કાશ્મીરમાં આતંકી હુમલાનો સિલસિલો છ આતંકી ઠાર, એક જવાન શહીદ
ઘરમાં ઘૂસેલા આતંકીઓ સામે સૈન્યએ નવ કલાક ઓપરેશન ચલાવ્યું, મકાન માલિકને સલામત બચાવાયા
શ્રીનગર, તા.28 સપ્ટેમ્બર, 2019, શનિવાર
પાકિસ્તાને ઘુસાડેલા આતંકીઓ કાશ્મીરમાં સક્રિય થઇ ગયા છે. રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં ત્રણ મોટા આતંકી હુમલા થયા છે જેમાં અત્યાર સુધીમાં છ આતંકીને ઠાર માર્યા હતા. જોકે એક જવાન પણ શહીદ થઇ ગયો હતો.
જમ્મુ-કિશ્તવાર નેશનલ હાઇવે પર આતંકીઓ મોટા હુમલાની ફિરાકમાં હતા જે દરમિયાન સૈન્યને જાણ થઇ જતા સામસામે ભારે ગોળીબાર થયો હતો. બાદમાં આતંકીઓ નાસી છુટયા હતા, જેની શોધખોળ માટે સૈન્યએ નવ કલાક ઓપરેશન ચલાવી અંતે ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. જોકે આ દરમિયાન એક જવાન શહીદ થઇ ગયો હતો.
સૈન્યના જમ્મુના પીઆરઓ લેફ્ટ ક. દેવેન્દ્ર આનંદે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા આ ઓપરેશનમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે, જોકે અમને શંકા છે કે આ વિસ્તારમાં હજુ પણ આતંકીઓ છુપાયા હોઇ શકે છે.
જમ્મુ-કિશ્તવાર નેશનલ હાઇવે પર આતંકીઓ મોટા હુમલાની તૈયારીમાં હોવાની બાતમી સૈન્યને મળી હતી. જે બાદ સૈન્ય દ્વારા મોટા પ્રમાણમાં તપાસ અભિયાનને જારી કરાયું હતું. અગાઉ પોલીસે જણાવ્યું હતું કે પાંચ આતંકીઓનું એક ગુ્રપ જમ્મુમાં સક્રીય થયું છે. વિસ્તારમાં હવામાન સારૂ ન હોવા છતા સૈન્ય દ્વારા આતંકીઓનું તપાસ અભિયાન જારી કરાયું હતું.
અહીં એક ઘરમાં આતંકીઓ છુપાયા હતા, જોકે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું તે દરમિયાન જ ઘરના પરિવાજનોને શાંતિપૂર્વક બહાર કાઢી લેવામાં સૈન્ય સફળ રહ્યું હતું. એક વ્યક્તિ ઘરમાં ફસાઇ ગઇ હતી.
આતંકીઓ અને સૈન્ય વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું તે દરમિયાન જ આતંકીઓએ છુપાવવા માટે આ ઘરનો ઉપયોગ કર્યો હતો. જ્યારે સવારે આતંકીઓેએ ક્વિક રિએક્શન ટીમ (ક્યૂઆરટી) ઉપર ગ્રેનેડ હુમલો કર્યો હતો. બાદમાં ત્યાંથી નાસી છુટવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં આતંકીઓ નજીક આવેલા એક ઘરમાં ઘુસી ગયા હતા. જ્યાં આતંકીઓની સામે સૈન્યએ મોટુ ઓપરેશન શરૂ કર્યું હતું.
આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા જ્યારે બીજી તરફ ઓપરેશન દરમિયાન એક જવાન પણ શહીદ થઇ ગયો છે. રાજ્યમાં 12 કલાકમાં ત્રણ મોટા આતંકી હુમલા થયા છે જેમાં એક જવાન શહીદ થયો છે જ્યારે ચાર આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે.
હરિયાણામાંથી જૈશનો આતંકી ઝડપાયો
અંબાલા, તા. 28
જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠન સાથે જોડાયેલો એક શંકાસ્પદ આતંકી હરિયાણામાંથી ઝડપાયો છે. મોટા ભાગે કાશ્મીરમાં સક્રિય આ આતંકી સંગઠને પોતાની જાળ હવે અન્ય રાજ્યોમાં પણ ફેલાવે રાખી છે જે પુરવાર થાય છે. અંબાલાના એસપી અભિષેક જોરવાલે જણાવ્યું હતું કે આતંકીઓ છુપાયા હોવાની જાણકારી પોલીસને મળી હતી જે બાદ નાકા પર સઘન તપાસ શરૂ કરી હતી તે દરમિયાન જ આતંકી ઝડપાયો હતો. ઝડપાયેલા આતંકીનું નામ મોહમ્મદ ઇસ્માઇલ છે અને તે જમ્મુ કાશ્મીરનો રહેવાસી છે. અંબાલા દિલ્હી નેશનલ હાઇવે પરથી જ આ આતંકીને ઉઠાવી લેવામાં આવ્યો હતો. પોલીસે અહીં એક ટ્રકને ઉભો રખાવી તેની તપાસ શરૂ કરી હતી જે દરમિયાન આ આતંકી ઝડપાઇ ગયો હતો.
કાશ્મીરમાં હુમલા અને એલર્ટની દિવસભરની સ્થિતિ
ડાઉનટાઉનમાં સુરક્ષા જવાનો પર ગ્રેનેડ હુમલો કરી આતંકીઓ ફરાર થઇ ગયા
ડાઉનટાઉનના હુમલાખોર આતંકીઓ રામબનમા ગોળીબાર કરી એક ઘરમાં ઘુસી ગયા
આતંકીઓને ઘરના માલિક વિજય કુમારને બંધક બનાવ્યા, સૈન્યએ છોડાવ્યા
ત્રણેય આતંકીઓને અંતે ઠાર મરાયા
કાશ્મીરના બટોડાટોડા રોડ પર આતંકીઓએ જવાનોના કાફલા પર હુમલો કર્યો
જમ્મુ-કિશ્તવાર નેશનલ હાઇવે પર પણ સૈન્ય પર હુમલાનો પ્રયાસ, આતંકી ઠાર
સૈન્યના દિવસભરના ઓપરેશનમાં ચાર આતંકીઓ ઠાર મરાયા, જ્યારે અન્ય નાસી છુટયા
Comments
Post a Comment