી ખાલી કરી દેવામાં આવતું હોય છે.
Comments
Post a Comment