દિલ્હીની વાત : મોદીની અમેરિકા યાત્રાની સોનાની થાળીમાં લોઢાની મેખ


મોદીની અમેરિકા યાત્રાની સોનાની થાળીમાં લોઢાની મેખ

નવી દિલ્હી,તા.28 સપ્ટેમ્બર 2019, શનિવાર

નરેન્દ્ર મોદી અમેરિકાની યાત્રા સમાપ્ત કરીને ભારત પરત આવી ગયા. મોદીની અમેરિકા યાત્રા અત્યંત સફળ રહી. હ્યુસ્ટનના 'હાઉડી મોદી' કાર્યક્રમથી શરૂ કરીને યુનાઈટેડ નેશન્સમાં સંબોધન સુધીના મોદીના કાર્યક્રમો અત્યંત સફળ રહ્યા. મોદીની અમેરિકા યાત્રા દરમિયાન કાશ્મીર મુદ્દો કેન્દ્રસ્થાને રહ્યો. અમેરિકા આ મુદ્દે ભારતની પડખે ઉભું રહ્યું. અમેરિકાએ ભારતનો પક્ષ લઈને પાકિસ્તાનને સતત ઠપકાર્યું.

રાજકીય વિશ્લેષકો મોદીની અમેરિકા યાત્રાને વિદેશ નીતિના દ્રષ્ટિકોણથી અત્યંત સફળ માને છે પણ અમેરિકા પાસેથી ભારત ફરી જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સિસ (જીએસપી)નો દરજ્જો ફરી ના મેળવી શક્યું તેને સોનાની થાળીમાં લોઢાની મેખ માને છે. ભારતના અર્થતંત્રના વિકાસ માટે આ દરજ્જો જરૂરી છે. તેના કારણે ભારતની નિકાસ વધે ને ઉત્પાદનમાં તેજી આવે તેથી જીડીપી વિકાસ દર પણ વધે. ટ્રમ્પે ભારત સાથે વ્યાપારી સમજૂતીનો નિર્દેશ આપ્યો પણ કશું કર્યું નહીં. ટ્રમ્પ નજીકના ભવિષ્યમાં ભારતને ફરી જીપીએસનો દરજ્જો અપાશે તેવો સંકેત પણ આપ્યો નથી એ જોતાં આ મોરચે મોદીએ હજુ મહેનત કરવી પડશે એ નક્કી છે.

ઈમરાનને જડબાતોડ જવાબો આપીને વિદિશા સ્ટાર બની ગયાં

યુનાઈટેડ નેશન્સમાં ઈમરાને આપેલા પ્રવચનમાં ઉઠાવેલા મુદ્દાઓનો જડબાતોડ જવાબ આપીને વિદિશા મૈત્રા છવાઈ ગયાં. સોશિયલ મીડિયા પર સ્ટાર બની ગયેલાં વિદિશાએ ઈમરાનને આપેલા જવાબ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે.

વિદિશા ઈન્ડિયન ફોરેઈન સવસીસ (આઈએએસ)નાં અધિકારી છે. વિદેશ મંત્રાલયમાં ફર્સ્ટ સેક્રેટરી વિદિશાએ ઈમરાનને 'ઈમરાન ખાન નિયાઝી' તરીકે સંબોધીને સૌને ખુશ કરી દીધા. ૧૯૭૧ના ભારત સામેના યુધ્ધમાં પાકિસ્તાનના ૯૩ હજાર સૈનિકોએ બાંગ્લાદેશમાં લેફ્ટનન્ટ જનરલ એ.એ.કે. નિયાઝીના નેતૃત્વમાં શરણાગતિ સ્વીકારી હતી. વિદિશાએ ઈમરાનને યાદ અપાવી દીધું કે, ભારત સામે ઘૂંટણ ટેકવનારા તમારા જ વંશના લશ્કરી અધિકારી હતા.

વિદિશા વિદેશ મંત્રાલયમાં પ્રમાણમાં જુનિયર અધિકારી છે. ૨૦૦૮માં સિવિલ સવસિસ પાસ કરનારાં વિદિશા ૨૦૦૯ની બેચનાં અધિકારી છે. આમ છતાં વિદેશ મંત્રી જયશંકરે તેમને ઈમરાનને જવાબ આપવા પસંદ કર્યાં. વિદિશાએ ઈમરાનનાં છોતરાં ફાડી નાંખી આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે.

 મોદીએ તમિલ કવિનો ઉલ્લેખ ભાજપના ફાયદા માટે કર્યો

નરેન્દ્ર મોદીએ યુનાઈટેડ નેશન્સમાં કરેલા પ્રવચનમાં તમિલ કવિ કનિયન પુંગુન્દ્રાનારનો ઉલ્લેખ કરીને કહેલું કે, અમે બધાં સ્થાનો માટે છીએ અને બધાં લોકો અમારાં પોતાનાં છે. મોદીએ આ કવિ ૩૦૦૦ વર્ષ પહેલાં થઈ ગયા હોવાનો ઉલ્લેખ પણ કર્યો.

મોદીના ઉલ્લેખ પછી સોશિયલ મીડિયા પર કનિયન વિશે સર્ચ વધી ગયા. સાથે સાથે રાજકીય રીતે પણ આ મુદ્દો ચર્ચાસ્પદ બની ગયો. રાજકીય વિશ્લેષકોના મતે, મોદીએ જાણી જોઈને પોતાના પ્રવચનમાં તમિલ કવિનો ઉલ્લેખ કર્યો. અમિત શાહે હિન્દી શીખવાની કરેલી અપીલનો સૌથી ઉગ્ર વિરોધ તમિલનાડુમાં થયો હતો. તેના ભાજપ માટે ઉભી થયેલી નકારાત્મકતાને નાબૂદ કરવા મોદીએ કનિયનની પંક્તિનો ઉપયોગ પોતાના સંબોધનમા કરી લીધો. 

 મધ્ય પ્રદેશના સેક્સ કૌભાંડનો રેલો દિલ્હી પહોંચ્યો

 દિલ્હીમાં હમણાં મધ્ય પ્રદેશના સેક્સ કૌભાંડની ચર્ચા છે. મધ્ય પ્રદેશના ૧૨ ઉચ્ચ અધિકારી અને ભાજપ સરકારના ૮ ભૂતપૂર્વ પ્રધાનોની આ કેસમાં પૂછપરછ થઈ ચૂકી છે. ૫ યુવતી જેલમાં છે અને ૨૪ કોલેજીયન છોકરીઓનો ઉપયોગ મોટા લોકોની હવસ સંતોષવા થયો હોવાનું બહાર આવ્યું છે.

આ કેસ અત્યાર સુધી મધ્ય પ્રદેશ પૂરતો મર્યાદિત છે પણ દિલ્હીમાં ચર્ચા છે કે, તેનો રેલો દિલ્હી સુધી પહોંચી ગયો છે. મધ્ય પ્રદેશ ઉપરાંત મહારાષ્ટ્ર સહિત ભાજપ શાસિત ઘણાં રાજ્યોમાં આ રેકેટ ફેલાયેલું હતું. પાંચ-છ રાજ્યોમાં આ ગોરખધંધો થયો હોવાનું કહેવાય છે. આ રાજ્યોના દિલ્હીમાં રહેતા નેતાઓને ખુશ કરવા છોકરીઓ સપ્લાય કરાઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. આ નેતા માત્ર ભાજપના નથી પણ કોંગ્રેસ તથા અન્ય પક્ષના પણ છે. આ સંજોગોમાં તપાસ મધ્ય પ્રદેશ પૂરતી મર્યાદિત રહે ને દિલ્હ સુધી ના પહોંચે તે માટે પણ દબાણ થઈ રહ્યું હોવાની ચર્ચા છે.

 કર્ણાટકમાં પેટાચૂંટણી મોકૂફ રહેતાં ભાજપ ખુશ

 કર્ણાટકમાં અંતે વિધાનસભાની ૧૫ બેઠકોની પેટાચૂંટણી મોકૂફ રાખવામાં આવી. ચૂંટણી પંચે શુક્રવારે આ નિર્ણય લીધો અને ૫ ડીસેમ્બરે ચૂંટણી યોજવાની જાહેરાત પણ કરી દીધી. મતગણતરી ૯ ડીસેમ્બરે થશે.

આ નિર્ણયથી ભાજપ ખુશ છે કેમ કે હાલ પૂરતું તેના પરથી દબાણ ગયું છે. કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોએ કુમારસ્વામી સરકારને ગબડાવવામાં ભાજપને સાથ આપવા રાજીનામાં આપી દીધાં હતાં. જો કે તેમનાં રાજીનામાં સ્વીકારાયાં નહોતાં અને સ્પીકરે તેમને ગેરલાયક ઠેરવી દીધા હતા.

આ ધારાસભ્યોએ સ્પીકરના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પર ચુકાદો આવ્યો નથી. બીજી તરફ સ્પીકરના નિર્ણયના કારણે આ ધારાસભ્યો ચૂંટણી લડી શકેમ તેમ નહોતા. તેના કારણે તેમની રાજકીય કારકિર્દી ખતમ થઈ જતી હતી. ભાજપને સાથ આપવાના બદલામાં ૧૫ ધારાસભ્યોની કારકિર્દી પતી જાય તો ભવિષ્યમાં ભાજપને આ રીતે સાથ આપવા કોઈ તૈયાર ના થાય. આ કારણે ભાજપ પણ ઈચ્છતો હતો કે, હમણાં પેટાચૂંટણી ના થાય. ચૂંટણી પંચે તેને અનુકૂળ આવે તેવો નિર્ણય લઈ લીધો છે. ભાજપને આ રીતે બે મહિનાનો સમય મળી ગયો છે. બે મહિનામાં સુપ્રીમ કોર્ટ કોઈ નિર્ણય નહીં લે તો ભાજપની હાલત કફોડી થઈ જશે.

 ચિદંબરમને ફસાવનારાં અધિકારી પોતે ફસાયાં

 આઈએનએક્સ મીડિયા કેસમાં અંતે ચિદંબરમ સાથા નાણાં મંત્રાલયમાં કામ કરનારા ચાર અધિકારીઓ સામે કેસ કરવાની કેન્દ્ર સરકારે સીબીઆઈને મંજૂરી આપી દીધી. ચીફ વિજિલન્સ કમિશ્નર (સીવીસી)એ તો જૂનમાં જ આ ચારેય સામે કેસ કરવા મંજૂરી આપી દીધેલી પણ ગમે તે કારણોસર કેન્દ્ર સરકારે વાતને આગળ નહોતી વધવા દીધી.

કોંગ્રેસે માત્ર ચિદંબરમને જેલમાં ધકેલવામાં આવ્યા જ્યારે સહી કરનારા બીજા અધિકારીઓને કશું ના થયું એવો મુદ્દો ઉઠાવ્યો પછી કેન્દ્ર સરકારે આ ચારેય સામે કેસ કરવાની મંજૂરી આપવી પડી હોવાનું મનાય છે. કેન્દ્રે સિંધુશ્રી ખુલ્લર, અનુપ પૂજારી, પ્રબોધ સક્સેના અને રબિન્દ્ર પ્રસાદ સામે કેસની મંજૂરી આપી છે.

આ પૈકી સિંધુશ્રી સામે કેસની મંજૂરી મહત્વની છે. તેનું કારણ એ કે, ચિદંબરમ સામેપુરાવા આપવાનું કામ તેમનાં જ એક સમયનાં સાથી સિંધુશ્રી ખુલ્લરે કર્યું હોવાનું મનાય છે. સિંધુશ્રી ૧૯૭૫ની બેચનાં આઈએએસ અધિકારી છે. ચિદમ્બરમ નાણાં મંત્રી હતા ત્યારે સિંધુશ્રી નાણાં વિભાગમાં હતાં. પછી આયોજન પંચમાં તેમની નિમણૂક કરાઈ હતી. સિંધુશ્રીએ પોતાની ચામડી બચાવવા ચિદંબરમ સામેના પુરાવા આપી દીધા પણ અંતે તેમનો વારો પણ પડી જશે એ હવે નક્કી છે. 

હરિયાણામાં ભાજપની રણનીતિ

હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીમાં એક પણ ધારાસભ્ય અને સાંસદના સબંધીને ટિકિટ નહીં આપવા નિર્ણય કર્યો હતો.મ્યુ. કોર્પો.ને મેયરો અને જિલ્લા પરિષદોના પ્રમુખોને પણ ધારાસભાની ટિકિટ નહીં અપાય. ભાજપના જાણકારો અનુસાર, પક્ષ પ્રમુખ અમીત શાહે આ રણનીતી અપનાવી હતી. આ નિર્ણય હાલના ઓછામાં ઓછા છ સાસંદો માટે આ સમાચાર અત્યંત દુઃખદ છે. આ લોકો તેમના પત્ની, પૂત્ર અથવા તો અન્ય સંબધીઓ માટે ટિકિટ માગી રહ્યા હતા. ૨૧ ઓકટોબરે હરિયાણા વિધાનસભાની ચૂંટણી યોજાશે. 'અન્ય રાજ્યોમાં પણ ભાજપ આ જ નિતી અપનાવી હતી'એમ એક વરિષ્ઠ ભાજપ નેતાએ કહ્યું હતું.

ઉમેદવારોની પસંદગીમાં રાહુલ દખલગીરી નહીં કરે

કોંગ્રેસના આંતરિક વર્તુળો અનુસાર આગામી વિધાનસભાની ચૂંટણીના ઉમદેવારો પસંદગીમાં  પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની કોઇ જ ભૂમિકા નહીં હોય. પોતાનું નામ નહીં આપવાની શરતે એક નેતાએ કહ્યું હતું કે 'ટિકિટોની વહંચણીમાં રાહુલ ગાંધી પોતાની જાતને સામેલ કરવા ઇચ્છતા નથી. તેઓ માને છે કે પસંદગીનો કળશ પ્રદેશ કક્ષાના નેતાઓ પર છોડી દેવો જોઇએ. તાજેતરમાં મળેલી બે દિવસીય કારોબારી સમિતિમાં પણ રાહુલ ગાંધીએ હાજરી આપી નહતી. રાહુલ ગાંધી ઇચ્છે છે કે જુના જોગીઓ આ કામ કરે.

સંઘ પરિવારની કામદાર સમિતિની કેન્દ્ર સરકારને ચેતવણી

સંઘ પરિવારની શાખા રાષટ્રીય મજદૂર સંઘે મોદી સરકારને ચેતવણી આપી હતી  કે ખેતી અને અન્ય નાના વેપાર માટે સરકાર જો કોઇ ઓજના નહીં લાવે તો અર્થતંત્ર વધુ ખરાબ થશે.તેમણે તો બેન્કોના એકીકરણનો પણ વિરોધ કર્યો હતો.'જો આપણે અત્યારે કોઇ પગલાં નહીં ભરીએ તો આપણે ટુંક સમયમાં મનમોહન સિંહની લાઇન  ઉપર જતા રહીશું. ૨૦૧૨-૨૦૧૩ વચ્ચે જ્યારે ગ્રોથ રેટ ૪.૮ અને પાંચ ટકા ની વચ્ચે હતો.સલાહ માટે નકામા સલાહકારોના કારણે ઓછો વિકાસ થયો છે. નીતિ આયોગમાં વિદેશથી પરત આવેલા નિષ્ણાંતોને બદલે સરકારે પાયાની જરૂરિયાત માટે ડ્રાફ્ટ પોલીસી કરનાર સ્વદેશી નિષ્ણાંતો પર ભરોસો રાખવો જોઇએ'એમ મજદૂર સભાના રાષ્ટ્રીય પ્રમુખ સાજી નારાયણે કહ્યું હતુ. 

તલાક શુદા મહિલાઓ માટે યોગીની  સખાવત

 ઉત્તર  પ્રદેશની યોગી સરકારે જાહેરાત કરી હતી કે તલાક શુદા  હિન્દુ કે મુસ્લિમ  મહિલાઓને સરકાર છ હજાર રૂપિયાની પેન્શન આપશે. યોગી સરકારે કહ્યું હતું કે તેમની સરકાર આવી મહિલાઓને મદદ કરવા તૈયાર છે.લખનઉમાં તલાક શુદા મુસ્લિમ મહિલાઓ સાથેની એક ચર્ચામાં મુખ્ય મંત્રી યોગીએ કહ્યું હતું કે કોઇ પણ જાતના ભેદભાવ વગર તેઓ તમામ ધર્મની તલાક શુદા મહિલાઓને પેન્શન આપશે. ત્યકતા મહિલાઓ માટે પણ ટુંકમાં એક યોજના બહાર પડાશે.તેમને પણ કોર્ટમાંથી ચૂકાદો ના આવે ત્યાં સુધી દર મહિને રૂપિયા છ હજાર અપાશે.

બંસુરી સ્વરાજે એ માતા સુષમાનું વચન પુરૂં કર્યું 

 પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજની પુત્રી બંસુરીએ વકીલ હરેશ સાલવેની મુલાકાત લઇ તેમને એક રૂપિયોનો સિક્કો આપ્યો હતો જે તેમણે પાક.જેલમાં બંધ ભારતીય કથિત જાસુસ કુલભુષણ યાદવના બચાવમાં આંતરરાષ્ટ્રીય અદાલતમાં જવા માટે માગી હતી.સુષમા સ્વરાજને હાર્ટ એટેક આવ્યો તેની થોડી મિનિટો પહેંલા  અને છટ્ટી ઓગસ્ટે અંતિમ શ્વાસ લીધો તે પહેલાં તેમણે સાલ્વે સાથે થોડી વાતચીત કરી હતી જેમાં ેતમણે ભારત વતી કોર્ટમાં હાજર રહેવા બદલ એક રૂપિયો આપવા વચન આપ્યું હતું.

કેમેરોને દિલ્હીમાં ટુકટુકની સવારી યાદ કરી

 બ્રિટનના ૫૨ વર્ષના પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમેરોને ગયા સપ્તાહમાં જેનું વિમોચન કરવામાં આવ્યું હતું તે પુસ્તકે 'ફોર ધી રેકોર્ડ' પુસ્તકને વાગોળતા એક સામુદાયક પ્રોજેક્ટ માટે નવી દિલ્હીમાં  ઓટો રિક્ષા અને મુંબઇમાં વરસતા વરસાદમાં  ઝુંપડપટ્ટીમાં જવાના પોતાના અનુભવો યાદ કર્યા હતા. ખાસ તો તેમણે અમૃતસરના ગોલ્ડન ટેમ્પલને યાદ કર્યો હતો. તેમણે  સાધુ જેવા પૂર્વ વડા પ્રધાન ડો.મનમોહન સિંહને પણ યાદ કર્યા હતા. તેમણે અત્યંત ગોપનીય વાત પણ કરી હતી કે જો ભારતમાં ફરીથી મુબઇ જેવો આતંકી હુમલો કરાશે તો પાકિસ્તાન સામે સૈનિક કાર્યવાહી કરાશે. કેમેરોને  નવેમ્બરમાં લંડનના વેમ્બલી સ્ટેડિયમમામં મોદી તેમને ભેટયા હતા તેને પણ યાદ કર્યો હતો. મોદીનો પરિચય કરાવતા પહેંલા તેમણે ૬૦ ૦૦૦ નીભીડને ખાતરી આપી હતી કે એક દિવસે કોઇ બ્રિટિશ ભારતીય જ દસ ડાઉનીંગ સ્ટ્રીટમાં સત્તા પર બેસશે.

- ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો