નિર્મલા સીતારામન માટે વધુ એક માઠા સમાચાર


નિર્મલા સીતારામન માટે વધુ એક માઠા સમાચાર

નવી દિલ્હી,તા.30 સપ્ટેમ્બર 2019, સોમવાર

નિર્મલા સીતારામન માટે એક સાંધે ત્યા તેર તૂટે એવી હાલત છે.  માંદલા અર્થતંત્રને બચાવવા નિર્મલા રાહતોની લહાણી કરી રહ્યાં છે ત્યાં બીજી તરફ માઠા સમાચારો આવતા જ જાય છે. સોમવારે એ માઠા સમાચાર આવ્યા કે, દેશના અર્થતંત્ર માટે મહત્વનાં કહેવાય તેવાં આઠ મોટાં ક્ષેત્રોમાં ઓગસ્ટ મહિનામાં ઉત્પાદન ઘટયું છે.

 કોલસો, ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ, સીમેન્ટ, રીફાઈનરી પ્રોડક્ટ્સ, ફટલાઈઝર, સ્ટીલ અને વીજળી એ આઠ મોટાં ક્ષેત્રોમાં નકારાત્મક વિકાસ દર નોંધાયો છે. ગયા વર્ષે આ આઠ ક્ષેત્રોમાં ઓગસ્ટ મહિનામાં ૪.૭ ટકા વિકાસ દર નોંધાયો હતો.

આ નકારાત્મક વિકાસ દરનું કારણ ઉત્પાદ ક્ષેત્રની મંદી છે. દેશમાં ઉત્પાદન ઘટતું જાય છે કેમ કે માલની ખપત નથી અને અમેરિકામાં થતી નિકાસ અટકી ગઈ છે. તેના કારણે મહત્વનાં આઠ ક્ષેત્રોનાં ઉત્પાદનોનો વપરાશ ઘટયો છે.

આથક નિષ્ણાતો આ વાતને ગંભીર ગણાવે છે. આ જ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો જંગી પ્રમાણમાં રોજગારી આપતાં આ ક્ષેત્રોમાં પણ છટણી શરૂ થશે. તેના પરિણામે બેરોજગારી વધશે ને બેરોજગારી વધશે તેથી અર્થતંત્રની હાલત વધારે ખરાબ થશે.

સોશિયલ મીડિયા પર બીજા મોદીની ચર્ચા

સોશિયલ મીડિયા પર સોમવારે બીજા એક મોદીની ચર્ચા ચાલી. આ મોદી બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી છે. બિહારની રાજધાની પટણામાં પડેલા ભારે વરસાદના કારણે મોદી અને તેમનો પરિવાર છેલ્લાં ત્રણ દિવસથી પોતાના ઘરમાં જ ગોંધાઈ રહ્યો હતો. પટણાનાં હજારો લોકોની જેમ નાયબ મુખ્યમંત્રી પણ બહાર નિકળી શકે તેવી સ્થિતીમાં જ નહોતા.

સોમવારે એનડીઆરએફની ટીમે બીજાં લોકોની જેમ મોદી તથા તેમના પરિવારને રબરની બોટમાં બેસાડીને બહાર કાઢયા. મોદી ટી શર્ટ અને ચડ્ડો પહેરીને બોટમાં સામાન્ય લોકોની જેમ બેઠા હોય એવો ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો. બોટમાંથી ઉતર્યા પછી પરિવાર સાથે એ બેગ્સ લઈને ઉભા હોય તેવો ફોટો પણ વાયરલ થયો. એવી કોમેન્ટ્સ પણ થઈ કે, વરસાદ કોઈને છોડતો નથી, પછી સીએમ (કોમન મેન) હોય કે ડેપ્યુટી સી.એમ.

સોશિયલ મીડિયા પર નીતિશ કુમાર સરકાર પર પણ કટાક્ષ થયા. પોતાની સુશાસન બાબુ તરીકે ઓળખાવતા નીતિશ પોતાના ડેપ્યુટી સી.એમ.ને ના પૂરના પ્રકોપથી તો બિહારને કઈ રીતે બચાવશે એવા સવલોનો મારો પણ ચાલ્યો.  

શરદ પવારના ઈશારે રાજ ઠાકરે ચૂંટણીના મેદાનમાં

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના જોડાણની જાહેરાત લંબાતી જાય છે ત્યારે રાજ ઠાકરેએ ચૂંટણી લડવાની જાહેરાત કરી નાંખી. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) વિધાનસભાની તમામ બેઠકો પર લડશે તેવી જાહેરાત રાજે મુંબઈમાં કરી નાંખી.

રાજની આ જાહેરાતથી આશ્ચર્ય સર્જાયું છે કેમ કે રાજની પાર્ટી લોકસભાની ચૂંટણી નહોતી લડી. થોડા સમય પહેલાં રાજ ઠાકરેએ પોતાની પાર્ટી પાસે ભંડોળ નહીં હોવાથી ચૂંટણી લડવી શક્ય નથી એવું કહ્યું હતું. હવે છેલ્લી ઘડીએ મનસે મેદાનમાં આવી છે.

રાજકીય વિશ્લેષકોના મતે, રાજ ઠાકરે શરદ પવારના ઈશારે ચૂંટણીના અખાડામાં કૂદ્યા છે. ભાજપ અને શિવસેનાનું જોડાણ નક્કી છે એ સંજોગોમાં બંનેના મતો તોડવા શરદ પવારે રાજ ઠાકરેને મેદાનમાં ઉતાર્યા છે. શરદ પવાર પાસે પૈસાની કમી નથી. રાજની પાર્ટીને ચૂંટણી લડવા માટે ફાયનાન્સ આપી શકે એટલા ખમતીધર પવાર છે જ. પવાર મન પાવરનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરી રહ્યા છે.

સૈનિકોનો જુસ્સો જાળવવા લશ્કરી વડાનું નિવેદન

અમેરિકામાં કાશ્મીર મુદ્દે પછડાટ ખાધા પછી વતન પાછા ફરેલા ઈમરાન ખાને ભારત સામે જિહાદની વાત કરી તેની સામે ભારતે આકરા તેવર બતાવ્યા છે. ભારતીય લશ્કરના વડા જનરલ બિપિન રાવતે સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને ચીમકી આપી છે કે, પાકિસ્તાન પોતાની હરકતો બંધ નહીં કરે તો ભારતીય લશ્કરને અંકુશરેખા ઓળંગીને પાકિસ્તાનની સીમામાં ઘૂસવામાં કોઈ ખચકાટ નહીં થાય.

જનરલ રાવતે પહેલી વાર આ વાત નથી કરી. એ પહેલાં પણ આ રીતે પાકિસ્તાનને ચીમકી આપી ચૂક્યા છે. જનરલ રાવતનાં આ નિવેદનો મોદી સરકારની વ્યૂહરચનાનો જ ભાગ છે. અત્યાર સુધી ભારતમાં લશ્કર પાકિસ્તાન સામે સીધાં નિવેદનો કરતાં નહોતું. મોદી સરકારે લશ્કરી અધિકારીઓને આગળ કરવા માંડયા છે કે જેથી ભારતીય લશ્કરનો જુસ્સો બુલંદ થાય. સાથે સાથે લશ્કરની કામગીરીમાં સરકારની કોઈ દખલગીરી નથી એવો મેસેજ પણ સૈનિકોમાં જાય.

* * *

કેન્દ્રની શીખોને ખુશ કરવાનો પ્રયાસ

પાકિસ્તાનના  કે કે પ્લાન (કાશ્મીર-ખાલિસ્તાન)ને નિષ્ફળ બનાવવા માટે શીખ સમુદાયની લાગણીઓ સાથે રમવા પંજાબના પૂર્વ મુખ્ય મંત્રી બીઅંત સિંહના હત્યારા અને ૧૯૯૫ના મુખ્ય ષડયંત્રકાર બલવંત સિંહ રાજોનાની ફાંસીને રદ કરવા તેમજ આઠ શીખ કેદીઓને છોડી મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયથી રાજકારણમાં ભડકો થયો હતો. બીઅંત સિંહના પૌત્રો કહે છે કે આ એક રાજકીય  પ્રેરિત નિર્ણય છે. કોંગ્રેસે  પણ કહ્યું કે  'કેન્દ્રના બનાવટી રાષ્ટ્રપ્રેમનો પર્દાફાશ થઇ ગયો છે. આ વાત બતાવે છે કે ભાજપ આતંકીઓની સાથે છે.દરમિયાન  અકાલી દળે આ પગલાંને આવકાર્યો હતો. અધિકારીઓ કહે છે કે  શીખ સમુદાયના ધા પર મલમ લગાડવાનું   અને વિદેશોમાં રહેતા શીખોને આવકારવાનો  છે. ખાસ તો અમેરિકા, કેનેડા અને બ્રિટનમાં રહેતા શીખોને જીતવાનો સરકારનો પ્રયાસ છે. આ લોકો શીખસ ફોર જસ્ટિસ સંસ્થા માટે કામ કરે છે. તેમની પર આરોપ છે કે તેઓ પાકિસ્તાન સાથે ભળીને  પંજાબમાં આતંકવાદને પ્રોત્સાહન આપે છે. તેઓ ૨૦૨૦માં પંજાબમાં જનમતની માગ કરી રહ્યા છે. પંજાબને અલગ રાષ્ટ્ર  બનાવવા માટે તેઓ સંઘર્ષ કરે છે. વડા પ્રધાન મોદીએ પણ ૧૯૮૪ની શીખ વિરોધી તોફાનના પિડીતોને ન્યાય આપવા વચમ આપ્યું હતું.

મોદી કરતારપુર જનાર પ્રથમ જથ્થાને વિદાય આપશે

કરતારપુર જનાર શીખોના પ્રથમ જથ્થાને મોદી વિદાય આપશે ે એટલું નહીં બલકે ગુરૂનાનક સાહેબના ૫૫૦ માં જન્મદિવસની ત્રણ દિવસ પહેંલા તેઓ  નવમી નવેમ્બરે કરતારપુરમાં ઇન્ટીગ્રેટેડ ચેક પોસ્ટનું પણ ઉદઘાટન કરશે. હાલ પાકિસ્તાનમાં આવેલા કરતારપુરમાં ગુરૂ નાનકના ડેરા સુધી શીરોમણી ગુરૂદ્વારા  પ્રબંધક કમિટિના નેતૃત્વ હેઠળ જનાર શીખોના જથ્થાને રવાના કરશે. કેન્દ્રના ખાદ્ય મંત્રી હરસિમરત કૌર અનુસાર, પીએમ એસજીપીસી દ્વારા આયોજીત એક અન્ય કાર્યક્રમમાં સુલ્તાનપુર લોધી પણ જશે જે શીખ ધર્મના સ્થાપકનું એક પવિત્ર સ્થાન છે.

અમીત શાહ ગૃહ મંત્રી તરીકે જ દુર્ગાપુજામાં હાજરી આપશે 

આવતી કાલે સોલ્ટ લેક સ્ટેડિયમમાં ગૃહ મંત્રી અમીત શાહ દુર્ગાપુજાનું ઉદઘાટન કરશે ત્યારે માત્ર અમીત શાહ એકલા જ હશે અને ભાજપનો એક પણ કાર્યકર તેમની સાથે નહીં હોય. તેઓ ગૃહ મંત્રી તરીકે હાજરી આપશે. આ એટલા માટે મહત્ત્વનું છે કે જે સમિતિ આ કાર્યક્રમનું આયોજન કરે છે તેના વડા છે સ્થાનિક ભાજપ આગેવાન ઉમાશંકર ઘોષ.તૃણમુલ તરફી એક નેતાએ કહ્યું હતું કે શાહને માત્ર ગૃહ મંત્રી તરીકે જ આવવા આમંત્રણ અપાયું હતું. ઘોષને આ પ્રમાણે જ કરવા ફરજ પાડવામાં આવી હતી. ભાજપના અનેક નેતાઓને લાગે છે કે  શાહને આવી રીતે બોલાવવાની વાતને પચાવવી મુશ્કેલ છે.

નિતિશ કુમારની પૂરગ્રસ્તો પ્રત્યે ઉદાસીનતા

બિહારમાં ભારે વરસાદના પગલે આવેલા પૂર પછી મુખ્ય મંત્રી કુમારે કહ્યું હતું કે આ તો ખૂબ આઘાતજનક અને બિન સંવેદનશીલ છે  આ નિવેદને રાજકીય પક્ષોની ઉદાસીનતાને ઉઘાડી પાડી હતી.કુમારે તો કુદરત પર આનો દોષ ઢોળી દીધો હતો જ્યારે ભાજપે ધીરજ રાખવા અપીલ કરી હતી.

 સૌથી વધારે આઘાતજનક વાત તો એ છે કે મહામારી(બીમારી) પછી માત્ર ચાર જ મહિનામાં બિહારમાં ફરી કટોકટી  સર્જાઇ છે. કોંગ્રેસના બિહારના પ્રભારી શક્તિ સિંહ ગોહીલે   જવાબદારીમાંથી છટકવા માટેકેન્દ્રની ભાજપના નેતૃત્વની સરકાર  અને રાજ્યની ભાજપની ટેકા વાળી કુમાર સરકાર પર દોષનો ટોપલો નાંખ્યો હતો. તેઓ પટણાને સિંગાપોર જેવો સ્માર્ટ શહેર બનાવવાની વાતો કરતા હતા, પરંતુ આઘાતજનક હકીકત એ છે કે પટણાના લોકો નર્કમાં રહી રહ્યા છે.

ચૂંટણી પંચને વધુ સત્તા જોઇએ છે

ભારતના ચૂંટણી પંચે  કાયદા મંત્રાલય તેમની કેટલાક પક્ષોની નોંધણી રદ કરવાની અને એક સાથે બે બેઠકો પરથી ચૂંટણી લડવા પર મનાઇ ફરમાવતી તેમની માગ પર અમલ કરવા કેન્દ્ર સરકારને દબાણ કરે છે. પંચ ઇચ્છે છે કે જેઓ આરોગ્ય ક્ષેત્રે, ઉડ્ડયન ક્ષેત્રે અને રેલવેમાં ફરજ બજાવે છે તેમના માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરવામાં આવે. તેઓ કહે છે કે અમારી કેટલાક માંગણીઓ તો વર્ષોથી પડતર છે.

સંસદમાં બિલાડીઓએ ઘુસ મારી

 લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના આગ્રહથી સંસદ સંકુલને સાફ કરવાની ઝુંબેશમાં જાણવા મળેયું હતું કે સંસદ પરિસરમાં રહેતા  રાષ્ટ્રીય પક્ષી મોરને બિલાડીઓ ખાઇ જાય છે. સંસદના ડીરેકટરે દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે બિલાડીએો મફતનું ખાવા માટે સંસદ પરિસરમાં ઘુસી જાય છે.તેઓ અહીંયાજ રહે છે. પરંતુ સંસદના સ્ટાફને ખબર નથી પડતી કે તેમને કેવી રીતે બહાર કાઢવી.સંસદને સ્વચ્છ રાખવામાં મદદ કરનાર એક સંસ્થાના અધિકારીએ કહ્યું હતું કે  બિલાડીઓ ખૂબ ચતુર છે. તેઓ અમારા પાંજરામાં ફસાતી જ નથી. અનેક પ્રયાસો પછી માત્ર એક જ બિલાડીને તેઓ પકડી શક્યા હતા.

- ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો