ચંડીગઢમાં ચીની બનાવટનાં બે પાકિસ્તાની ડ્રોન મળ્યાં
ચંડીગઢ, તા. 28 સપ્ટેમ્બર 2019 શનિવાર
ભારતમાં છૂપાયેલા આતંકવાદીઓને હથિયારો પહોંચાડવા પાકિસ્તાને વાપરેલા બે ડ્રોન પંજાબમાં મળ્યા હતા. આ બંને ડ્રોન ચીની બનાવટનાં છે એમ ડીએસપી (કાઉન્ટર ઇન્ટેલિજન્સ)એ કહ્યું હતું.
22મી સપ્ટેંબરે ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સનામની આતંકવાદી સંસ્થાના ચાર આતંકવાદીને પોલીસે પકડ્યા હતા. તેમની પૂછપરછ દરમિયાન તેમણે કહ્યું હતું કે અમૃતસરમાં ડ્રોન દ્વારા પાકિસ્તાને જીવલેણ હથિયારો ઊતાર્યાં હતાં. આ બંને ડ્રોન પંજાબમાં અમૃતસર ખાતે ધરાશાયી થયાં હતાં. સિક્યોરિટી દળોએ એના કેટલાક હિસ્સા કબજે કર્યા હતા. આ દરેક ડ્રોન પાંચથી છ કિલોમીટરની ક્ષમતા ધરાવે છે. આ બંને ડ્રોન ચીની બનાવટનાં હોવાનું જાણી શકાયું હતું.
ડીએસપી બલબીર સિંઘે વધુ માહિતી આપતાં કહ્યું કે એક ડ્રોન ગયા મહિને મળ્યું હતું. આ મહિને બીજા બે ડ્રોન મળ્યા હતા જેમાંનું એક સબ્મર્સીબલ મોટરના પાર્ટ જેવું હતું. શુક્રવારે બપોરે આ ડ્રોન મળ્યું હતું. લશ્કરી પ્રવક્તાએ કહ્યું હતું કે સબ્મર્સીબલ મોટર જેવું દેખાતું આ સાધન ખરેખર તો ડ્રોન છે.
અમૃતસરમાં ભારત-પાકિસ્તાન સરહદથી માત્ર દોઢ કિલોમીટર મોહાવા ગામમાં 13મી ઑગસ્ટે એક દુર્ઘટનાગ્રસ્ત ડ્રોન મળ્યું હતું. હેક્સાકોપ્ટર તરીકે ઓળખાતા આ ડ્રોન વિશે પોલીસને કોઇ અનામી બાતમીદારે ખબર આપતાં પોલીસે એ કબજે કર્યું હતું. અનાજના ખેતરોમાં આ ડ્રોન પડ્યું હતું.
સામાન્ય માણસને પંખા જેવું લાગતું આ ડ્રોન મળ્યા બાદ સરહદો પર બંદોબસ્ત વધુ કડક કરાયો હતો.
Comments
Post a Comment