વિશ્વના કુખ્યાત આર્થિક ભૂકંપો


અમેરિકાને આઝાદીમાં મદદ કરવા બ્રિટન સામે છેડેલા યુદ્ધમાં વધુ ખર્ચ થઈ જતા ફ્રાંસ દેવાળિયું થઈ ગયું, તેમાંથી જન્મી ફ્રેંચ ક્રાંતિ

દુનિયામાં ત્રણ પ્રકારના લોકો હોય છે. એક જે બીજાના અનુભવમાંથી શીખે છે. બીજો પોતાના અનુભવમાંથી શીખે છે અને ત્રીજો ગમે તેટલા અનુભવ થાય તોય શીખતો જ નથી. પહેલા બે તો દુનિયામાં ગમે તેમ કરીને ટકી જાય છે. આગળ પણ વધી જાય છે, પરંતુ ત્રીજાને કોઈ બચાવી શકતું નથી. 

આ એવા લોકો હોય છે જેમની બુદ્ધિ વક્રી હોય છે અને અસ્ત થઈ ચૂકી હોય છે. ચિરંતન સ્પર્ધાની આ દુનિયામાં શ્રેષ્ઠ એ જ છે કે તમે બીજાના અનુભવમાંથી શીખી લો અને ભૂલ ન કરો. થોડા વખત પહેલા નેટવર્કમાં ૧૯૨૯ની મહામંદી વિશે વાત કરવામાં આવી હતી. આજે એ સિવાયના કેટલા યાદગાર આર્થિક ભૂકંપ વિશે વાત કરવી છે.

૧) ડોટ કોમ બબલઃ જ્યારે બધાને એમ થાય કે મારે લાડવો લઈ લેવો છે ત્યારે કોઈ લાડવો લઈ શકે નહીં. યાદ કરો પાવરના શેર વિશે. જનધન ખાતાની જેમ ડીમેટ અકાઉન્ટ ખૂલ્યા હતા. પુષ્કળ અકાઉન્ટ ભાડે ચડાવાયાં હતાં. પરિણામ શું આવ્યું? ફુગ્ગો ફૂટી ગયો. કારણ કે લોભ નામના વાહનમાં બ્રેક હોતી નથી. અમેરિકામાં ડોટ કોમ બબલ પણ કંઈક આવી જ રીતે સર્જાઈ હતી. ૧૯૯૩ પછી અમેરિકામાં ડોટ કોમ કંપનીઓનો રાફડો ફાટયો. ઇન્ટરનેટનો જમાનો આવી રહ્યો હોવાથી બધામાં રોમાંચ હતો.

ડોટ કોમના આઇપીઓ ઉકાઈ ડેમ કરતા પણ અનેક ગણા વધારે ઑવરફ્લો થતા હતા. આમાં કેટલાક લેભાગુઓ પણ ભળ્યા. કોઈ પણ કંપની હોય પબ્લિક ઇશ્યુ લાવે ત્યારે આગળ ડોટ કોમ જોડી દે અને ભરણું છલકાઈ જાય. અધૂરામાં પૂરું ફેડરલ રીઝર્વે વ્યાજ દર નીચા રાખવાની ભૂલ કરી હતી. અતિની ગતિ ન હોય. કંપનીઓની રીઅલ વેલ્યુ કરતા અનેક ગણા પૈસા તેમાં રોકાયેલા હતા. છેવટે હરિરસ ખાટો થતા બધા ડોલર્સ સામટા ખેંચાવા લાગતા નાશ્ડેક ધડામ થઈ ગયો. સેંકડો ડોટકોમ કંપનીઓના ઉઠમણાં  થઈ ગયાં. એમેઝોન અને ઇબે જેવી કંપનીઓ તે સુનામીમાં પણ બચી ગયેલી.

૨) ૧૯૭૩નો તેલ પ્રતિબંધઃ જે લોકોને એવો સવાલ થતો હોય કે શા માટે અમેરિકા આડકતરી રીતે ખનીજતેલનું રાજકારણ પોતાના હાથમાં રાખીને બેઠું છે તેમણે ઈતિહાસ ફંફોસવો જોઈએ. તેનું મૂળ ૧૯૭૩ની તેલ કટોકટીમાંથી મળી આવશે. ૧૯૭૩ના ઑક્ટોબરમાં ઇઝરાયલ અને ઇજિપ્ત વચ્ચે યુદ્ધ શરૃ થયું. આરબ દેશો ઇજિપ્તના સમર્થનમાં હતા. દરમિયાન ઓપેક (ઓર્ગેનાઇઝેશન ઑફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કંટ્રીઝ)એ નક્કી કર્યું કે જે દેશો ઇઝરાયલના સમર્થનમાં છે તેમને ખનીજતેલ ન વેચવું.

જાપાન, અમેરિકા, કેનેડા, નેધરલેન્ડ, પોર્ટુગલ, ર્હોડેશિયા, યુનાઇટેડ કિંગડમ અને દક્ષિણ આફ્રિકા પર ઓપેકે પ્રતિબંધ લાદી દીધો. ખનીજતેલના આંતરરાષ્ટ્રીય બજારમાં ભૂકંપ આવી ગયો. બેરલ દીઠ ચાર ડોલરના ભાવ સ્પ્રિંગ પર કૂદકો લગાવીને ૧૬ ડોલરે પહોંચી ગયા. ૧૧મી ફેબુ્રઆરી ૧૯૭૪ના રોજ અમેરિકાએ પ્રોજેક્ટ ઇન્ડિપેન્ડેન્સ જાહેર કર્યો. તત્કાલીન પ્રમુખ હેન્રી કિસિન્જરે ખનીજતેલની બાબતમાં અમેરિકાને સ્વાવલંબી બનાવવાના શપથ લઈ લીધા. આજે અમેરિકા પોતાનું ખનીજતેલ જાતે ઉત્પાદિત કરે છે એટલું જ નહીં ખનીજતેલના આંતરરાષ્ટ્રીય રાજકારણ પર પણ તેનું પ્રભૂત્વ છે.

૩) ફ્રેંચ ક્રાંતિઃ ૧૭૮૯માં ફ્રેંચ ક્રાંતિ થઈ. લુઈ ૧૬માના પંજામાંથી ફ્રાંસ આઝાદ થઈ ગયું. ફ્રેંચ ક્રાંતિનું કારણ થોડું રમૂજી હતું. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન કાચો માલ મેળવવા યુરોપિયન દેશો વચ્ચે વિવિધ દેશોને ગુલામ બનાવવાની હોડ જામી હતી. બ્રિટન અને ફ્રાંસ ભારત-પાકિસ્તાન જેવા કટ્ટર શત્રુ હતા. જ્યાં-જ્યાં બ્રિટનના સંસ્થાનો હોય ત્યાં ફ્રાંસ વિદ્રોહીઓને મદદ કરતું અને જ્યાં-જ્યાં ફ્રાંસની કોલોની હોય ત્યાં બ્રિટન.

અમેરિકાને બ્રિટિશરોની ગુલામીમાંથી આઝાદ કરાવવા માટે ફ્રાંસ અમેરિકનોને મદદ કરી રહ્યું હતું. પરિણામ એ આવ્યું કે અમેરિકા તો આઝાદ થઈ ગયું, પણ યુદ્ધમાં ફ્રાંસને ઝાઝો ખર્ચો થઈ ગયો. દેવાળિયા થઈ ગયેલા લુઈ-૧૬માએ રાજ્ય ચલાવવા પ્રજા પર વધુ ટેક્સ નાખી દીધો. ફ્રાંસમાં સામંતો અને રાજ પરિવાર સિવાયની તમામ પ્રજા ગરીબીમાં જીવતી હતી. પહેલેથી લાવાની જેમ સળવળી રહેલો લોકરોષ જમીન ફાડીને બહાર આવી ગયો. ફ્રેંચ ક્રાંતિમાંથી દુનિયાને એ શીખવા મળ્યું કે પહેલા ઘરની ફિકર કરાય. લુઈ ૧૬માની મદદથી અમેરિકાનેય ફાયદો થયો અને ફ્રેંચ ક્રાંતિ થતા ફ્રાંસને તેના જુલમમાંથી મુક્તિ મળી.

૪) મિસિસિપિ બબલઃ શેરબજાર ક્રેશ થવું એ નવી વાત નથી. ૧૮મી સદીમાં પણ બની ચૂક્યું છે. સાલ ૧૭૧૭માં ઉત્તર અમેરિકા અને વેસ્ટ ઇંન્ડીઝમાં વહેતી મિસિસિપિ નદીના વિસ્તારના વિકાસની જવાબદારી કંપની ઑફ ધ વેસ્ટને સોંપાઈ હતી. આ વિસ્તાર ફ્રેંચોના તાબા હેઠળ હતો. જોતજોતામાં કંપનીએ તમાકુ અને ગુલામોના વેપાર પર પ્રભુત્વ સ્થાપિત કરી દીધું. તેની મોનોપોલી ઊભી થઈ ગઈ. તેના લીધે ફ્રાંસની શેરબજારમાં તેના શેરના ભાવ આસમાને પહોંચી ગયા. ભાવ હદ કરતા ઊંચે ચડી જતા કડાકો બોલ્યો. ફ્રાંસના હજારો લોકો દેવાળિયા બની ગયા.

૫) ધ સાઉથ સી ઇકોનોમિક ક્રેશઃ એ સમયે બધાય શેરબજાર શીખી રહ્યા હતા કદાચ. સાલ ૧૭૨૦ની વાત છે. ફ્રાંસની કંપની ઑફ ધ વેસ્ટની જેમ બ્રિટનની ધ સાઉથ સી કંપનીમાં પણ ભારે સટ્ટાબાજી થઈ. તેના શેરના ભાવ પહેલા ફાટીને ધુમાડે ગયા. પછી પાતાળમાં જતા રહ્યા. ઝાટકો એવો લાગ્યો કે બ્રિટનનું અર્થતંત્ર હચમચી ઊઠયું.

૬) ૨૦૦૮ની સબપ્રાઇમ કટોકટીઃ ૨૦૦૧માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલા પછી અમેરિકાનું અર્થતંત્ર ધીમું પડયું. એટલે તેને ગતિ આપવા ફેડરલ રીઝર્વે વ્યાજ દર ઘટાડયા. સસ્તા દરે હાઉસિંગ લૉન પ્રાપ્ય બનતા હાઉસિંગના બજારમાં તેજી આવી. ઘણા બધા અમેરિકનો એવા હતા, જેમની પાસે કાં તો સારી ઇન્કમ નહોતી, નોકરી નહોતી અને ગીરવે મૂકવા માટે મિલકત પણ નહોતી. અધૂરામાં પૂરું તેમનો ક્રેડિટ રેકોર્ડ પણ ખરાબ હતો. આવા લોકોને અમેરિકાની લાલચું બેંકોએ ફ્લોટિંગ રેટ (બદલાતા વ્યાજ દર) સાથે લોન આપવાનું શરૃ કર્યું. પરિણામે અમેરિકામાં પ્રોપર્ટીના બજારમાં ઓર તેજી આવી.

એક તો પેલા લોકો પહેલેથી જ લોન ભરવા અક્ષમ હતા. એવામાં વ્યાજ દર ઊંચા ગયા. તેઓ હપ્તા ચૂકવા લાગ્યા. સતત ચૂકતા ગયા. બેંકોએ તેમની પાસેથી મકાન પાછા ખેંચ્યા. એ પાછા ખેંચેલા મકાનનુંય કોઈ લેવાલ ન રહ્યું. કારણ કે પ્રોપર્ટીની તેજીમાં લગભગ બધા જ મકાન લઈને બેઠા હતા. તો શું થયું? જ્યારે હજારો, લાખો અમેરિકન લોન ભરવામાં અસમર્થ થઈ જતા એક પછી એક બેંકો ઉઠવા લાગી. 

લેહમેન બ્રધર્સથી શરૃઆત થયેલી. રઘુરામ રાજને ૨૦૦૪માં જ સબપ્રાઇમ કટોકટીની આગાહી કરી દીધી હતી. ૨૦૦૮ની મંદીની અસર આખા વિશ્વ પર થઈ. યુરોપમાં કારમી મંદી આવી. ગ્રીસમાં સરકાર ઉથલી ગઈ. વિવિધ દેશોની સરકારોએ કરકસરના પગલાં લઈ સરકારી ખર્ચ ઘટાડયા. બેલઆઉટ પેકેજ જારી કર્યા. ગ્રીસને યુરોપિયન યુનિયને એકથી વધુ વખત બેલઆઉટ પેકેજ આપેલું.

 ૭) ટયૂલિપ મેનિયાઃ વિશ્વની સૌથી હાસ્યાસ્પદ આર્થિક દુર્ઘટના હોય તો તે ટયૂલિપ મેનિયા છે. ૧૬મી સદીમાં નેધરલેન્ડના લોકોને ટયૂલિપના ફૂલનો પરિચય કરાવવામાં આવ્યો.  ટયૂલિનું લોકોને ઘેલું લાગ્યું. ગજબનું આકર્ષણ જાગ્યું તેના પ્રત્યે. ટયૂલિપની ગાંઠ ખરીદવાનું મન થવા માંડયું. ટયૂલિપનું ફૂલ તેની ગાંઠમાંથી બને છે. ટયૂલિપની ગાંઠમાંથી ફૂલ બનતા ૭થી ૧૨ વર્ષ લાગે છે. પાવરના શેરની જેમ દરેકને એમ થયું કે મારી પાસે ટયૂલિપની ગાંઠ હોવી જોઈએ.

ટયૂલિપ સીઝનલ ફૂલ હતું. તે ગમે ત્યારે તો હોય નહીં. તો ન હોય ત્યારે શું કરવાનું? લોકો ટયૂલિપની ગાંઠ પ્રાપ્ત કરવાના અધિકારો ખરીદવા લાગ્યા. એડવાન્સ પૈસા ચૂકવીને. ૧૯૩૬માં ટયૂલિપના ભાવ આભ આંબી ગયા. સરેરાશ વાર્ષિક પગારના છ ગણા. કેટલાકે તેની જમીન વેચી નાખી. કેટલાકે તેની વર્ષોની જમા પૂંજી ખર્ચ કરી નાખી. ટયૂલિપની ગાંઠથી ઘર તો ચાલવાનું નહોતું? પેટ તો ભરાવાનું નહોતું? જેવી લોકોની ઘેલછા ઓસરી કે તેના ભાવ ખાબકીને પાતાળમાં પહોંચ્યા. એ સાથે જ નેધરલેન્ડનું અર્થતંત્ર પણ ખાડે ગયું.

હાર્લેમ નામના શહેરમાં પ્લેગ ફાટી નીકળ્યો. ટયૂલિપની ગાંઠની હરાજીમાં ખરીદારો ડોકાયા નહીં. ત્યાંથી માઠી બેઠી તે એવી બેઠી કે નેધરલેન્ડના અર્થતંત્રને ઉઠાડી દીધું.

૮) ૧૭૬૩ની બેંકિંગ કટોકટીઃ ૨૦૦૮માં અમેરિકામાં સબપ્રાઇમ કટોકટી આવી તેવી જ ૧૭૬૩માં એમ્સ્ટર્ડમમાં આવી હતી. એમ્સટર્ડમની અનેક બેંકો એવી હતી જેણે ક્ષમતા કરતા વધુ પૈસાનું ધીરાણ કરી દીધું હતું. અર્થશાસ્ત્રની ભાષામાં તેને ઓવર લીવરેજ્ડ કહે છે. માર્કેટમાંથી પૈસા રીકવર ન થઈ શકતા બેંકો ઊઠવા લાગી. 

૯) સ્પેન છ વખત નાદારઃ ૧૭મી સદીમાં સ્પેને છ વખત દેવાળું ફૂક્યું. તેની શક્તિ જ તેની કમજોરી પુરવાર થઈ. સ્પેન નવા પ્રદેશો શોધવા માટે અને સોનાનું ખનન કરવા માટે પ્રખ્યાત હતું. અમેરિકામાં પણ સ્પેનનું ચલણ ચાલતું હતું. યુરોપના અન્ય દેશો સાથે સતત યુદ્ધ અને સોના-ચાંદીના ઓવર સપ્લાયને લીધે સ્પેનમાં ફુગાવો વધી ગયો. સ્પેનમાં સોના-ચાંદી બધા પાસે પુષ્કળ માત્રામાં હતા. એટલે તેની કિંમત ધૂળ બરાબર થઈ ગઈ. અર્થશાસ્ત્ર અનુસાર જે ચીજ લિમિટેડ છે તેની જ કિંમત છે. અનલિમિટેડની કિંમત નથી. ૧૬૦૭, ૧૬૨૭, ૧૬૪૭, ૧૬૫૨,૧૬૬૨ અને ૧૬૬૬માં તેણે દેવાળું ફૂંક્યું.

આર્થિક મંદી અનેક પ્રકારે આવી શકે છે. સટ્ટાખોરી, બેંકિંગ સિસ્ટમ પડી ભાંગવી, લોકોમાં ભય ફેલાવો, ઓવર પ્રોડક્શનને લીધે ડીમાન્ડ કરતા સપ્લાય અનેક ગણો વધી જવો અને વૈશ્વિક પરિબળો.  દરેક સંકટનો ઇલાજ અલગ હોવાનો. 

જ્યારે મંદી આવતી દેખાય ત્યારે પ્રજાનું ધ્યાન ડાઇવર્ટ કરવા સરકાર યુદ્ધોન્માદ જગાવે, કટ્ટરતા ફેલાવે તો થોડા સમય સુધી લોકો બેખબર રહેવાના, પણ લાંબા સમય સુધી રહી શકશે નહીં. છેવટે તેમનો હાલ મુસોલિની જેવો, લુઈ ૧૬મા કે હિટલર જેવો થવાનો.

મંદીમાંથી બહાર નીકળવાના દેશી તુક્કા ન હોઈ શકે. દાદીમાનું વૈદુ કબજિયાત, શરદી કે ઉધરસ મટાડવામાં કામ લાગીય જાય, પણ અકસ્માતમાં બ્રેઇન હેમરેજ થયું હોય ત્યારે? ત્યારે શસ્ત્રક્રિયા જ કરવી પડે અને ન્યૂરો સર્જને જ કરવી પડે. આર્થિક મંદીનો ઇલાજ આંતરરાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટીઓમાં ભણેલા તજજ્ઞા અર્થવિદ્દો જ કરી શકે.

સંયુક્ત રાષ્ટ્રના અહેવાલમાં જણાવાયું છે કે ૨૦૨૦માં ભારતીય અર્થવ્યવસ્થાની રફતાર ધીમી પડશે. તેની અસર સમગ્ર એશિયા પર થશે. અત્યારે છેલ્લા બે ક્વાર્ટરથી આપણી ઈકોનોમી ધીમી પડી ચૂકી છે. ૨૦૨૦માં પણ આવું જ ચાલશે તો મુશ્કેલી કેટલી વધશે વિચારો. રોજનો બે જીબી ડેટા, પાકિસ્તાન અને કાશ્મીર લોકોને એટલા વ્યસ્ત રાખી રહ્યા છે કે તેઓ તેમની મુશ્કેલીઓ પ્રત્યે અભાન બની ગયા છે. આ સ્થિતિ એવી છે કે રોમ સળગી રહ્યું છે અને જનતા જ ફીડલ વગાડી રહી છે!

આજની નવી જોક

છગન (લીલીને: લગન પહેલા તો તું બહુ ઉપવાસ કરતી હતીને? હવે શું થયું?

લીલીઃ બહુ ઉપવાસ કંઈ નહોતી કરતી. માત્ર એક વખત ૧૬ સોમવારનું વ્રત કર્યું હતું.

છગનઃ તો હવે?

લીલીઃ લગન પછી ઉપવાસ પરથી ભરોસો ઊઠી ગયો છે.

છગનઃ હેં!?

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો