વડાપ્રધાન મોદીની સફળ અને ઐતિહાસિક અમેરિકાયાત્રા
- હાઉડી મોદી કાર્યક્રમની અપ્રતિમ સફળતા અને સ્વચ્છ ભારત અભિયાન બદલ ગ્લોબલ ગોલકીપર એવોર્ડ જેવા ઝળહળતા કીર્તિમાન સ્થાપિત કરીને વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું ગૌરવ વધાર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની સાત દિવસની યાત્રા પૂર્ણ કરીને ભારત પાછા ફર્યા છે. દેશની રાજધાની દિલ્હી ખાતે વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વડાપ્રધાન મોદીની અમેરિકાની ઐતિહાસિક યાત્રાનો પ્રારંભ ૨૧ સપ્ટેમ્બરે થયો હતો. સાત દિવસની અમેરિકાયાત્રામાં વડાપ્રધાને હ્યુસ્ટનથી લઇને ન્યૂયોર્ક સુધી જુદાં જુદાં કાર્યક્રમોમાં ભાગ લીધો. વડાપ્રધાન મોદીની આ વખતની અમેરિકાયાત્રા અનેક રીતે મહત્ત્વની રહી અને તેમણે અમેરિકાની ધરતી પર દેશના ગૌરવને વધાર્યું તેમજ યૂ.એન.ના મંચ પરથી પાકિસ્તાનના નાપાક ઇરાદા ઉઘાડા પાડયાં.
વડાપ્રધાનની આ વખતની અમેરિકાયાત્રાનું મહત્ત્વ ઘણું વધારે હતું કારણ કે ગયા મહિને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરીને તેમને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેરવવાના નિર્ણય બાદ પાકિસ્તાન ભારતને બદનામ કરવાના પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાન જે રીતે લગાતાર કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાના પ્રયાસ કરી રહ્યું છે એ જોતાં વડાપ્રધાન મોદીની કૂટનૈતિક કુશળતાની કસોટી પણ થવાની હતી અને વડાપ્રધાન અપેક્ષા મુજબ આ કસોટીમાં પાર ઉતર્યા છે અને પાકિસ્તાની વડાપ્રધાનને વામણા પુરવાર કર્યા છે.
વડાપ્રધાન મોદીના સ્વાગતમાં ટેક્સાસના હ્યુસ્ટન ખાતે 'હાઉડી મોદીદ નામનો ભવ્ય સમારોહ આયોજિત થયો. આ કાર્યક્રમ આમ તો ભારતીય અમેરિકનોએ વડાપ્રધાન મોદીના સન્માનમાં આયોજિત કર્યો હતો પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ કાર્યક્રમમાં હાજરીથી માહોલ જ બદલાઇ ગયો. હાઉડી મોદી કાર્યક્રમથી ભારત અને અમેરિકા વચ્ચે સંબંધોના નવા યુગની શરૃઆત થઇ. ટ્રમ્પ માત્ર કાર્યક્રમમાં હાજર જ ન રહ્યાં, પરંતુ તેમણે મંચ પરથી ભાષણ પણ આપ્યું અને વડાપ્રધાન મોદીની ભરપેટ પ્રશંસા કરી. આતંકવાદથી લઇને વ્યાવસાયિક સંબંધો મજબૂત કરવામાં અમેરિકાએ ભારતને મજબૂત સાથ આપ્યો.
હ્યુસ્ટન ખાતેના કાર્યક્રમમાં અમેરિકન કોંગ્રેસના સભ્યો, ટેક્સાસના ગવર્નરસહિત અનેક મોટી હસ્તીઓ અને ઉદ્યોગપતિઓ સાથે પચાસ હજાર લોકો મોજૂદ હતાં જેમનું દિલ વડાપ્રધાને જીતી લીધું. હાઉડી મોદીના મંચ પરથી જ ટ્રમ્પ અને મોદીએ આતંકવાદ વિરુદ્ધ એક થઇને લડવાનો સંકલ્પ લીધો. પાકિસ્તાનનું નામ લીધા વગર જ વડાપ્રધાન મોદીએ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ દૂર કરવાને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો અને ટ્રમ્પની હાજરીમાં આખી દુનિયાને સંદેશ આપ્યો કે આર્ટિકલ ૩૭૦ દૂર કરવાનો નિર્ણય કાશ્મીરના લોકોના માનવાધિકારના રક્ષણ અને લોકોને સક્ષમ બનાવીને દેશના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે લેવામાં આવ્યો છે.
વડાપ્રધાનની હ્યુસ્ટન મુલાકાત ભારતીય અમેરિકનોની મુલાકાત કરતાયે વ્યાવસાયિક સંબંધો વધારવાના હેતુથી વધારે સફળ રહ્યો. અમેરિકાની ઓઇલ કંપનીઓના વડાઓ સાથે વડાપ્રધાનની બેઠક ભારતના ઉર્જા ક્ષેત્રની જરૃરિયાતોને પૂરા કરવાના ઉદ્દેશથી મહત્ત્વપૂર્ણ રહી અને બેઠકમાં મહત્ત્વના નિર્ણયો થયા જેના દ્વારા ભારતના ઉર્જા બજારમાં રોકાણ વધારવામાં અમેરિકી કંપનીઓને સરળતા રહેશે. ખાસ કરીને સાઉદી અરેબિયાની અરામકો કંપની પર થયેલા હુમલા બાદ ભારતની ચિંતા પેટ્રોલિયમની આપૂર્તિને લઇને છે એવામાં અમેરિકા ભારતને ક્રૂડ ઓઇલ પૂરું પાડશે. ઉપરાંત રક્ષા ક્ષેત્રમાં પણ અમેરિકાએ ભારત સાથે હાથ મિલાવ્યાં.
હ્યુસ્ટન ખાતેની સફળ મુલાકાત બાદ વડાપ્રધાન મોદી યૂ.એન.ની સામાન્ય સભામાં ભાગ લેવા ન્યૂયોર્ક પહોંચ્યાં. ન્યૂયોર્ક ખાતે તેમણે ક્લાયમેટ ચેન્જ કોન્ફરન્સમાં ભાગ લીધો અને સભાને સંબોધિત પણ કરી. ક્લાયમેટ ચેન્જના ગંભીર પડકારને પહોંચી વળવા માટે વડાપ્રધાન આખી દુનિયાને સાથે આવવાનું આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે આ ગંભીર મુદ્દે હવે વાતો કરવાનો નહીં પરંતુ કામ કરવાનો સમય પાકી ગયો છે. વડાપ્રધાને ક્લાયમેટ ચેન્જને રોકવા માટે પોતાની જીવનશૈલીથી લઇને વિકાસના ખ્યાલને બદલવાની હાકલ કરી. એ સાથે જ વડાપ્રધાને બિનપરંપરાગત બળતણ દ્વારા વીજળી પેદા કરવાના લક્ષ્યને બમણાથી વધારીને ૪૫૦ ગીગીવોટ કરવાનો સંકલ્પ પણ લીધો.
અમેરિકામાં ચોથા દિવસની મુલાકાત દરમિયાન ફરી વખત ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત યોજી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વીપક્ષીય મંત્રણા યોજાઇ અને ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે ભારત અને અમેરિકા વચ્ચે બહુ જલ્દી વેપારી કરાર કરવાના છે. દ્વીપક્ષીય મંત્રણા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે ટ્મ્પ તેમના સારા મિત્ર છે અને ભારતના પણ ઘનિષ્ઠ મિત્ર છે. તો ડોનાલ્ડ ટ્મ્પે વડાપ્રધાન મોદી પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે કાશ્મીરમુદ્દે વાતચીત કરે એવી ઇચ્છા વ્યક્ત કરી. ટ્રમ્પે દુનિયાની સૌથી મોટી લોકશાહીને યોગ્ય નેતૃત્ત્વ પૂરું પાડવા બદલ વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી અને તેમને ફાધર ઓફ ઇન્ડિયા ગણાવ્યા. ઉપરાંત વડાપ્રધાને અમેરિકાના નાણાખાતાના અધિકારીઓ સાથે બેઠક યોજીને તેમને ભારતમાં રોકાણ કરવા માટે નિમંત્રણ પાઠવ્યું.
હાઉડી મોદી ઉપરાંત બીજા બે પ્રસંગો એવા બન્યા જેના દ્વારા ટ્રમ્પે મોદી પ્રત્યે અહોભાવ દર્શાવ્યો. યૂ.એન.ની ક્લાયમેટ ચેન્જ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીનું ભાષણ સાંભળવા માટે ટ્રમ્પ અચાનક જઇ ચડયાં. તો બંને નેતાઓ વચ્ચેની દ્વીપક્ષીય મંત્રણા બાદ જ્યારે ટ્રમ્પને પાકિસ્તાનપ્રેરિત આતંકવાદ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે વિશ્વાસપૂર્વક કહ્યું કે મોદી એને પહોંચી વળશે. આ ઘટનાઓ નાની ન કહી શકાય પરંતુ અનેક રીતે ઐતિહાસિક અને અમેરિકાસહિત સમગ્ર વિશ્વમાં ભારતના વધી રહેલા કદનો પુરાવો ગણી શકાય. અમેરિકાયાત્રાના પાંચમા દિવસે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી ભારત સરકારે શરૃ કરેલા સ્વચ્છ ભારત અભિયાન માટે વડાપ્રધાન મોદીને 'ગ્લોબલ ગોલકીપરદ પુરસ્કાર વડે સન્માનિત કર્યા અને વડાપ્રધાને આ એવોર્ડ દેશવાસીઓને સમર્પિત કર્યો. વડાપ્રધાને યૂ.એન.ને ભારત તરફથી સોલર પાર્ક ભેટમાં આપ્યો જેનું ઉદ્ઘાટન વડાપ્રધાને પોતે કર્યું. અમેરિકાના રાષ્ટ્રપતિ ઉપરાંત મોદીએ બીજા અનેક દેશોના પ્રમુખો સાથે બેઠકો યોજી. ખાસ તો ઇરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની સાથે બેઠક યોજીને અમેરિકાને આડકતરી રીતે દર્શાવી દીધું કે ભારતની વિદેશ નીતિ તેમના પ્રભાવમાં નહીં આવે.
યૂ.એન. જનરલ એસેમ્બલીના ૭૪ સત્રમાં સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ પર્યાવરણ, વિકાસ, આતંકવાદ, લોકશાહી અને જનકલ્યાણ જેવા મુદ્દાઓ પર વકતવ્ય આપ્યું. વડાપ્રધાન પાકિસ્તાન અને કાશ્મીરનું નામ લીધા વિના જ પાડોશી દેશને કડક સંદેશ આપ્યો. વડાપ્રધાને કહ્યું કે ભારતે દુનિયાને યુદ્ધ નહીં પરંતુ ગૌતમ બુદ્ધ આપ્યા છે. વડાપ્રધાન મોદીએ આતંકવાદ વિરુદ્ધ ભારતનો અવાજ બુલંદ કરતા પાકિસ્તાનને ગર્ભિત ચેતવણી પણ આપી કે અમારા અવાજમાં ગંભીરતા જ નહીં, આક્રોશ પણ છે.
વિશ્વશાંતિ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવતા વડાપ્રધાન કહ્યું કે ભારત શાંતિ અને અહિંસામાં વિશ્વાસ રાખે છે અને સંયુક્ત રાષ્ટ્રના શાંતિ અભિયાનોમાં અગ્રણી રહીને બલિદાન આપવામાં પણ આગળ રહ્યું છે. વડાપ્રધાને આતંકવાદને સમગ્ર માનવતા માટે વૈશ્વિક પડકાર ગણાવ્યો અને આતંકવાદ સામે લડવા વિશ્વને એક થવા આહ્વાન કર્યું. ખાસ કરીને આતંકવાદના મુદ્દે તેમણે પાકિસ્તાનનો ઉલ્લેખ કરવાનું ટાળીને આતંકવાદને પ્રાદેશિક મુદ્દાના સ્થાને વૈશ્વિક સમસ્યા તરીકે ઉપસાવવાના પ્રયાસ કર્યા. એ સાથે જ આતંકવાદને નાથવા આંતરરાષ્ટ્રીય સહયોગને અનિવાર્ય ગણાવ્યો. યૂ.એન. ખાતે વડાપ્રધાને આર્ટિકલ ૩૭૦નો લેશમાત્ર ઉલ્લેખ ન કર્યો અને દુનિયાને સંદેશ આપ્યો કે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો લેવો એ સંપૂર્ણપણે ભારતનો આતંરિક મામલો છે. આમ પણ પાકિસ્તાનની કાગારોળ વચ્ચે ભારત અગાઉ પણ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે આર્ટિકલ ૩૭૦ એ ભારતનો આંતરિક મુદ્દો છે અને પાકિસ્તાનને એની સાથે કશી લેવાદેવા નથી. ભારતના આ વલણને અમેરિકા અને રશિયાસહિતના દેશો ટેકો આપી ચૂક્યાં છે. બીજી બાજુ પાકિસ્તાને યૂ.એન.ના મંચ પર કાશ્મીરમુદ્દો ચગાવવાના ભારે પ્રયાસ કર્યાં પરંતુ ભારતે તેના તમામ પ્રયાસો પર ટાઢું પાણી ફેરવી દીધું. વડાપ્રધાન મોદીની આ ચોથી અમેરિકાયાત્રા હતી પરંતુ અગાઉની તમામ મુલાકાતો કરતા આ વખતની મુલાકાત માઇલસ્ટોન સાબિત થઇ છે.
Comments
Post a Comment